સામાજિક સમરસતાની સપ્તપદી...

    ૨૩-જૂન-૨૦૧૭

બોરીદ્રા ગામે શિવમંદિર ર્જીણોદ્ધાર પૂજાવિધિમાં
સામાજિક સમરસતાની સપ્તપદી...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલું ૧૪૦૦ જનસંખ્યા ધરાવતું ‚પડકું ગામ - બોરિદ્રાએ; દેશવાસીઓ સમક્ષ સામાજિક એકાત્મતા - સમરસતાનું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેનો સઘળો યશ બોરીદ્રા ગામના સમજદાર - સંવેદનશીલ લોકો, વિવિધ સમુદાયના આગેવાનોને આપવો રહ્યો...!
વાત હતી ગામના ભક્તેશ્ર્વર મહાદેવ મંદિરની જર્જરિત પ્રતિમાઓને સ્થાને; નવનિર્મિત પ્રતિમાઓના પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક ર્જીણોદ્ધાર નિમિત્તે ધાર્મિક પૂજા-વિધિની. તેમાં વિવિધ સમુદાયના દંપતીઓ સાથે મળીને પૂજનવિધિ કરે, તેવું આયોજન વિચારવામાં આવેલું. પરંતુ તેમાં કેટલાક નકારાત્મક માનસના લોકોને આગળ કરી, સામાજિક-વિદ્વેષ અને વિખવાદ ઊભો કરવાના પ્રયાસ થયા. ઝગડિયા તાલુકામાં ભીલિસ્તાન ટાઈગર્સ સેના જેવા વિઘટનકારી તત્ત્વો પણ સક્રિય છે, તેથી મામલો સંવેદનશીલ અને વિસ્ફોટક બનવાની સંભાવના જોવા મળી.
આવા અહેવાલ મળતાં જ ભરૂચ જિલ્લાના સંઘ - પરિવારના આગેવાન કાર્યકર્તાઓ, પરિસ્થિતિને હકારાત્મક દિશામાં વાળવા સક્રિય બન્યા. તો આ તરફ નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી શ્રી ડી. જી. વણજારાજીને પરિસ્થિતિની જાણ થતાં; તેઓ આંખના ઓપરેશનને કારણે હૉસ્પિટલમાં હતા ત્યાંથી, તેમણે કેટલાક સામાજિક એકાત્મતા-સમરસતા માટે સતર્ક-સક્રિય કાર્યકર્તાઓને બોરીદ્રા ગામનો સંપર્ક કરવાનું સૂચન કર્યું. આ સંદર્ભમાં ભરૂચ વિસ્તારના સંઘ-પરિવારના અગ્રણી શ્રી ચિરાગભાઈ શાહ અને સ્વાધ્યાય પરિવારના અગ્રણી શ્રી રણછોડસિંહભાઈ ગોહિલનો સંપર્ક કરવામાં આવ્યો. આની ફળશ્રુતિ‚પે કાર્યયોજના બની. શિવમંદિરના ર્જીણોદ્ધારનો ધાર્મિક કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થાય અને ગામની એકતા-સામાજિક સદ્ભાવને અનુરૂપ યશસ્વી બને તે માટે; બોરીદ્રાના આગેવાનો અને નાગરિકોનો પ્રત્યક્ષ સંપર્ક કરવાનું નક્કી થયું. આ મિશનને સફળ બનાવવા માટે અમદાવાદથી સામાજિક કાર્યકર્તાઓ - આ લખનાર ઉપરાંત શ્રી એમ. એ. પટેલ, ગાંધીનગરથી શ્રી સદાનંદ ભારતીજી અને યોગ-વેદાંત સેવા સમિતિ સંસ્થાના વડોદરાના કાર્યકરો શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, શ્રી કેશુભાઈ પટેલ અને ધર્મ રક્ષા મંચના શ્રી જયસિંહભાઈ રાઠોડે બોરીદ્રા ગામની મુલાકાત લીધી.
શ્રી ચિરાગભાઈ શાહ અને શ્રી રણછોડસિંહ ગોહિલે આ અંગે આગોતરી તૈયારીઓ કરીને, બોરીદ્રા ગ્રામવાસીઓની મિટિંગ બોલાવી. સઘન ચર્ચા-વિચારણાને અંતે ૧૧ જૂન, ૨૦૧૭, રવિવારના દિવસે; વિવિધ જ્ઞાતિ-જાતિ સમુદાયના કુલ ૧૪ દંપતીઓને પૂજનવિધિમાં બેસવાનો નિર્ણય થયો. સવર્ણ-દંપતીઓ સાથે જ દલિત-દંપતીઓએ પણ પ્રેરક ભાઈચારાની ભાવનાથી સાથે મળી, પૂજનવિધિ અને યજ્ઞકાર્યમાં સંમિલિત થઈ, સામાજિક સદ્ભાવ-એકાત્મતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું...!
આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમની સફળતા માટે, બોરીદ્રા ગામના, સર્વશ્રી મહેશભાઈ પટેલ, મનોજભાઈ ચૌહાણ, નટુભાઈ પટેલ, પ્રદ્યુમ્નભાઈ પટેલ, મુકેશભાઈ કટારિયા વગેરેને સાથે મેળવીને શ્રી દિલાવરસિંહ વાસદીયાએ અત્યંત પ્રશંસનીય કામગીરી બજાવી. પ્રસ્તુત ધાર્મિક સમારંભમાં ઉપસ્થિત પૂજ્ય સંતગણ શ્રી સોમદાસ બાપુ, શ્રી ગંગાદાસ બાપુ તથા સ્થાનિક સંતશ્રી દલપત મહારાજશ્રીએ પ્રેરક આશીર્વચન આપ્યાં. આ વિસ્તારના અગ્રણી એડ્વોકેટ શ્રી ડી.સી. સોલંકી તથા શાળાના આચાર્ય શ્રી નટુભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી સમારંભને સફળ બનાવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિ પછી સાંજે, બોરીદ્રાના તમામ ગ્રામવાસીઓએ સમૂહ પ્રસાદ-ભોજનમાં સંમીલીત થઈ, ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ધાર્મિક સમારંભના અધ્યક્ષ શ્રી ડી.જી. વણજારાજીએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું કે, હિન્દુ ધર્મશાસ્ત્રો - ગીતામાં સંપૂર્ણ માનવજાતિની-જડ-ચેતન પ્રકૃતિની - સંપૂર્ણ એકાત્મતાની ઉદ્ઘોષણ કરવામાં આવી છે. સામાજિક અસમાનતા કે ઉચ્ચ-અઉચ્ચના ભેદભાવો વેદવ્યાસજીને કદાપિ મંજૂર નથી. અસ્પૃશ્યતા જેવા સામાજિક અભિશાપને, હાથમાં આવી પડેલા અંગારાની જેમ તત્ક્ષણ ફગાવી દેવો રહ્યો. વેદવ્યાસજી ‘ઉચ્ચ-અઉચ્ચ’ શબ્દપ્રયોગ કરી, ‘નીચ’ શબ્દનો પ્રયોગ કરવાનો પણ ઇન્કાર કરે છે. આ સંદર્ભમાં બોરીદ્રા ગામે સામાજિક એકાત્મતાની દિશામાં કરેલી પ્રેરક કામગીરીથી; સંપૂર્ણ રાષ્ટ્ર અને બૃહદ હિન્દુ સમાજ માટે નવી દિશા દર્શાવી છે. શ્રી વણજારાજીએ એ માટે ઉપસ્થિત સહુ કોઈને હાર્દિક અભિનંદન પાઠવ્યાં. પ્રસ્તુત ધાર્મિક કાર્યક્રમરૂપે સામાજિક એકાત્મતાના આ કાર્યક્રમમાં, ભરૂચ વિસ્તારના સંઘ -પરિવારના અગ્રણીઓ શ્રી મેહુલભાઈ વાળંદ - જિલ્લા કાર્યવાહ, શ્રી નિરવભાઈ પટેલ - વિભાગ સહકાર્યવાહ ઉપરાંત સંઘપ્રચારક શ્રી કલ્પેશસિંહ વાઘેલા, સાગર ભારતી ટીમ સદસ્ય શ્રી સુનિલભાઈ મિસ્ત્રીએ પણ સહાય કરી. શ્રી રણછોડસિંહ ગોહિલ, શ્રી ફતેહસિંહ ગોહિલ અને શ્રી ભાવસિંહભાઈ ગોહિલે પણ કાર્યક્રમને સફળ બનાવવા અત્યંત ઉપયોગી કામગીરી નિભાવી. બોરીદ્રા ગામથી ઊઠેલો આ સામાજિક -એકાત્મતાનો સંદેશ, ભારતવ્યાપી બની રહે તેવી અભ્યર્થના..!