સાઉદી અરબે પાકિસ્તાનને તેની હેસિયત બતાવી

    ૨૩-જૂન-૨૦૧૭


નિકલે થે હલવા ખાને મુંહ હી જલાયે બેઠે

સાઉદી અરબ અને કતાર વચ્ચે મધ્યસ્થતા કરવાનું ડહાપણ પાકિસ્તાનને ભારે પડ્યું છે. પાકિસ્તાનના સૈન્યવડા સાથે જેદ્રાનાં પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નવાઝ શરીફે સાઉદી અરબ દ્વારા કતાર સાથેના રાજનૈતિક સંબંધો ખતમ કરવા મુદ્દે મધ્યસ્થી કરવાની વાત કરી તો સાઉદી રાજા શાહ સલમાને બે ટૂંક શબ્દોમાં કહી દીધું કે પહેલાં તમે એ જણાવો કે તમે કોની સાથે છો ? અમારી સાથે કે પછી કતારની ? મિયાં નવાઝ શરીફને લાગતું હતું કે, પાકિસ્તાન એક અણુસંપન્ન દેશ છે અને ખાસ કરીને ઇસ્લામિક દેશ હોવાથી ગમે તે ઇસ્લામિક દેશમાં દખલઅંદાજ કરી શકે છે, પરંતુ સાઉદી કિંગે પાકિસ્તાનને તેની હેસિયત બતાવી દીધી.
વિશ્ર્વભરમાં પાકિસ્તાનની તેની હરકતોને કારણે ઠેકડી ઊઠી રહી છે. ક્યારેક ભારતને લઈને તે હાંસીપાત્ર બને છે, તો ક્યારેક પોતાના મંત્રીઓનાં વિચિત્ર નિવેદનો તેને હાંસીપાત્ર બનાવે છે. કતાર અને સાઉદી અરબ વચ્ચે મધ્યસ્થીને લઈને પણ તેની સાથે આવું જ બન્યું. પરંતુ સાઉદી અરબે પાકિસ્તાનની ઇજ્જતના ધજાગરા કાઢી તેની નજરમાં પાકિસ્તાનની શું હેસિયત છે તે બતાવવાનું ચાલુ રાખ્યું છે. પાકિસ્તાનના સાઉદીને સલાહ આપવાના દુ:સાહસથી અહીના રક્ષામંત્રી અને મોહમ્મદ બિન સુલેમાને પાકિસ્તાનને લઈને એવું નિવેદન આપ્યું છે કે તેને એક ગાળ જ ગણવી પડે. પ્રિન્સનું આ નિવેદન માત્ર પાકિસ્તાન માટે જ નહીં, ભારત, બાંગ્લાદેશ સહિતના મુસ્લિમો માટે ભદ્દી ગાળ સમાન છે.
પ્રિન્સ સુલેમાને એક નિવેદનમાં પાકિસ્તાનને અરબનું ગુલામ ગણાવ્યું છે. પ્રિન્સ કહે છે કે, મોહમ્મદ સાહેબ (મહંમદ પયગમ્બર)ના અસલી વંશજો તો માત્ર આરબવાસીઓ જ છે. તેઓ પાકિસ્તાનને મુસ્લિમ દેશ નથી માનતા. તેમના મતે પાકિસ્તાન જ શું કામ, બાંગ્લાદેશના મુસ્લિમો પણ મુસ્લિમો નથી. એ તો એ લોકો છે જે હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મમાં આવ્યા છે. માટે તેમને સાચા મુસ્લિમ ગણી શકાય નહીં. તેઓએ પોતાના નિવેદનમાં પાકિસ્તાનના મુસ્લમાનોને મતાંતરિત મુસ્લિમો અને સાઉદી અરબનાં ગુલામ ગણાવી પાકિસ્તાનના ગાલ પર એવો તમાચો માર્યો છે કે તેનું નિશાન કદાચ જ ક્યારેય જાય નહીં.
કાશ ! સાઉદી પ્રિન્સની આ થપ્પડની ગુંજ કથિત જેહાદના નામે પોતાની માતૃભૂમિ સાથે ગદ્દારી કરી, ભારતની બર્બાદી સુધી જંગ રહેગીના નારા લગાવનારાઓના કાનમાં પણ સંભળાય.
સાઉદી પ્રિન્સ માટે ખુદને મુસલમાન ગણાવનાર પાકિસ્તાન, બાંગ્લાદેશના મુસ્લિમો હિન્દુ-મુસ્લિમ છે. તેઓ તેમને અલ હિન્દી મુસ્લિમ કહીને સંબોધે છે. એટલે કે દોયમ દર્જાના મુસલમાન. એવું નથી કે અરબમાં ભારતીય પાકિસ્તાન-બાંગ્લાદેશ અને ધર્માંતરિત થયેલા મુસલમાનો માટે આ પ્રકારનો મત માત્ર પ્રિન્સનો જ છે. પ્રિન્સના મુખે આ નિવેદન વાસ્તવમાં સાઉદી અરબની જનતાની માનસિકતાનો પડઘો છે. અહીંનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ગેરઅરબી ખાસ કરીને પાકિસ્તાન-બાંગ્લાદેશ ભારતના મુસલમાનો પ્રત્યે આ જ પ્રકારની માનસિકતા ધરાવે છે. સાઉદી અરબમાં આ લોકોને કોઈ પણ પ્રકારના ઊંચા હોદ્દા પર રાખવામાં આવતા નથી. ઊંચા હોદ્દા માત્ર અરબના મુસ્લિમો માટે જ આરક્ષિત રાખવામાં આવે છે.
સ્વાભાવિક રીતે જ સાઉદી પ્રિન્સનું પાકિસ્તાનીઓને લઈને આ પ્રકારનું નિવેદન પાકિસ્તાનીઓ માટે તકલીફ દાયક છે. પાકિસ્તાનના એક પત્રકાર પોતાના ટ્વિટર પર નિવેદન અંગે પીડા વ્યક્ત કરતાં લખે છે કે, આવું કહીને સાઉદી અરબના પ્રિન્સ અને રક્ષામંત્રીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. ઇસ્લામના નામે અલગ દેશ બનનાર પાકિસ્તાને પોતાની સાચી હેસિયત સાઉદીનાં આ નિવેદનો પરથી સમજી જવી જોઈએ. સાથે સાથે વિશ્ર્વના ઇસ્લામિક દેશોમાં પાકિસ્તાનની હેસિયત અને સ્થાન કેટલું અને ક્યાં છે તેનો અંદાજ પણ સાઉદીના પ્રિન્સના આ નિવેદન પરથી આવી જાય છે.
એવું નથી કે સાઉદી અરબે પાકિસ્તાનના બરડા પર પોતાની હદમાં રહેવાનો કોરડો સૌપ્રથમ વાર ફટકાર્યો છે. આ અગાઉ અમેરિકા-સાઉદી વ્યવસાય સમ્મેલન હતું ત્યારે પાકિસ્તાનની લાખ કોશિશો છતાં બોલવા સુધ્ધા દેવામાં આવ્યું ન હતું. જ્યારે પાકિસ્તાનની સામે જ ટ્રમ્પે ભારતને આતંકવાદથી પીડિત દેશ ગણાવીને પાકિસ્તાનની આબ‚ના લીરા ઉડાડ્યા હતા. આમ છતાં મિયાં નવાઝ શરીફ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અધીરા બન્યા છતાં ન તો, અમેરિકા કે ન સાઉદીએ તેમને ભાવ આપ્યો હતો. અને પાકિસ્તાનની મનમાં ને મનમાં જ રહી ગઈ. તો બીજી તરફ શાંઘાઈ કોર્પોરેશન સમ્મેલનમાં પણ ચીનના રાષ્ટ્રપતિએ નવાઝ શરીફ સાથે હાથ સુધ્ધાં મિલાવ્યો નહોતો.
રક્ષા વિશેષજ્ઞ અનિલ કૌલ જણાવે છે કે સાઉદી પ્રિન્સનું આ પ્રકારનું નિવેદન પાકિસ્તાનને ખુદની હકીકત સમજાઈ જવા પૂરતું છે. કારણ કે પાકિસ્તાનના લોકો ખુદને ફાટી જાય એટલી હદે છાતીઓ ફુલાવી પોતાને અરબી ગણાવે છે. ખાસ કરીને જ્યારે કોઈ ભારતીય મુસ્લિમો સાથે વિવાદ કે ચર્ચામાં પડે ત્યારે ભારતના મુસ્લિમોને કાફિર દેશના ગુલામ કરીને ઉતારી પાડે છે.

પાકિસ્તાન આતંકવાદીઓને આશરો નથી આપતું : પાકના નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પોતાનું હાસ્ય રોકી ન શક્યા
અમેરિકાના વોશિંગ્ટન ખાતે તાજેતરમાં એટલાન્ટિક કાઉન્સિલનાં સાઉથ એશિયા સેન્ટર અને અમેરિકન થિંક ટેક દ્વારા આતંકવાદને લઈને એક કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં ભારત, અફઘાનિસ્તાન અમેરિકા અને પાકિસ્તાનના કૂટનીતિજ્ઞ હાજર હતા. આ દરમિયાન પાકિસ્તાનના રાજદૂત એજાજ અહેમદ ચૌધરીએ બોલવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓએ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે, પાકિસ્તાન એ આતંકવાદીઓના છુપાવવા માટેનું સુરક્ષિત ઠેકાણું નથી. અમારા દેશને આતંકવાદીઓના આશ્રયદાતા તરીકે ન જોવો જોઈએ. તેમની વાત સાંભળતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા. લોકોના હાસ્ય વચ્ચે એજાજ અહેમદ પોતાનો પક્ષ રાખવાની વારંવાર કોશિશ કરતા હતા, પરંતુ લોકોએ હસવાનું બંધ ન કરતાં ગુસ્સે થઈ ગયા હતા. તેમના આ જવાબમાં સામે પ્રશ્ર્ન કરતાં અમેરિકન પત્રકારે પૂછ્યું. મુલ્લા ઉમર અફઘાનિસ્તાનમાંથી ભાગીને કરાચી પોતાનો ઇલાજ કરાવી રહ્યો હતો અને ત્યાં જ તે મૃત્યુ પામ્યો. લાદેન પણ અફઘાનિસ્તાનમાંથી ભાગી પાકિસ્તાનના આલિશાન મહેલમાં એશોઆરામની જિંદગી જીવી રહ્યો હતો. ત્યારે તમે કેવી રીતે કહો છો કે, પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણું નથી ? તેના જવાબમાં ગોટાળે ચડેલા અહમદ ચૌધરીએ કહ્યું કે તમે જો જૂની વાતોને જ યાદ કરતા રહેશો તો આગળનો રસ્તો કેવી રીતે મળશે અને મારી વાતમાં હસવા જેવી શું બાબત છે ?