લો, તલાક વિશે વિચારવાના વધુ થોડા મુદ્દા

    ૨૩-જૂન-૨૦૧૭


ઇસ્લામી શરિયત, જેનાથી મુસ્લિમ જોડાયેલો છે, એમાં બે શબ્દો બેફામ વપરાય છે. એક છે નિકાહ અને બીજો છે તલાક ! આ બંને વિરોધીભાસી શબ્દ છે. જ્યારે વિવાહ સમયે એક મુસ્લિમ યુવતી અને પુરુષ જ જીવનસાથી તરીકે જોડાય છે. ત્યારે જે મંત્ર પઢવામાં આવે છે તેને ‘નિકાહ’ કહેવામાં આવે છે. નિકાહ બાદ આ યુગલ પતિ-પત્ની તરીકે પરિવારના એક ભાગ તરીકે જીવે છે પણ જો સંજોગોવશાત્ આ યુગલ પોતાના સંબંધનો ભંગ કરવા માંગે છે, તો એને ‘તલાક’ કહેવામાં આવે છે. દુનિયામાં એવી અનેક વ્યવસ્થાઓ છે, જ્યાં ‘મિલન’ની વાત છે પણ ‘વિચ્છેદ’ની પ્રક્રિયાને સ્થાન નથી. પણ ઇસ્લામમાં વિચ્છેદની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, એટલે એને તલાકની સંજ્ઞા આપવામાં આવી છે. નિકાહ સમયે દુલ્હન દુલ્હા પાસેથી નકદ અથવા તો કોઈ વસ્તુનો ભેટ સ્વરૂપે સ્વીકાર કરે તો તેને ‘મેહર’ કહેવાય છે. આ મેહરને શાદીનું મહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. મેહર પાછી મેળવી તલાક પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે અનિવાર્ય ગણાય છે.
સ્ત્રી અને પુરુષ માનવસમાજના અલગ અલગ સ્તંભ છે. એટલે વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈ એવો સમાજ હશે, જ્યાં તલાક પ્રથા અસ્તિત્વ નહીં ધરાવતી હોય. પણ મુસ્લિમ સમાજ આ મામલે ચર્ચાનો વિષય બની રહે છે. ત્રણ તલાક હાલના સમયમાં એક સામાજિક સમસ્યા બની ગઈ છે. રાજનીતિની સાથે હવે આ મામલો ઉચ્ચતમ ન્યાયાલય સુધી પહોંચી ગયો છે. સમાજના જાગૃત નાગરિક આ પ્રશ્ર્ને પરિચિત ન હોય, એવું તો ન જ હોય. પણ મુસ્લિમ સમાજમાં તલાક આજે માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઈ છે. આ માટે દાર્શનિકોથી માંડીને સમાજના દરેક વર્ગના સમજદાર નાગરિકો આ દૂષણને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વળી જોવા જેવું એ છે કે આ વિષયે જેટલી ચિંતા વ્યક્ત કરાય છે, એટલો જ આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્રણ તલાક એ સમગ્ર મુસ્લિમ સમાજનો રાષ્ટ્રીય મુસદ્દો બની ગયો છે. કોર્ટ ભલે એમ જાહેર કરે, કે આ મુદ્દે સહમતિ સધાવામાં છે, પણ અધિકાંશ હિંદુ સમાજથી જોડાયેલા લોકો આનું સમર્થન કરતા નથી. ભારતીયતાના સમર્થક આને ધાર્મિક આધાર પર માન્યતા નથી આપતા. બલ્કે, એનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.
તલાક મામલે જજો કોઈ સરળ હોય તો તે માત્ર ને માત્ર ઇસ્લામ છે. ઈસાઈઓ અને યહૂદીઓ પણ ધાર્મિક સ્વરૂપે તલાકને સમર્થન આપતા નથી. પારંપરિક કોઈ પણ ધર્મ તલાકને સમર્થન આપતો નથી. ઈસાઈઓનો વિશ્ર્વાસ એ છે કે લગ્ન તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, એની વિધિ માત્ર ધરતી પર થાય છે. મોટા ભાગના ધર્મો એમ માને છે કે, માણસોના જન્મ પહેલાંથી જ ભગવાન એમનાં જોડાંઓ નક્કી રાખતા હોય છે, એટલે જે જન્મ પહેલાંથી નક્કી હોય, એમાં હસ્તક્ષેપ કરનારો મનુષ્ય કોણ? હિંદુ ધર્મમાં તો પત્નીને અર્ધાંગિની ગણવામાં આવે છે. ઇસ્લામ સિવાય પ્રાચીન ધર્મોમાંથી કોઈ પણ ધર્મ તલાકને સહજ માન્યતા આપતો નથી. જો વિશ્ર્વના રચયિતાએ ખુદ જોડું નક્કી કર્યું હોય, ત્યાં વિચ્છેદની વળી વાત જ શી કરવી ? તલાક શબ્દની કલ્પના ફક્ત ભૌતિકી છે, એનો અધ્યાત્મ અથવા ધર્મ સાથે કોઈ સંબંધ હોઈ શકે નહીં. તલાક શબ્દ અરબી છે એટલે દુનિયાની અન્ય સંસ્કૃતિઓમાં એનું કોઈ સ્થાન નથી.
હમણાં હમણાં તલાકનો મુદ્દો સમગ્ર વિશ્ર્વમાં ચર્ચાસ્પદ બન્યો છે. દુનિયાના મીડિયા આ અંગે ચર્ચા કરે છે. મધ્યપૂર્વના ઇસ્લામ દેશો પણ હવે આ મુદ્દે પોતાના આકરા અભિપ્રાયો રજૂ કરે છે. હજુ સુધી સુપ્રીમ કોર્ટે આ સંબંધે કોઈ ટિપ્પણી જાહેર કરી નથી. આ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેઠકમાં ત્રણ તલાક, હલાલા અને નિકાહને મામલે કાર્યવાહી કરશે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ડિફેન્સ ઇન ડેવલપમેન્ટ પૉલિસી (સી.આર.ડી.ડી.પી.) એ ૨૦૬૭૧ મુસલમાન એટલે કે ૧૬૮૬૦ પુરુષ અને ૩૮૧૧ મહિલાઓ પર એક સર્વે કર્યો હતો. આ સર્વેક્ષણનું નેતૃત્વ ડૉક્ટર અબૂ સાલેહ શરીફે કર્યું હતું. (વાચકોની નોંધ માટે એ જણાવવાનું કે શ્રી શરીફ સચ્ચર કમિટીના સભ્ય હતા.) ઉપરના સર્વેમાં સામેલ ૧૩.૨૭ ટકા મુસલમાનોએ તલાકનું કારણ પિતા અથવા સગાસંબંધીઓએ ભરમાવાયા હોવાનું સ્વીકાર્યું હતું. દહેજના ૮.૪૧ ટકા મામલાઓમાં અને ૭.૮૬ ટકા મામલાઓમાં પતિના અન્ય મહિલાઓની સાથેના સંબંધને તલાકનું મુખ્ય કારણ ગણાયું છે. જ્યારે પત્નીને બાળક ન હોવાને કારણે ૭.૦૮ ટકાએ તલાક લીધા, એવું સર્વેમાં જાહેર થયું છે. સર્વેથી એક વાતની ખબર પડે છે કે ફક્ત ૦.૪૪ ટકા કિસ્સાઓમાં ક્રોધાવેશમાં એક જ વારમાં ત્રણ તલાકનો પ્રયોગ થયો છે, તો ૦.૮૮ મામલાઓમાં પતિએ શરાબના નશામાં ધૂત હોય ત્યારે તલાક આપ્યા હતા. આ સર્વેમાં સામેલ ૪૬ ટકા પુરુષો અને ૩૬ ટકા મહિલાઓએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. વળી ૫૮ ટકા સ્ત્રીઓ પાસે પોતાનું આવકનું કોઈ સાધન ન હતું, જ્યારે પુરુષોમાં લગભગ ૩૧ ટકાની આવક મહિને દસ હજારથી છવ્વીસ હજારની વચ્ચે હતી. આ સર્વેમાં ૫૦ ટકા સ્ત્રીઓ ઘરેલું હતી જ્યારે ૩૧ ટકા પુરુષો પાસે પોતાનો ધંધો અથવા તો અન્ય કાર્યો સાથે જોડાયેલો આર્થિક સ્રોત હતો.