રૂપિયા આપીને દાની બની શકાય છે, પણ સેવક નથી બની શકાતું

    ૨૩-જૂન-૨૦૧૭


જાનકીજીને લક્ષ્મણ જ્યારે વાલ્મીકિજીના આશ્રમમાં મૂકવા જાય છે ત્યારે લક્ષ્મણજી હુકમ કરે છે કે હે ધરતીનાં બધાં હિંસક પ્રાણીઓ ! મારી મા જાનકીથી યોજનો દૂર રહેજો. મારો હુકમ છે. નાનાં નાનાં હરણ, મૃગ આ બધાને નિમંત્રિત કરું છું કે માને હરણ, ખૂબ પ્રિય છે એટલે નાનાં-નાનાં હરણ તમે જાનકીની આજુબાજુ રહેજો. હે દિક્પાલો ! સુમિત્રાનંદન આદેશ આપે છે, બ્રહ્માંડનો નાશ કરી દઈશ, ચૌદ વર્ષ દુ:ખ સહન કરીને આવી છે, અગ્નિપરીક્ષાથી પવિત્ર થઈ છે. આ જાનકી લોકાપવાદને કારણે બીજી વખત દુ:ખની આગમાં જઈ રહી છે, એટલે આપ સૌ તેનો ખ્યાલ રાખજો, તુલસીદાસજીએ થોડો સુધારો કરીને કુંદમાલાનો અભિપ્રાય પોતાના માનસમાં ઉઠાવ્યો છે. ‘બન દિસિ દેવ સોંપી સબ કાહૂ’ પ્રસંગને બદલી નાખ્યો છે. ભાવ દુંદમાલાનો આવી રહ્યો છે. તે જ વિચારધારા આવે છે, પરંતુ એક નિવેદન મને ખૂબ સરસ લાગ્યું, લક્ષ્મણજી જ્યારે જાનકીજીને મૂકીને નીકળી પડ્યા ત્યારે હનુમાનજી પર ખૂબ ગુસ્સે થયા. એ સમયે લક્ષ્મણજી હનુમાન પર એટલા બધા તૂટી પડ્યા કે, આટલો ગુસ્સો લક્ષ્મણજીને જાણે ક્યારેય આવ્યો જ નથી.
લક્ષ્મણજી મનમાં ને મનમાં હનુમાનજીને ખિજાવા લાગ્યા કે આ બધું તેં કર્યું છે. હનુમાન આમાં શું કરે ? પરંતુ લક્ષ્મણનો ઇરાદો છે કે હનુમાન, તું ન હોત તો સંજીવની ન આવત અને સંજીવની ન આવત તો હું જીવતો ન થાત. મારું મરી જવું જ સારું હતું. આજે મારી માને મૂકીને જવું પડ્યું. તું શા માટે સંજીવની લાવ્યો ? તેં મને આ દંડ આપ્યો છે. જો તું દવા ન લાવત તો હું મરી જાત અને મરી જ જવું સારું હતું આ દૃશ્યને જોવા કરતાં કારણ કે તે દૃશ્ય કેવું હતું : જાનકીજી જઈ રહી હતી, લખન ઊભો છે. જાનકીજી વારંવાર લખનની સામે જોઈ રહી છે કે ભાઈ ! હું જાઉં... તે સમયની ખૂબ વિષમ પરિસ્થિતિ કુંદમાલામાં ઉત્પન્ન કરી છે.
‘રામાયન સત કોટિ અપારા’
‘હરિ અનંત હરિ કથા અનંતા,
કહહિં સુનહિં બહુ બિધિ સબ સંતા’
કુંદમાલા નાટકની સીતાને રામ માટે જે વિચાર આવે છે, જે ભાવ આવે છે તેને તુલસીદાસજીએ થોડો સંમાર્જિત કરીને, થોડો વ્યવસ્થિત કરીને બે વખત રામચરિત માનસમાં લીધો. એક વખત તો પુષ્પવાટિકામાં અને બીજી વખત રામજી જ્યારે ધનુષ તોડવામાં મોડું કરી રહ્યા છે ત્યારે જાનકીજીના મનમાં જે ભાવોની સૃષ્ટિ હોય છે તે કુંદમાલા પર આધારિત સૃષ્ટિ છે. આવી આ કથા છે તો પરમાત્માની કથાઓ અનંત બ્રહ્માંડીય છે, બ્રહ્માંડોમાં કથા ગુંજતી રહે છે. આવી કથાને નવ દિવસમાં કહેવી છતાં પણ સરળતાથી
જબ જબ હોઈ ધરમ કૈ હાનિ,
બાઢહિ અસુર અધમ અભિમાની,
તબ તબ પ્રભુ ધરિ બિબિધ સરીરા,
હરહિં કૃપાનિધિ સજ્જન પીરા.
તો અહિંસા પરમ ધર્મ છે. શ્રેષ્ઠોની આજ્ઞાને માથે ચડાવવી બેશક કોઈ વિકલ્પને રાખીને, સંકલ્પની સાથે પરમ ધર્મ, પરોપકાર, સાત્ત્વિક શ્રદ્ધાથી નિર્મિત પરમધર્મ જે દૂધ છે.
આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના,
સેવા ધરમુ કઠિન જગુજાના.
ગોસ્વામીજી ધર્મનું એક બીજું વિધાન કહે છે એ વૈશ્ર્વિક છે, કોઈ ના નથી પાડી શકતા. આગમ-નિગમ અને પુરાણોમાં પ્રસિદ્ધ વેદશાસ્ત્રમાં જેની પ્રસ્થાપના છે તે સિદ્ધ છે, પ્રખ્યાત છે. આવો એક કઠિન ધર્મ છે જેનું નામ સેવાધર્મ છે. ગોસ્વામીજીએ કહ્યું કે સેવાધર્મ ખૂબ ખૂબ કઠિન છે. તો ધર્મનું એક સ્વરૂપ માનસમાં સેવાધર્મ છે. મેં કેટલીય વખત કહ્યું છે, આજે પણ એ વાતને કહી રહ્યો છું કે, આપ, એક હજાર રૂપિયા આપીને દાની બની શકો છે. દાતા બની શકો છો, પરંતુ સેવક નથી બની શકતા.