વનની વાટે

    ૨૩-જૂન-૨૦૧૭


પુસ્તક : વનની વાટે
લેખક : શૈલેશ રાવલ
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
પૃષ્ઠ : ૨૧૭
મૂલ્ય : ‚રૂ. ૮૦૦/-
દૂરભાષ : (૦૭૯) ૨૨૧૩૯૨૫૩

"વન છે તો જીવન છે તે બુદ્ધિશાળી માનવી જાણે છે. આ વાક્યથી લેખક પોતાની વાત વાચકો સામે મૂકે છે. વાક્ય તદ્દન સરળ છે. પણ તેમાં રહેલો મર્મ ખૂબ સચોટ છે. આજે વિકાસની વાટે ચઢી આપણે વનોનું નિકંદન કરી રહ્યા છીએ. ત્યારે આપણને પુન: વિકાસની વાટે જવાની સાથે જ વનની વાટે જવાની મહત્તા પ્રસ્તુત પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે.
પુસ્તકનાં વિવિધ પાસાંઓ છે. આ પુસ્તક એ ગુજરાતના પર્યાવરણને સુપેરે દર્શાવતું દસ્તાવેજીકરણ છે. પુસ્તકમાં આપેલી જંગલ તથા પર્યાવરણની આગવી ઓળખ લેખકની સંવેદના તથા સમજને ઉજાગર કરે છે. ૯૯ પ્રકરણોમાં પુસ્તક અનેક વાતોને આવરી લે છે. વનવારસો જાળવવા મારો ‘બિંદુ’ પ્રયાસ કરીને લખાયેલું પ્રથમ પ્રકરણ જ વાચકનો પ્રકૃતિપ્રેમ વધારે છે. આ પ્રયાસ ‘બિંદુ’ નહીં પરંતુ ‘સિંધુ’ સમી વિશાળતા ધરાવે છે, કારણ કે આજે સિમેન્ટ કોંક્રિટનાં જંગલો તૈયાર કરવા માટે આ વનવારસાનું નિકંદન નીકળી રહ્યું છે. હજારો એકર વિસ્તારમાં પથરાયેલા જંગલો જોતજોતામાં સાફ થઈ ગયાં છે ત્યારે પ્રારંભે જ વાચક આ સમજ કેળવે કે આપણે જ આ વનવારસાનું જતન અને સંવર્ધન કરવાનું છે તે માટે આ પ્રકરણ ખૂબ સરસ રીતે આલેખાયું છે.
જાણીતાં અભયારણો કે વનવિસ્તારોથી આપણે પરિચિત છીએ છતાં આપણા ગુજરાતમાં હવે વનની જાળવણી અંગે જાગ‚કતા કેળવાઈ છે અને ગુજરાતનાં વૃક્ષો વિહોણા પહાડો પણ હવે લીલો રંગ છાંટી હરિયાળી ફેલાવે છે, ત્યારે પ્રકૃતિ પ્રેમી કેમેરામેને પોતાના કેમેરાના લેન્સ થકી કંડારી દીધેલા નવા અલ્પ પરિચિત મોકરસાગર પંખી અભયારણની સફરે લઈ જાય છે જે વિસ્તારની સ્થાનિક બાબતો તથા ત્યાં જોવા મળતાં વિવિધ પંખીઓની વિસ્તૃત માહિતી આપે છે.
ગુજરાતમાં પણ કાશ્મીરની સુંદરતા માણવી શક્ય છે. ડાંગ અભયારણ્યનું ચોમાસું કેવું હોય અને ત્યાંની અધધધ અને અચરજ પમાડે તેવી સુંદરતાનાં દર્શન કરાવતી નયનરમ્ય તસવીર ડાંગ ભણી લઈ જાય છે. ગુજરાત પાસે રણ, સાગર, નદીઓ, સરોવરો, તળાવો, જંગલો, પર્વતો બધું જ છે, પણ ગુજરાત પાસે પાણીના ધોધ નથી છતાં પર્વત વિસ્તારમાં ફટી નીકળતાં અનેક નાનાં-મોટાં ઝરણાં અને ધોધની માહિતી પુસ્તકમાં છે.
અમદાવાદ પાસે ઝાંઝરી. જાંબુઘોડા પાસે હાથણી, રાજપીપળા પાસે ઝરવાણી, દેડિયાપાડા પાસે મિનાઈ જેવા ધોધ જોવા મળે છે. વધઈ પાસે આવેલ ગિરા ધોધ ગુજરાતનો સૌથી મોટો અને પહોળો ધોધ છે. વળી આહ્વા પાસે ઓછો જાણીતો ગિરિમાળ ધોધ પણ છે. આ ધોધ વિશેની રસપ્રદ ચિત્રાત્મક માહિતી પુસ્તકમાં ઉપલબ્ધ છે.
ગીરનાં જંગલોમાં વસતા ચારણોની વસાહત તથા તેમની રહેણીકરણી અને જંગલોની વિશેષતા ગીરનું કમલેશ્ર્વર અને તેની સુંદરતા વાચકને મંત્રમુગ્ધ બનાવે છે. શેત્રુંજય પર્વત તથા પાલિતાણા અને આસપાસની વનદૃષ્ટિનો પરિચય છે, તો વળી લપાતું-છુપાતું આવતું જંગલમોત એટલે દીપડો અને તેના વિશેની માહિતી, કાંચનમૃગ અને કાળિયારના વિસ્તારો અને હરણ તથા બળદની સંયુક્ત છબી સમી નીલગાયની વાતો પણ અવનવી છે.
પુસ્તકમાં માત્ર મોટાં પશુ-પંખીઓની જ વાતો નથી. સાથે સાથે વનવગડેથી અદૃશ્ય થતો શેળો તથા શાહુડીની વાતો પણ છે. પંચમ્ સૂર સમ્રાજ્ઞી કોયલનો કેકારવ છે, તો ખારા પાટની ચકલીનો રુઆલી રુત્બો પણ છે. ‚પકડા દરજીના પરિવારની દર્દભરી દાસ્તાન છે. તો પોરબંદરમાં ઊભરતી નવી સુરખાબનગરીની સુંદરતા પણ છે. માટોડિયા રંગના બટાવડાની ડરામણી ઉડાનનું વર્ણન છે તો કાળિયા કોશીની ખુમારીનું વર્ણન પણ છે. પતરંગો, ઘંટી ટાંકણે, પાન કરકરીયો, નળી બગલો, ગાંધારી, ગીની ફાઉલ, દામજી કુંભાર, પીળી ચાંચ ઢોક, શ્ર્વેત નેના જેવી વિવિધ સજીવસૃષ્ટિ - વન્યજીવો કે જે આગવી વિશેષતા ધરાવે છે અને નવી પેઢી આ સૌની ઓળખથી અજાણ છે તેના માટે આ પુસ્તક google.com કે wiki pages જેટલું જ મહત્ત્વનું છે.
પુસ્તકની ભાષાશૈલી ખૂબ સરળ અને રસાળ છે. વળી વન્ય જીવસૃષ્ટિથી વધુ તાદાત્મ્ય કેળવી આપતી તસવીરો ખૂબ જ સુંદર છે. આમ પુસ્તકની આ વિશેષતાઓ વાચકને વિષયવસ્તુની ઊંડી સૂઝ આપી વાચનમય બનાવે છે. વનની વાટે પ્રત્યક્ષ રીતે ન જઈ શકનાર પ્રકૃતિપ્રેમીઓ માટે પુસ્તકનું વાચન નિસર્ગની આહ્લાદકતાનો અનુભવ કરાવે છે.