સંતાનો, શિક્ષણ અને માતા-પિતા

    ૩૦-જૂન-૨૦૧૭


તમારો દીકરો પહેલા ધોરણમાં ભણે છે? પાંચમા ધોરણમાં ભણે છે ? આઠમા કે દસમા ધોરણમાં ભણે છે ? તો આટલું વિચારી શકાય ?
ટ્યૂશન નહીં જ રાખીએ...
ગાઈડ નહીં જ ખરીદી આપીએ...
અપેક્ષિત નહીં જ ખરીદી આપીએ...
સ્વાધ્યાયપોથીઓ નહીં જ ભરાવીએ...
તમને થશે કે દુનિયાથી ઊંધી આ વાત છે. કદી બને જ નહીં. આ બધું ન હોય તો અમારો દીકરો ભણે કેમ ?
પણ હજુ થોડી આકરી વાત.
દીકરાને ગૃહકાર્ય આપ્યું હોય તો તે આપણે નહીં જ કરાવી આપીએ...
પ્રશ્ર્નોના જવાબ આપણે નહીં જ શોધી આપીએ, નહીં જ લખાવીએ...
કલાકારીગરીના નમૂના બનાવવા આપ્યા હોય તો આપણે નહીં જ બનાવી આપીએ. તમે કહેશો કે અમે આવું બધું નથી કરતા, પણ એ ખોટી વાત છે. તમારા પૈકી નેવું ટકા માતાપિતા આવું કરે છે.
અથવા તમે કહેશો કે એમ ન કરીએ તો એના ગુણ કેવી રીતે આવે ?
હજુ થોડી આકરી વાત.
દીકરાને પરીક્ષાની તૈયારી માટે ગોખણપટ્ટી નહીં જ કરવા દઈએ.
પરીક્ષામાં પુછાય એવા સંભવિત પ્રશ્ર્નો પહેલેથી આપી દીધા હોય તો એનો જીજાનથી વિરોધ કરીને એવા પ્રશ્ર્નો આપવાનું બંધ કરાવીશું.
પરીક્ષામાં દીકરાએ નકલ કરી છે એની ગંધ પણ આવે તો દીકરા સામે આકરાં પગલાં લઈશું.
સહેલું પ્રશ્ર્નપત્ર નીકળે એ માટે દીકરાને હડતાલ નહીં જ પાડવા દઈએ.
સહેલું પ્રશ્ર્નપત્ર નીકળે એથી દીકરો ખુશ થાય તો તમને અત્યંત દુ:ખ થશે...
દીકરાનાં પેપર સારાં ન ગયાં હોય તો કોઈપણ સ્વરૂપે લાગવગ નહીં જ કરીએ...
ફરીથી તમે કહેશો કે અમે આવું નથી કરતા. પરંતુ તમે જૂઠું બોલો છો.
એમ તો એક પણ વિદ્યાર્થી કાયદેસર કબૂલ કરતો નથી કે હું નકલ કરું છું તેમ છતાં પરીક્ષામાં નકલ વ્યાપક પ્રમાણમાં થાય છે એ હકીકત છે.
એ રીતે તમે વ્યક્તિગત રીતે કદી કબૂલ નહીં કરો કે અમે ગેરરીતિઓ આચરીએ છીએ, પરંતુ એ હકીકત છે કે વિદ્યાર્થીની જેમ જ વિદ્યાર્થીનાં માતાપિતા ગેરરીતિ આચરવામાં વ્યાપક પ્રમાણમાં સહાયતા કરે છે અને પોતે પણ આચરે છે.
એ નેવું ટકા વિદ્યાર્થીઓમાં તમારો દીકરો નથી ? એ નેવું ટકા માતાપિતાઓમાં તમે નથી ? કે પછી શાણા વાચકો બાકીના દસ ટકામાં જ આવે છે ?
ઉપરના બધા સવાલો એટલા માટે પૂછ્યા કે દીકરા-દીકરીના શિક્ષણના નામે જે કંઈ ચાલી રહ્યું છે તે જરા પણ શૈક્ષણિક નથી.
વિદ્યાર્થીનો વિકાસ એને કારણે જરા પણ થતો નથી.
માત્ર વિકાસ થતો નથી એટલું જ નહીં, તેની મૂળભૂત ક્ષમતાઓ અને વિકાસની સંભાવનાઓ કુંઠિત થઈ જાય છે.
આજકાલ બુદ્ધિમાનીનો જમાનો છે. ભણેલા માતાપિતા તર્ક કર્યા વગર, સમજ્યા વગર, ‘કન્વીન્સ’ થયા વગર કશું સ્વીકારતાં નથી.
પરંતુ એ જ ભણેલાં માતાપિતા પોતાના દીકરા-દીકરીના શિક્ષણ વિશે બુદ્ધિથી કશું વિચારે છે ખરાં ?
બુદ્ધિથી વિચારવા ઉપરાંત ભાવનાથી પણ કશું વિચારે છે ખરાં ?
જો વિચારતાં હોય તો દીકરા-દીકરીનો સર્વ પ્રકારનો વિકાસ કુંઠિત કરે એવું આવું બધું જરા ય થવા ન દેત.
ઉપરાંત બીજી એક વાતનો પણ વિચાર કરવો જોઈએ. આજના પાંચ વર્ષનાં બાળકો વીસ વર્ષ પછી પચીસ વર્ષના યુવાનો બનશે. તેઓ જેવા હશે તેવો સમાજ બનશે, તેવો દેશ બનશે.
એ દેશને આપણે કેવો બનાવવાના છીએ ?
જેમ માતાપિતાનું પિંડનું સંતાન છે તેમ વિદ્યાર્થી શિક્ષકનું માનસ સંતાન છે.
શિક્ષકો એ માનસ સંતાનનું શું કરી રહ્યા છે ?
શિક્ષકો જ્યારે નોટો લખાવે છે ત્યારે...
શિક્ષકો જ્યારે સહેલા પ્રશ્ર્નપત્રો કાઢે અને આવશ્યકતા કરતાં વધુ ગુણ આપે છે ત્યારે...
શિક્ષકો જ્યારે પહેલેથી પ્રશ્ર્નપત્ર સીધી કે આડકતરી રીતે કહી દે છે ત્યારે...
શિક્ષકો જ્યારે પૈસા લઈને પરિણામ સુધારી આપે છે ત્યારે...
શિક્ષકો જ્યારે ટ્યુશન ભણાવીને વિદ્યાર્થીને પાસ કરી દે છે ત્યારે...
શિક્ષકો જ્યારે ટ્યૂશન મેળવવા માટે વર્ગખંડમાં ભણાવવામાં વેઠ વાળે છે ત્યારે આ દેશના વર્તમાન અને ભાવિને વિનાશની ગર્તામાં ધકેલી રહ્યા છે અને એનું માધ્યમ આપણા પોતાના જ બાળકો બની રહ્યા છે.
શિક્ષકો અને માતાપિતા શું આ દેશદ્રોહી પ્રવૃત્તિ નથી કરી રહ્યાં ?