દાર્શનિક સુકરાત

    ૩૦-જૂન-૨૦૧૭

મહાન દાર્શનિક સુકરાત દરરોજ સવારે ઘરેથી નીકળતાં અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોયા કરતા. એક દિવસ તેમના એક શિષ્યએ તેમને આમ કરતાં જોયા તો તેના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું. સુકરાત સમજી ગયા. તેઓએ શિષ્યને કહ્યું, ‘તું એમ વિચારતો હોઈશ કે, આ કદરૂપો વ્યક્તિ પોતાની જાતને આમ અરીસામાં શું કામ જોતો હશે?’ શિષ્ય ભોંઠો પડ્યો. તે કંઈક કહેવા જાય તે પહેલાં જ સુકરાત બોલ્યા, ‘હું દરરોજ સૌપ્રથમ મારી કુરુપતાને આ અરીસામાં જોઉં છું, કારણ કે તેના પ્રતિ સજાગ રહી શકું અને આમ કરવાથી મને એવું જીવન જીવવાની પ્રેરણા મળે છે કે મારા સદ્ગુણ એટલા નીખરે કે તે મારા કદ‚પાપણા પર ભારે પડી જાય.’ તો શું સુંદર મનુષ્યે અરીસામાં જોવાની જરૂર નથી ? ભોંઠા પડેલા શિષ્યે પૂછ્યું, સુકરાતે જવાબ આપ્યો. અરીસામાં તો તેણે પણ જોવું જોઈએ, પરંતુ તે જ્યારે અરીસામાં ખુદને જુએ, ત્યારે એવો અનુભવ કરે કે તેના ગુણો પણ એટલા જ સુંદર હોય, જેટલું સુંદર પરમાત્માએ તેને શરીર આપ્યું છે.