વિશ્ર્વ યોગ દિવસે ગુજરાતના વિશ્ર્વ વિક્રમ

    ૩૦-જૂન-૨૦૧૭

બાબા રામદેવજીની નિશ્રામાં અમદાવાદમાં ૫૪,૫૨૨ લોકોએ યોગ કરી વિશ્ર્વવિક્રમ સર્જ્યો.

* અમદાવાદમાં કુલ ૨૪ રેકોર્ડ્સ.
* લાખો યોગપ્રેમીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું યોગ-માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
* દેશનાં તમામ રાજ્યો-પાટનગરોમાં યોગ દિવસની ઉજવણી.
* આફ્રિકા, યુરોપ, અમેરિકા, ચીન સહિત સમગ્ર વિશ્ર્વએ યોગ દિવસ ઉજવ્યો.

ત્રીજા વિશ્ર્વ યોગ દિવસની ૨૧ જૂનના રોજ અમદાવાદમાં ઐતિહાસિક ઉજવણી થઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી સમગ્ર વિશ્ર્વમાં ૨૧મી જૂને ઊજવાઈ રહેલા વિશ્ર્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થઈ હતી. યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં લાખો લોકોએ ઉત્તમ ચારિત્ર્યનિર્માણના દૃઢ સંકલ્પ સાથે યોગ કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોગગુરુ બાબા રામદેવે એકસાથે ૫૪,૫૨૨ લોકોને યોગ કરાવીને વિશ્ર્વવિક્રમ સ્થાપ્યો હતો. આ વિક્રમની નોંધ ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ લેવાઈ છે. ૨૧મી જૂને વહેલી સવારે પાંચથી સાત વાગ્યા દરમિયાન આયોજિત બાબા રામદેવના યોગાભ્યાસમાં શહેરીજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. એવી જ રીતે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના લખનઉમાં રમાબાઈ આંબેડકર મેદાનમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યોનાં પાટનગરો, અન્ય શહેરો તેમજ દક્ષિણ કોરિયાથી લઈને આફ્રિકા, યુરોપ અને અમેરિકા સહિતનાં અનેક શહેરોમાં કરોડો લોકોએ યોગ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.
ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ઉપરાંત રામદેવ બાબાના માર્ગદર્શન હેઠળ અન્ય ૨૨ વર્લ્ડ રેકોર્ડ બન્યા છે. આ અગાઉ ૨૧ જૂન ૨૦૧૫માં નવી દિલ્હી ખાતે ૩૫૯૮૫ લોકો દ્વારા એકસાથે એક જ સ્થળે યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જીએમડીસી ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત એ.ઈ.એસ., સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ એમ કુલ પાંચ સ્થાનો પર એકસાથે લોકોએ યોગ કર્યા હતા. આ અંગે જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે કહ્યું છે કે, જીએમડીસી સહિતનાં આસપાસનાં ગ્રાઉન્ડોમાં અઢીથી ત્રણ લાખ લોકોએ યોગ કર્યો છે. આ રીતે એક જ શહેરમાં એક જ સમયે, એકથી વધુ સ્થળે એક સમાન યોગાસનો કર્યાનો વિક્રમ સ્થપાયો છે.
આ ઉપરાંત સૌથી વધુ સમય સુધી શીર્ષાસનો, પુશ-અપ્સ, મેરેથોન યોગ જેવા કુલ ૨૪ વિવિધ કીર્તિમાનો અમદાવાદમાં પ્રસ્થાપિત થયા છે. મુખ્ય મંચ પરથી રામદેવ બાબા સાથે મુખ્યમંત્રી, ડે. મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) - એ યોગાસનો કર્યાં હતાં, જ્યારે મંત્રીમંડળના સભ્યો, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોએ જનમેદની સાથે યોગ કર્યા હતા.


યોગ એ પ્રતિસ્પર્ધા નહીં પણ આત્મસ્પર્ધા છે : બાબા રામદેવ

અમદાવાદ શહેરમાં વિશ્ર્વ યોગ દિવસે યોગ સંબંધી વિશ્ર્વવિક્રમ બને એવો પ્રધાનમંત્રીનો સંકલ્પ આજે ન કેવળ પૂરો થયો છે, પરંતુ અમદાવાદ શહેરે ચાર દિવસના યોગના મહા અનુષ્ઠાન દરમિયાન ૨૪ જેટલા અલગ-અલગ પ્રકારના વિશ્ર્વના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. એ બદલ હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું.
શહેરમાં પાંચ અલગ-અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ બાબા રામદેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જ ઇચ્છા હતી કે વિશ્ર્વ યોગ દિને અમદાવાદની પુણ્યભૂમિ ઉપર વિશ્ર્વવિક્રમ બને. આ સંકલ્પની પૂર્તિ માટે અમદાવાદ શહેરમાં ૧૮ જૂનથી મહાયોગ અનુષ્ઠાનનો આરંભ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, એક સાથે યોગના કાર્યક્રમમાં ઘણા બધા લોકો જોડાયા હોય એવો આ પહેલાંનો વિક્રમ પ્રધાનમંત્રી મોદીજીના નામે હતો. તેમની સાથે ૩૭,૦૦૦થી વધુ લોકો યોગના કાર્યક્રમમાં જોડાયા હતા, પરંતુ આજે અમદાવાદનાં વિવિધ સ્થળોએ એક સાથે ત્રણ લાખથી પણ વધુ લોકોએ યોગના કાર્યક્રમમાં ભાગ લઈ વિશ્ર્વવિક્રમ સ્થાપિત કર્યો છે.
યોગ એ કોઈ સ્પર્ધાનો વિષય નથી, પરંતુ આત્મસ્પર્ધાનો વિષય હોવાનું કહેતાં તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરમાં ચાર દિવસમાં ૨૪ વિશ્ર્વવિક્રમ બન્યા છે. તે સૂચવે છે કે લોકો પોતાના શરીરની સાથે મનની તંદુરસ્તી માટે પણ કેટલા જાગૃત થયા છે.
આજથી ૨૫ વર્ષ અગાઉ જ્યારે સુરતમાં મેં પહેલી યોગ શિબિર કરી હતી તે સમયે મને પોતાને પણ કલ્પના ન હતી કે એક દિવસ એવો આવશે કે લોકો યોગના મહાકુંભમાં આટલી મોટી સંખ્યામાં જોડાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ખાસ આભાર માનતાં યોગગુરુએ કહ્યું કે, આજે વિશ્ર્વના ૨૦૦ દેશો સુધી યોગને પહોંચાડવામાં આપણે સફળ બની શક્યા છીએ. આવનારાં ત્રણથી પાંચ વર્ષની અંદર પતંજલિ યોગ સમિતિનાં દેશવ્યાપી ૧૦,૦૦૦ કેન્દ્રો અને પ્રશિક્ષકોની ટીમ દ્વારા દેશ અને દુનિયામાં યોગનો મહિમા હજુ વિસ્તૃત ફલક પર પહોંચાડવાનો નિર્ધાર હોવાનું પણ યોગગુરુએ કહ્યું છે.
યોગની સાથે ગૌસંવર્ધન વિષય મામલે પણ લોકોને જાગૃત કરી સમગ્ર વિશ્ર્વમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

૨૪ ગોલ્ડન બૂક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયા

૧. યોગ મેરેથોન : યુપીના
૨. શીર્ષાસન : પતંજલિ યોગપીઠના ગોપાલ દાંગી, જયપાલ અને મોહન ઠાકરે - કલાક, ૩૩ મિનિટ, ૩૩ સેકન્ડ સુધી.
૩. શીર્ષ પદ્માસન : બિહારના રવિ ઝાએ ૪૦ મિનિટ કર્યા.
૪. સૂર્યનમસ્કાર : દેવેન્દ્રે ૪૦૫૦ સૂર્યનમસ્કાર કર્યા.
૫. સૂર્યનમસ્કાર : ચંદ્રમોહન નેગીએ ૮ કલાકમાં ૪૫૦૦ સૂર્યનમસ્કાર કર્યા.
(૧૮ વર્ષથી નીચે)
૬. સૂર્યનમસ્કાર : મોનિકા નિષાદ - ૩૧૨૪ વાર (મહિલા)
૭. પુશઅપ : મપ્ર.ના આદિત્યસિંહ - એક મિનિટમાં ૧૫૭ વાર.
૮. શીર્ષાસન (મહિલા) : ગાયત્રી - ૧ કલાક ૪ મિનિટ સુધી
૯. શીર્ષાસન : મનીષા કુમાવત - ૫૧ મિનિટ (જુનિયર મહિલા)
૧૦. વૃક્ષાસન : રાજસ્થાનના મદન મોહન - ૪૮ મિનિટ ૩૨ સેકન્ડ
૧૧. પુશઅપ : હર્ષરામે ૧૫ કિલો સાથે ૧ મિનિટમાં ૭૦ કર્યા.
૧૨. પુશઅપ : કુલદીપ સૈનીએ ૧ કલાકમાં ૩૧૫૦ કર્યા.
૧૩. પુશઅપ : આદિત્ય સિંહે ૧ મિનિટમાં ૧૫૭ પુશઅપ કર્યા.
૧૪. સૌથી ઝડપી ૧ હજાર : બિજનોરમાં યોગશિક્ષક દિનેશકુમારે ૧૨ મિનિટમાં ૧ હજાર પુશઅપ
પુશઅપ કર્યા.
૧૫. સૂર્યનમસ્કાર : ગોવાના પંકજ સેનેકરે ૧૫ કલાક કર્યા.
૧૬. સૂર્યનમસ્કાર : રાજપાલે એક કલાકમાં ૫૮૨ વાર કર્યા.
૧૭. સૂર્યનમસ્કાર : યોગ શિક્ષક ચંદ્રમોહન નેગીએ ૧ કલાકમાં ૫૬૩ સૂર્યનમસ્કાર કર્યા.
(૧૮ વર્ષથી નીચે)
૧૮. ગોમુખાસન : હરિદ્વારના આચાર્ય ફુલચંદ્રે ૯ કલાક ૩૦ મિનિટમાં ગોમુખાસન મુદ્રામાં રહ્યા.
૧૯. સૂર્યનમસ્કાર : જાગૃતિબહેન - ૧ કલાકમાં ૪૯૨ (મહિલા)
૨૦. સૂર્યનમસ્કાર : રિચા - ૧ કલાકમાં ૪૮૧ (યુવા મહિલા)
૨૧. સૂર્યનમસ્કાર : વિદ્યા રાની - ૧ કલાકમાં ૨૧૦૦.
૨૨. નૌલી યોગ : મુંબઈના પન્નાલાલ - ૫ મિનિટ ૪૧ સેક્ધડમાં ૩૬૦ વાર.
૨૩. સૌથી નાની વયમાં એક કલાકમાં ૪૯૬ સૂર્યનમસ્કાર
૨૪. એક મિનિટમાં સૌથી વધુ ૧૦૦ વખત મૌલી ક્રિયા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે જનતાને કરેલું સંબોધન

ભોજનમાં નમકની જેમ જીવનમાં યોગ મહત્ત્વપૂર્ણ છે : નરેન્દ્ર મોદી


દેશના જુદા જુદા ખૂણાઓમાં પણ આ પ્રકારે યોજવામાં આવી રહેલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલાં યોગપ્રેમી સર્વ ભાઈઓ અને બહેનોને હું લખનઉની ધરતી પરથી પ્રણામ કરી રહ્યો છું.
યોગની એક ખાસિયત છે મનને સ્થિર રાખવાની. જીવનમાં આવતા કોઈપણ પ્રકારના ચઢાવ અને ઉતારમાં પણ મનને સ્વસ્થ રાખીને જીવન જીવવાની કળા યોગથી શીખવા મળે છે, પરંતુ આજે લખનઉમાં આ વિશાળ મેદાનમાં હું આજે હજારો લોકોને જોઈ રહ્યો છું, લખનઉના મેદાનમાં ઉપસ્થિત રહેલા લોકો સંદેશ આપી રહ્યા છે કે જીવનમાં યોગનું મહત્ત્વ છે. આ લોકો એવો પણ સંદેશ આપી રહ્યા છે કે જો વરસાદ આવી જાય તો યોગ માટે ઉપયોગમાં લેવાતી મેટ એટલે કે દરીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તેનો પણ સંદેશ લખનઉના યોગપ્રેમીઓએ આપી દીધો છે. સતત વરસાદ પડી રહ્યો હોવા છતાંય આપ સહુ આ મેદાનમાં ઉપસ્થિત છો તે જ યોગના મહત્ત્વને બળ પૂરું પાડવાનો આપ સહુનો પ્રયાસ છે અને આ પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે.
યોગે પોતે પણ વ્યક્તિથી સમષ્ટિ સુધીનો પ્રવાસ શરૂ કરી દીધો છે. એક સમય હતો જ્યારે યોગ હિમાલયની ગુફાઓમાં ઋષિઓ, મુનિઓ, મનીષીઓની સાધના માટેનો જ માર્ગ ગણાતો હતો. યુગ બદલાતો ગયો, સદીઓ વીતતી ગઈ. આજે યોગ ઘર ઘરમાં, જન જનના જીવનનો હિસ્સો બનવા માંડ્યો છે. વિશ્ર્વના અનેક એવા દેશો છે જે ભારતની ભાષા જાણતા નથી, ન તો ભારતની પરંપરાઓને જાણે છે. તેમ જ ભારતની સંસ્કૃતિનો પણ તેમને કોઈ જ ખ્યાલ નથી. તેમ છતાંય યોગને કારણે આજે આખું વિશ્ર્વ ભારત સાથે જોડાવા માંડ્યું છે. યોગ જે શરીર, મન, બુદ્ધિને જોડે છે, તે જ યોગ આજે વિશ્ર્વના દેશોને આપણી સાથે જોડી દેવામાં બહુ જ મોટી ભૂમિકા અદા કરી રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ સૌથી વધુ મત આપીને ઓછામાં ઓછા સમયમાં યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવાની અનુમતિ આપી દીધી હતી. યુનાઇટેડ નેશન્સે આ પગલું લીધું ત્યારથી આજ સુધીમાં કદાચ દુનિયાનો કોઈક જ એવો દેશ હશે જેણે યોગના સંબંધમાં કોઈ કાર્યક્રમ ન કર્યો હોય, યોગ પરત્વે તેમનું આકર્ષણ ન વધ્યું હોય, યોગ પ્રત્યે તેમની જાગૃતતા ન વધી હોય.
છેલ્લાં ત્રણ જ વર્ષમાં યોગને કારણે અનેક નવી નવી યોગ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થયું છે. છેલ્લાં ત્રણ જ વર્ષમાં યોગના ટીચર માટેની બહુ જ મોટી માંગ ઊભી થઈ છે. યોગની તાલીમ સંસ્થામાં પણ નવયુવાનો યોગને એક પ્રોફેશન, એક વ્યવસાયના સ્વ‚પમાં સ્વીકારીને તે માટે પોતાની જાતને તૈયાર કરવા માંડ્યા છે. દુનિયાના તમામ દેશોમાં યોગના શિક્ષકોની ડિમાન્ડ વધી રહી છે. આમ યોગના માધ્યમથી વિશ્ર્વભરમાં એક નવું જોબ માર્કેટ નિર્માણ થઈ રહ્યું છે. તેમાંય યોગ માટે ભારતીય ટીચર્સની ડિમાન્ડ સૌથી વધારે છે. યોગ માટે ભારતીય ટીચર્સને સૌથી પહેલી પસંદગી આપવામાં આવી રહી છે.
એક જમાનો હતો જ્યારે દરેક પોતપોતાની રીતે યોગ કરતા હતા, ત્યારબાદ ધીરે ધીરે તેનું સ્ટાન્ડર્ડાઈઝેશન, તેનાં સ્ટેજ નક્કી થતાં ગયાં છે. યોગમાં કઈ રીતે આગળ વધવું તે માટે પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો તે નક્કી થવા લાગ્યું છે. ધીમે ધીમે વૈજ્ઞાનિક ઢબથી સમગ્ર વિશ્ર્વમાં એક સમાન રીતે યોગની પ્રક્રિયાને પણ સ્ટાન્ડર્ડાઈઝ કરવાની દિશાના પ્રયાસો ભારત અને ભારતની બહાર પણ ચાલી જ રહ્યા છે.
ગયા વર્ષે જ યુનેસ્કોએ ભારતના યોગને માનવ સંસ્કૃતિના એક અમર વારસા તરીકે માન્યતા આપી દીધી છે. વિશ્ર્વભરની સંગઠિત શાળાઓમાં, કૉલેજોમાં બાળકોને યોગની તાલીમ મળે, બાળકો યોગ સાથે જોડાય અને ધીમે ધીમે યોગ જીવનનો હિસ્સો જ બની જાય તે દિશામાં જાગૃતતા વધી રહી છે. આજે ભારતમાં ઘણાં રાજ્યો એવાં છે કે જેમણે યોગનું શિક્ષણ આપવા માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેમનો મકસદ આપણી ભાવિ પેઢી આપણા પૌરાણિક વિજ્ઞાનથી સુમાહિતગાર બને, તેનો અભ્યાસ કરે અને તેમના જીવનનો પણ યોગ હિસ્સો બને તે છે.
આરોગ્યની જાળવણી માટે જુદા જુદા પ્રકારના પ્રકલ્પો હોય છે. ફિટનેસ પ્રાપ્ત કરવા કે પછી આરોગ્યપ્રદ રહેવાથી પણ વધુ મહત્ત્વ વેલનેસનું જ હોય છે. તેથી જ આજે જીવનમાં વેલનેસ હાંસલ કરવા માટે યોગ એક બહુ જ મોટું માધ્યમ બની ગયો છે. આજે યોગની વાત આવે ત્યારે દુનિયાના કોઈપણ દેશોમાં તેની સામે સવાલ કરવામાં આવતો જ નથી. તેમાં સમય પ્રમાણેનાં પરિવર્તનો થતાં જ રહે છે. વિશ્ર્વના ભિન્ન-ભિન્ન સમાજો તેમાંય કંઈક નવું નવું જોડતા રહે છે, ઉમેરો કરતા રહે છે. સ્થળ, કાળ અને પરિસ્થિતિને અનુકૂળ રહીને, વયને અનુકૂળ રહીને યોગમાં ઉત્તરોત્તર વિકાસ થતો જ રહે છે. તેમ જ તેનો વિસ્તાર પણ થતો રહે છે. તેથી જ આજના મહત્ત્વપૂર્ણ અવસરે હું દેશ અને દુનિયાના લોકોને યોગને જીવનનો હિસ્સો બનાવવા માટેનો આગ્રહ કરી રહ્યો છું. આપણે યોગના માસ્ટર (યોગમાં સૌથી સફળ વ્યક્તિ) બનીએ કે ન બનીએ, યોગમાં કોઈ મોટી સિદ્ધિ મેળવનાર બનીએ કે ન બનીએ, પરંતુ આપણે યોગના અભ્યાસુ તો બની જ શકીએ છીએ. આપણે પહેલીવાર યોગ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણા શરીરમાં કેટલા મહત્ત્વના અવયવો કે અંગો છે, જેના પરત્વે આજ સુધી મેં કે આપણે કોઈ ધ્યાન આપ્યું નથી. તેથી આ અંગો કેટલાં બેકાર થતાં ગયાં છે. આપણે યોગનો આરંભ કરીએ છીએ ત્યારે શરીરનાં અનેક અંગો સુષુપ્ત અવસ્થામાં પડેલાં હોય છે. તેમાં જાગૃતિ આવતી હોવાનો અહેસાસ આપણે પોતે જ કરી શકીએ છીએ. આ માટે બહુ મોટી ચેતના હાંસલ કરવાની પણ જરૂર પડતી નથી. જેઓ પહેલીવાર યોગ કરી રહ્યા છે, તેમને સહુને સમજાય છે કે તેમના શરીરમાં કેટલાં અંગો - અવયવો સુષુપ્ત પડ્યાં હતાં. યોગનો આરંભ કરતાં તેમાં જાગૃતિ આવવા માંડી છે. ચેતનાનો સંચાર થવા માંડ્યો છે.
ક્યારેક લોકો મને પૂછે છે કે યોગના માહાત્મ્ય અંગે તમે મોટી મોટી ચર્ચાઓ તો કરી રહ્યા છો. હું બહુ જ સરળ ભાષામાં તેના મહત્ત્વને સમજાવી રહ્યો છું. મીઠું-નમક સૌથી સસ્તું મળે છે. સર્વત્ર ઉપલબ્ધ હોય છે, પરંતુ દિવસના આહારમાં નમક ન હોય તો ભોજનનો માત્ર સ્વાદ જ બગડી જાય છે તેવું નથી. તેને કારણે શરીરની સંપૂર્ણ આંતરરચનાને ગંભીર આઘાત લાગે છે. મીઠું બહુ જ થોડા પ્રમાણમાં જરૂર પડે છે, પરંતુ પૂરી શરીરરચનામાં તેના મહત્ત્વને કોઈ જ નકારી શકે તેમ નથી. શરીરને તેની જરૂરિયાત હોવાની વાતનો કોઈ જ ઇનકાર કરી શકે તેમ નથી. નમક, માત્ર નમકથી જ જીવન નથી ચાલતું, તેમ છતાંય જીવનમાં નમક ન હોય તો જીવન ચાલતું જ નથી. જીવનમાં જેવું સ્થાન નમકનું છે, તેવું જ સ્થાન યોગ પણ આપણા જીવનમાં બનાવી શકે છે. કોઈ પણ વ્યક્તિએ ૨૪ કલાક યોગ કરવાની જરૂર હોતી નથી. દિવસમાં માત્ર ૫૦ મિનિટ, ૬૦ મિનિટ તેને માટે ફાળવવાની હોય છે. મેં અગાઉ પણ કહ્યું છે કે ઝીરો કોસ્ટથી સારું આરોગ્ય આપવાની ખાતરી આપવાની ક્ષમતા યોગમાં છે જ છે.
સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ બુદ્ધિ દેશના સવાસો કરોડ નાગરિક હાંસલ કરી લે, દુનિયાના નાગરિકો હાંસલ કરી લે તો માનવસમાજ સામે માનવીય વિચારોને કારણે ઊભા થઈ રહેલાં સંકટો સામે દરેક માનવજાતની રક્ષા કરી શકે છે.
તેથી જ આજે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્ર્વભરના યોગપ્રેમીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપી રહ્યો છું. વિશ્ર્વના તમામ દેશો જે ઉમંગ અને ઉત્સાહ સાથે યોગ સાથે જોડાઈ રહ્યા છે તે માટે હું આ સહુ દેશોને પણ અભિનંદન આપી રહ્યો છું. હું આપ સહુ લખનઉવાસીઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું.


યોગ વિશ્ર્વકલ્યાણ માટે જરૂરી છે : શ્રી અમિતભાઈ શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે યોગને ભારતની પ્રાચીન-સાંસ્કૃતિક ધરોહર ગણાવી જણાવ્યું હતું કે, યોગના માધ્યમથી સંપૂર્ણપણે નૈસર્ગિક જીવન જીવી શકાય છે. યોગથી માનવજીવનને જે લાભ થયો છે તેને વિશ્ર્વ સમક્ષ પહોંચાડવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જહેમત ઉઠાવી છે તે ખરેખર અભિનંદનીય છે. તેમણે જણાવ્યું હતું કે, યુ.એન. એસેમ્બલીને ભારત તરફથી વિશ્ર્વ યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મળ્યો તેના ૪૨ દિવસમાં જ ૧૧૭થી વધુ દેશોએ ભારતના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને ૨૧ જૂનને વિશ્ર્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો. તેમણે ગુજરાતના આંગણે યોગના માધ્યમથી સર્જાયેલા વિશ્ર્વ રેકોર્ડ વિશ્ર્વ કલ્યાણ માટે, નિરામય અને સાત્ત્વિક જીવનશૈલી માટે પ્રેરણાદાયી બનશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને બાબા રામદેવજીનો આભાર માન્યો હતો.


યોગ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન દેન છે : શ્રી ઓ. પી. કોહલી

સૌ નાગરિકોને વિશ્ર્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં શ્રી કોહલીજીએ જણાવ્યું કે, વિશ્ર્વને ભારતીય સંસ્કૃતિની આ પ્રાચીન દેન આજે ઘર-ઘર સુધી વિસ્તરી છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં યુવા વર્ગોને યોગ પ્રત્યે જાગૃત કરવા આવશ્યક છે. પતંજલિ યોગગુરુ રામદેવજીના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ તમામ લોકોને સ્વસ્થ જીવન માટે નિયમિત યોગસાધનાનું આહ્વાન કર્યું હતું.


યોગ દિવસનું શ્રેય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે : શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ ‚પાણીએ ગુજરાતે વિશ્ર્વ યોગ દિવસે જે વિશ્ર્વવિક્રમ સર્જ્યો છે, તેનું શ્રેય ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનને આપ્યું હતું. તેમણે ગુજરાત યોગસાધનાના માધ્યમથી જન-જનના સ્વાસ્થ્ય, તંદુરસ્તી સુખાકારીને સાકાર કરી સ્વસ્થ સમૃદ્ધ ગુજરાત બનશે તેવી અભિલાષા દર્શાવી હતી. ભારતીય સંસ્કૃતિએ આપેલી યોગપદ્ધતિ દ્વારા સમગ્ર વિશ્ર્વને નિરામય આરોગ્યનો નૈસર્ગિક માર્ગ ભારતે વિશ્ર્વને બતાવ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્ર્વે યોગને અપનાવીને જીવનશૈલીનો નવતર માર્ગ અપનાવ્યો છે.

યોગ અને યોગદિન વિશે થોડું...


૨૧ જૂને યોગ દિવસ મનાવાય છે. ભારતે શૂન્યથી નવ સુધીના આંકડા સહિત અનેક આપેલી અમૂલ્ય ભેટમાં યોગનો પણ સમાવેશ થાય છે તેમ યોગનું માહાત્મ્ય વધારતા યોગ દિવસ પણ ભારતની જ ભેટ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્રોના પ્રસ્તાવને થોડા જ સમયમાં સ્વીકારી લેવાયો અને ૨૦૧૫માં પહેલો યોગ દિવસ વિશ્ર્વભરમાં ધામધૂમથી મનાવાયો.
અમેરિકાના ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર, લંડનના એલેક્ઝાન્ડ્રા પેલેસ, ફ્રાન્સના એફિલ ટાવર, તાઈવાન, ઑસ્ટ્રેલિયાના સિડનીના મ્યુઝિયમ ઑફ કન્ટેમ્પરરી આર્ટ, થાઇલેન્ડના દેહભોગ માટે કુખ્યાત બેંગકોક, મલેશિયાના કુઆલાલુમ્પુર, નેપાળના કાઠમંડુ, સિંગાપોર, કમ્બોડિયા આ બધાં સ્થળો અને તે ઉપરાંત અનેક સ્થળોએ યોગાસનો થયાં. મુસ્લિમોએ તો રમઝાન હોવા છતાં યોગ દિવસને ભારતમાં અને અન્યત્ર પૂરી શ્રદ્ધાથી ઊજવ્યો. અલબત્ત, દુનિયાને યોગાસનના ફાયદા તો ખબર છે જ પણ યોગને સંપૂર્ણ સમજવામાં હજુ વાર છે. ભારતમાંથી નીકળેલી કોઈ પણ બાબતને ભારતથી અલગ પાડવા તેને વિકૃત કરી દેવાની પશ્ચિમી શૈલી મુજબ, યોગને યોગા બનાવી દેવાયો છે અને કેટલાક અજ્ઞાની અથવા જ્ઞાની પણ પોતાને આધુનિક કહેવડાવવા માટે થઈને યોગા બોલે છે.
હકીકતે યોગ એ માત્ર શારીરિક કસરત નથી. યોગનાં આઠ અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંથી મોટા ભાગની દુનિયાએ હજુ યોગાસન, પ્રાણાયામ અને બહુ બહુ તો ધ્યાનને જ અપનાવ્યાં છે. હકીકતે આ આઠ અંગોને અપનાવવાથી જ યોગને પૂર્ણપણે અપનાવ્યો કહી શકાય. વિચાર કરો, યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના જ આટલા ફાયદા થતા હોય તો પૂરેપૂરા યોગને આઠ અંગો સાથે અપનાવવાથી કેટલા ફાયદા થાય ?
આમાંથી યમના પાંચ વિભાગ છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આમાંથી બીજા બધાના અર્થ તો સમજાય તેવા છે પણ અસ્તેય અને અપરિગ્રહના અર્થ કદાચ નહીં સમજાય. અસ્તેય એટલે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે વણજોઈતું સંઘરવું નહીં. આ જ રીતે નિયમના પણ પાંચ વિભાગ છે - શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્ર્વર પ્રણિધાન. શૌચ એટલે માત્ર મળત્યાગ જ નહીં, પણ શરીર અને મનની શુદ્ધિ કરવી તે છે. સ્વાધ્યાય એટલે પ્રચલિત અર્થમાં લેસન નહીં, પણ ભૌતિક સાથે આધ્યાત્મિક વિદ્યાનો પણ સ્વાધ્યાય કરવો તે છે. ઈશ્ર્વર પ્રણિધાન એટલે ઈશ્ર્વરની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. યોગના આસન વિશે તો ઘણું બધું જાણીતું છે એટલે તેમાં નથી પડતા પણ પ્રત્યાહાર એટલે આપણી દસ ઇન્દ્રિયો છે તેને સંસારના વિષયમાંથી હટાવીને ઈશ્ર્વર તરફ વાળવી તે પ્રત્યાહાર છે. અર્થાત્ ઇન્દ્રિયો પર સંયમ રાખવો. ધારણાના પ્રચલિત અર્થ પ્રમાણે કોઈ અનુમાન નથી કરવાનું, પરંતુ આપણા શરીરના કોઈ એક સ્થાનમાં મનને બાંધી રાખવાનું છે. આ સ્થાન છે હૃદયની પાસે- છાતીની વચ્ચોવચ્ચ જે ખાડો હોય છે ત્યાં. યોગના સાતમા અંગ ધ્યાનને પણ દુનિયા મેડિટેશનના નામથી જાણે છે એટલે તેમાં નથી પડતા પરંતુ સમાધિ એટલે ઈશ્ર્વર સાથે એકાકાર થઈ જવું. એ ધ્યાનથી જ મળે છે.

સૌ પ્રથમ યોગનો ઉપદેશ-પ્રચાર શિવજીએ કર્યો તેમ મનાય છે. બ્રહ્માના માનસપુત્ર મરીચિ ઋષિએ પણ યોગાસનો શીખવ્યાં હતાં. પતંજલિ વગેરે તો બાદમાં આવ્યા. મરીચિ પરથી જ મરીચ્યાસન આવ્યું. તેનાથી પીઠ અને ખભાના દુખાવામાં રાહત મળે છે. પાચન સુધરે છે. થાક દૂર થાય છે. સ્ફૂર્તિનો સંચાર થાય છે અને શ્ર્વાસોચ્છ્‌વાસ આપોઆપ સુધરે છે.
યોગાસન કેવી રીતે રચાયાં ? પ્રાણીઓ અને પક્ષીઓને કોઈ ડૉક્ટર તો હોતા નથી. (પાળતુ હોય તો વેટરનરી ડૉક્ટર પાસે લઈ જવાય તે જુદી વાત છે.) આથી તેમનું અવલોકન કરીને કેટલાંક આસનો રચાયાં (કુકુટાસન વગેરે), તો કેટલાંક પ્રકૃતિ પરથી (તાડાસન વગેરે). અત્યારે તો વિશ્ર્વભરમાં બધા પોતપોતાની અનુકૂળતા મુજબ યોગને અપનાવી રહ્યા છે અને જેમ સનાતન ધર્મમાંથી અનેક ફાંટા પડ્યા તેમ યોગના ફાંટા પડી ગયા છે - પડી રહ્યા છે. યોગગુરુ બિક્રમ ચૌધરીના નામ પરથી બિક્રમ યોગ અને બિક્રમ ચૌધરીએ જ સર્જેલા (!) હોટ યોગ, તો બી. કે. એસ. આયંગરના નામ પરથી આયંગર યોગ ! એક સુપર બ્રેઇન યોગ પણ છે ! જાણીતી હસ્તીઓ પાવર યોગને પણ ખૂબ અનુસરી રહી છે. અલબત્ત, ઘણા ખ્રિસ્તીઓ તેનો વિરોધ કરે છે, તેમ છતાં જેમને યોગ કરવો જ છે તેમના માટે તેને ક્રિશ્ર્ચિયન યોગ અથવા હોલી યોગ એવું નામ આપી દેવાયું છે ! બૌદ્ધ પંથીઓ તેને યિન યોગ કહે છે. યહૂદીઓ તેને તોરાહ યોગ કહે છે. રવિશંકરના આર્ટ ઑફ લિવિંગવાળા તેને સુદર્શન ક્રિયા કહે છે! સારું છે કે તાજેતરના સમયમાં યોગને સૌથી વધુ લોકપ્રિય કરનાર બાબા રામદેવના નામ પરથી રામદેવ યોગ કે પતંજલિ પીઠ યોગ એવું નામ નથી પડ્યું !
સફળતાના જનક થવા સહુ કોઈ આગળ આવે છે. આફ્રિકામાં હવે એવો દાવો થવા લાગ્યો છે કે યોગ તો આફ્રિકાની જ દેણ છે. તે આફ્રિકામાંથી ભારતમાં ગયો હતો. તો ગયા વર્ષે પાકિસ્તાનના બાબા રામદેવ ગણાતા યોગી શમશાદ હૈદર ચર્ચામાં આવ્યા હતા. તેઓ મુસ્લિમ છે અને યોગ કરે છે. શમશાદ હૈદરે યોગને શીખવા, સમજવા માટે ભારત, તિબેટ અને નેપાળની યાત્રા કરી હતી. તેનાથી તેમણે અસ્થમાની વ્યાધિમાંથી છુટકારો મેળવ્યો. તેઓ દાવો કરે છે કે યોગ તો પાકિસ્તાનમાં શોધાયો હતો! જોકે પાકિસ્તાન જેવા દેશમાં યોગનો પ્રચાર કરવો તે જ સાહસનું કામ છે. તેઓ અંદાજે ૧૦ હજાર લોકોને યોગ શીખવે છે. તેઓ ઓમ્કારના બદલે અલ્લાહ શબ્દનો ઉચ્ચાર કરે છે. તેમના યોગ કેન્દ્ર પર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓનો આક્ષેપ છે કે તેના દ્વારા તેઓ હિન્દુત્વનો પ્રચાર કરે છે. તેમના એક મિત્રના યોગકેન્દ્રને સળગાવી દેવાયું. જોકે તેનાથી યોગી હૈદરની સંકલ્પશક્તિ સહેજે નબળી પડી નથી. તેમનો સંકલ્પ છે કે પૂરા પાકિસ્તાનને યોગ કરતું કરવું.
ભારતના મુસ્લિમોના કટ્ટર નેતાઓ ભલે વિરોધ કરે (સામાન્ય મુસ્લિમો કદાચ વિરોધ નથી કરતા) પણ અનેક મુસ્લિમ દેશો પણ યોગને અપનાવી રહ્યા છે. પાકિસ્તાનમાં આયેશા ચપરા નામની મુસ્લિમ મહિલાએ કરાચીમાં ૨૦૧૧ના વર્ષમાં જેલમાં મહિલા કેદીઓ પાસે યોગાસનો કરાવેલાં ! મુસ્લિમોની પ્રાર્થનામાં ઘણી શારીરિક સ્થિતિઓ તે બીજું કંઈ નહીં પણ યોગાસન જ છે. જેમ કે રુકુ એ બીજું કંઈ નહીં પણ અર્ધ ઉત્તાનાસાન, જુલુસ એ વજ્રાસન તેમજ સુજુદ એ બલાસન છે.
ભારતમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ શીર્ષાસન કરતા હોય તેવી તસવીર ગયા વર્ષથી પ્રચલિત બની છે. તેમની પાશ્ર્ચાત્ય પ્રભાવવાળી રહેણીકરણીના સંદર્ભમાં એ વાત માનવામાં આવે તેવી નથી તો પણ તસવીર જોઈને હર્ષ વ્યક્ત કરવો રહે કે તેઓ પણ યોગાસન કરતા હતા. અમેરિકામાં વિદાયના આરે રહેલા પ્રમુખ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાએ યોગ અપનાવ્યો છે. પોપગાયિકા મેડોના, બ્રિટની સ્પીયર્સ, લેડી ગાગા આમ તો ભોગવાદી લાગે પરંતુ તંદુરસ્તી માટે તેમણે પણ ભોગના બદલે યોગ પસંદ કર્યો છે. જુલિયા રોબર્ટ્સે યોગ તો અપનાવ્યો જ છે, સાથે તેણે હિન્દુ ધર્મ પણ અપનાવ્યો છે. આ ઉપરાંત હોલિવૂડની અભિનેત્રીઓ ચાર્લ્સ થેરોન, નિકોલ કિડમેન, ડેમી મૂર, જેનિફર એનિસ્ટન, રેની ઝેલ્વેગર, હીધર ગ્રેહામ, મેલેની ગ્રિફિથ, ગ્વાનેથ પિલ્ટ્રો, હિલેરી ડફ, કર્સ્ટન ડસ્ટ, ડ્રુ બેરીમોર, બ્રૂક શિલ્ડ્સ, હેલ બેરી આ બધા યોગને અનુસરી ચુસ્ત-તંદુરસ્ત રહે છે.
મહાન ક્રિકેટર સચીન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, એન્ડ્રુ ફ્લિન્ટોફ, જસ્ટિન લેંગર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, ઝહિર ખાન આ બધા પણ જ્યારે પણ અવકાશ મળે છે ત્યારે યોગાસનો કરે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તો યોગાસન પર ડીવીડી બહાર પાડીને કમાણી પણ કરી લીધી. કંગના રાણાવત પણ નિયમિત યોગ કરે છે. આ ઉપરાંત કરીના કપૂર, દીપિકા પદુકોણે, લારા દત્તા, મલાઇકા અરોરા ખાન, ઇલેના ડી ક્રૂઝ, બિપાશા બસુ, આલિયા ભટ્ટ, નરગીસ ફખ્રી, જેક્વેલિન ફર્નાન્ડિઝ, સોનમ કપૂરે પણ યોગને પોતાની સુંદરતા જાળવી રાખવા માટે અપનાવ્યો છે.
યોગનો અર્થ થાય છે - જોડવું. આત્માને ઈશ્ર્વર સાથે જોડવો. યોગ આ કામની સાથે અત્યારે સમગ્ર વિશ્ર્વને પણ જોડી રહ્યો છે, ખરું કે નહીં ?