શહીદોને ભારતીય હોકી ટીમનું સન્માન

    ૩૦-જૂન-૨૦૧૭

લંડન ખાતે રમાયેલી વર્લ્ડ લીગ સેમી ફાઈનલની મેચમાં ભારતીય હોકી ટીમે ૭-૧ પાકિસ્તાનને રીતસરનું કચડી નાખ્યું હતું. આ ભવ્ય વિજયથી પણ વધુ મહત્ત્વનું એ રહ્યું હતું કે આ મેચમાં ભારતીય હોકી ટીમ ભારતના શહીદ જવાનોની યાદમાં અને ભારતીય સૈન્યના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને રમતના મેદાન પર ઊતરી હતી. ભારતીય ટીમના સમર્થનમાં સ્ટાફે પણ કાળી પટ્ટી બાંધી હતી.


સુરતની ૯ વર્ષની ધનશ્રીએ સર કર્યું રશિયાનું સૌથી ઊંચું શિખર

સુરત નવ વર્ષની ધનશ્રી મહેતાએ સૌથી નાની ઉંમરમાં રશિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલબ્રુસ સર કરી લીધું છે. યુરોપનું ૧૮૫૧૦ ફૂટ ઊંચું માઉન્ટ એલબ્રુસ શિખર ધનશ્રીએ તેની માતા સારિકા, ૧૩ વર્ષના ભાઈ જનમ અને પપ્પા જીજ્ઞેશભાઈ સાથે સર કર્યું. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી ધનશ્રી ૧૮મી જૂનના રોજ રશિયાનો માઉન્ટ એલબ્રુસ સર કરનારી સૌથી નાની વ્યક્તિ બની ગઈ છે.

બંગાળમાં મહાદેવ હવે મુસ્લિમને હવાલે

પશ્ર્ચિમ બંગાળના સેક્યુલર મુખ્યમંત્રી મમતા બેનરજીએ બંગાળના પ્રસિદ્ધ તારકેશ્ર્વર મંદિર બોર્ડનું અધ્યક્ષપદ એક મુસ્લિમના હાથમાં સોપ્યું છે. મમતા સરકારે અહીંના હુબલી સ્થિત આ મંદિરનો કારભાર ફિરહાદ હકીમ નામના એક મુસ્લિમને સોંપ્યો છે. સાથે સાથે તેને ૫ કરોડ રૂપિયા પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ ફિરહાદ છે. જેઓ પાકિસ્તાનના દૈનિક ડોનને આપેલી એક મુલાકાતમાં બંગાળને મિનિ પાકિસ્તાન તરીકે સંબોધિત કરી ચૂક્યા છે. મમતા સરકારના આ વિવાદિત નિર્ણયનો વિરોધ બંગાળ ભાજપે કર્યો છે, તો હિન્દુ મહાસભા પણ આ નિર્ણય સામે મેદાને પડી છે.

રૂ. ૧૦માં ભરપેટ ભોજન... રાજ્યભરમાં ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

ગુજરાત સરકારે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો છે, જે હેઠળ શ્રમિકોને ‚રૂ. ૧૦માં ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ રાજ્ય સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ થયો છે તેની તસવીરમાં ટિફિનમાં ભોજન લઈ જતા શ્રમિકો નજરે પડી રહ્યા છે. શ્રમિકો-બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરતા લોકો માટે આશીર્વાદરૂપ આ યોજના હેઠળ આ લોકોને માત્ર ‚રૂ. ૧૦માં દાળ-ભાત-શાક આપવામાં આવી રહ્યા છે. જો કે આ ભોજનની પડતર કિંમત ‚રૂ. ૩૦ છે, પરંતુ સરકાર તેને ‚રૂ. ૧૦માં આપી રહી છે. તેના પર ‚રૂ. ૨૦ની સબસીડી આપી રહી છે. ‚પાણી સરકારે ચાલુ વર્ષના બજેટમાં આ યોજના માટે ‚રૂ. ૫૦ કરોડની ફાળવણી કરી છે.


કેરલમાં એક રસ્તાનું નામાંકરણ ગાઝા કરી દેવામાં આવ્યું

કેરલના ભુરુથિ નગરપાલિકા વિસ્તારની એક ગલીનું નામ ગાઝા સ્ટ્રીટ કરી દેતાં ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે ગાઝા સ્ટ્રીટ એ સ્થળ છે, જ્યાં ઇસ્લામિક આતંકી સંગઠન હિઝબુલ્લા અને હમાસ ઇઝરાયેલ વિરુદ્ધ આતંક અને રણનીતિ બનાવે છે. એટલે કે જેહાદીઓ આ સ્થળને જેહાદનું કેન્દ્ર માને છે. ભુરુથિ જુમ્મા મસ્જિદની પાસેની ગલીના નામાકરણનું કાસરાગોડ જિલ્લા પંચાયતના અધ્યક્ષ એજીસી બશીર દ્વારા કરવામાં આવ્યું હતું.


રાષ્ટ્રપતિના કાફલાને રોકીને પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સને જવા દીધી

બેંગાલુરુ શહેરના ટ્રિનિટી સર્કલ ખાતે ગોઠવાયેલા એક પોલીસ અધિકારીની તેમની ઉમદા કામગીરીએ લોકોના દિલ જીતી લીધાં છે અને તેઓ તેના કારણે પ્રશંસાને પાત્ર બન્યા છે. આ વ્યસ્ત જંક્શન પાસેથી રાષ્ટ્રપતિનો કાફલો પસાર થવાનો હતો ત્યારે ત્યાં ફરજ પર તૈનાત આ અધિકારીએ કોઈ દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને પહેલાં જવાની મંજૂરી આપી હતી અને તેની આ કામગીરી બદલ રિવોર્ડને પાત્ર પણ બન્યા છે. સબ ઇન્સ્પેક્ટર એમ. એલ. નિજલિંગપ્પાને એચએએલ નજીક એક ખાનગી હોસ્પિટલ તરફ જવા માટે વ્યસ્ત માર્ગ પરથી રસ્તો શોધતી એક એમ્બ્યુલન્સ દેખાઈ હતી. ઇન્સ્પેક્ટર તરત પરિસ્થિતિ પામી ગયા હતા અને તેમણે તરત તેને જવા માટે રસ્તો કરી આપ્યો હતો.

ગાંધીધામ ખાતે શ્રીમદ્ પ્રજ્ઞાપુરાણ કથા

તાજેતરમાં કચ્છ-ગાંધીધામ ખાતે ગાયત્રી શક્તિપીઠ અને મતિયા દેવ સેવા મંડળ દ્વારા શ્રીમદ્ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન થયું હતું. દલિત વિસ્તારમાં આયોજિત આ શ્રીમદ્ પ્રજ્ઞાપુરાણ કથામાં સામાજિક સમરસતાનું અનોખું વાતાવરણ ઊભું થયું હતું. પ્રથમ દિવસે પોથીયાત્રામાં હિન્દુ સવર્ણ - હિન્દુ દલિત બહેનો આત્મીય ભાવથી જોડાઈ હતી. તો રા. સ્વ. સંઘ ગાંધીધામનાં તમામ પરિવાર મિત્રોનું પરિવાર મિલન પણ આ સ્થળે યોજાયું હતું. ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ સાથે ભોજન કરી દલિત-અદલિતના ભેદ મિટાવી દીધા હતા. પાંચ દિવસ દરમિયાન નગરજનો કથાસ્થળે ઊમટી પડતાં દલિત-અદલિતના ભેદ જાણે કે મટી જઈ એક સમરસ હિન્દુ સમાજનું નિર્માણ થયું હતું.

સાઉથ આફ્રિકાની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનાર ભારતીય શ્રી કેસવાલ મુનસામીનું અવસાન

સાઉથ આફ્રિકાના સ્વાતંત્ર્ય-સેનાની ભારતીય મૂળના શ્રી કેસવાલ મુનસામીનું ૨૩ જૂન, ૨૦૧૭ શુક્રવારના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેઓ ૯૧ વર્ષના હતા. તેમનો જન્મ ૧૯૨૬ની સાલમાં થયો હતો. બોટસવાના, સ્વાઝીલેન્ડ, ઝામ્બીઆ, ભારત તથા સોવિયેત યુનિયનમાં ૨૭ વર્ષો સુધી સેવા આપનાર તથા નેલ્સન મંડેલાની ડેમોક્રેટિક સાઉથ આફ્રિકા કોંગ્રેસમાં પણ સેવાઓ આપનાર શ્રી કેસવાલ પાર્લામેન્ટ મેમ્બર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા હતા. પ્રેસિડેન્ટ જેકોબ ઝુમાએ સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


કર્ણાવતી ખાતે દિવ્યાંગતાના ક્ષેત્રમાં પ્રદાન કરતાં મહાનુભાવોનો સન્માન સમારોહ

ગત ૨૪ જૂનના રોજ કર્ણાવતી (અમદાવાદ)નાં સેટેલાઈટ રોડ સ્થિત રામદેવનગર વિસ્તારનાં સદ્વિચાર પરિવાર સભાખંડમાં દિવ્યાંગ ક્ષેત્રે કાર્ય કરતાં શહેરનાં વિવિધ મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી ચાલતી ‘સક્ષમ’ સંસ્થા અને હરિભાઈ પંચાલના વિચારોથી શરૂ થયેલા સદ્વિચાર પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સન્માન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સક્ષમ સંસ્થાના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી ડૉ. સુકુમારજીએ કહ્યું હતું કે, ‘વિકલાંગતા વ્યક્તિમાં નથી હોતી તેને જોનારની દૃષ્ટિમાં હોય છે અને ‘સક્ષમ’ સમાજની દૃષ્ટિમાંથી વિકલાંગતાને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં ચેમ્પિયન ટ્રોફીમાં જ્યારે ભારતની પાકિસ્તાન સામેની મેચમાં હાર થઈ હતી, ત્યારે ભારતની વિકલાંગ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. રિયો પેરા ઓલિમ્પિક્સમાં પણ ૧૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી ૨ ગોલ્ડ મેડલ સહિત દેશના દિવ્યાંગો ચાર મેડલ જીતી લાવ્યા હતા.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સદ્વિચાર પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે, ‘દિવ્યાંગોને સહાનુભૂતિની નહી સ્વાવલંબી બનાવવાની જરૂર છે. દેશનાં દરેક જિલ્લા સ્તરે દિવ્યાંગોને સ્પેશિયલ એજ્યુકેશન મળી શકે તે માટે સરકારે ઓછામાં ઓછા પાંચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની પહેલ કરવી જ‚રી છે.’ ‘સક્ષમ’ સંસ્થાના નીતિનભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના ૯ જિલ્લામાં ‘સક્ષમ’ સંસ્થાનું કામ શરૂ થયું છે. ‘સક્ષમ’ સંસ્થા સાથે હાલ ૪૮૦૦ જેટલા લોકો જોડાયા છે.’ આ પ્રસંગે સંસ્થા દ્વારા ડૉ. ભરતભાઈ ભગત, કૃણાલભાઈ શાસ્ત્રી, જસુભાઈ કવિ અને તારકેશ્ર્વર લુહારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્ણાવતી મહાનગર સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ. ‘સક્ષમ’ સંસ્થા કર્ણાવતી મહાનગરના સંયોજક રાજુભાઈ શાહ સહિતનાં મહાનુભાવો તથા શહેરનાં નાગરિકો નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.