હિંસાચાર સામે સાક્ષરોના મૌનનો પણ વિરોધ કરવો જોઈએ : જે. નંદકુમાર

    ૩૦-જૂન-૨૦૧૭

JNUમાં શહીદોને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એક સમયે ખૂબ ખ્યાત શિક્ષણ સંસ્થા હતી. અનેક મહાનુભાવો સંસ્થાએ આપ્યા. પરંતુ પાછલાં કેટલાંક વર્ષોમાં તે દેશદ્રોહીઓનો અડ્ડો બની ગઈ હતી. પરંતુ ૬ મેના દિવસે, યમુનાતીરે આવેલી JNUના ‘સાબરમતી ઢાબા’માં બનેલી એક ઘટનાએ JNUમાં વર્ષોથી પડ્યાપાથર્યા રહેતા સામ્યવાદી અસામાજિક તત્ત્વોને સાબરમતીનાં પાણીનું સામર્થ્ય બતાવી દીધું !!
અફઝલ કે બુરહાન જેવા ખૂંખાર આતંકી અને નક્સલી હિંસાનું જાહેરમાં સમર્થન કરતી JNUની ઉમર ખાલીદ ગેંગની ગુંડાગર્દી વચ્ચે JNUના દેશભક્ત છાત્રોએ ભારતીય સેનાના વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યાં મુસ્લિમ આતંકવાદીઓ તથા ભારતના વિભાજનના સમર્થનમાં કાર્યક્રમો થતા રહ્યા હતા. તે JNUના સાબરમતી ઢાબામાં જ રા. સ્વ. સંઘના વરિષ્ઠ પ્રચારક મા. નંદકુમારજી તથા ભારતીય સેનાના નિવૃત્ત મે. જન. શ્રી બક્ષીસાહેબનાં વ્યાખ્યાન યોજાયાં હતાં. JNUના ઇતિહાસમાં બનેલી આ અભૂતપૂર્વ ઘટનાએ મૃત:પ્રાય થયેલા સામ્યવાદ ઉપર વધુ એક કુઠારાઘાત કર્યો છે.
૬ મે, ૨૦૧૭ના દિવસે JNUમાં સેંકડો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિમાં, આતંકવાદ સામેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. માત્ર આતંકવાદીઓને જ સન્માનવાની JNUની પરંપરાને પડકારતી આ ઘટનાએ JNUની સામ્યવાદી ગેંગને હત્પ્રભ કરી છે. JNUના છાત્ર અને અધ્યાપકોના સંગઠન ઉપર અંકુશ ધરાવતી સામ્યવાદી ગેંગની ચિંતાનું મુખ્ય કારણ આ કાર્યક્રમ નહીં, પરંતુ કાર્યક્રમના વક્તાઓ હતું. રા. સ્વ. સંઘના વરિષ્ઠ પ્રચારક અને ‘પ્રજ્ઞા પ્રવાહ’ના રાષ્ટ્રીય સંયોજક શ્રી જે. નંદકુમારજી આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા, તે વાત ઉમર ખાલીદ ગેંગને આંખમાં કણાની જેમ ખૂંચી. ઉલ્લેખનીય છે કે આ અસામાજિક તત્ત્વોએ આ કાર્યક્રમના થોડા દિવસ પૂર્વે જ JNUના એક પ્રોફેસરના ઘર તથા વાહન ઉપર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રોફેસરનો વાંક એ હતો કે તેમણે દેશદ્રોહીઓના અડ્ડામાં મુસ્લિમ અને નક્સલ આતંકનો ભોગ બનેલા સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી !
સામ્યવાદીઓની આતંકી પ્રવૃત્તિની સામે રાષ્ટ્રવાદની મહત્તા સ્પષ્ટ કરતાં મા. નંદકુમારજીએ જણાવ્યું હતું કે સામ્યવાદ એ મૂલત: ક્ષતિપૂર્ણ અને વિધ્વંશક વિચાર છે. તેથી જ તે નક્સલવાદના હિંસાચારનું જાહેરમાં સમર્થન કરે છે. સામ્યવાદી તથા મુસ્લિમ આતંકીઓના હિંસાચાર સામે હેતુપૂર્વક મૌન રાખતા કથિત સાક્ષર વર્ગની ઝાટકણી કાઢતાં તેમણે માર્ટિન લ્યૂથર કિંગના શબ્દોને ટાંકીને જણાવ્યું હતું કે હવે હિંસાચારના વિરોધની સાથોસાથ સ્વઘોષિત સાક્ષરોના આ હિંસાચારની સામેના મૌનનો પણ વિરોધ કરવો જોઈએ. કેમ કે આ બની બેઠેલા સાક્ષરો દેશદ્રોહી આતંકવાદીઓનું સમર્થન કરવામાં ગૌરવ અનુભવે છે, પરંતુ આતંકીઓ સામેના સંગ્રામમાં વીરગતિ પામેલા સૈનિકોનું સન્માન કરવામાં શરમ અનુભવે છે. દેશની રક્ષા માટે જીવનનું બલિદાન આપીને વીરગતિ પામતા આપણા સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે પ્રત્યેક વર્ષે ‘સ્મરણાંજલિ દિવસ’ ઊજવાય તેવી તેમણે માંગણી કરી હતી.
JNUમાં યોજાયેલા આ અભૂતપૂર્વ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતાં વરિષ્ઠ સૈન્ય અધિકારી મે. જન. શ્રી બક્ષીએ આયોજકોને JNUમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજીને ઇતિહાસ સર્જવા માટે હાર્દિક અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ એ જ સ્થાન છે જ્યાં અત્યાર સુધી આતંકવાદીઓ તથા આતંકવાદના સન્માનના કાર્યક્રમ યોજાતા રહ્યા છે. આજે સૌ પ્રથમ વાર અહીં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો અને મને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી તે મારા માટે ગર્વની વાત છે. આતંકવાદના સમર્થકોના અડ્ડામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાય એ પણ એક સર્જિકલ સ્ટ્રાઈક જ ગણાય. તેથી હવે JNU ભવિષ્યમાં સારી છાપ ધરાવતી સંસ્થા બનશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
આ સભાને સાંસદ શ્રી મનોજ તિવારી, IPS અધિકારી શ્રી પ્રકાશસિંઘ તથા ‘ગ્રુપ ઑફ ઇન્ટેલેક્ચુઅલ્સ ઍન્ડ એકેડેમિશિયન્સ’ - ’GIA’ના અધ્યક્ષ મોનિકા અરોરાએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. તેમનો મુખ્ય સૂર એ જ હતો કે વિશ્ર્વની એક પણ યુનિવર્સિટીમાં આતંકવાદ અને આતંકવાદીઓના સમર્થનમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર થતા નથી, આવું માત્ર અને માત્ર JNUમાં જ બને છે, પરંતુ હવે અહીં પણ રાષ્ટ્રવાદનો સૂર્યોદય થઈ ચૂક્યો છે.
UGCના પૈસે તાગડધિન્ના અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતી ઉમર ખાલીદની ગેંગના આ અખાડામાં યોજાયેલી દેશભક્તોની આ સભામાં ૭મી ડિસેમ્બરને વીરગતિ પામેલા સૈનિકોના માનમાં ‘સ્મૃતિ દિન’ તરીકે ઊજવવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત ૬ મે, ૨૦૧૭ના ‘સાધના’ અંકમાં JNUના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. મકરંદ પરાંજપેએ JNUમાં અચ્છે દિન આવી રહ્યા છે તેનો અણસાર આપ્યો જ હતો.
* * *
(ભાવાનુવાદ : જગદીશ આણેરાવ)