પશ્ર્ચિમ બંગાળમાં ફરી... મમતાની મનમાની અને ગોરખાઓનું ઘમાસાણ

    ૩૦-જૂન-૨૦૧૭

પશ્ર્ચિમ બંગાળમાં દાર્જિલિંગ ખાતે ગોરખા આંદોલન ચાલી રહ્યું છે. બંગાળી ભાષા ઠોકી બેસાડવા મમતા બેનરજીએ લીધેલા નિર્ણય સામે રોષ ભભૂકી ઊઠ્યો છે. કાયદો વ્યવસ્થા કથળી ગયાં છે અને ટૂરિસ્ટ ત્યાંથી નાસી ગયા છે. પશ્ર્ચિમ બંગાળના સરકારના ખામી ભરેલા અને અધકચરા નિર્ણયનો અવળો પ્રત્યાઘાત પડ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીના સ્વભાવ અને કાર્યપદ્ધતિને કારણે પશ્ર્ચિમ બંગાળને સહન કરવું પડી રહ્યું છે.
પ્રશ્ર્ન એ છે કે હાલમાં આટલા પ્રશ્ર્ન છે તેવે વખતે ભાષાની પિંજણ કરવાની શું જરૂર હતી ? મમતા બેનરજી નેતૃત્વ આપવામાં અકાર્યક્ષમ પુરવાર થઈ રહ્યાં છે. નોટબંધી, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર કે અન્ય કોઈ જ મુદ્દે તેઓ પ્રભાવક પરિબળ પુરવાર થયાં નથી. તેમના જ પક્ષના ટોચના નેતાઓ શારદા ચીટ ફંડમાં સંડોવાયેલા છે અને ગરીબોના પૈસા હજમ કરી ગયા છે તેવે વખતે મમતાજી કહે છે કે નોટબંધીથી ગરીબો લૂંટાયા છે !!
પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી વિચારધારાએ સામે પૂરે ચાલવા સિવાય ભાગ્યે જ કોઈ કાર્ય કર્યું છે. ગોરખા કોમ એક બળૂકી અને મજબૂત કોમ છે. તેમને છંછેડવાની જરૂર શું હતી ? ભાષા આપોઆપ જ સ્વીકૃત બનતી હોય છે. સરકારી કામકાજ કરવા માટે ગોરખાઓ જાય છે તેવે વખતે તેઓ બંગાળી જ લખે છે - બોલે છે - વાંચે છે. પ્રત્યાઘાત એવો આવ્યો છે કે તેમાંથી અલગ ગોરખાલેન્ડની માગણી ફરીથી સજીવન થઈ છે.
૧૯૮૮માં સુભાષ ઘિશીંગ હતા તે વખતે જ્યોતિ બસુએ દાર્જિલિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરી હતી અને તેમને ફંડ ફાળવવા સમજૂતી થઈ હતી. હવે મમતા બેનરજીએ દાર્જિલિંગ કાઉન્સિલનું સ્પેશિયલ ઓડિટ હાથ ધરવા ઇરાદો દર્શાવ્યો છે. આથી તો પરિસ્થિતિ વધુ વકરે તેમ છે. રાજકારણમાં હઠીલી પ્રકૃતિના લોકો કદી સમાધાનકારી વલણ અપનાવી શકતા નથી તે એક હકીકત છે.
પહેલાં ૧૯૮૪માં જ્યોતિ બાસુની ડાબરી મોરચાની સરકારે પ્રાથમિક શાળાઓમાંથી અંગ્રેજીને હટાવીને ફરજિયાત બંગાળી ભાષા દાખલ કરી ત્યારે પણ પશ્ર્ચિમ બંગાળની સરકારના નિર્ણયના વિરોધમાં દાર્જિલિંગમાં આંદોલન શરૂ થયું હતું જે અલગ ગોરખાલેન્ડ આંદોલનમાં પરિવર્તિત થયું હતું. એ આંદોલન પાંચ વરસ સુધી ચાલ્યું હતું. હજારો લોકોનાં મોત થયાં હતાં, દાર્જિલિંગને મર્યાદિત સ્વાયત્તતા આપવી પડી હતી અને દાર્જિલિંગના ગોરખાઓની ભાષા નેપાળીને બંધારણના આઠમા શિડ્યુલમાં સુધારો કરીને સત્તાવાર ભાષા તરીકે સ્થાન આપવું પડ્યું હતું. દાર્જિલિંગને વિકાસ બોર્ડ આપવામાં આવ્યું. મર્યાદિત સ્વાયત્તતા આપવામાં આવી. નેપાળી ભાષાને સત્તાવાર ભાષા બનાવવામાં આવી એ વાત સામે વિરોધ નથી. સવાલ છે શાંત પાણીમાં પથ્થર ફેંકવાની નીતિનો.
મમતા બેનર્જી એ સમયે કોંગ્રેસમાં હતાં અને ડાબેરીઓએ સામેથી પેદા કરેલા સંકટનો લાભ ઉઠાવતાં હતાં. તેમણે ગોરખાઓના નેતા સુભાષ ઘીશિંગને ટેકો આપ્યો હતો. શત્રુનો શત્રુ મિત્ર એ ન્યાય રાજકારણમાં નવો નથી. હવે એ જ વીંછીનો દાબડો મમતા બેનરજીએ ખોલ્યો છે. એટલું સારું છે કે મમતા બેનરજી પરિસ્થિતિ વણસે એ પહેલાં આસાર પામી ગયાં છે અને તેમણે નિર્ણય પાછો લેવાની અને રસ્તો કાઢવાની તૈયારી બતાવી છે. ત્રણ દાયકા પહેલાંનો અનુભવ તેમને યાદ છે. સુભાષ ઘીશિંગ હવે હયાત નથી, પરંતુ અસ્મિતાવાદી આંદોલનનો સ્વભાવ છે કે તે પ્રમાણમાં આસાનીથી નવું નેતૃત્વ પેદા કરી શકે છે અને આગલા નેતૃત્વ કરતાં નવું નેતૃત્વ મોટાભાગે આક્રમક હોય છે. અસ્મિતાવાદી આંદોલનમાં અક્કલ કે મહેનતની જરૂર હોતી નથી, જરૂર હોય છે વધારે બેજવાબદાર બનવાની અને પુરોગામી નેતા કરતાં વધારે બેફામ બોલી શકવાની ‘આવડત’ની !
અસ્મિતા એ બેધારી તલવાર છે. આ ક્યારે આગ્રહમાં સરી પડે એ કહી ન શકાય. જાણીતા બંગાળી સાહિત્યકાર સુનીલ ગંગોપાધ્યાય સ્વર્ગવાસ થયા ત્યારે મુખ્યપ્રધાન મમતા બેનરજી સુનીલ ગંગોપાધ્યાયના ઘરેથી છેક સ્મશાનભૂમિ સુધી લોકોની વચ્ચે ચાલતાં ગયાં હતાં. એ જ રીતે મરાઠી સાહિત્યકાર નારાયણ સુર્વેનું નિધન થયું ત્યારે મહારાષ્ટ્ર મુંબઈમાં મુખ્યપ્રધાન દાદર-શિવાજીપાર્કની સ્મશાનભૂમિમાં હાજર રહ્યાં હતાં અને રાજ્ય સરકાર વતી સુર્વેને સલામી આપવામાં આવી હતી. મરાઠી સાહિત્ય સંમેલન મળે છે ત્યારે જ્ઞાનેશ્ર્વરી (મહારાષ્ટ્રનો પહેલો ગ્રંથ)ની પાલખીમાં હજારો લોકો જોડાય છે. મરાઠી સાહિત્ય સંમેલન મોટા મેદાનમાં કે સ્ટેડિયમમાં ભરાય છે અને એ જોઈને આપણને નાદારીનો અનુભવ થાય છે. ૧૯૮૯માં મેં આસામના ગોહાટી શહેરમાં પુસ્તક-મેળો જોયો હતો. એ મેળો મુંબઈમાં યોજાતા પુસ્તક-મેળા કરતાં મોટો હતો અને લોકોની ભીડ પણ વધુ હતી. આજે તો હવે મુંબઈમાં પુસ્તક-મેળો યોજાવાનું જ બંધ થઈ ગયું છે.
અસ્મિતાનું આવું નરવું સ્વરૂપ જોવા મળે છે ત્યારે આપણને ગર્વનો અનુભવ થાય છે. જે પ્રદેશમાં આટલું અસ્મિતાભાન નથી એ પ્રદેશની પ્રજા થોડી શરમ પણ અનુભવે છે, જે રીતે મરાઠી અને બંગાળી અસ્મિતા જોઈને આપણી ઉણી - અધૂરી અસ્મિતા માટે શરમ આવે છે. ધ્યાન દોરવા જેવી વાત એ છે કે જેમ અસ્મિતાનું નરવું સ્વરૂપ હોય છે એમ વરવું સ્વરૂપ પણ હોય છે અને એ બે વચ્ચેની ભેદરેખા પાતળી હોય છે. એટલે તો સ્વદેશી આંદોલન વખતે રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ચેતવ્યા હતા કે તમારી આ નરવી રાષ્ટ્રીય અસ્મિતા વરવા કોમવાદી રાષ્ટ્રવાદમાં સરી પડે એવી પૂરી શક્યતા છે. તમે નહીં ઇચ્છતા હો તો કોમવાદીઓ તક ઝડપીને આંદોલનને હાઈજેક કરી જશે. વિવેકની જગ્યાએ લાગણીને અપીલ કરનારાં કોઈ પણ આંદોલન જોખમી હોય છે. ઉગ્ર રાષ્ટ્રવાદ, કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, વંશવાદ વગેરે આગ્રહો અસ્મિતાજન્ય છે અને જે માનવ-માનવ વચ્ચે અંતર પેદા કરવાનું કામ કરે છે.
આપણા શાસકો અસ્મિતાની આ વરવી બાજુ જાણે છે એટલે તેનો રાજકીય ખપ છે. તેઓ વિરુદ્ધ ભાવનાથી પ્રેરાઈને નહીં, પણ મત મેળવવા માટે અસ્મિતાનું કાર્ડ ઊતરે છે. ભાવનાથી પ્રેરાઈને પોતાના પ્રદેશની કે ભાષાની ઓળખ ઘટ્ટ કરવા માગતા હોય તો પણ તેમણે બીજી પ્રજા તેને અનુકૂળ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. જેમ કે દાર્જિંલિંગ પશ્ર્ચિમ બંગાળમાં છે, પરંતુ દાર્જિલિંગના પહાડી પ્રદેશમાં બહુ ઓછું બંગાળીપણું જોવા મળે છે. ત્યાંની બહુમતી પ્રજા નેપાળી અને ભોટિયા છે અને તેઓ તેમની પોતાની ભાષા બોલે છે. ખોબા જેવડા દાર્જિલિંગનું અલગ રાજ્ય વ્યવહારું બની શકે એમ નથી. એટલે તેને પશ્ર્ચિમ બંગાળમાં મૂકવામાં આવ્યું છે. આગળની જ્યોતિ બાસુની સરકાર પણ આ હકીકત જાણતી હતી અને અત્યારની મમતા બેનર્જીની સરકાર પણ આ જાણે છે, આમ છતાં ભાષા લાદવાનાં ઉંબાડિયાં કરવામાં આવે છે, કારણ કે નજર કોઈક બીજી જગ્યાએ છે.
ભારતીય લશ્કરમાં, સુરક્ષા દળોમાં ગોરખાઓ છે. તેમની સાથે સારો ન્યાયી વ્યવહાર એ જ સમાધાનનો એક માર્ગ છે. શા માટે અભિમાન અને મમત રાખવાં ? જ્યારે સ્વીકાર્ય બને તેવા વિકલ્પ ઉપલબ્ધ છે, તો તેનો ઉપયોગ થવો જોઈએ. નેપાળી ભાષા જો બોલાતી હોય તો તેનો સ્વીકાર કરીને, દિલ જીતવાની આ વાત છે. પરંતુ મમતા બેનરજી સત્તાના તોરમાં આવું કંઈ જ કરતાં નથી અને સ્વયંનું પતન નોતરી રહ્યાં છે.
મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પાસે સુરક્ષા દળોની માગણી કરી, જે તુરત જ મંજૂર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોઈ જ રાજકીય ક્ધિનાખોરી રાખી નથી, પરંતુ નોટબંધી વખતે મમતા બેનરજીના વિચાર અને પ્રત્યાઘાત કેવા હતા? તેનાથી પ્રજાજનો સારી રીતે માહિતગાર છે. દરેક બાબતે માત્ર પોતાનો જ કક્કો સાચો કરવાની માનસિકતા રાજકારણમાં સારી નથી. સરવાળે તો જ આ બાબત નુકસાનકારક પુરવાર થવાની જ છે. ઈશાન ભારતમાં મહત્ત્વનું અને વ્યૂહાત્મક સ્થાન ધરાવનાર આ વિસ્તારમાં ફેલાતી અશાંતિ રાષ્ટ્રને માટે ખતરનાક પુરવાર થઈ શકે છે, કારણ કે ત્યાં દેશદ્રોહી તત્ત્વોને ઘૂસવાનો અને મોકાનો લાભ લેવા અવસર મળે છે. આવી ભૂમિકા તૈયાર ન થાય તે જોવાની ફરજ રાજ્ય સરકારની છે. કેન્દ્ર સરકારે સુરક્ષા દળો મોકલતી વખતે આવી કોઈ જ શરત મૂકી નહોતી જે એક નોંધવા યોગ્ય બાબત છે.
કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે આંદોલન પાછું ખેંચાય અને શાંતિ સ્થપાય ત્યાર બાદ, મંત્રણા માટે નોંધપાત્ર ભૂમિકા સાથે સહાય કરવાની ખાતરી આપી છે. હાલમાં તો પશ્ર્ચિમ બંગાળના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં દરેક સ્તરે, પ્રત્યેક ક્ષેત્રમાં ગોરખા કોમ છતાંય મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આમ એક વખત વાતાવરણ કલુષિત થાય ત્યારબાદ તેના પ્રત્યાઘાત પણ તેવા જ આવતા હોય છે.
પશ્ર્ચિમ બંગાળમાં ૨૮-૨૯ વર્ષના સમયગાળા બાદ, ફરીથી ગોરખાલેન્ડના મુદ્દે અશાંતિ નિર્માણ થઈ છે. અહીં રાજકીય અણઘડતા વારંવાર જોવા મળી રહી છે. સત્તાનું અભિમાન મમતા બેનરજીના વ્યવહારમાં જોવા મળી રહ્યું છે. જે બાબતને શાંતિથી અને ચા-પાણી પીતાં ઉકેલી શકાય તેમાં રાઈનો પર્વત કરી નાખવામાં આવ્યો છે. સ્પષ્ટ રીતે આ નિષ્ફળતા બદલ માત્ર ને માત્ર મમતા બેનરજી જવાબદાર છે.

ગોરખાલેન્ડની માંગણી સો વર્ષ જૂની છે. જો કે, છેલ્લે તો ૧૯૮૬માં આ આંદોલન ફરી જોર પકડી ગયું હતું. ૨૭મી જુલાઈ, ૧૯૮૬ના દિવસે કલિમ્પોંગના મેદાનમાં ગોરખાલેન્ડની માંગણી તથા ૧૯૫૦માં થયેલી ભારત નેપાળ સંધિના વિરોધમાં એ જાહેરસભા યોજાઈ હતી અને એ સભા તોફાની બની હતી. એ બાદ ગોરખાલેન્ડ આંદોલન ફરીથી ભડકી ઉઠ્યું હતું. એ સમયે આંદોલનનું નેતૃત્વ સુભાષ ધીસિંગના હાથમાં હતું. અત્યારે જે નેતા આંદોલનને ચલાવી રહ્યા છે એ વિમલ ગુરુંગ એ સમયે યુવા નેતા તરીકે જાણીતા હતા.
૧૯૮૬-૮૮ વર્ષના હિંસક આંદોલન બાદ સ્થિતિ થાળે પડવા માંડી હતી. પરંતુ હવે ફરીથી જ્વાળામુખી ફાટી રહ્યો છે. દાર્જિલિંગ તેના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતું છે. કેપ્ટન લોઈડ અને જે ડબલ્યુ ગ્રાન્ટે દાર્જિલિંગ શોધ્યું હતું. ૧૮૬૬ના વર્ષે અંગ્રેજોએ દાર્જિલિંગમાં ચાની ખેતી શરૂ કરાવી હતી. ચાના બગીચામાં કામ કરવા માટે અંગ્રેજોએ નેપાળથી ગોરખા મજૂરોને બોલાવ્યા હતા. આ મજૂરો અહીં પહાડી વિસ્તારમાં જ વસી ગયા છે.
આજે ગોરખાઓની વસ્તી અહીં વધુ છે અને આંકડો દસેક લાખ સુધી પહોંચે છે. આ વિસ્તારમાં ગોરખાલેન્ડની માંગણી બાદ ગોરખા ટેરીટોરિયલ એડમિનિસ્ટ્રેશન અને ગોરખા જનમુક્તિ મોર્ચા હેઠળના નગર નિગમોમાં આર્થિક અનિયમિતતાની ઘણી ફરિયાદો આવી છે.

મમતાજીના પ્રશ્ર્નનો ઉત્તર સરળ નથી જ !

અલગ ‘ગોરખા લેન્ડ’ માટેની ઉગ્ર અને હિંસક બનતી જતી ચળવળ વિરુદ્ધ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે : ‘આટલા અને આવા નાનકડા વિસ્તારને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો, આ જ તર્કને આગળ કરતાં ભારતમાં ઓછામાં ઓછા ૧૯૨ રાજ્યોની નવરચના કરવી પડે. આવી સ્થિતિમાં ભારતીય રાષ્ટ્ર-રાજ્યની એકતા-અખંડતા અને વહીવટી સુશાસન અંગે જે પડકારો ઊભા થઈ શકે, તેનો અંદાજ ગોરખાલેન્ડ ચળવળના આગેવાનોને છે ખરો ?!’
મમતાજીના આક્રોશ અને તર્કમાં દમ તો છે જ. પરંતુ આવી ભયાવહ પરિસ્થિતિનું સર્જન, છેક પં. નહેરુજીના સમયથી શરૂ થયેલું તેનું સ્મરણ થઈ આવે છે. બૃહદ બંગાળના કોમી ધોરણે બે ભાગલા લોર્ડ કર્ઝન દ્વારા પાડવામાં આવ્યા. ૧૯૦૫માં તેની વિરુદ્ધ બંગ-ભંગ વિરોધી ચળવળ શરૂ થઈ, જેને રાષ્ટ્રીય સ્વાધીનતા આંદોલનનો દરજ્જો મળ્યો. છેવટે જનતાના જુવાળને કારણે બંગ-ભંગ રદ કરવું પડ્યું ! એ વખતે બૃહદ બંગાળમાં આસામ પ્રદેશ પણ આવરી લેવાયેલો.
પરંતુ ત્યાર પછી જિન્હાની આગેવાનીમાં મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાન માટે, ‘ડાયરેક્ટ એક્શન’ને નામે જે અમાનવીય હિંસાખોરી સામે આચરી અને હિન્દુઓની બેરહમ કત્લેઆમ ચલાવી, તેને કારણે આઝાદી સમયે ૧૯૪૭માં બંગાળના પુન: ભાગલા પડ્યા. આ વખતે પૂર્વ બંગાળ ‘પૂર્વ પાકિસ્તાન’ બની રહ્યું. આસામ - તેની ભાષાને આધારે, બંગાળથી અલગ હોવા છતાંય, તેનો સિલ્હટ જિલ્લો પૂર્વ પાકિસ્તાનનો ભાગ બની રહ્યો !
સ્વરાજનાં વર્ષોમાં પ્રધાનમંત્રી પંડિત નહેરુજીએ સામે ચાલીને, આસામ રાજ્યમાંથી ‘નાગાલેન્ડ’ નામનું અલગ રાજ્ય, આતંકી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવેલ હિંસક આંદોલનને કારણે અલગ ખંડી આપ્યું ! (આમ તો ‘ચર્ચ’માં ઈશુના ક્રુસ સામે સલામ-વંદના વેળાએ શાંતિ, ક્ષમા અને પ્રેમનો સંકેત અપાય છે, પરંતુ એ જ ખ્રિસ્તી મિશનરીઓ ચર્ચમાંથી બહાર આવતાં જ ‘નાગાલેન્ડ’ના જેવા આતંકી હિંસક બળવાખોર શાથી બની રહે છે ? કોઈક તો જણાવો!) પછી તો આ સિલસિલો ચાલ્યો અને આસામમાં મિઝોરમ, મણિપુર આદિ સાત અલગ અલગ નાનાં-નાનાં રાજ્યો- સેવન સિસ્ટર્સ તરીકે અલગ ખંડી લેવામાં આવ્યાં !
એ જ રીતે ગોવાનું, પોંડિચેરીનું નાનકડું રાજ્ય અને રાજધાની દિલ્હી ક્ષેત્રનું નાનકડું રાજ્યમાં પણ, આ જ તરંગ-લંબાઈ ઉપરનાં રાજ્યો છે. જો સેવન સિસ્ટર્સ આદિ રાજ્યોની રચના જ‚રી અને યોગ્ય ગણાતી હોય તો, ‘ગોરખાલેન્ડ’નો ઇન્કાર થઈ શકે ?! આના સ્વસ્થ, પ્રતીતિકર પ્રત્યુત્તરમાં જ ભારતવર્ષની વિવિધતામાં એકતાની મથામણનો અર્ક સમાયેલો છે !