કોહલી અને કુંબલેની કચકચે કરોડો ક્રિકેટ રસિકોને રડાવ્યા

    ૩૦-જૂન-૨૦૧૭

મિનિ વર્લ્ડ કપ સમાન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને કોચ અનિલ કુંબલે વચ્ચે તકરાર ઉજાગર થવી, ટુર્નામેન્ટ દરમિયાન બન્ને વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચવા અને પાકિસ્તાન જેવી કટ્ટર હરીફ ટીમ સામે ફાઈનલ મુકાબલામાં ભારતનો કારમો પરાજય થયા બાદ કોચ પદેથી કુંબલેનું રાજીનામું માત્ર સંયોગ હતો કે પછી ટીમના દેખાવ ઉપર આ સમગ્ર પ્રકરણની વિપરીત અસર થઈ એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે.
ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ધબડકા બાદ કોચ પદેથી અનિલ કુંબલેનું ત્યાગપત્ર તેની અને કપ્તાન કોહલી વચ્ચેની તકરારને પુષ્ટિ આપવા સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે બન્ને વચ્ચે સંબંધો સુધરે તે માટે કરવામાં આવેલા કથિત પ્રયત્નો પણ સફળ થયા નથી. સંભવત: આવો કોઈ પ્રયાસ જ ન થયો હોય અને ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલીની હામાં હા ભણી દીધી હોય તેવું પણ બની શકે, કારણ કે બોર્ડના જ એક અધિકારીએ બરાબર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ આ ટકરાવની વાત જાહેર કરી દીધી હતી. આ હરકતથી બોર્ડ કુંબલેને નીચો દેખાડવા માગતું હોય તેવું લાગ્યું. પ્રતિષ્ઠાના જંગ સમાન ટુર્નામેન્ટ વખતે જ કોચ અને કપ્તાનની ખટપટ બહાર આવતાં ટીમની સંઘભાવના ઉપર તેની વિપરીત અસર થશે તેવી દરકાર પણ લેવામાં આવી નહીં. ખબર નહીં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ક્રિકેટ પ્રશાસકોની સમિતિ આમાં માથું મારશે કે નહીં ! કોઈ ક્રિકેટ બોર્ડ પોતાની ટીમના હિતને જ નુકસાન પહોંચાડે તેનાથી વધુ ખરાબ પાસું કોઈ હોઈ ન શકે. કોચ અને કેપ્ટન વચ્ચે ખટરાગનું કારણ શું હતું એ હજી ચોક્કસપણે બહાર આવ્યું નથી. બન્ને વચ્ચે સંબંધ એટલો વણસી ગયો હતો કે અબોલા સંવાદહીનતા સુધી પહોંચી ગયા અને ત્યાં સુધી કોઈપણ બોર્ડ અધિકારી કે સિનિયર ખેલાડીએ તેમાં માથું મારવાની દરકાર સુધ્ધાં લીધી નહીં. કુંબલે જેવા સફળ અને પ્રતિષ્ઠાવાન ક્રિકેટર એક જ વર્ષમાં કોચપદની જવાબદારીનો ત્યાગ કરે તે સામાન્ય વાત નથી. કુંબલેને આવું અંતિમ પગલું ભરવાની ફરજ પડી તે જ દર્શાવી જાય છે કે બોર્ડે કોહલીને વધુ મહત્ત્વ આપ્યું છે. ક્રિકેટમાં સ્ટાર કલ્ચરના આક્ષેપોમાં તથ્ય હોવાનું આમાં પ્રતીત થાય છે. એક વાત તો દીવા જેવી ચોખ્ખી છે કે કોઈપણ કેપ્ટન કે ખેલાડી ગમે તેવો કરિશ્માઈ કેમ ન હોય પણ ક્રિકેટથી મોટો કે મહાન તો હોઈ જ ન શકે. આ સમગ્ર ઘટનાક્રમ દેખાડે છે કે ક્રિકેટ બોર્ડમાં અને ભારતીય ક્રિકેટમાં બધું યથાયોગ્ય ચાલી રહ્યું નથી. કદાચ તેનું જ પરિણામ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ ભોગવવાનું આવ્યું.
૧૯૯૮થી મિની વર્લ્ડ કપ સમાન આ વન ડે ટ્રોફી રમાતી આવે છે, જેમાં ૮ ટીમ વચ્ચેની ટક્કર કસોકસની બની રહે છે, કારણ કે આ ટુર્નામેન્ટમાં સેમિ ફાઈનલમાં પહોંચવા ફક્ત ત્રણ લીગ મેચ રમવાનો મોકો મળે છે, જેમાં એકાદ હારથી પણ નોક આઉટના દ્વાર બંધ થઈ જવાની શક્યતા હોય છે. આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ અનેક નાટકીય ચઢાવ-ઉતાર જોવા મળ્યા. આખરે જ્યારે અંતિમ પડાવ આવ્યો ત્યારે પાકિસ્તાને સહુને ચોંકાવીને બાજી મારી લીધી. પાક.ની જીતથી ફરી એકવાર સાબિત થયું છે કે ક્રિકેટની રમતમાં સૌથી વધુ અનિશ્ર્ચિતતા છે. પાકિસ્તાન વિજેતા બનશે તેવી આગાહી કોઈ ક્રિકેટ પંડિતે પણ કરી ન હતી. ભારત ઓસ્ટ્રેલિયા વિજેતા બનશે તેવી આગાહી. કોઈ ક્રિકેટ પંડિતે કરી ન હતી. ભારત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પર દાવ લાગી રહ્યા હતા, પણ પાકિસ્તાન સડસડાટ ચેમ્પિયન બની ગયું. હાર-જીત કોઈપણ ખેલનો એક ભાગ હોય છે અને અજેય લાગતી ટીમ અને ખેલાડીઓ પણ હારી જતા હોય છે. આમ છતાં ચેમ્પિયન્સ ટ્રોફીની હારને ભારતે અવગણવી પણ ન જોઈએ. ક્રિકેટ બોર્ડ કે ટીમના રાજકારણમાં ક્રિકેટને નુકસાન થતું હોય તો તેનો ઇલાજ થવો જોઈએ. ટીમનું મનોબળ અને એકતા બરકરાર રહે તો જ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવતા રહી શકાશે. એક રીતે જોઈએ તો ક્રિકેટની રમતને ચેમ્પિયન્સ ટ્રોફી દ્વારા ફખર ઝમન, હસન અલી, મોહમ્મદ આમિર જેવા નવા નાયકો મળ્યા છે, તો કેટલાક અનુભવી ખેલાડીઓની નિષ્ફળતાએ તેમના માટે ૨૦૧૯ના વર્લ્ડ કપ રમવા પર સવાલ ઊભા કર્યા છે. ભારતની જ વાત કરીએ પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંઘ અને સ્ટાર ઑફ સ્પીનર રવિચંદ્ર અશ્ર્વિનની ક્ષમતા પર આંગળી ચીંધાઈ રહી છે. આ ત્રણેય ખેલાડી મહાન છે, પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેઓ ટીમ સંયોજનમાં યોગ્ય સાબિત થઈ શક્યા નથી. યુવીના પાકિસ્તાન સામેની પ્રથમ લીગ મેચની ઇનિંગ જરૂર વિજયી સાબિત થઈ હતી, પણ તે સાતત્ય ખોઈ બેઠો છે અને ફિલ્ડિંગ પણ નબળી પડી છે. ધોની પાસે હવે પહેલાં જેવો ફિનિશરનો ટચ રહ્યો નથી. જ્યારે અશ્ર્વિન ફરી એકવાર ઉપખંડ બહારની વિકેટો પર નિષ્ફળ પુરવાર થયો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આગામી વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇંગ્લેન્ડની ધરતી પર જ રમાવાનો છે. આથી ભારતે આવતાં બે વર્ષ સુધી વર્લ્ડ કપને ધ્યાને રાખીને પ્રયોગ કરતા રહેવું પડશે. આટલું જ નહીં ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના વિવાદોથી ટીમના પ્રદર્શન ઉપરમ માઠી અસરો ન થાય તેની તકેદારી પણ માટે ક્રિકેટ બોર્ડ જવાબદારી બનશે.
આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર વન દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી ‘ચોકર્સ’ સાબિત થઈ. દબાણગ્રસ્ત મેચ અને આઈસીસીની ટુર્નામેન્ટમાં હારવાનો સિલસિલો દ.આફ્રિકાએ ચાલુ રાખ્યો. તો વિશ્ર્વવિજેતા ઓસ્ટ્રેલિયા માટે વરસાદ વિલન બની રહ્યો. યજમાન ઇંગ્લૅન્ડે જરૂર ત્રણેય લીગ મેચ જીતીને નેત્રદીપક દેખાવ કર્યો, પણ સેમિ ફાઈનલમાં તે પાક. સામે પાણીમાં બેસી ગયું. ન્યુઝિલેન્ડ અને શ્રીલંકાએ એકાદ મેચમાં ચમકારો કર્યો પણ તે ચેમ્પિયન કક્ષાનું પ્રદર્શન કરી શક્યા નહીં. બાંગ્લાદેશની ટીમ વનડે ફોર્મેટમાં કાઠું કાઢી ચૂકી છે. તેને સેમિ ફાઈનલમાં ભલે ભારત સામે હાર મળી, પણ તેનો દેખાવ નોંધપાત્ર બની રહ્યો. આમ ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ ક્રિકેટ ચાહકો માટે બ્લોકબસ્ટર બની રહી. આઈસીસીને પણ ફાયદો થયો. આથી હમણાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફી હવે પછી બંધ કરવાની વાતો કરનાર આઈસીસીને જાહેર કર્યું કે વર્ષ ૨૦૨૧માં ફરી ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે અને તેનું આયોજન ભારતમાં થશે.