લગ્નોમાં સામાજિક સુધારાનું કાશ્મીરનું ક્રાંતિકારી કદમ

    ૩૦-જૂન-૨૦૧૭

મીડિયામાં કાશ્મીરમાં લેવાયેલા એક ક્રાંતિકારી સમાજસુધારાનાં કદમની બહુ ઓછી નોંધ લેવાઈ છે. આમ તો ભારતના સ્વર્ગ સમું કાશ્મીર આતંકવાદ, હિંસા અને રક્તપાતથી હંમેશા ચર્ચામાં રહ્યું છે, પણ હમણાં લગ્નમાં મહેમાનોની સંખ્યા અને ભોજન પર જે નિયંત્રણ મૂક્યાં તે દેશનાં બીજાં રાજ્યો માટે નવો રાહ ચીંધે છે.
જોકે, લોકસભામાં હમણાં એક મહિલા સાંસદે લગ્નમાં વધુ પડતા ખર્ચને નિયંત્રિત કરવા એક બિનસરકારી વિધેયક દાખલ કર્યું છે. જેમાં તેમણે ‚રૂ. ૫ લાખથી વધુ લગ્નખર્ચ કરનારને ખર્ચની ૧૦ ટકા રકમ ગરીબોના લગ્ન માટે કલ્યાણ ફંડમાં આપવાની જોગવાઈ સૂચવી છે. આ રકમ ગરીબ ક્ધયાઓનાં લગ્ન માટે વપરાશે. આ બિલ સંસદમાં ચર્ચા પર આવશે ત્યારે રસપ્રદ ચર્ચાઓ થશે.
સંસદ તો કરતાં કરશે પણ કાશ્મીરની સરકારે પહેલ કરી દીધી છે. પરિણામે દેખાડો કે પ્રદર્શનો માટે થતા વૈભવી લગ્નના ભપકા પર નિયંત્રણો આવી શકશે. કાશ્મીરમાં માત્ર ખર્ચ જ નહીં પણ બીજાં અનેક અનેક નિયંત્રણો મુકાયાં છે તે સરાહનીય છે. એટલું જ નહીં પણ એનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહીની જોગવાઈ છે. લગ્નમાં સુધારા માટે નિયમો બનાવીને ખર્ચને નિયંત્રિત કરનારું કાશ્મીર દેશનું પ્રથમ રાજ્ય છે.
નિયમ મુજબ છોકરીનાં લગ્નમાં ૫૦૦ અને છોકરાનાં લગ્નમાં ૪૦૦થી વધુને નહીં બોલાવી કે જમાડી શકાશે અને નિમંત્રણ કાર્ડ સાથે કોઈ મીઠાઈ કે અન્ય પ્રકારની ભેટ પણ મોકલી શકાય નહીં. શાકાહારી કે માંસાહારી ભોજનમાં ૭થી વધુ આઈટમ નહીં રાખી શકાય અને બે જ મીઠાઈ પીરસી શકાશે. લગ્નમાં ડીજે, ઓરકેસ્ટ્રા કે લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં કરી શકાય. ફટાકડા કે લાઈટિંગ-આતશબાજી પર પણ પ્રતિબંધ લગાવાયો છે. વધેલી ભોજનસામગ્રી યોગ્ય રીતે પેક કરીને વૃદ્ધાશ્રમ કે જ‚રિયાતમંદોને વહેંચી દેવાની રહેશે.
આમ સમગ્ર નિયંત્રણો પાછળ ખર્ચ ઘટાડવાની સાથે બગાડ અટકાવવાનો અને સમાજસુધારાનો પણ એક નૂતન અભિગમ છે. લગ્નોમાં નિત્ય નવી ઈવેન્ટમાં તાયફા વધતા જાય છે અને લગ્ન પારિવારિક કે અંગત પ્રસંગને બદલે જાહેર ઉજવણીનો પ્રસંગ બનતો જાય છે. લગ્ન એક સંસ્કાર કે ધાર્મિક વિધિને બદલે પ્રસંગ યોજનાર માટે ભારે માનસિક તાણનો પ્રસંગ બની રહ્યો છે. દેખાદેખીથી લાંબા સાથે ટૂંકો પણ જોડાય છે અને મરે નહીં તો માંદો જરૂર પડે છે. એક જમાનામાં મરણ પાછળનું બારમું એક સામાજિક કુરિવાજ ગણાતો તે હદે હવે લગ્નોની ઉજવણી થવા લાગી છે. લગ્નમાં બે વેવાઈ પક્ષોના મેચિંગની શું જ‚ર છે ? છપ્પન ભોગની આઈટમો હોય એમાંયે ગુજરાતી એટલે બધું જ ચાખ્યા વિના તો રહે નહીં એટલે પોણા ભાગની ડિશ ભરેલી મૂકી દીધી હોય તેવી જોવા મળે. રસોઈના મેનૂને માણસના આરોગ્ય સાથે તો હવે કશોય સંબંધ રહ્યો જ નથી. ફટાકડા હવાને પ્રદૂષિત કરે છે. વાહનોની લાંબી હારમાળા અને નાચતા જતા વરઘોડા અન્ય લોકોના સમય કે ટ્રાફિકનો, નેતાઓની રેલીઓ કે મેરેથોન દોડની માફક ખ્યાલ જ રાખતા નથી. મોડી રાત સુધી નવરાત્રિની પેઠે ચાલતાં ડીજે ધ્વનિપ્રદૂષણ વધારે છે. આ બધું અંતે તો લોકોના કલ્યાણ માટે જ નિયંત્રિત કરવાની જરૂર પડે છે, પણ લોકો જાતે સમજતા નથી. પરિણામે કાયદાનો દંડો ઉગામવાની સરકારને ફરજ પડે છે. ગુજરાત જેવા રાજ્યમાં દારૂબંધી વર્ષોથી હોવા છતાં હવે તો લગ્નોમાં દારૂની કોઈ નવાઈ જ નથી. એ જ રીતે ફૂલોનો પણ વ્યાપક વપરાશ કે બગાડ જોવા મળે છે. લગ્નમાં જે ખર્ચ કરે છે તે વ્યક્તિનું પોતાનું ધન છે પણ સાથે સાથે તે રાષ્ટ્રીય સંપત્તિ પણ છે તે ભુલાવું ન જોઈએ. વળી પ્રદૂષણથી પર્યાવરણને કે સમાજને નુકસાન થાય તેની સૌએ ફિકર કરવી જોઈએ. લોકો સમજપૂર્વક પ્રસંગ ઊજવતા નથી અને લગ્નને અંગત બાબત સમજીને બેફામ દુરુપયોગ કરે ત્યારે સરકારને આગળ આવવું મુશ્કેલ પડે છે.
ગુજરાતે લગ્નના ખર્ચ ઘટાડવા સમૂહલગ્નનો ઉત્તમ માર્ગ દેશને ચીંધ્યો છે. દરેક જ્ઞાતિમાં અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નો પણ ગુજરાતમાં ઠેરઠેર દર વર્ષે યોજાય છે અને સામાન્ય પરિવારોને લગ્નખર્ચમાં રાહત થાય છે પણ આવાં સમૂહલગ્નોમાં જોડનારા પણ પાછા ઘરે જુદો જમણવાર રાખે છે.
લગ્ન એ માણસનો સામાજિક પ્રસંગ છે, અંગત પ્રસંગ છે. તેથી તેની પરનાં નિયંત્રણો ઘણા બુદ્ધિજીવીઓને લોકશાહીના સિદ્ધાંતની વિરુદ્ધ લાગે છે, પણ આવા પ્રતિબંધો દારૂબંધીની પેઠે સમાજના વ્યાપક હિતમાં છે અને લોકો સ્વેચ્છાએ પાળતા ન હોવાથી આવાં નિયંત્રણો આવશ્યક બની જાય છે. જો કે ૧૯૭૩માં પણ કાશ્મીરમાં લગ્નમાં ૭૫ માણસો બોલાવવાનો નિયમ ઠરાવ્યો હતો પણ લોકોનો વિરોધ થયો હતો અને મામલો રાજ્યની હાઈકોર્ટ સમક્ષ ગયો હતો. આથી હાઈકોર્ટે તે આદેશ સામે રોક લગાવી દીધી હતી. આવા કાયદા માનવઅધિકાર કે લોકશાહીના નામે કોઈ કોર્ટ સમક્ષ જાય તો કોર્ટે પણ તેમના અને પ્રજાના વ્યાપક હિતમાં ને વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારવું જોઈએ. આપણે ઇચ્છીએ કે બીજાં રાજ્યો કાશ્મીરના નિયમોને અનુસરે.