આવી જા ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક ખાવા

    ૩૦-જૂન-૨૦૧૭


હે મેઘ... આજે આ સંદેશ લખવા બેઠો છું ત્યારે મારા હાથમાં મેઘદૂત છે, કાલિદાસના શબ્દો સળવળ્યા છે, અહીં અષાઢનો તડકો છે, અષાઢ આપણો કવિઓનો લાડકો મહિનો છે પણ આજે તો સ્મશાનેથી આવેલા કોઈ વિધુર જેવો બેઠો છે. કેલેન્ડરના ઓટલા ઉપર... એક વખત કાલિદાસે તને સંદેશવાહક તરીકે પસંદ કરીને એક અમર કાવ્યરચના કરીને જગતને મંત્રમુગ્ધ કરી દીધું હતું. આજે એના શબ્દો અને મંદાક્રાંતા છંદને આલાપું છું ત્યારે મંદાક્રાંતાને બદલે ઉગ્રાકાંતા કે વ્યગ્રાકાંતા જેવું સંભળાય છે. ક્યારેક અંધારેલું આભ જોઈને વિહ્વળ થઈને દોડી જાઉં છું મેદાનમાં, હાથ લંબાવીને ગાવા લાગું છું પણ તારા કાનને શી ખબર શું થઈ ગયું છે, તું રિસાઈને આગળ નીકળી જાય છે, હું અવાક બની જાઉં છું, તારો આ રિસાયેલી રાણી જેવો વ્યવહાર અને મારી ભીંજાયેલી વાણીનો અસંવાદ જોઈને કેટલાયે મોર મૌન બની જાય છે.
ટહુકાની ક્ષણ પકડવા ઊભેલા ઋષિ જેવા બે લીમડાના નિસાસાથી વેરાન બનેલા રસ્તાને જાણે કે એક તિરાડ પડી છે. પાણીનો વાહક તું આમ વાણીનો અવાહક બને તે કેમ ચાલે મેઘ... તારો તો અવતાર જ વરસી જવા માટે છે, તું ક્યાંથી આવી ભાગી જવાની કુટિલતા શીખ્યો ? આજે કલમ કહેતાં પેન થાકીને ઊંઘી જવાના મૂડમાં હતી ત્યાં આકાશમાં કંઈક ગડમથલ સંભળાણી એટલે પે’લી ગભરુ ગોપીઓની જેમ દોડતી આવી અને તું તો તારા પવનદોસ્તારો સાથે ચાલી નીકળ્યો, ભૂલીશ નહીં તું ઘનશ્યામ છે, આમ નુક્કડ પર ઊભેલા છોકરાઓ જેવું વર્તન કરીને તારું ભાગી જવું શોભતું નથી. યાદ છે, અષાઢમાં તો શેરીમાં ન્હાવા નીકળેલી વિરહિણીનાં આંસુ ચાખીને તું જ તો બોલી ઊઠેલો, ‘અરે ! આ કયા સમુદ્રનાં જળ !’
જવાબમાં એની સખીઓએ તને કહેલું, ‘જળ ખરાં, પણ એમાં બળ બળતરાનાં, ને કળ કરુણાની, વિરહની.’ અને આ ચતુર જવાબ સાંભળી તું વધુ વરસતો, શેરીના રસ્તા પર પડેલું પગલાઓનું પાથરણું ફાટી જાય ત્યાં સુધી.. કેવી તારી આબરૂ છે અમારા ગામમાં, પંથકમાં... પે’લી કુંવારી કન્યાઓના કોડ એક કોડિયામાં વાવ્યાં હોય અને તારી વાછટમાં થોડું વીંધાય, થોડું લીલું શમણું વીંધાય, પછી અજવાળાનું હરણ ફરવા નીકળે ત્યારે જવારા મલકાય. કોડભરી કન્યાનાં આ વ્રતોના દિવસોમાં તું અમારા ગામમાં નહીં આવે તો દાઝી જઈશ મિત્ર...! બીજા દેશ કે સંસ્કૃતિની તો ખબર નથી પણ અમારે ત્યાં તું મહેમાન નહીં થાય તો ‘ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક’ નહીં મળે... અને હા... આમાં ખાવાનું જેટલું મહત્ત્વ છે એનાથી અનેકગણું મહત્ત્વ તો ગાણાનું અને ગાનારનું છે, તને કયા ગુના માટે ઇંદ્રદેવે આવી વિરહસજા ફટકારી છે, મિત્ર !’
કાલિદાસે તો તને સંતપ્તોનું શરણ કહ્યો હતો, તું તો દાનવીર કર્ણની ન્યાતનો અને દેખાવે મારા પ્રિય કા’ના જેવો ! તને શોધવા માટે કેટલા બધા હવામાનશાસ્ત્રીઓ દૂરબીનો લઈને બેઠા છે પણ મને ખબર છે તું તો એક ચાતકની ઝીણી ચીસથી પણ આવી પહોંચે એમ છે. અને તું બરાબર જાણે છે, અમારે ત્યાં તો સ્ટ્રેસ એ જ સ્ટેટ્સ છે, તું વરસીશ ને તો તારા ભવ્ય સંગીત સમારંભમાં જ શાંતિ પામશે મારા નગરના અનેક સંતપ્ત આત્માઓ, અને સંતૃપ્ત આત્માઓ પણ.. અને એ જ તો તારી વિશેષતા છે. અનેક પ્રકારના લોકો તને જુદી જુદી રીતે ચાહે છે. કવિઓના કાગળમાં કે કમ્પ્યુટરમાં એક કંપન ઊઠે છે. ખેડૂતના હળની કિનારને ભાષા ફૂટવાના અણસાર ઊગે છે, કુંવારી કન્યાના સ્માર્ટફોનમાં મસ્તીભર્યું વાદળી અજવાળું વરસે છે. બગીચાના બાંકડે પલળી ગયેલા વૃદ્ધને લાગેલી ઠંડીમાંથી કેટકેટલી કથાઓ વહેવા લાગે છે, બસસ્ટેન્ડથી નીકળતી યુવતી છત્રી ખોલીને જે છણકો કરે છે એનો પડઘો તારા સુધી તો કેવી રીતે પહોંચે, પણ રેઈનકોટ પહેરીને શેરીમાં નીકળેલાં બાળકો અચાનક જ મોટા થઈ ગયેલાં લાગે છે. તું ગજબ છે. ખેતરના ચાડિયાના હાડપિંજરને જે રીતે તું હચમચાવે છે તે મારે માટે એક ચાક્ષુષ-ચમત્કાર છે, તું વાદળ છે, દળ નહીં. તું મેઘ છે, મેદ નહીં.. તું આકાશ અને ધરતી વચ્ચેની રેશમી દોરીની ઉકેલી શકાય તેવી ગાંઠ છે. આ સંદેશો તો માત્ર મારા ભાવનો એક નાનકડો અણસાર જ છે. એને સાર સમજીને આવી જજે. હું મારી ખુલ્લી મુઠ્ઠીમાં પૃથ્વી લઈને ઊભો છું...