વિજય માલ્યા ભારત પાછો ફરશે કે કેમ ?

    ૩૦-જૂન-૨૦૧૭


ભારતની બેન્કોને ૯૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને બ્રિટનમાં શરણું લેનારા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં ભારત સરકારની ફજેતી થઈ છે. બ્રિટનની કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા ધારાશાસ્ત્રી આરોન વોટક્ધિસે કબૂલ કર્યું હતું કે તેમને પુરાવા રજૂ કરવા માટે વધુ સમય જોઈએ છે. આ સાંભળી વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના મુખ્ય મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટે ટોણો માર્યો હતો કે તમને પુરાવા રજૂ કરવા છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હજુ તમને કેટલો વધુ સમય જોઈએ છે ? બ્રિટનની કોર્ટમાં ભારતના થયેલા ધબડકા પાછળ વિજય માલ્યાના કેસમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી શિથિલ તપાસ છે.
હવે વિજય માલ્યા ક્યારેય ભારત પાછો ફરશે કે કેમ ? તેવી શંકા પેદા થઈ રહી છે.
ઈ.સ. ૧૯૯૨ની સાલમાં ભારત અને બ્રિટન વચ્ચે ગુનેગારોની આપલે બાબતમાં પ્રત્યાર્પણ સંધિ થઈ તે પછી ભારતે અડધો ડઝન આરોપીઓની સોંપણી બાબતમાં બ્રિટનની કોર્ટમાં કેસો કર્યા છે, પણ અત્યાર સુધી તેમાંના એકમાં જ સફળતા મળી છે. ઈ.સ. ૨૦૦૨ના ગુજરાત રમખાણ કેસનો આરોપી સમીર વિનુભાઈ પટેલ ભાગીને બ્રિટન પહોંચી ગયો હતો. સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે સમીરની ઈ.સ. ૨૦૧૬ના ઑગસ્ટમાં ધરપકડ કરી તે પછી ભારતે તેના પ્રત્યાર્પણ માટે માગણી કરી હતી. નવાઈની વાત છે કે સમીરે પ્રત્યાર્પણની માગણીનો વિરોધ ન કર્યો એટલે બ્રિટનના સત્તાવાળાઓએ ભારતની માગણી માન્ય રાખી હતી. સમીરને ઑક્ટોબરમાં ભારત લાવવામાં આવ્યો હતો.
અગાઉ ભારતે બીજા ચાર આરોપીઓના પ્રત્યાર્પણ માટે માગણી કરી હતી, પણ તેમાંથી એક પણ કેસમાં ભારતને સફળતા મળી નથી. ગુલશન કુમાર મર્ડર કેસનો આરોપી સંગીતકાર નદીમ બ્રિટનમાં જલસા કરે છે. ગુજરાતના બોમ્બધડાકા કેસના આરોપી ટાઈગર હનીફે પણ બ્રિટનમાં રાજ્યાશ્રય લીધો છે. ઇન્ડિયન નેવી વૉર રૂમ લિક કેસના આરોપી રવિ શંકરને પણ ભારત પાછો લાવવામાં સરકારને સફળતા મળી નથી. આઈપીએલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા લલિત મોદી પણ બ્રિટનમાં મજા કરે છે, તો વિજય માલ્યાને સરકાર ભારત કેવી રીતે લાવશે ?
જો ભારત સરકાર વિજય માલ્યાની વિરુદ્ધમાં જડબેસલાખ પુરાવાઓ રજૂ કરે અને કેસ જીતી જાય તો પણ તેને ભારતમાં લાવતાં વર્ષો વીતી જાય તેવી કાનૂની ગૂંચવણો બ્રિટનમાં છે. વિજય માલ્યા સામે હાલ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેનો ચુકાદો આ વર્ષના ડિસેમ્બર મહિનામાં આવવાની વકી છે. આ ચુકાદાને વિજય માલ્યા હાઈકોર્ટમાં પડકારી શકે છે. હાઈકોર્ટમાં ચુકાદો વિરુદ્ધમાં આવે તો વિજય માલ્યા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં હાર્યા પછી પણ તે સરકારને દયાની અરજી કરી શકે છે. ટાઈગર હનીફ ઈ.સ. ૨૦૧૩ના એપ્રિલમાં સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગયો તે પછી તેણે બ્રિટનના હોમ સેક્રેટરી સમક્ષ દયાની અરજી કરી હતી. ચાર વર્ષ પછી પણ દયાની અરજીનો ચુકાદો આવ્યો નથી. આ કાનૂની ગૂંચવણનો લાભ વિજય માલ્યા જરૂર ઉઠાવશે.
ઈ.સ. ૧૯૯૨માં ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર સહી કરવામાં આવી ત્યારે ભારતમાં પી.વી. નરસિંહરાવની કોંગ્રેસી સરકાર હતી જેના ગૃહપ્રધાન શંકરરાવ ચવાણ હતા. આ સંધિની પાંચમી કલમમાં જણાવવામાં આવ્યું છે કે જો ગુનો રાજકીય કક્ષાનો હોય તો પ્રત્યાર્પણની માગણી સ્વીકારવામાં આવશે નહીં. વિજય માલ્યા કોર્ટમાં એવી દલીલ પણ કરી શકે છે કે એનડીએની સરકાર રાજકીય વેર વસૂલ કરવા તેના પ્રત્યાર્પણની માગણી કરી રહી છે. વિજય માલ્યાએ પ્રત્યાર્પણની માગણીનો પ્રતિકાર કરતાં એવી દલીલ કરી છે કે જો તે ભારત પાછો ફરશે તો ભારતની જેલમાં તેની શારીરિક સતામણી કરવામાં આવશે. આ દલીલ બહુ વજૂદ ધરાવે છે, કારણ કે બ્રિટનની અદાલતો પ્રત્યાર્પણ કરનારા ગુનેગારોના માનવ અધિકારો માટે બહુ કાળજી કરે છે.
બ્રિટન રાજકીય અને ધાર્મિક દમનનો ભોગ બનેલા દુનિયાભરના નાગરિકો માટે અભયારણ્યની ગરજ સારે છે. આ કારણે ઓગણીસમી સદીના સુધારક સેમ્યુઅલ સ્માઈલે બ્રિટનને અત્યાચારનો ભોગ બનેલા નાગરિકોનું સૌથી મોટું આશ્રયસ્થાન ગણાવ્યું હતું. બ્રિટનના કાયદાઓ મુજબ આર્થિક ગુનાઓ ફોજદારી નહીં પણ દીવાની કોર્ટોના કાર્યક્ષેત્રમાં આવે છે. આર્થિક ગુનો પુરવાર થાય તો પણ સજા કરવામાં આવતી નથી પણ દંડ ફટકારવામાં આવે છે. આ કારણે રશિયાના ઘણા આર્થિક ગુનેગારોએ બ્રિટનમાં શરણું સ્વીકાર્યું છે. વિજય માલ્યાએ બ્રિટનના કોઈ કાયદાનો ભંગ કર્યો નથી. આ કારણે બ્રિટનની અદાલત તેના પ્રત્યે કૂણું વલણ અખત્યાર કરે તેવી સંભાવના છે.
કિંગફીશરના કેસમાં વિજય માલ્યા જવાબદાર છે, પણ તેના કરતાં વધુ જવાબદાર બેન્કોના ટોચના અધિકારીઓ છે, જેમણે પૂરતા જામીન વિના વિજય માલ્યાને અબજો રૂપિયાની લોન આપી. આ કેસમાં યુપીએ સરકાર જવાબદાર છે, જેણે વિજય માલ્યા સામે સમયસર કેસ ન કર્યો. આ કેસમાં વર્તમાન એનડીએ સરકાર જવાબદાર છે, જેણે કેસ દાખલ કર્યા પછી પણ વિજય માલ્યાને દેશ છોડીને ભાગી જવાની સગવડ કરી આપી. વિજય માલ્યા ભલે દેશ છોડીને ચાલ્યો ગયો, તેને મદદ કરનારાઓ આપણા દેશમાં જ છે. શું દેશની અદાલતો આ ગુનેગારોને સજા કરી શકશે ખરી ?