ભારતવર્ષસ્ય યોગાસનેષુ વિશ્ર્વ વિક્રમ નિર્મિત:

    ૩૦-જૂન-૨૦૧૭

૨૧મી જૂન, ત્રીજા વિશ્ર્વ યોગદિને સમગ્ર વિશ્ર્વ ખરા અર્થમાં યોગમય બન્યું. પાછલાં ત્રણ વર્ષમાં વિશ્ર્વભરમાં યોગનો પ્રભાવ ખૂબ વધ્યો છે તે વાત ઊડીને આંખે વળગે છે. ચીનના પ્રખ્યાત ગ્લાસ બ્રિજ પર કૉલેજીયન યુવતીઓનાં યોગાસનો, અમેરિકાનાં ટાઈમ સ્કવેર ખાતે યુવાનોનાં સામૂહિક યોગાસનો, બ્રિટનનાં પ્રખ્યાત પૌરાણિક સ્થાન પર લોકોએ એકઠાં થઈ પ્રાણાયામ કર્યા. ૯૪ વર્ષનાં એક જાપાની મહિલાં તો એટલાં અભિભૂત થયા કે ૨૧મી જૂને ભારત આવીને યોગની વિવિધ મુદ્દાઓ શીખવી. પેરુના પ્રાચીન શહેર મચુ પિચ્છુથી લઈને સિયાચીનમાં ભારતીય જવાનોએ હાડ થિજાવી દેતી ઠંડીમાં ઉત્સાહભેર યોગદિન ઉજવ્યો. પાકિસ્તાન, મલેશિયા, દુબઈ જેવા મુસ્લિમ દેશોમાં પણ યોગ દિવસ મનાવાયો. ગત વર્ષે દુબઈનાં બૂર્જ ખલિફામાં યોગ શિબિર યોજાઈ જેમાં ૧૦ હજારથી વધુ મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો. પાકિસ્તાનનાં શમશાદ હૈદર નામનાં યોગગુરુ તો ખ્યાત છે જ. આ બધી શુભગ ઘટનાઓની વાયરલ થયેલી તસવીરોમાં સૌનાં ચહેરાં પર દેખાતું સ્મિત અને ઉત્સાહ જ ‘યોગ’ની સર્વસ્વીકૃતિનો બોલતો પુરાવો છે.
કર્ણાવતીમાં બાબા રામદેવજીની નિશ્રામાં ૨૪ જેટલાં વિશ્ર્વ રેકોર્ડસ નોંધાયા. યોગાર્ચનમ સંસ્થાની યોગશિબિરમાં વિરલ રાવલ અને તેમનાં નવ મહિનાના ગર્ભવતી પત્ની નિહારીકાએ કપલયોગ કર્યો. આવી તો અનેક વિશેષતાઓ દેશભરમાં બની. બાળક, વૃદ્ધ, પુરુષ, મહિલા, યુવાન, સેલિબ્રિટી અને સામાન્ય આદમી બધા યોગમય બન્યા. બાબા રામદેવ યોગ થકી ૧ લાખ ગાડાઓ સુધી પહોંચ્યા છે અને ૧૧ લાખ સુધી પહોંચવાની નેમ છે. એ પણ શુભયોગ છે.
યોગ સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને સિધ્ધિઓનો પ્રેરક છે. યોગ ધર્મ, આસ્થા અને જ્ઞાનથી પણ ઉપર છે. એક સરળ વિજ્ઞાન છે, જીવન જીવવાની કળા. પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ, બધા પ્રકારનાં બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે. ઋષિ પતંજલિએ ઇશ્ર્વર સુધી સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે તે યોગ છે.
૫૦૦૦ વર્ષ પુરાણા આ ‘યોગ’નો સૌથી પહેલો પ્રયોગ ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયે અર્જુનને આપેલા ઉપદેશ વખતે કર્યો હતો. વિષાદ પામેલા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ તથા સાંખ્યયોગનું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું હતું.
શ્રીકૃષ્ણ કહે છે : ‘આ યોગ ખૂબ ખાનારને સિદ્ધ થતો નથી તથા બિલકુલ ના ખાનારને પણ સિદ્ધ થતો નથી. તે જ રીતે ખૂબ ઊંઘનારને પણ સિદ્ધ થતો નથી અને હંમેશાં જાગનારનેય સિદ્ધ થતો નથી. દુ:ખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનારાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારને તથા યથાયોગ્ય ઊંઘનાર તથા જાગનારને સિદ્ધ થાય છે. ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગાયુક્ત કહેવાય છે.’
‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ આ દેશની પ્રાચીન ધરોહર છે. ભારતમાં યોગને એક આધ્યાત્મિક પ્રક્રિયા કહે છે, જેમાં શરીર, મન અને આત્માને એકસાથે લાવવાનાં વેદોત્તર કાળમાં તે હઠયોગના નામથી પ્રચલિત છે. મહાત્મા ગાંધીએ અનાસક્તિ યોગનો વ્યવહાર કર્યો. પતંજલિ યોગદર્શનમાં ક્રિયાયોગ શબ્દ જોવામાં આવે છે. એ સિવાય પાશુપત યોગ અને માહેશ્ર્વર યોગ જેવા શબ્દો પણ ચર્ચામાં આવ્યા છે.
યોગ આધ્યાત્મિક કે શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ તો ઉત્તમ છે જ, પણ આધુનિક જમાનામાં યોગે વિકાસનાં અનેક દ્વાર પણ ખોલ્યા છે. યોગનું મહાત્મ્ય સર્વસ્વિકૃત બન્યું તેથી તે ક્ષેત્રને લગતી અનેક નવી તકો ઊભી થઈ છે. શિક્ષણમાં યોગ શીખવાડાય છે. જેથી બાળક નાની ઉંમરથી જ સ્વસ્થ અને તંદુરસ્ત બને. શૈક્ષણિક સંસ્થાઓમાં તથા સામાન્ય જનપ્રવાહમાં યોગ શીખવાની ઉત્સુકતાથી યુવાનો માટે વ્યવસાયની પણ વિપૂલ તકો ઊભી થઈ.
યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે. જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ થકી વિશ્ર્વનાં સંકટોનો સામનો કરવા માટે ઉત્તમ વિચારો અને શક્તિ પ્રાપ્ત થાય. તે જ યોગ દિન ઉજવવાની ખરી સાર્થકતા બની રહે. અંતે તો યોગ માટે યોગેશ્ર્વર ભગવાન શ્રીકૃષ્ણનો જ સંદેશ યાદ કરવો ઘટે. ‘યોગ: કર્મસુ કૌશલમ્’ - કર્મોમાં કુશળતા એ જ યોગ.
આપણે સૌ કર્મોની કુશળતા થકી ઉત્તમ સ્વાસ્થ્ય, ઉત્તમ જીવન, ઉત્તમ સંસ્કાર પામીએ અને સમગ્ર વિશ્ર્વ સાથે જોડાઈને નવા વિશ્ર્વ-વિક્રમો સર્જીએ એ જ શુભેચ્છા. જેથી સૌ ગૌરવથી કહીએ કે, ‘ભારતવર્ષસ્ય યોગાસનેષુ વિશ્ર્વવિક્રમ નિર્મિત:’