દરેક માતા-પિતાએ ખાસ જોવા જેવી ફિલ્મ : હિન્દી મીડિયમ

    ૩૦-જૂન-૨૦૧૭


કેટલીક ફિલ્મો આંખથી જોવા માટે નહીં, બંધ આંખ ખોલવા માટે હોય છે.
‘હિન્દી મીડિયમ’ ફિલ્મ આવી જ એક ફિલ્મ છે. જેઓ પોતાની આંખ અડધી બંધ રાખીને જાગવાનો ડોળ કરી રહ્યા છે તેમને આ ફિલ્મ જોઈને કોઈ ફરક નહીં પડે કારણ કે તેઓ જાગતા ઊંઘતા છે પણ જે લોકો ખરેખર જાગવા માગે છે તેને આ ફિલ્મ જગાડવા પ્રેરે તેવી છે.
જે માતા-પિતા પોતાનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવે છે તે માતા-પિતા હવે પછાત ગણાય છે. હિન્દી મીડિયમ ફિલ્મમાં જે વાત તારસ્વરે કરવામાં આવી છે તે વાત હૃદયના તાર સુધી પહોંચે તે જ‚રી છે.
હિમાલય જેટલા ભારેખમ સંદેશને હળવોફૂલ બનાવી હાસ્ય, વેધક કટાક્ષ સાથે ફિલ્મના પડદે રજૂ કેવી રીતે થાય એ જોવા, શીખવા, માણવા ‘હિન્દી મીડિયમ’ ફિલ્મ જોવી જ પડે. પહેલા દિવસથી ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે આ ફિલ્મને કરમુક્ત કરી છે. શિક્ષણની જે ઘોર ખોદાઈ ગઈ છે તેના પર આ ફિલ્મ વેધક પ્રહાર કરે છે, જેને બિરદાવવો જ પડે. ત્રણ તાળીનું માન આપવું જ ઘટે.
મલયાલમ ફિલ્મ ‘સોલ્ટ મેંગો ટ્રી’ બની. બંગાળી ફિલ્મ ‘રામધેનુ’ બની એની આ રિમેક છે. રૂપિયા ૧૫ કરોડના બજેટમાં બનેલી હિન્દી મીડિયમના દિગ્દર્શક છે સાકેત ચૌધરી. દિનેશ વિજય, કિશનકુમાર અને ભૂષણકુમાર પ્રોડ્યુસર છે. ઝીનત લાખાણી અને સાકેત ચૌધરી સ્ટોરી રાઈટર અને સ્ક્રીન પ્લેયર છે અને સરકાર પ્રસાદનું લાજવાબ એડિટિંગ છે. ૧૩૩ મિનિટની ફિલ્મમાં ૧૩૩ વાર મગજના જ્ઞાનતંતુઓ જાગૃત થઈને દર્શકોને વારંવાર યાદ દેવડાવે છે અંગ્રેજી મીડિયમનો મોહભંગ કરો. રાષ્ટ્રભાષા હિન્દીને પુન: જીવિત કરો.
દિલ્હી ચાંદની ચોકમાં એક લેડીઝ ટેલર. એના ગ્રાહકની દીકરી મીતા (સબા ક્યુમર : પાકિસ્તાની અભિનેત્રી)ના પ્રેમમાં પડે. રાજ બત્રા (ઇરફાન ખાન) બન્ને સરકારી હિન્દી મીડિયમમાં સાથે ભણેલાં. એમની દીકરી પ્રિયાને ઓનલુકર મેગેઝીનના સર્વે પ્રમાણે દિલ્હીની ટોપ પાંચ સ્કૂલમાં ભણાવવી એવા બત્રા દંપતીના સપના સાથે ફિલ્મની શ‚આત થાય. પપ્પા રાજ બત્રા કરતાં મમ્મી મીતાનું અંગ્રેજી ચઢિયાતું. પપ્પા જે શબ્દ અંગ્રેજીમાં બોલે, મમ્મી તરત જ એનો સ્પેલિંગ આવડે છે એમ પૂછે અને પપ્પાનો જવાબ દર વખતે રમૂજ પેદા કરે. મમ્મી ધાણી ફૂટે એમ ટેન્શનયુક્ત બોલે અને છેલ્લું વાક્ય તકિયા કલામ આવે : ‘અને પછી આપણી દીકરી પ્રિયા ડિપ્રેશનમાં આવીને ડ્રગ્સના રવાડે ચઢી જશે તો ?’
દિલ્હીની શ્રેષ્ઠ સ્કૂલ ‘પ્રકૃતિ’માં પ્રવેશ એને જ મળે જેનું ઘર સ્કૂલથી ૩ કિ.મી.ના અંતરે હોય. દીકરીની ઉચ્ચ કારકિર્દી માટે ચાંદની ચોક છોડી નવા ઘરમાં ભારે હૃદયે રાજ બત્રા પત્નીની જીદ સંતોષવા જાય. પ્રવેશ માટે વાલીનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે એટલે ટ્યુટર રાખે, છતાં ઇન્ટરવ્યુમાં નબળો દેખાવ થતા પ્રવેશથી વંચિત રહે. પત્ની નાસીપાસ થાય, પતિ એને ચાંદની ચોકમાં મીઠુના હુલામણા નામે બોલાવતો તે હાઈ-સોસાયટીમાં રોફ જમાવવા, દંભી શ્રીમંતો સાથે એડ્જસ્ટ થવા માટે ‘હની’ કહેતો થાય. રાજ બત્રા એના વિસ્તારના રાજકીય નેતાને મળે. પ્રિન્સિપાલને ડોનેશનના નામે લાંચ આપવા જાય. બધેથી કારમી નિષ્ફળતા મળે. ઘરે આવે ત્યારે એની દુકાન જે હવે રેડીમેઇડ ગારમેન્ટ શોપ થઈ ગઈ હતી, એનો નોકર મીઠાઈનું બોક્ષ લઈને સાહેબના ઘરે આવે, કારણ, એના પુત્રને ‘પ્રકૃતિ’ સ્કૂલમાં એડ્મિશન મળી ગયું હતું. એડ્મિશન રાઈટ ટુ એડ્મિશન (આર.ટી.આઈ.) ક્વોટાના કારણે મળેલું. રાજ બત્રા જે ઓછું અંગ્રેજી જાણનારો શ્રીમંત હતો તે દીકરી પ્રિયાના પ્રકૃતિ સ્કૂલના પ્રવેશ માટે પત્નીની એકમાત્ર ઇચ્છા પૂરી કરવા ગરીબ બનવાનું પસંદ કરે છે અને મધ્યાંતર પડે છે.
મધ્યાંતર પછી હૃદય વલોવી નાંખે તેવી ઘટનાઓ અને સંવાદો છે. માતૃભાષાના ચરણોમાં મસ્તક ઝૂકી જાય તેવા પ્રસંગો છે. પોતાની માતૃભાષાને પ્રેમ કરનારાએ તો આ ફિલ્મ જોવી જ રહી પણ જેને અંગ્રેજી મીડિયમનો ખૂબ મોહ હોય તેવા લોકોને આપણા ખર્ચે પણ ફિલ્મ બતાવવી રહી.