સુશાસનના ૩ વર્ષ : વામનમાંથી વિરાટ ત્રણ પગલાંમાં આકાશ આંબતી મોદી સરકાર

    ૦૯-જૂન-૨૦૧૭


૨૬ મે, ૨૦૧૪નો સૂર્યોદય ભારતીય ગણરાજ્ય અને ભારતીય રાષ્ટ્ર-રાજ્ય માટે સોનાનો સૂરજ બની રહ્યો. ત્રણ દાયકાની ગઠબંધન રાજનીતિ અને તેને કારણે ઉત્પન્ન રાજકીય અસ્થિરતા, રાજકીય અનિર્ણીતતાના ગ્લાનિમય માહોલમાં, મે ૨૦૧૪નો જનાદેશ રાજકીય સ્થિરતા, રાજકીય સંકલ્પશક્તિ, રાજકીય ઇચ્છાશક્તિ અને ભારતવર્ષના સર્વાંગીણ વિકાસ અને ‚પાંતર માટેના વસંતવૈતાલિક ‚પ બની રહ્યો. સહસા દેશની શાસન-વ્યવસ્થા, જાહેરજીવન, શિશિરની અંધકારમય થીજી ગયેલી બર્ફીલી બોઝીલ અનવસ્થામાંથી; નવચેતના-વાસંતી વાયરારૂપે યત્ર-તત્ર-સર્વત્ર મ્હોરી ઊઠી. વિકાસનું જીવનદાયી ઝરણું કલ-કલ નિનાદથી ગિરિ-કંદરાઓમાં પ્રતિધ્વનિત થતું અસ્ખલિત વહેવા લાગ્યું...
૫૪૩ લોકસભા બેઠકોમાંથી ભાજપાને ૨૮૨ બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી-ક્લીયર એન્ડ ક્લીન મેજોરિટી પ્રાપ્ત થઈ. ગુજરાતના તત્કાલીન યશસ્વી મુખ્યમંત્રી અને ભાજપા-એનડીએના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઈ મોદી; એનડીએ-૨ સરકારના પ્રધાનમંત્રી પદે આ‚ઢ થયા. શપથવિધિ સમારંભમાં ભારતના પડોશી - સાર્ક દેશોના વડાઓને નિમંત્રીને મોદીજીએ શુભ સંકેત આપ્યો કે, ભારત તેના તમામ પડોશીઓ-પાકિસ્તાન સહિત સહુ સાથે, મૈત્રી અને પારસ્પરિક સહયોગની વિકાસલક્ષી નીતિને સુદૃઢ કરવા સંકલ્પબદ્ધ છે. મોદીજીએ લોકસભા ચૂંટણી દરમ્યાન દેશવ્યાપી ઝંઝાવાતી ચૂંટણી-પ્રચાર સભાઓમાં દેશજનતા સાથે સીધો સંવાદ સંસ્થાપિત કરીને, કોટી-કોટી મતદારોની શુભકામનાઓ અર્જિત કરી. દેશજનતા, કિસાન, મહેનતકશ લોકો, યુવાનો, મહિલાઓ, ગરીબ, શોષીત, પીડિત, વંચિત સહુને મોદીના રૂપમાં એક સંકલ્પબદ્ધ રાષ્ટ્રનાયક આવી મળ્યાનો અહેસાસ થયો. આ રીતે પ્રચંડ જનાદેશ અને જનસમર્થનની લહેર ઉપર સવાર થઈ, મોદીજીએ ત્રણ વર્ષ અગાઉ તેમના સુશાસન-સંકલ્પના શ્રી ગણેશ કર્યા ! આ સંદર્ભમાં દેશજનતાને છેલ્લાં ત્રણ વર્ષમાં ઊંડી અનુભૂતિ થઈ રહી છે કે, વડનગરના એ વામન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ; મે ૨૦૧૪ આવતાં આવતામાં વામનમાંથી વિરાટમાં રૂપાંતરિત થઈ, આકાશને આંબતા ત્રણ સીમાચિહ્નરૂપ પગલાંથી ભવ્ય - દિવ્ય ભારતવર્ષના પુન:નિર્માણનો સંકલ્પ મૂર્તિમંત કર્યો છે. આ સંદર્ભમાં આજે ત્રણ વર્ષ પછી મોદીશાસનની કામગીરીનાં લેખાં-જોખાં પ્રાસંગિક બની રહેશે.

પ્રધાનમંત્રી પદના ગૌરવની પુન: પ્રતિષ્ઠા

૧૯૮૪ પછી ૨૦૧૪ સુધીના ત્રીસ વર્ષોમાં ૮ લોકસભા ચૂંટણીઓ યોજાઈ. તેનું કારણ ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮ની લોકસભા ચૂંટણીઓ પછી આ ત્રણેય લોકસભા અનુક્રમે બે વર્ષ, બે વર્ષ અને માત્ર એક વર્ષનું આયુષ્ય જ ભોગવી શકી. વી.પી. સિંહ, ચંદ્રશેખર, દેવગૌડા અને ઇન્દ્રકુમાર ગુજરાલ જેવા પ્રધાનમંત્રીઓને માત્ર એક એક વર્ષમાં અને અટલજીને ૧૯૯૬માં માત્ર ૧૩ દિવસ અને ૧૯૯૯માં માત્ર ૧૩ મહિનામાં જ બહુમતીના અભાવે પદત્યાગ કરવો પડેલો. જાણે કે ભારતીય સંસદીય શાસન-વ્યવસ્થામાં અસ્થિરતાનો દોર શરૂ થયો. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએનો પરાજય થયો. ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર આવી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં પણ એ સિલસિલો ચાલુ રહ્યો. ડૉ. સિંહ પુન: સત્તારૂઢ થયા, પરંતુ એ સમગ્ર દાયકામાં - વિશેષ કરી ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચેના પાંચ વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી પદનું ગૌરવ તળિયે બેસી ગયું ! ડૉ. સિંહની સરકાર અનિર્ણાયકતા અને મહાગોટાળાઓ - ભ્રષ્ટાચારનો પર્યાય બની રહી. આ પ્રકારની પાર્શ્ર્વભૂમિકામાં મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી દેશજનતાને એક સમર્થ, દૃઢનિશ્ર્ચયી, દૃષ્ટિવંત, સંકલ્પબદ્ધ, નિર્ણાયક, દેશજનતાના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પૂર્ણ સમર્પિત એવા પ્રધાનસેવકરૂપ પ્રધાનમંત્રી મોદીજીના ‚પમાં આવી મળ્યા. મોદીજીના આગમન સાથે જ છેલ્લાં ત્રણ વર્ષમાં દેશજનતાને પ્રતિક્ષણ એવી પ્રતીતિ થાય છે કે, દેશમાં કોઈક ધીર-વીર, દેશજનતાને પૂર્ણ સમર્પિત કર્મયોગી નેતૃત્વ, નિરંતર જનતાની ખિદમતમાં અહોરાત્ર પુરુષાર્થની પરાકાષ્ઠા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીપદના ગૌરવ-ગરિમા-આભા-પ્રભાયુક્ત; લોકો સાથે સમસંવેદન અનુભવતા એક રાષ્ટ્રનાયક - રાજપુરુષના રૂપમાં મોદીજી લોકહૃદયમાં સુપ્રતિષ્ઠ થયા છે. પ્રધાનમંત્રી પદની ગૌરવપ્રતિષ્ઠા સાથે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ એક નવચૈતન્યની પ્રતીતિ થઈ આવે છે...

અનેકવિધ વિકાસ અને પરિવર્તનલક્ષી કામગીરી માટેની નવી કાર્ય-સંસ્કૃતિનો પ્રારંભ

મોદીજીએ પ્રધાનમંત્રી બન્યાના પહેલા દિવસથી જ દેશજનતા સમક્ષ વર્ક-કલ્ચર, કાર્ય-સંસ્કૃતિનો આદર્શ સુપેરે પ્રસ્તુત કર્યો છે. ભારતના દિલ્હી-પાટનગરમાં બાબુશાહી ૬૭ વર્ષોથી લહેર કરતી હતી. હોતા હૈ ચલતા હૈની નીતિ-રીતિથી દેશજનતા ત્રસ્ત હતી. મોદીજીએ સવારે ૯.૦૦થી સરકારી કચેરીઓમાં કાર્યારંભનો સંદેશો સાફ સુણાવ્યો. વહેલી સવારથી મોડી સાંજ સુધી સરકારી બાબુઓએ અને મંત્રીમંડળે પણ સખત મહેનત અને પરિશ્રમની પરાકાષ્ઠા પ્રદર્શિત કરવી પડે છે.

મૈત્રી-વિસ્તારની વિદેશનીતિ

હાલના ગ્લોબલાઈઝેશનના માહોલમાં કોઈ પણ દેશની સરકાર, વૈશ્ર્વિક-પ્રવાહોના સંદર્ભમાં જ પોતાની વૈશ્ર્વિક ભૂમિકા માટે, પોતાના દેશને અને સરકારને પરિચાલિત કરી શકે. મોદીજીએ શ્રીમતી સુષ્માજી સ્વરાજના સક્ષમ સક્રિય વડપણ નીચે; ભારતની વિદેશનીતિના ઇતિહાસમાં સ્વર્ણિમ પૃષ્ઠ ઉમેર્યું છે. ભારતની પંડિત નહેરુજી વખતની બિનજોડાણની નીતિ આદર્શ માટે ઉપયુક્ત હતી, પરંતુ તળધરાની વાસ્તવિકતાની કસોટી ઉપર, ભારતને અણીને સમયે મદદરૂપ થઈ રહે તેવા દેશોની યાદી બહુ જ અલ્પ હતી. નહેરુજીની વિદેશનીતિના ભાગરૂપે યુનોમાં વી.કે. કૃષ્ણમેનન જેવાઓની કામગીરી; મિત્રો ઘટાડવાની અને શત્રુઓ વધારનારી હતી ! સોવિયેત રશિયાથી પણ વધુ સામ્યવાદી અને આરબ-મુસ્લિમ દેશોથી પણ વધુ આરબ-મુસ્લિમ બની રહેવાની ઘેલછામાં; ભારત વીતતાં વર્ષો સાથે સાચા અર્થમાં મિત્રવિહોણો દેશ બની રહેલો.
આ સંદર્ભમાં મોદીજીએ તેમના વિદેશપ્રવાસોનો પ્રારંભ નેપાળ જેવા પડોશી દેશથી કર્યો.. અને આ સિલસિલો ચાલુ રહ્યો. મોદીજીએ વિશ્ર્વના તમામ મહત્ત્વપૂર્ણ-શક્તિસંપન્ન દેશોના પ્રવાસ દરમ્યાન, એ તમામ વિશ્ર્વ રાજપુરુષો સાથે સીધો સંબંધ સ્થાપિત કરીને, તેઓને ભારતની શાશ્ર્વત સંકલ્પના અને ભારતની વૈશ્ર્વિક ભૂમિકાથી અવગત કરાવ્યા છે. તો એવા કેટલાય નાના દેશો પણ છે - મોંગોલિયા જેવા; આવા દેશોમાં ભારતના પ્રધાનમંત્રી પહેલી વખત જ પહોંચ્યા છે અથવા દાયકાઓ પછી પહોંચ્યા છે !
આજે બદલાયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિમાં ભારતનું આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વજૂદ ઊપસી આવ્યું છે. અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, આરબ દેશો, આફ્રિકન દેશો, લેટિન અમેરિકન દેશોમાં સર્વત્ર મોદી-મેસેજનો રણકાર કર્ણપ્રિય કોરીડોર બની રહ્યો છે! ચીન-પાકિસ્તાન કોરીડોર અને બલૂચિસ્તાનમાં ગ્વાદરબંદરના ચીન દ્વારા વિકાસની શતરંજ ચાલ સામે, મોદીજીએ ઈરાન સાથે મૈત્રીસંબંધો મજબૂત કરીને, ઈરાનના ચાબહાર બંદરના વિકાસનાં દ્વાર ખોલીને, ચીનને મ્હાત કરવાનો યશસ્વી પ્રયાસ કર્યો છે. બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી બે્રક્ઝીટ પછી, જર્મનીના મહત્ત્વને નિહાળી, મોદીજીએ જર્મની સાથેની ભારતની મૈત્રી-ગાંઠ મજબૂત બનાવી છે. આ રીતે માત્ર ત્રણ જ વર્ષમાં ભારતની વિદેશનીતિમાં નવસંજીવનીની અનુભૂતિ થઈ રહી છે. તેનું શ્રેય મોદીજીને અને વિદેશમંત્રી સુષ્માજીને ફાળે જાય છે. આવી યશસ્વી, મિત્રો વધારનારી વિદેશનીતિની સહાયથી જ ભારત આર્થિક વિકાસ, વ્યૂહાત્મક લશ્કરી સમજૂતી, ભૂરાજકીય પ્રશ્ર્નો અને પડકારો વચ્ચે ભારતનાં રાષ્ટ્રીય હિતોની રખેવાળી નિશ્ર્ચિત કરી રહેલ છે.

ભારતની સ્વદેશનીતિ

મોદીજીના ત્રણ વર્ષના શાસનમાં ઘરમોરચે મોદીજીનું વિઝન ‘ટીમ-ઇન્ડિયા’નું છે. નવી દિલ્હીની સંઘ સરકાર - કેન્દ્ર સરકાર અને રાજ્યોની વિવિધ સરકારો, એક ટીમ બનીને જ ભારતની આંતરિક સુરક્ષા, વિકાસનો માર્ગ પ્રશસ્ત કરી શકે. એ માટે મોદીજીએ કો-ઓપરેટિવ અને હેલ્ધી કોમ્પિટિટીવ ફેડરલ સ્ટ્રક્ચર - સહકારયુક્ત, તંદુરસ્ત સ્પર્ધાત્મક સમવાયી માળખાનું આહ્વાન કર્યંુ છે. વિકાસ મોરચે રાજ્યો પારસ્પરિક તંદુરસ્ત સ્પર્ધા કરીને, દેશની પ્રગતિમાં સુપેરે યોગદાન આપે. સુશાસન અને વિકાસને મોરચે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સહયોગપૂર્ણ હકારાત્મક-સ્પર્ધાનું પણ મોદીજીએ આહ્વાન કર્યું છે. એ માટે મોદીજીએ રાજ્ય સરકારો માટેનાં નાણાંની ફાળવણીની ટકાવારી વધારી છે. આતંકવાદની સમસ્યા, નક્સલવાદની સમસ્યા, કાનૂન વ્યવસ્થાની સમસ્યા, ઈશાન ભારતની સમસ્યા, જમ્મુ-કાશ્મીર રાજ્યની સમસ્યા - આવા પ્રત્યેક મોરચે, મોદી સરકારનું વલણ મોટાભાઈ - બીગબ્રધરની માનસિકતાને સ્થાને, આત્મીયતા અને સમકક્ષતાનું રહ્યું છે. પરિણામે સાત દાયકાઓથી સળગતી સમસ્યાઓના હકારાત્મક ઉકેલની સંભાવનાઓ ઊઘડતી જાય છે...
આ સંદર્ભમાં સ્વરાષ્ટ્રમંત્રી-ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહની હાલની હિમાલયિન રાજ્યો સાથેની સંયુક્ત બેઠક ઘણી જ સૂચક છે. પાકિસ્તાન અને ચીનની શત્રુતાપૂર્ણ ગતિવિધિઓ સામે, ગૃહમંત્રી રાજનાથસિંહની સક્રિયતા અને ૨૬ મે, ૨૦૧૭ના રોજ મોદીજી દ્વારા લોકાર્પિત ભૂપેન હઝારિકા પુલ - ભારતના સહુથી લાંબા પુલ દ્વારા, આસામ-અરુણાચલનું દૃષ્ટિસંપન્ન જોડાણ; એની પાછળના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, લશ્કરી વ્યૂહાત્મક સંકેતો સમજવા જેવા છે. આ નવા બ્રિજના નિર્માણથી ઈશાન ભારત, શેષ ભારતની વધુ નજીક આવ્યું છે. તો વિકાસમાન ઈશાન ભારત, અગ્નિ એશિયાના દેશો સાથેના સંપર્ક-સૂત્રની મહત્ત્વની કડી સાબિત થઈ શકે છે. આ રીતે ‘લુક-ઈસ્ટ’ની મોદી સરકારની નીતિથી ઈશાન ભારતમાં સ્વરાજના સાત દાયકા પછી, વિકાસની અને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં જોડાવાની પ્રક્રિયાને અપૂર્વ વેગ મળ્યો છે...

આર્થિક વિકાસને મોરચે યશસ્વી કામગીરી

મોદી સરકારે આ વર્ષના બજેટમાં ગ્રામીણ વિકાસ અને કૃષિવિકાસ તેમજ સંશોધન માટે સહુથી વધુ રકમ ફાળવીને, સરકારની ગ્રામીણ ગરીબો અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને અગ્રતાનો સૂચક સંદેશો આપ્યો છે. રોજી-રોટીની ખોજમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફનું પલાયન અટકાવવા માટે, સ્માર્ટ-સિટીની તરજ ઉપર સ્માર્ટ-વિલેજનો કોન્સેપ્ટ (વિભાવના) પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
એ જ રીતે કૃષિપેદાશોની મૂલ્ય-વૃદ્ધિ માટે ફૂડ પ્રોસેસીંગ, કૃષિઉદ્યોગોના વિકાસથી, ગ્રામીણ ગરીબોની, ખેડૂતોની આવક વૃદ્ધિનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષોમાં કૃષિ ક્ષેત્રની આવક - ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે.
કૌશલ્યવૃદ્ધિ અને સ્વરોજગારી સાથે રોજગારવૃદ્ધિની દિશામાં
રોજગારવૃદ્ધિ માટે, કેવળ સરકારી નોકરીઓ એ પૂરતો વિકલ્પ નથી. શહેરી વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વિશાળ સંખ્યામાં અસંગઠિત ક્ષેત્રના લોકો રોજગારી ઝંખે છે. આ માટે જ‚રી કૌશલ્યવૃદ્ધિ માટેના પ્રકલ્પોથી, સ્વરોજગારી ક્ષેત્રે મોટા પાયા ઉપર રોજગાર ઉપલબ્ધિની કામગીરી હાથ ધરાઈ છે. ‘મુદ્રા’ યોજના દ્વારા ગરીબ તબકાના લોકોને સ્વરોજગાર માટે, બેન્કો દ્વારા સરકારી તુમારશાહીની અડચણ વગર ધિરાણ પ્રાપ્ત થાય છે. આનો સીધો લાભ મહિલાઓ, આદિવાસીઓ, દલિતો અને સર્વસાધારણ લોકો પણ લઈ રહ્યાં છે. આનાથી રોજગારીના અવસરની સંખ્યામાં મોટા પાયે વૃદ્ધિ થઈ રહી છે. ‘મુદ્રા’ યોજના થકી, અગાઉ નોકરી માગનારાઓ હવે સ્વયં સ્વરોજગાર ઊભા કરી, પોતાની જરૂરત પ્રમાણે અન્ય બે-પાંચ લોકોને પણ રોજગારી પૂરી પાડી શકે તેવી પ્રક્રિયા શરૂ થઈ છે...

કાળાં નાણાંને નાથવાની સરકારની વિશિષ્ટ પહેલ

ઘરઆંગણે વિવિધ કારોબારમાં અને વિદેશી કારોબારમાં પણ કાળાં નાણાંની બોલબાલા છેલ્લા દાયકાઓમાં વધતી જોવા મળી છે.
આ સંદર્ભમાં ભારતની સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ આદેશને ત્રણ વર્ષ વીતી ગયા છતાંયે, એ દિશામાં યુપીએ સરકારે કોઈ કામગીરી કરી નહોતી. પરંતુ મોદી સરકારે શાસનસૂત્ર સંભાળીને તેની પહેલી કેબિનેટ મીટિંગમાં જ, સર્વોચ્ચ અદાલતની સીધી નિગરાની નીચે, જઈંઝ - સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેટીંગ ટીમની સંરચના કરી છે. વીતેલાં ત્રણ વર્ષોમાં વિદેશોમાં જમા કાળાં નાણાંની ભાળ મેળવી અને તેને પરત આણવા માટે, વિવિધ સંલગ્ન દેશો સાથે જરૂરી કાનૂની પ્રક્રિયાને મદદરૂપ કરારો કરવામાં આવ્યા છે. તેનાથી કાળાં નાણાંની ખોજ અને પુન:પ્રાપ્તિની દિશામાં સરકારની સંનિષ્ઠા પ્રગટ થાય છે. એ જ રીતે ઘરઆંગણે પણ સ્વૈચ્છિક કાળું નાણું જાહેર કરી, જરૂરી કર અને દંડ ભરીને, કાળાં નાણાંને હિસાબી નાણામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા મોદી સરકારે શરૂ કરી છે.

નોટબંધી એક સાહસિક - સાચી દિશાનું પગલું

મોદી સરકારે ‚પિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી જાહેર કરીને, રાતોરાત કાળાં નાણાંના કારોબારીઓ ઉપર કેર વર્તાવ્યો છે. કાળાં નાણાંનો દુરુપયોગ રિઅલ - એસ્ટેટમાં, નશીલા પદાર્થોની હેરાફેરીમાં, આતંકવાદી ગતિવિધિઓમાં અને અસામાજિક તત્ત્વો દ્વારા ગુન્હાખોરીમાં વ્યાપક પ્રમાણમાં થતો રહ્યો છે. નોટબંધીથી તેના ઉપર અંકુશ મુકાયો છે. નોટબંધીને કારણે સરહદ પારથી ચાલતા નકલી કરન્સી નોટના કૌભાંડને પણ ફટકો પડ્યો છે. બેનામી સોદા-હવાલા બિઝનેસને અટકાવવા માટે પણ નોટબંધી ઉપરાંત અનેકવિધ સખ્ત કાનૂની પ્રાવધાન પણ સરકારે શરૂ કર્યાં છે. શત્રુ સંપત્તિ ધારાની સુધારણા અને અમલીકરણ તેનું એક ઉદાહરણ છે. નોટબંધીને કારણે રાજકીય પક્ષો દ્વારા થતાં બેફામ ચૂંટણીખર્ચ ઉપર પણ લગામ કસવામાં આવી છે. હિત ધરાવતાં સ્થાપિત તત્ત્વો અને કેટલાક રાજકીય પક્ષોએ નોટબંધી વિરુદ્ધમાં કાગારોળ કરવા છતાંય; સર્વસાધારણ લોકો અને મતદારોએ નોટબંધી પછીની ચૂંટણીઓમાં પણ મોદીજી-ભાજપાનું વ્યાપક સમર્થન કર્યું છે.

પર્યાવરણ રક્ષા અને ગ્રીન-એનર્જી ક્ષેત્રે મોદી સરકારની દૃષ્ટિવંત કામગીરી

ભારત જેવા વિશાળ દેશમાં દૈનંદિનં જ‚રિયાતો અને વિકાસલક્ષી કામગીરી માટે; ઊર્જા ક્ષેત્રે ઘણી ઝડપી કામગીરી અનિવાર્ય છે. કોલસા દ્વારા વીજ ઉત્પાદન, જળવિદ્યુત યોજનાઓ જેવી પરંપરાગત ઊર્જા-યોજનાઓમાં ખર્ચ ઘણું આવે છે અને તેનાથી પર્યાવરણીય સમસ્યાઓ પણ ઊભી થાય છે. મોદી સરકારે સૂર્ય શક્તિ-સોલાર એનર્જીને સર્વોચ્ચ અગ્રતા આપી છે. એ જ રીતે પવનઊર્જા, સમુદ્રનાં મોજાંઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજના, સંવહન ક્ષેત્રે વધુ ને વધુ જળમાર્ગોના ઉપયોગ દ્વારા પર્યાવરણ રક્ષા અને ગ્રીન-એનર્જી અંગે લોકોને સભાન અને સક્રિય કરાઈ રહ્યાં છે. પરમાણુ વિદ્યુત મથક પણ પરંપરાગત ઊર્જાનિર્માણને મુકાબલે વધુ કિફાયતી બની રહે તેમ છે. મોદીજીએ હાલની તેમની વિદેશયાત્રામાં રશિયા સાથે પરમાણુ વિદ્યુત મથકના વિકાસ માટેના કરાર કર્યા છે. ઘરઆંગણે આ પ્રકારના બિનપરંપરાગત ઊર્જાવિકાસથી વિદેશી પેટ્રોલિયમ પદાર્થોની આયાતથી થતા અઢળક ખર્ચને પણ બચાવી શકાશે.

વન રેન્ક વન પેન્શન

નિવૃત્ત સૈનિકો માટે વન રેન્ક વન પેન્શનની દાયકાઓ જૂની માગણી; મોદી સરકારે સ્વીકારીને તેનો ઝડપી અમલ પણ કર્યો છે. એ દ્વારા નિવૃત્ત સૈનિકોના કલ્યાણ અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતા મોદી સરકારે અમલીકૃત કરી છે.

ભારતીય સૈન્યની ત્રણેય પાંખો માટેની અનિવાર્ય જરૂરિયાતોને અગ્રતા

ભારતીય ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળની સામે દેશની સુરક્ષાનો પડકાર ગંભીર છે. વિશાળ સરહદોની સુરક્ષા માટેની અનિવાર્ય સાધન-સામગ્રી, શસ્ત્રાસ્ત્રોના આધુનીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી છે. મેઈક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં જ, લશ્કરી સંસાધનોના ઉત્પાદન માટેની ઝડપી કાર્યવાહી શરૂ થઈ છે. સરહદી સુરક્ષાને સુદૃઢ કરવા માટે સરહદી વિસ્તારોને જોડતા અને ઝડપી યાતાયાત માટે અનિવાર્ય રસ્તાઓ, પુલો અને પર્વતોને પાર કરતાં બુગદાંઓ દ્વારા કનેક્ટિવિટી ક્ષેત્રે ઝડપ લાવવામાં આવી છે. કાશ્મીર ઘાટીમાં નવી ટનલ અને આસામ-અરુણાચલ પ્રદેશને જોડતો દેશનો સહુથી લાંબો ભૂપેન હજારિકા પુલ, એનાં જ્વલંત દૃષ્ટાંતો છે !

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અપૂર્વ કામગીરી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર નિતીન ગડકરીના દૃષ્ટિવંત પ્રયત્નોથી નવા જાહેર રાજમાર્ગોના ઝડપી વિકાસ માટે દરરોજના ૨૩ કિ.મી. નવા રસ્તાઓ બની રહ્યા છે. આવતા વર્ષ સુધીમાં તે દિવસના ૪૦ કિ.મી. વધારવાનું લક્ષ્યાંક છે. જમ્મુને કાશ્મિર ખીણ સાથે જોડતી નવી ટનલ, બ્રહ્મપુત્ર વિસ્તારમાં દેશના સહુથી લાંબા પૂલનું નિર્માણ અને દિલ્હીના ટ્રાફિક નિયંત્રણ અને પ્રદૂષણામુક્તિ માટે; દિલ્હીનાં પૂર્વ વિસ્તારમાંથી પસાર થતો નવો એક્સપ્રેસ હાઈવે માર્ગ - બાંધકામ - ક્ષેત્ર વિકાસના જ્વલંત ઉદાહરણો છે. આંતર માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે; સ્વદેશી અને વિદેશી મૂડીનું વ્યાપક રોકાણ થવાથી, પર્યટન ક્ષેત્ર અને મેન્યુફેક્ચરીંગ-ઉદ્યોગ ક્ષેત્રે વિકાસના અનેક પ્રકલ્પોને વેગ મળશે. તેના લીધે પાંચ કરોડ લોકો માટેની નવી રોજગાર તકો ઉપલબ્ધ થશે. જેનાથી બેરોજગારી નિવારણ સાથે ગરીબ - મહેનતકશ લોકોની આવક વધશે. દેશના જી.ડી.પી. વિકાસમાં તેનાથી વધુ ત્રણ ટકાની વૃદ્ધિ પણ થશે. એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર શ્રી નિતીન ગડકરીજી અભિનંદનને પાત્ર છે !

મહિલા સશક્તીકરણ અને સામાજિક ન્યાયની દિશામાં અગ્રતાસૂચક પહેલ

બેટી બચાવો - બેટી પઢાઓ, સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓની સક્રિય ભૂમિકા, તીન તલાક જેવા લિંગ-વિરોધી-કાળગ્રસ્ત પ્રાવધાનો સામે મહિલાઓને સમાનતા અને સામાજિક ન્યાયની દિશામાં સુરક્ષિત અને સક્ષમ કરવા માટે; સરકારનો સ્પષ્ટ અભિગમ મોદી સરકારની આ દિશામાં પ્રતિબદ્ધતા સૂચવે છે.

જનતા અને શાસનને જોડતાં સેતુ-સંબંધોનો સૂત્રપાત

મોદી સરકારે રાષ્ટ્રના પુનનિર્માણ અને વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરવા માટે, સવાસો કરોડ દેશવાસીઓને હકારાત્મક અભિગમથી નિમંત્રણ આપ્યું છે. મોદીજી કરોડો દેશવાસીઓ સાથે સીધા-સંવાદથી જોડાઈને; સમગ્ર દેશજનતા દિવ્ય-ભવ્ય ભારતના પુનર્નિર્માણ માટે પ્રેરણા આપી રહ્યા છે. તેના પ્રતિભાવ‚પે દેશજનતા પણ અપૂર્વ ઉત્સાહથી; દેશની સુરક્ષા -વિકાસ અને ભારતની વૈશ્ર્વિક ભૂમિકા માટે પોતાને સમર્પિત કરવા માટે આગળ આવી રહી છે. માત્ર ભારતની અંદર જ નહીં, વિદેશ સ્થિત લાખો બિનનિવાસી ભારતીયો - NRI પણ; મોદીજીના આહ્વાન ઉપર નયા ભારત, સ્વાભિમાની અને સમર્થ્ય સંપન્ન ભારતના પુનનિર્માણ માટે, તેમના યોગદાન માટે ઉત્સાહથી સક્રિય બની રહ્યાં છે. મોદીજીએ અનેકવિધ લોકકલ્યાણ અને રાષ્ટ્રવિકાસનાં કાર્યોને જનઆંદોલનમાં ‚પાંતરિત કર્યા છે. સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન તેના જ્વલંત ઉદાહરણો છે...

ભ્રષ્ટાચાર સંદર્ભમાં કાનૂની કાર્યવાહીમાં નિષ્પક્ષતા અને દૃઢતા

યુપીએ શાસન દરમ્યાન થયેલા લશ્કરી સંસાધનોના સોદાઓમાં કટકી કૌભાંડ, ટુજી કૌભાંડ, કોલસા કૌભાંડ વગેરે હરકોઈ ક્ષેત્રનાં કૌભાંડો સામે; સીબીઆઈ સક્રિય બની છે અને ધીરે ધીરે સીબીઆઈની જાળમાં મોટાં માછલાંઓ ઝડપાઈ રહ્યાં છે ! નેશનલ હેરલ્ડ કેઈસ, કાર્તિ ચિદમ્બરમ્ કેઈસ, રોબર્ટ વાડરા જમીન કૌભાંડ વગેરે એનાં નામીચા ઉદાહરણો છે...

બેદાગ શાસન-વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ

જો પાછળનો યુપીએનો દાયકો કુશાસન, મહાગોટાળાઓ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની રહ્યો, તો મોદી સરકારનાં ત્રણ વર્ષો એ સુશાસન અને ઈમાનદાર સરકારનું પ્રતીક બની રહેલ છે. આજ દિન સુધી વિરોધ પક્ષો પણ મોદીશાસનમાં ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયાનો આક્ષેપ કરી શક્યા નથી. મે ૨૦૧૪ પહેલાં લ્યુટન દિલ્હીના સત્તાના ગલિયારામાં વચેટીઆઓ, લાયઝન ઓફિસર્સ, દલાલો અને લોબીંઈંગ જૂથોનું વર્ચસ્વ હતું. મોદી સરકારે નવી દિલ્હીના પ્રશાસનક્ષેત્રમાંથી - તમામ સરકારી કચેરીઓમાંથી આવા દલાલો, બહાર નિકાલ કર્યા છે. મોદી સરકારની આ ઉપલબ્ધી અત્યંત આવકાર્ય અને પ્રશંસનીય છે.

કાયદો-વ્યવસ્થા ક્ષેત્રે કાનૂનનું રાજ્ય

લાલબત્તીવાળું વીવીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની પહેલ કરીને, મોદી સરકારે દર્શાવી આપ્યું છે કે, તેઓ - પ્રધાનમંત્રી, મંત્રીગણ કે સરકારી અફસર નહીં, પરંતુ જનતાના પ્રધાન સેવકો છે !
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં દેશજનતાએ જોયું હતું કે, સપા સરકારમાં અંડર-વર્લ્ડ માફિયાઓ અને બાહુબલીઓની બોલબાલા હતી. તેનાથી ઉત્તર પ્રદેશમાં વારંવાર ગુન્હાઓ, મારકાટ, કત્લેઆમ, સાંપ્રદાયિક તોફાનોનો દોર ચાલુ જ રહેતો. એવું જ દેશના અનેક વિસ્તારોમાં પણ અવારનવાર જોવા મળતું હતું.
મોદી સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રકારનાં ઉપદ્રવી, સમાજવિરોધી, દેશવિરોધી તત્ત્વો ઉપર લગામ કસવાનો સામર્થ્યયુક્ત-સંકલ્પપૂર્વકનો પ્રયાસ આરંભ્યો છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથની આ દિશાની કામગીરી સીમાચિહ્ન રૂપ છે !
આ રીતે મોદી સરકારે સક્રિય જનભાગીદારી સાથે; શાસનતંત્રને-સ્વરાજને સુરાજ્યમાં રૂપાંતરિત કરવાની દિશામાં સઘળા ક્ષેત્રે યશસ્વી કામગીરી આરંભી છે. સમગ્ર દેશમાંથી તેને વ્યાપક સમર્થન પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. દેશજનતાએ ૨૦૧૪ પછીની મોટાભાગની ચૂંટણીઓમાં ભાજપા અને મોદીજીના નેતૃત્વને પ્રચંડ સમર્થનપૂર્વક આશીર્વાદ પાઠવ્યા છે. દેશ જનતાને અને વિશ્ર્વને પણ એવી પ્રતીતી થઈ રહી છે કે, સદીઓની નિદ્રા પછી એક ભવ્ય-દિવ્ય ભારતવર્ષનો ઉદય થઈ રહ્યો છે. સમર્થ - ગૌરવપૂર્ણ ભારતવર્ષ તેના સનાતન મૂલ્યો સાથે ૨૧મી સદીની વિશ્ર્વસત્તા બનીને તેની હકારત્મક વૈશ્ર્વિક ભૂમિકા માટે સજ્જ થઈ રહેલ છે. એવી પ્રતીતી મોદી સરકારના ત્રણ વર્ષ પછી સતત થઈ રહી છે...!

  • સ્વાસ્થ્ય સુરક્ષા માટે પાયાની શરત છે, સ્વચ્છતા. મહાત્મા ગાંધીજીના સ્વચ્છાગ્રહને પ્રતિક બનાવી, મોદી સરકારે સ્વચ્છતા અભિયાનને રાષ્ટ્રીય ઝુંબેશમાં રૂપાંતરિત કરેલ છે. તેને વ્યાપક જનસમર્થન પણ પ્રાપ્ત થયેલ છે. અનેક સ્વૈચ્છિક સંગઠનો અને નામાંકિત અગ્રણીઓએ સ્વચ્છતા અભિયાનને સક્રિય સમર્થન જાહેર કર્યું છે.
  • ‘મન કી બાત’ રેડીયો કાર્યક્રમ દ્વારા આકાશવાણીના સશક્ત માધ્યમને પુન: ચેતનવંતુ બનાવીને, મોદીજીએ દર મહિને સમાજજીવન - રાષ્ટ્રજીવનના અનેક મહત્ત્વના પાસાઓ વિશે વિચારોત્તેજક-વિમર્શ દ્વારા કરોડો દેશવાસીઓ સાથે કનેક્ટ થવાનો મૌલિક માર્ગ અખત્યાર કર્યો છે. તેને વ્યાપક પ્રતિભાવ પણ મળ્યા છે.
  • જનધન-યોજના દ્વારા, કરોડો ગરીબ દેશવાસીઓના નવા બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. તેને આધાર-કાર્ડ સાથે સાંકળી, સરકારી સબસીડીનો સીધો લાભ અપાયો છે. આ રીતે સ્વરાજના સાતમા દાયકામાં કરોડોની સંખ્યામાં નવા બેંક એકાઉન્ટ ખોલવાનો વિક્રમ સર્જાયો છે.
  • મોદીજીએ દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે, ગઈ પેઢીઓએ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે જાનકુરબાની કરેલી. હવેની પેઢી અને યુવાનો માટે, દેશ ખાતર જીવવાની, દેશ માટે કરી છુટવાની અને દેશ પ્રતિ સંપૂર્ણ સમર્પિત થવાની અણમોલ તક ઊભી થઈ છે. તેના પ્રતિભાવરૂપે દેશજનતા અને યુવાનો રાષ્ટ્ર-કાર્ય અને સમાજસેવા માટે ઉત્સાહથી આગળ આવી રહ્યાં છે.
  • મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી ૧૨ મોટા રાજ્યો ને ચાર નાના રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ. તેમાંથી ૭ મોટા રાજ્યોમાં અને બે નાના રાજ્યોમાં ભાજપાને જ્વલંત સફળતા મળી છે. જે પાંચ મોટા રાજ્યોમાં ભાજપાની જીત નથી થઈ તેમાં પણ પ. બંગાળ, કેરળમાં ભાજપાને બેઠકોમાં વૃદ્ધિ સાથે ભાજપાનો મતદાનીય જનાધાર વધ્યો છે. આસામ, મણિપુરના વિજયથી ભાજપાનો ઈશાન ભારતમાં વિસ્તાર થયો છે. તમિલનાડુમાં અમ્માની વિદાય પછી, નવા સમીકરણો રચાતા, અહીં ભાજપા માટે શુભ શ‚આતના સંકેતો જોવા મળી રહ્યા છે. આમ ભાજપાનો વિસ્તરતો જનાધાર એ મોદી સરકાર પ્રત્યેના જનસમર્થનનો પ્રેરક પરિચાયક છે.
  • મોદી સરકારની હકારાત્મક આર્થિક નીતિ અને નોટબંધી પછી ટેક્સ ભરનારાઓની સંખ્યામાં ૯૦ લાખનો વધારો થયો છે.
  • સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરી ગરીબ વિસ્તારો સાથે, ગ્રામીણ ગરીબ વિસ્તારોમાં પણ શૌચાલયોના કાર્યક્રમને અનોખો પ્રતિસાદ
  • ગંગા-શુદ્ધિ અભિયાનને અગ્રતા - એ દ્વારા પર્યાવરણ સુરક્ષા, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન, જળમાર્ગ સુવિધાનો વિકાસ જેવા લક્ષ્યાંક પાર પાડવાનો નિર્ધાર થયેલ છે.
  • મેઈક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા પ્રકલ્પોથી ઘરઆંગણે રોજગાર વૃદ્ધિ, ઉત્પાદન વૃદ્ધિ, વિદેશી હૂંડિયામણમાં વૃદ્ધિ, એફ.ડી.આઈ - ફોરેન ડાઈરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સમાં વૃદ્ધિ, આધુનીકરણ, કેશલેસ ઇકોનોમી દ્વારા આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા, કાળાં નાણાંના કારોબાર ઉપર લગામ સાથે વિકાસની હરણફાળ.
  • આધાર-કાર્ડ સંલગ્ન સરકારી યોજનાઓ અને સબસીડીથી ભૂતિયા કાર્ડધારકો, સબસીડીમાં ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ આધાર-કાર્ડને બેન્ક એકાઉન્ટ સાથે સાંકળીને લાભાર્થીઓના ખાતામાં સબસીડીની સીધી ચુકવણી.
  • ખેડૂતો માટે પાક વીમા યોજનાથી ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત
  • ઉજ્જ્વલા-યોજના અંતર્ગત સુખી પરિવારો એલપીજી ગેસ સબસીડીનો સ્વૈચ્છિક ત્યાગ કરવા પ્રેરાયા. તેનાથી લાખો ગરીબ લાભાર્થીઓને ઘેર, મફત એલપીજી સગડી સાથેનાં કનેક્શન પહોંચ્યાં.
  • બુલેટ-ટ્રેન પરિયોજનાથી યાતાયાત સંસાધનોનું આધુનીકરણ અને તેનાથી સમય-શક્તિની બચત.
  • ગરીબો માટે ગ્રામીણ ગૃહનિર્માણ, નહેરો, વીજળીકરણ, રેલવે રસ્તાઓ, ફ્લાય ઓવર જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ માટેની પ્રાથમિકતા, જીએસટીના અમલનો અપૂર્વ નિર્ણય. આર્થિક વિકાસ માટે યાતાયાત સુવિધામાં વૃદ્ધિ, જેનાથી વિકાસને તીવ્ર ગતિ પ્રાપ્ત થઈ રહી છે.

મોદી સરકાર સામેના પડકારો

  • ગૌરક્ષાને નામે કથિત ગૌરક્ષકો દ્વારા કાયદો હાથમાં લેવાની વૃત્તિ-પ્રવૃત્તિથી, કાયદો - વ્યવસ્થા અને સામાજિક સંવાદિતા સામે ગંભીર પડકાર ઊભો થયો છે. જેનું અવિલંબ નિરાકરણ અનિવાર્ય છે. તો બીજી તરફ ગૌવંશ-રક્ષા માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે જે મોટા પશુઓની હેરફેર અને વેચાણ ઉપર પ્રતિબંધ લાદતો આદેશ કર્યો છે. તેના વિરોધમાં કેરળમાં કોંગ્રેસ દ્વારા જાહેરમાં વાછરડાની કત્લ કરી, બીફ-પાર્ટીના આયોજન જેવા ઉશ્કરણીજનક વિરોધ-પ્રદર્શનોથી પણ; સાંપ્રદાયિક-સૌહાર્દ સામે ગંભીર પડકાર ઊભો થયો છે. તેના તત્કાલ નિવારણની જ‚ર છે. બીફ - ગૌમાંસ ખાવાની ‘સ્વતંત્રતા’ને નામે સાંપ્રદાયિક તાકતોના તુષ્ટીકરણને હરગીઝ ચલાવી લઈ શકાય નહીં. આ અંગે મોદી સરકારે શાણપણ સાથે દ્રઢતાનો પરિચય આપવો રહ્યો.
  • કાળાં-નાણાં અને ભ્રષ્ટાચારની સંપૂર્ણ નાબૂદી માટે અનેકવિધ કારગત ઉપાયો ચાલુ જ રાખવા પડશે.
  • લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાતી રહેવાથી; દેશના કોઈ ને કોઈ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલ્યા જ કરે છે. પરિણામે શાસનતંત્ર, પ્રશાસન તંત્ર, રોજિંદા વહીવટમાં, વહીવટી સુધારણામાં અને વિકાસનાં કાર્યોમાં જોઈએ એવું ધ્યાન આપી શકતા નથી. તેમાં ચૂંટણી આચારસંહિતા પણ અવરોધ‚પ બને છે. આના ઉકેલ માટે લોકસભા ચૂંટણી સાથે જ, તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પણ એક સાથે જ યોજવી જોઈએ. મોદી સરકાર માટે આ અંગે વિવિધ પક્ષોમાં સર્વસંમતિ યોજવાનો પડકાર ઊભો છે.
  • ચૂંટણી-સુધારણા, ચૂંટણીમાં કાળાં નાણાંના દુરુપયોગ પર પ્રતિબંધ અને રાજકીય પક્ષોનું ચૂંટણીખર્ચ સરકાર ઉઠાવે જેવા નિર્ણયો માટે; મોદી સરકારે પહેલ કરવી પડશે અને સર્વાનુમતિ હાંસલ કરવી પડશે.
  • ઝડપી અને નિષ્પક્ષ ન્યાયપ્રણાલી માટે, ન્યાયતંત્રમાં સુધારણા, ન્યાયધીશોની સંખ્યામાં વધારો. ન્યાયાધીશોની નિમણૂકમાં પારદર્શિતા જેવી બાબતો પણ મોદી સરકાર માટે ઝડપી ઉકેલ માગતી સમસ્યા છે.
  • આતંકવાદી પ્રવૃતિઓ પર સંપૂર્ણ નિયંત્રણ માટે, સરકારી અને પ્રજાકીય પ્રયાસો વચ્ચે વિશેષ સંકલનની જરૂર છે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો દ્વારા પ્રવૃત્ત ઘરઆંગણાના સ્લીપર સેલ્સની નાબૂદી, એ પણ એક ઉકેલ માગતી સમસ્યા છે.
  • નક્સલવાદી સમસ્યા વકરતી જાય છે. એ માટે રાજનૈતિક ઇચ્છાશક્તિ, આવશ્યક સૈન્યબળ અને જનજાગરણ માટેના પ્રયાસો એ પણ મોદીશાસન સામેનો પડકાર છે.
  • પોલીસ-રિફોર્મ્સ માટે અનેક સૂચનો થયાં છે. પોલીસ તંત્રનું આધુનીકરણ અને પોલીસતંત્રની પ્રજાભિમુખતા માટે પણ ઝડપી ઠોસ કદમ આવશ્યક છે.
  • કાશ્મીર-ઘાટીની સમસ્યાનો ઉકેલ કેવળ પોલીસ તંત્ર, અર્ધ લશ્કરી દળો અને સેનાને હવાલે સોંપી શકાય નહીં. સંબંધિત રાજકીય પક્ષો, મીડિયા, દેશહિત માટે કાર્યરત નાગરિક-શક્તિ, સામાજિક-સાંસ્કૃતિક સંગઠનો એ સહુની સહિયારી શક્તિ કામે લગાડી, કાશ્મીર ઘાટીની સર્વસાધારણ જનતાને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં વિશેષરૂપે જોડવાના પ્રયાસો તેજ થવા જોઈએ. અટલજીના શબ્દોમાં : "કાશ્મીર સમસ્યા જમ્મુરિયત, કાશ્મીરિયત, ઇન્સાનિયતને ધોરણે જ હલ થઈ શકે. સૈન્યબળ તેમાં મદદરૂપ થઈ શકે. મોદી સરકાર માટે ‘અટલ-માર્ગે’ આગળ વધવાનો પણ પડકાર છે. જેમાં યશસ્વી - વિજયી થવા માટે મોદીજી સાથે દેશજનતાના આશીર્વાદ પ્રગટ થઈ રહ્યા છે !