રુસ-ભારત સબંધોના સાત દાયકા

    ૦૯-જૂન-૨૦૧૭



૧૩ એપ્રિલ, ૧૯૪૭ યુએસએસઆર (સંયુક્ત રશિયા) અને ભારત સરકારોએ મોસ્કો અને દિલ્હીમાં સરકારી મિશન સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને રુસની દોસ્તીના આ ૭૦ દાયકા પૂર્ણ કર્યા નિમિત્તે રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિએ બન્ને દેશોને સંબંધોની શુભકામના આપતો એક લેખ લખ્યો છે...
આ વર્ષે આપણે એવી ઘટનાની વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ જે વાસ્તવમાં એક ઐતિહાસિક ઘટના છે. સિત્તેર વર્ષ અગાઉ એટલે કે ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના યુએસએસઆર અને ભારતની સરકારોએ મોસ્કો અને દિલ્હીમાં મિશન સ્થાપવાનો નિર્ણય કર્યો હતો, જે ભારતને આઝાદી મેળવવા અને તેને મજબૂતી બક્ષવાની દિશામાં એક મહત્ત્વનું કદમ સાબિત થયું.
ત્યારબાદના દાયકાઓમાં ભારત-રુસની દ્વીપક્ષીય ભાગીદારી વધુ ને વધુ મજબૂત બનતી ગઈ. બન્ને દેશોમાં આ સબંધોનો ઉપયોગ ક્યારેય પણ રાજનૈતિક સુવિધા માટે ઉપયોગ થયો નથી એ એક મહત્ત્વની વાત છે. બન્ને દેશોના સમાન અને એકમેકના લાભકારી સંબંધો સતત વિકસતા રહ્યા છે. તો બન્ને દેશોના નાગરિકો વચ્ચે આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કૃતિ માટે હંમેશા સહાનુભૂતિ રહી છે. બન્ને દેશોએ જે મેળવ્યું છે તેના માટે બન્ને દેશો ગર્વ મહેસૂસ કરી શકે છે. રુસની ટેક્નોલોજી અને આર્થિક સહાય થકી ભારતમાં ઉદ્યોગીકરણને બળ મળ્યું છે. ભિલાઈ, વિશાખાપટ્ટનમ્ અને બોકારોમાં મેટલર્જિકલ કોમ્પલેક્સ, દુર્ગાપુરમાં માઈનિગ ઇક્વિપમેન્ટ પ્લાંટ, નેવેલીમાં થર્મલ પાવર સ્ટેશન, કેરળમાં ઇલેક્ટ્રોમિકેનિકલ એન્ટરપ્રાઈઝ હૃષીકેશમાં એન્ટિબાયોટિક પ્લાન્ટ અને હૈદરાબાદમાં ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ તેના દાખલા છે.
સોવિયત અને રુસ ત્યારબાદ રુસી વૈજ્ઞાનિકો શિક્ષણવિદોએ ભારતમાં રિસર્ચ અને શિક્ષણકેન્દ્રોની સ્થાપનાઓમાં ભાગ લીધો, જેમાં બોમ્બેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, દેહરાદૂન અને અમદાવાદમાં પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીનું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે. અમને ગર્વ છે કે, અમારા વૈજ્ઞાનિકોએ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના વિકાસમાં યોગદાન આપ્યું છે. આ ફળદાયી દ્વીપક્ષીય સહયોગ થકી ૧૯૭૫માં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તરતો મુકાયો. ભારતીય નાગરિક રાકેશ શર્મા ૧૯૮૪માં સોયુજટી-૧૧ના ચાલક દળના સહાયક તરીકે સ્પેસમાં ગયા હતા.
બન્ને દેશોએ ઑગસ્ટ ૧૯૭૧માં શાંતિ-મિત્રતા અને સહયોગની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જે દ્વીપક્ષીય મૂળભૂત સંબંધોને આગળ ધપાવે છે. ૧૯૯૩માં રુસી સંઘ અને ભારત વચ્ચે નવી સંધિ થઈ, જેમાં એકમેકનાં હિતોનું ધ્યાન રાખવું તથા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના મૂળભૂત સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો. સામૂહિક ભાગીદારી પર ૨૦૦૦માં જાહેર કરાયેલ સહિયારા ઘોષણા પત્રમાં એક-મેકનાં હિતોને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા નિશ્ર્ચિત કરવાથી માંડી અટકી પડેલા વૈશ્ર્વિક અને ક્ષેત્રિય મુદ્દાઓના ઉકેલ લાવવા સહમતિ સધાઈ હતી.
હાલ રુસ-ભારત વચ્ચેના દ્વીપક્ષીય સબંધોમાં વાર્ષિક શિખર બેઠક એક સ્થાપિત પરંપરા બની ગઈ છે, જેને પરિણામે બન્ને દેશોનાં લક્ષ્યો પૂરાં કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો પર સમયબદ્ધ ચર્ચા કરવાનો અવસર મળે છે. સાથે સાથે લાંબા ગાળાનાં લક્ષ્યો નક્કી કરવાનો અવસર પણ આ શિખર બેઠકો થકી મળે છે. આ વર્ષે જૂન મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે વધુ એક શિખર સમ્મેલન યોજાઈ રહ્યું છે. તેમની સેંટપીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવાની આશા છે, જેમાં ભારત પ્રથમ વખત પાર્ટનર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે.
આ સિવાય બન્ને દેશો વચ્ચે ૨૫૦થી વધુ દસ્તાવેજોવાળા કાયદાકીય માળખાને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે. વ્યાપાર અર્થવ્યવસ્થા, વિજ્ઞાન-ટેક્નોલોજી, સંસ્કૃતિ અને સૈન્ય-ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ પર અસરદાર કામ થઈ રહ્યું છે. વિદેશી બાબતોના મંત્રાલય, સુરક્ષા પરિષદ કાર્યાલય અને સંબંધિત મંત્રાલયો સતત સંવાદ કરતાં રહે છે. સૈન્ય સહયોગ પણ સતત વધી રહ્યો છે. ભૂમિ અને નૌસૈનિકનો સંયુક્ત અભ્યાસ બન્ને દેશો વચ્ચે નિયમિત રૂપે થતો રહે છે.
પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહયોગ એ રુસ ભારત વચ્ચેના સબંધોના મૂળભૂત તત્ત્વોમાં એક છે. બન્ને દેશોના સહયોગ થકી કુડનકુલમ પરમાણુ ઊર્જા સંપન્નનું નિર્માણ થયું છે. ૨૦૧૩માં પ્રથમ પરમાણુ ઊર્જા એકમનું ઓપરેશન શ‚ થયું. ૨૦૧૬માં બીજા એકમને પણ ભારતને સોંપવામાં આવ્યો. ત્રીજા અને ચોથા વીજ એકમનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે અને ૨૦૨૦ સુધી ભારત-રુસ સાથે મળીને ૧૨ વીજળી એકમો અમલમાં લાવશે.
પારંપરિક ઊર્જા ક્ષેત્રમાં પણ બન્ને દેશો વચ્ચે સહયોગ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. ભારતીય કંપનીઓના સંઘે રુસી કંપની ‘વાનકોર્નેફટમાં શેરોના એક બ્લોકને ખરીદ્યો છે. આ કરાર તેલ ઉદ્યોગમાં સૌથી મોટા દ્વીપક્ષીય સોદો બની ગયો છે. રુસી આર્કટીક ક્ષેત્રમાં હાઈડ્રોકાર્બનની શોધ અને ઉત્પાદનમાં ભારતીય કંપનીઓની ભાગીદારીની સંભાવનાઓ પર પણ વિચાર થઈ રહ્યો છે. બન્ને દેશો વચ્ચે વર્તમાન પાવરપ્લાંટોના આધુનીકરણ અને નવા પાવરપ્લાંટ નિર્માણની સાથે સાથે સૌર ઊર્જામાં સહયોગ ક્ષેત્રે પણ ખૂબ જ સંભાવનાઓ છે. બન્ને દેશો વચ્ચે મિકેનિકલ એન્જિનિયરિંગ, રસાયણ અને ખનન ઉદ્યોગ, વિમાન બનાવવાં, ફાર્માસ્યુટિકલ અને દવાઓમાં મોટા પ્રમાણમાં પરિયોજનાઓ ચલાવાઈ રહી છે.’ એકબીજા વચ્ચેના આર્થિક વ્યાપારને વધુ વધારવા એ બન્ને દેશો વચ્ચેની પ્રાથમિકતાઓમાં એક છે. યુરેશિયન ઇકોનોમિક યુનિયન અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એરિયા એગ્રિમેન્ટ પર ડિસેમ્બર ૨૦૧૬માં વાતચીત શરૂ થઈ છે. તેનું પણ વિશેષ મહત્ત્વ છે. બન્ને દેશો ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવવાની સંભાવનાઓ પર પણ વિચાર કરી રહ્યા છે.
બન્ને દેશો તરફના નાણાં-પ્રવાહને ગતિ મળી રહે તે માટે પ્રાથમિકતાવાળી નિવેશ પરિયોજનાઓ માટે વર્કિંગ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત ૧૯ જેટલી સૌથી વધુ આશાજનક પરિયોજનાઓની પસંદગી કરી લેવામાં આવી છે. રુસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમમાં લાંબા ગાળાનું ભાગીદાર બનવા કટિબદ્ધ છે. બહુ ઉદ્દેશીય હથિયારો અને સૈન્ય ઉપકરણોના ઉત્પાદનમાં પણ બન્ને દેશો વચ્ચે સઘન સહયોગ સધાયો છે. તે બન્ને દેશોની મૈત્રીની મોટી ઉપલબ્ધી છે. અદ્વિતીય સુપરસોનિક ક્રુઝ મિસાઈલ્સ ‘બ્રહ્મોસ’ને બન્ને દેશોએ ભાગીદારીથી બનાવી છે. તે ગૌરવની વાત છે. સૈન્ય અને યાંત્રિક સહયોગના માળખા અંતર્ગત ૧૯૬૦ બાદ અત્યાર સુધી ૬૫ અરબ ડૉલરથી પણ વધુના કરારો થઈ ચૂક્યા છે અને ઑર્ડરનો પોર્ટફોલિયો ૨૦૧૨થી ૨૦૧૬ સુધી ૪૬ અરબ ડૉલરથી પણ વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય સબંધોમાં બહુધ્રુવીય લોકતાંત્રિક પ્રણાલીનું સમર્થન કરે છે. બન્ને દેશો એકવીસમી સદીના પડકારો અને ખતરાઓનો સાથે મળી સામનો કરવા તૈયાર છે.
બન્ને દેશો BRICS (બ્રાઝીલ, રુસ, ભારત, ચીન, સાઉથ આફ્રિકા)ના દાયરામાં પણ પ્રભાવિત વાતચીત કરતા રહે છે. બન્નેના સામૂહિક પ્રયાસો થકી BRICS એ એવું સંગઠન બની ચૂક્યું છે જેનું વજન અને પ્રભાવ બન્ને વધ્યાં છે. ભારત સંઘાઈ સહયોગ સંગઠનનું પૂર્ણ સદસ્ય બની જશે. પરિણામે એ સંગઠનની ક્ષમતાને વધશે. જી-૨૦ અને આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારત-રુસ સાથે મળીને કામ કરે છે. સીરિયામાં પરિસ્થિતિને થાળે પાડવા, મધ્યપૂર્વ અને ઉત્તરી આફ્રિકા ક્ષેત્રમાં સ્થિરતા કાયમ કરવા મુદ્દે પણ બન્ને દેશો એકમેકની ખૂબ જ નજીક છે. બન્ને દેશો અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય સમાધાન પ્રક્રિયામાં પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.
મને વિશ્ર્વાસ છે કે બન્ને મહાશક્તિઓ વચ્ચે સહયોગની વિશાળ ક્ષમતાને વધુ વેગ આપવામાં આવશે, જેથી કરી તેમની ક્ષમતાનો રુસ-ભારતના નાગરિકો સાથે સાથે વિશ્ર્વના નાગરિકોને લાભ પણ મળી શકે અને આના માટે અમારી પાસે જરૂરી તમામ વસ્તુઓ છે. રાજનીતિક ઇચ્છા, આર્થિક ક્ષમતા જેવી વૈશ્ર્વિક પ્રાથમિકતાઓ અને સૌથી વિશેષ રુસ-ભારત દોસ્તીનો ગૌરવશાળી ઇતિહાસ.