કોમી શાંતિ અને સુમેળનો અનેરો અવસર

    ૦૯-જૂન-૨૦૧૭


હિન્દુઓ અને મુસલમાનો માટે ભારતીય ઉપખંડમાં સાથે રહેવું અનિવાર્ય છે. ભારતમાં ભલે ૧૧-૧૨ ટકાની મુસ્લિમ વસ્તી હોય પણ જ્યારે ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશની કુલ વસ્તીમાં મુસલમાનોની ટકાવારી ગણીએ તો તે સંખ્યા ૨૫ ટકા ઉપર છે. સમગ્ર ઉપખંડની ૧૯૫ કરોડની વસ્તીમાં મુસ્લિમોની વસ્તી ૫૦થી ૫૫ કરોડની છે. આ સંજોગોમાં બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદનો સુમેળભર્યો ઉકેલ થાય તો તે સમગ્ર ઉપખંડમાં શાંતિ, વિશ્ર્વાસ અને આશાનું વાતાવરણ પેદા કરશે. માનવીય વિકાસની નવી ક્ષિતિજો ખૂલશે. કોમી એખલાસનું સર્જન કરવામાં ગાંધીજીએ અનેક ટીકાઓ અને હુમલાઓ વચ્ચે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી પણ ઝીણાની હઠના કારણે વિભાજન અનિવાર્ય બન્યું. ૧૯૩૮માં ઉત્તર પશ્ર્ચિમ સરહદ પ્રાંતમાં પઠાણોની સભામાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું, ‘મારો એવો દાવો છે કે મને જેટલો આદર મારા ધર્મ માટે છે તેટલો જ ઇસ્લામ અને બીજા ધર્મો માટે છે અને હું બની શકે તેટલા ભારપૂર્વક જણાવવા હિંમત કરું છું કે ઇસ્લામના ઇતિહાસમાં તલવાર વિંઝાઈ છે અને તે પણ ધર્મના નામે, તેમ છતાં તેની સ્થાપના કે પ્રચાર એને કારણે થયાં નથી... મારો તો વિશ્ર્વાસ છે કે અહિંસાના સિદ્ધાંતનો પૂરેપૂરો સ્વીકાર કરીને તમે હિન્દુસ્તાન અને ઇસ્લામ જે અત્યારે મને ભયમાં આવેલો જણાય છે તેની કાયમી સેવા કરશો.’
આવી જ રીતે હિન્દી ભાષાના ખ્યાતનામ કવિ ડૉ. રામધારીસિંહ ‘દિનકર’ દ્વારા પણ હિન્દુ-મુસ્લિમ કોયડા અંગે ઉત્તમ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. ‘આ દેશના મુસલમાનોને પણ ઇસ્લામની મૌલિક તાસીર, ગુણ અને ઐતિહાસિક મહત્ત્વનું જ્ઞાન ઉપરછલ્લું છે. ભારતમાં ભૂતકાળમાં મુસલમાનોએ કરેલ અત્યાચારનો દુનિયામાં જોટો નથી. આ અત્યાચારોનાં નિશાનો હજી પણ મોજૂદ છે. પાડોશીના હૃદયમાં ઇતિહાસે જે ઝેરની વાવણી કરી છે એનાં ફળો આજે પણ શિષ્ટ મુસલમાનો ભોગવે છે. મુસલમાનોની બધી લડાઈઓ માત્ર હિન્દુઓ સામે જ ન હતી. તેઓ અંદરોઅંદર પણ લડતા હતા. આ પરિસ્થિતિમાં એવો કોઈ માર્ગ ખરો કે જેથી હિન્દુ-મુસલમાન નજીક આવી શકે ? હિન્દુઓની માનસિક કઠણાઈ એ છે કે તેઓ મનમાંથી ઇસ્લામના અત્યાચારોને ભૂલી શકતા નથી. ત્યારે મુસલમાનોને જે ભૂમિ પર એમની સત્તા ચાલતી હતી એ દેશમાં લઘુમતી તરીકે જીવવું દોહ્યલું લાગે છે. લોકશાહીમાં લઘુમતીની દરેક યોગ્ય ફરિયાદનો નિકાલ થઈ શકતો હોય છે, પરંતુ લઘુમતી અને બહુમતી પરસ્પર વિશ્ર્વાસ રાખતી હોય ત્યારે જ એ શક્ય બને.’ કમનસીબે આજે અવિશ્ર્વાસની ખાઈ વધારે પહોળી અને ઊંડી થઈ રહી છે. આ સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી સમગ્ર દેશમાં એક અજંપો રહેશે જે વિકાસના માર્ગમાં મઅવરોધ છે.
શ્રી રામમનોહર લોહિયાએ હિન્દુ-મુસ્લિમ સંબંધ અંગે વાસ્તવિકતાની છણાવટ કરતાં લખ્યું છે કે, ‘આપણે હિન્દુ અને મુસલમાનની વાત કરીએ છીએ ત્યારે અરબસ્તાનના મુસલમાનોની નહીં પણ હિન્દુસ્તાનના મુસલમાનોની વાત કરીએ છીએ અને હિન્દુસ્તાનના મુસલમાન તો આખરે હિન્દુઓના ભાઈ છે. હિન્દુને થાય છે કે અહીં ૭૦૦-૮૦૦ વર્ષ મુસલમાનોનું રાજ રહ્યું. મુસલમાનોએ જુલમ-અત્યાચાર કર્યા અને મુસલમાનો એમ વિચારે છે કે ૭૦૦-૮૦૦ વર્ષ અમારું રાજ હતું, હવે અમારે આવા ખરાબ દિવસો જોવાના આવ્યા છે ! હિન્દુ અને મુસલમાન બંનેના મનમાં આવી ગેરસમજ ‚ઢ થઈ ગઈ છે, પરંતુ આ નર્યો ભ્રમ છે.’ શ્રી લોહિયાજી આગળ વધતાં કહે છે કે, ‘કોઈ પણ દેશ ત્યાં સુધી હરગિજ સુખી ન થઈ શકે, જ્યાં સુધી તેની લઘુમતીઓ સુખી ન થઈ જાય. માત્ર મુસલમાનોની જ વાત નથી, જ્યાં સુધી હરિજનો, આદિવાસીઓ વગેરે બધાં જ જ્યાં સુધી સુખી નથી થતા ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી નહીં થઈ શકે.’
આજના આપણા રાજકીય જીવનની એ સૌથી મોટી ખરાબી છે કે રાષ્ટ્રનું હિત નજર સામે રાખીને કોઈ સાચી વાત કહેવા તૈયાર નથી. વોટના રાજકારણમાં સાચી વાત કહેતાં બધા ગભરાય છે. એટલેસ્તો હિન્દુ અને મુસલમાન બંનેનાં મન ખરાબ રહે છે, બગડેલાં રહે છે. બદલાતાં જ નથી.’
આટલા સચોટ વિશ્ર્લેષણ પછી આપણે એક જ નિર્ણય પર આવી શકીએ કે હિન્દુઓ અને મુસલમાનોએ શુભનિષ્ઠાથી, સંવાદથી, ઉદારતાથી અને વિવેકબુદ્ધિથી દરેક પ્રશ્ર્નનો ઉકેલ લાવવો જોઈએ. લચીલું વલણ રાખ્યા વિના છૂટકો નથી તે સમજવું જ‚રી છે. આ દૃષ્ટિએ જોઈએ તો અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યા વિવાદમાં જે શકવર્તી ચુકાદો આપ્યો છે તે તમામ હિન્દુ-મુસ્લિમે ખેલદિલીથી સ્વીકારવો જોઈએ. એક પક્ષકારને મંદિર માટે ૨/૩ જમીન અને બીજા પક્ષકારને ૧/૩ જમીન ફાળવી નામદાર કોર્ટે સમધાનકારી, ન્યાયી અને સૌના માટે ગૌરવપૂર્ણ ઉકેલ આપ્યો છે ત્યારે તેમાં વિવાદ આગળ વધારવો ઉચિત નથી. આમ છતાં આ મુદ્દે સમાધાનના તમામ પ્રયાસો એટલે નિષ્ફળ જાય છે કારણ કે લોહિયાજીએ વર્ષો પહેલાં કહ્યા પ્રમાણે મન બદલતાં નથી પણ બગડેલાં જ રહે છે.
‘અમે રામજન્મભૂમિની વાત સ્વીકારીએ તો હિન્દુ કાશી-મથુરાનો પ્રશ્ર્ન ઉખેળશે’ તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવે છે. આ શંકા વાજબી હોય તો પણ શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણ ધર્મસ્થળોનું પુન: નિર્માણ કરો અને ભૂતકાળ ભૂલી જઈએ એવી જે વાત કરી છે તે સાથે બેસીને વિચારવા જેવી છે. મંદિર અને મૂર્તિઓ તોડવામાં, ધર્મની દુહાઈ દેનારાઓ કવિ ‘દિનકરે’ કહ્યા મુજબ પોતાના ધર્મથી અજ્ઞાત છે. મુસલમાનો જેને અતિ પવિત્ર અને સદાય બંધનકારક માને છે તેવા કુરાનમાં જ આજ્ઞા છે. સુરા-અન-નીસા-૩૦માં કહેવાયું છે, જે કોઈપણ આક્રમણ કે અન્યાયથી અન્યને હાનિ કરે તેને અમે આગના હવાલે કરશું. અલ્લા માટે આ કાર્ય આસાન છે. હદીશમાં પણ સ્પષ્ટ આદેશ છે, જે કોઈ વ્યક્તિ અનૈતિક કે ગેરકાયદેસર મિલકત પડાવીને તેનો ઉપભોગ કરે છે તેમણે જહન્નમમાં ભયંકર સજા વેઠવી પડે છે. હદીશ એ પણ કહે છે કે, ‘આવા અપરાધ કરનારે મૂળ માલિકને સરખા મૂલ્યની મિલકત અથવા મૂળ મિલકત મૂળ સ્થિતિમાં પરત આપવી જોઈએ.’
હિન્દુ-મુસલમાનના વિવાદોમાં ત્રણ મુખ્ય મંદિરો પરત સોંપીને મુસલમાનો ધર્માદેશોનો અમલ કરી શકશે. અરસપરસ વચ્ચે રચાયેલી ભય, અવિશ્ર્વાસ, ઘૃણા અને હિંસાની દીવાલ નષ્ટ કરી આધુનિક, સર્વધર્મ સમભાવ અને ભાઈચારાવાળા રાષ્ટ્રનું ઝડપથી નિર્માણ કરી શકશે.