ભૂલો અને ક્ષમા કરો

    ૦૯-જૂન-૨૦૧૭

૨૧ માર્ચે મુક્ત થતાંની સાથે જ સ્વાભાવિકપણે પૂ. સરસંઘચાલકનો પહેલો સત્કાર પુણેમાં થયો. પુણેથી મુંબઈ માર્ગે તેઓ નાગપુર જવા નીકળ્યા. ૨૨ માર્ચના રોજ કલ્યાણ સ્ટેશન પર સેંકડો સ્વયંસેવક સ્વાગત કરવા માટે આવ્યા હતા. મુંબઈ પહોંચ્યા તો સ્ટેશન પર અપાર ભીડ હતી. એકવીસ મહિના પછી મુક્ત વાતાવરણનો આનંદ મળતો હતો. ક્યારે આપણે બાળાસાહેબને એકવાર જોઈએ, એવી મન:સ્થિતિ દરેક સ્વયંસેવકની થઈ રહી હતી. સ્વયંસેવકોએ બાળાસાહેબને કહ્યું, ‘અમે અનેક સ્થળે શાખા લગાવી અને પ્રાર્થના કરીને જ અહીં સ્ટેશન પર આવ્યા છીએ.’
બપોરે પ્રતિબંધ ઊઠ્યો અને સાંજે દેશભરમાં હજારો સ્થળે શાખા લાગી. જાણે ૪ જુલાઈ, ૧૯૭૫ પછી હવે સીધો ૫ જુલાઈનો જ દિવસ ઊગ્યો હતો. આટલા સહજપણે સંઘકાર્ય ફરી શરૂ થયું. નાગપુરમાં બાળાસાહેબનું અભૂતપૂર્વ એવું સ્વાગત થયું. ૨૪ માર્ચ, ૧૯૭૭ના રોજ કસ્તૂરચંદ પાર્ક પર જાહેર સત્કારનો કાર્યક્રમ થયો. આ સભામાં બાળાસાહેબે સંઘની સ્પષ્ટ ભૂમિકા મૂકી અને કટોકટી પછી આપણે કેવો વિચાર કરવો જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું. તેમણે આ બધા ક્લેશદાયક સમયગાળા પછી પણ આપણી ભૂમિકા ‘ભૂલો અને ક્ષમા કરો’ એવી જ હોવી જોઈએ એમ કહ્યું. પહેલા પ્રતિબંધ પછી પૂ. ગુરુજીએ પણ આમ જ કહ્યું હતું. જો કે આ શુદ્ધ ભૂમિકા સૌને સમજાય, પચે એવી ન હતી. સંઘકાર્ય પર નિષ્ઠા ધરાવનાર સ્વયંસેવકને આ સ્વાભાવિકપણે માન્ય હતું, સમજાતું હતું. સંઘકાર્ય વિસ્તાર એ બધી સમસ્યાઓનો ઉપાય છે અને એ જ ‘સર્વેષામ્ અવિરોધેન’ એવો છે, એ અંગે સ્વયંસેવકોને ભ્રમ પણ ન હતો. સત્કાર સભામાં બાળાસાહેબે કહ્યું :
‘એકવીસ મહિનામાં અમને જે અનુભવ થયા છે તે ખૂબ દુ:ખદ છે. તેના કારણે મનમાં થોડી માત્રામાં ક્રોધ નિર્માણ થાય તે સ્વાભાવિક પણ છે, પરંતુ આપણે તે ક્રોધને દૂર કરવો પડશે. જેમણે આ બધું કર્યું છે. તે પણ આપણા જ છે. આપણા જ દાંત અને આપણા જ હોઠ હોવાને કારણે, મનમાં ક્રોધ રાખવાથી કોઈ લાભ નહીં થાય. આપણે ક્રોધને મનમાંથી કાઢી નાખીએ અને આગળ વધીએ.’
‘જેમની સામે સંપૂર્ણ દેશની પ્રગતિનું લક્ષ્ય છે, તેમણે આ બધી વાતોને સહન કરવી પડશે. ચૂપચાપ ગળી જવી પડશે અને ક્રોધને પી જવો પડશે, નહીં તો આ દેશની હવા નજીકના ભૂતકાળ જેવી જ અસહિષ્ણુ બની જશે. એ પછી જે રીતે તે લોકો અસહિષ્ણુતા દોષના ભાગીદાર હતા તેવી જ આપણી પણ ગણના થશે.’
‘આજ સુધી જે ખોટી પદ્ધતિઓ આ દેશમાં ચલાવવામાં આવી તેને દૂર કરી વાસ્તવિક ‚પમાં આપણે લોકશાહીના મૂળ મજબૂત કરવાં પડશે. આ જવાબદારીને આપણે પૂર્ણપણે નિભાવવાની છે.’
ચર્ચિલે એક જગ્યાએ કહ્યું છે, ‘પરાજય થાય ત્યારે સાહસથી ટકી રહો, દરેક સંકટનો સામનો કરો. વિજય મળે છે ત્યારે પોતાના મનને વિશાળ કરો.’
‘હું માનું છું કે આ મન:સ્થિતિ આવશ્યક છે. પરાભવના સમયમાં આપણે સાહસપૂર્વક ઊભા રહ્યા. બધા લોકોએ તે સ્વીકાર્યું છે. બધાએ વિજયનું શ્રેય પણ સંઘને આપ્યું છે. હવે આપણે વિજયની ક્ષણે આપણું મન વિશાળ કરીએ, તેથી આપણી સાથે અસહિષ્ણુતાભર્યું વર્તન કર્યું છે. તેમના મનમાં પણ પરિવર્તન આવશે.’
પૂ. સરસંઘચાલકનો આ ઉપદેશ જ ભગવાન શ્રીકૃષ્ણની અહિંસા હતી. યુદ્ધમાં પરાક્રમથી વિજય મેળવનારા વીરોની એ અહિંસા હતી. ‘ભૂલો અને ક્ષમા કરો’ એવી માનસિકતા આવા વિજયી યોદ્ધાની જ હોઈ શકે.
પ્રતિબંધ દૂર થતાં જ દેશના સૌ સ્વયંસેવકો બાળાસાહેબનાં દર્શન માટે ઉત્સુક હતા. સમગ્ર જનતા તેમનો સત્કાર કરવા ઉત્સુક હતી. એપ્રિલ ૧૯૭૭માં બાળાસાહેબનો પ્રવાસ નક્કી થયો. ૮ એપ્રિલે તેઓ નાગપુરથી દિલ્હી આવવા નીકળ્યા. માર્ગમાં દરેક સ્ટેશન પર પ્રચંડ સ્વાગત થતું હતું. હજારો સ્વયંસેવકો અને નાગરિકો સ્ટેશન પર આવતા હતા. ગાડી જ્યારે આગ્રા પહોંચી ત્યારે સ્ટેશન પર નાગરિકોને ઊભા રહેવાની જગ્યા પણ રહીં નહીં. નાગરિકોએ આગગાડીના બધા ડબા હારતોરાથી સુશોભિત કર્યા. દિનાંક ૯ એપ્રિલે સવારે ગાડી દિલ્હી પહોંચી. આખું સ્ટેશન સંઘમય બન્યું હતું. હજારો ગણવેશધારી સ્વયંસેવકો તો હતા જ. નાગરિકોનો પણ સાગર ઊમટ્યો હતો. સેંકડો મહિલા ઓવારણાં લેવા ઊભી હતી. અનેક કેન્દ્રીય મંત્રી, ઉચ્ચ સરકારી અધિકારી, સંઘના અધિકારીઓ બાળાસાહેબના સ્વાગત માટે સ્ટેશન પર આવ્યા હતા.
સ્ટેશનની બહાર સુશોભિત સત્કારમંચ તૈયાર કરેલો હતો. માનનીય સંઘચાલક લાલા હંસરાજ ગુપ્ત અને સરકાર્યવાહ મુળે સાથે બાળાસાહેબ મંચ પર આવ્યા. અનેક સંસ્થાએ બાળાસાહેબને હાર પહેરાવ્યા. બાળાસાહેબનું નાનકડું ભાષણ થયું અને પછી સત્કાર યાત્રાનો પ્રારંભ થયો. આગળ ઘોષપથક, તેમની પાછળ ગણવેશધારી હજારો સ્વયંસેવક, ભગવો ધ્વજ, તેની પાછળ સેંકડો ગણવેશધારી સ્વયંસેવકોનો મોટરસાઈકલોનો કાફલો, સુશોભિત રથમાં બાળાસાહેબ... પાછળ સેંકડો ગાડીઓ અને અસંખ્ય સ્ત્રી-પુરુષ નાગરિક એમ સરઘસ શ‚ થયું. સ્ટેશનથી સંઘના ઝંડેવાલા કાર્યાલય સુધી આખા રસ્તે પાણી છાંટ્યું હતું. રંગોળી પૂરી હતી અને સરઘસ પર પુષ્પવર્ષા ચાલુ હતી. ઝંડેવાલા કાર્યાલયમાં પહોંચતાં ત્રણ કલાક થયા.
દિલ્હીમાં બાળાસાહેબનો થયેલો આ સત્કાર અભૂતપૂર્વ હતો. તેમાં
સર્વશ્રી અટલબિહારીજી, નાનાજી, દત્તોપંતજી ઠેંગડી, માધવરાવજી મુળે, મધુ દંડવતે તથા અન્ય અનેક આગેવાનનાં ભાષણો થયાં. સત્કારનો જવાબ આપતાં બાળાસાહેબે સમગ્ર કલેશદાયક સમયગાળા પર કોઈપણ પ્રકારની ટીકા કર્યા વિના સંઘની ભૂમિકા સૌની સમક્ષ મૂકી.