માની લઈએ કે બાલિ અનાર્ય હતો, તો પછી સુગ્રીવ અને ભગવાન હનુમાન કોણ હતા ? : ઇન્દ્રેશકુમાર

    ૦૯-જૂન-૨૦૧૭


ઇન્દ્રેશકુમાર રા. સ્વ. સંઘના મોટા નેતા છે. સંઘ તેમને આંતરધાર્મિક સંવાદ માટે નિયુક્ત કરે છે. તાજેતરમાં જ તેઓને બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જયંતી અવસરે દિલ્હીના હંસરાજ મહાવિદ્યાલયમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. સંઘના નેતાનું નામ સાંભળતાં જ અહીંના વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. સંઘ એટલે બ્રાહ્મણવાદ, સંઘ એટલે મનુવાદના નારા લાગવા લાગ્યા હતા. દરેક વક્તા આવતા અને ઝેર ઓકતા. એક વક્તાએ કહ્યું ‘વી ડોન્ટ એક્સેપ્ટ રામ એસએ સિમ્બલ ઑફ સોશલ હાર્મોની’ એટલે કે અમે રામને સામાજિક સમરસતાના પ્રતીક નથી માનતા કારણ કે તે આર્ય રામે અનાર્ય બાલિનો છુપાઈને વધ કર્યો હતો. પોતાના વારામાં ઇન્દ્રેશકુમારે આનો જવાબ આપતાં કહ્યું કે, માની લો કે બાલિ અનાર્ય હતો. તો પછી તેનો ભાઈ સુગ્રીવ કોણ હતો ? બન્ને અનાર્ય ભાઈઓ વચ્ચે કોઈ ગેરસમજને કારણે ઝઘડો ચાલી રહ્યો હતો અને તેમાં મોટાભાઈએ નાના ભાઈને મૃત્યુદંડની સજા કરી હતી. સાથે સાથે તેની પત્નીને બળજબરીથી પોતાની પાસે રાખી લીધી હતી. તેના ડરથી સુગ્રીવ જંગલમાં છુપાતો ફરતો હતો. બાલિના ભયથી ત્રિલોકમાં કોઈમાં પણ સુગ્રીવને ન્યાય અપાવવાનું સાહસ ન હતું ત્યારે ભગવાન શ્રીરામે સુગ્રીવને ન્યાય અપાવવાનો સંકલ્પ કર્યો અને બાલિનો વધ કર્યો અને બાલિના વધ બાદ આર્ય રામે શું કર્યું ? રાજ્ય પર કબજો કરવાને બદલે રાજ્ય સુગ્રીવને સોંપી દીધું. સુગ્રીવની પત્ની રુમાને મુક્ત કરાવી તેને પોતાને અધીન કરવાને બદલે સુગ્રીવને સોંપી દીધી. બાલિના પરિજનો સાથે પણ અન્યાય ન થાય તે માટે બાલિની પત્ની તારાને રાજ્યની મુખ્ય પટરાણી ઘોષિત કરી અને પ્રધાન સેનાપતિ પદે તેના પુત્ર અંગદને બેસાડ્યો. હવે તમે એ રામને સવર્ણ કહો, ક્ષત્રિય કહો કે પછી મનુવાદી કહો, પરંતુ હકીકત એ છે કે, રામે રાજ્ય પર કબજો ન કર્યો. રાજ્યની કોઈપણ સંપત્તિને પોતાના ઉપયોગમાં ન લીધી કે ન તો બાલિના પૂત્ર અંગદ સાથે અન્યાય થવા દીધો. રામ ભલે કેટલાક લોકો માટે સવર્ણ, ક્ષત્રિય કે મનુવાદી હશે પરંતુ વિશ્ર્વ માટે તો તે ન્યાયની મૂર્તિ છે.
ત્યારબાદ ઇન્દ્રેશકુમારજીએ શ્રોતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેઓએ કહ્યું કે જો બાલિ અનાર્ય હતો તો પછી હનુમાન કોણ હતો ? તે પણ અનાર્ય હતો. તમે બધા મને એક વાત જણાવો કે આપણા દેશમાં એવું કયું કાર્ય છે. જે હનુમાનજીની પૂજા વગર થાય છે ? હા, કદાચ હમણાં ખુદને અનાર્ય કહેતા હતા તે સજ્જનના ઘરે હનુમાનજી નહીં પૂજાતા હોય. ઇન્દ્રેશકુમારે બોલવાનું પૂર્ણ કર્યું તો સમગ્ર સભામંડળી તેમની પાછળ હતી. હવે ત્યાં પેલા પોતાની જીતને અનાર્ય ગણાવનાર દલિત નેતાના નામના નારા નહીં, ઇન્દ્રેશકુમારજીના નામના જયકારા લાગી રહ્યા હતા. આયોજકો તેમને કહી રહ્યા હતા કે આ ભીડ તમારા બોલવાના પહેલાં સુધી અમારી હતી, હવે તમારી બની ચૂકી છે.
સંદેશ સ્પષ્ટ છે. વંચિત સમાજ સાથે જોડાઓ. તેમની પાસે જીવો, તેમનાં દુ:ખ-દર્દ, મુશ્કેલીમાં ભાગીદાર બનો. તેમને સચ્ચાઈથી માહિતગાર કરો. તેમની અંદર સદીઓથી માત્ર અલગાવવાદ અને ઝેર જ ભરવામાં આવ્યું છે. તેમની અંદરની શંકાના સમાધાનને બહાને આપણાથી પહેલાં ઈસાવાળાઓ અને ઇસ્લામવાળા પહોંચી જાય છે. ૧૯૩૯માં વિકાર-ઉલ-મુલ્કે દલિતોને લઈ જે કુટિલ માંગણી કરી હતી, તે આજે ચરમ પર છે. આ વિષવેલ વધે નહીં તેની જવાબદારી આપણી જ છે. તેઓને સમજાવો કે હિન્દુ સમાજમાં ક્યારેય જાતિભેદ હતો જ નહીં. લૈંગિક અસમાનતાઓ પણ ન હતી. સમાજના નીચલી જાતિના ગણાતા શબરીમાતાનાં એઠાં બોર ખાનારા શ્રીરામના મિત્રોમાં વીર સુગ્રીવ હતા. તો નિષાદરાજ કેવટ પણ હતા. આપણા મહાન હિન્દુ સમાજ અને ભારત દેશ પર દુર્ભાગ્યની કાળી છાયા તે દિવસથી પડવાની શરૂ થઈ ગઈ જ્યારે વિસ્તારવાદી ધર્મોએ અહીં પગ ઘાલ્યો. આપણા એ દુર્ભાગ્યનો અંત ત્યારે જ થશે જ્યારે આપણે એ વિસ્તારવાદી તાકાતોની દરેક ચાલ નિષ્ફળ બનાવીશું.