સહારનપુરની જાતિવાદી હિંસા...હિન્દુ-હિન્દુ લડી મરો, પણ રાજકીય પક્ષોનું તરભાણું ભરો

    ૦૯-જૂન-૨૦૧૭


ઉત્તર પ્રદેશને ઉત્તરાખંડ અને હરિયાણા સાથે જોડતો પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશનો મુખ્ય જિલ્લો સહારનપુરને છેલ્લા કેટલાક સમયથી હિન્દુ વિરોધી તાકાતોએ બાનમાં લીધો છે. અહીં ૩૮ ટકા મુસ્લિમ અને ૩૦ ટકા અનુસૂચિત જાતિના હિન્દુઓ વસે છે. માટે રાજનૈતિક પક્ષો અને તેમાંય વિશેષ કરીને મુસ્લિમ નેતૃત્વની મંશા હમેશાથી દલિત-મુસ્લિમ ગઠબંધન બનાવવાની રહી છે, જેને પૂરી કરવા માટે તેઓ હિન્દુઓને વિભાજિત કરવાનાં નીતનવાં ષડયંત્રો કરતા રહે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરીદ મસૂદ અહીંથી જનતાપક્ષ (સેક્યુલર) જનતાદળ અને સપાના ઉમેદવાર તરીકે ૬ વખત લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ થયા છે. એક વખત બહુજન સમાજ પાર્ટીના મંસૂર અલી ખાન દલિત-મુસ્લિમ ગઠબંધનના જોરે સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. જોકે બાદમાં માયાવતીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો હતો. તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાંની ત્રણ ચૂંટણીઓમાં સહારનપુર જિલ્લામાં બ.સ.પા. ૩-૪ બેઠકો આરામથી જીતી જતી હતી, પરંતુ આ વખતે અહીં તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
નોંધવાલાયક વાત એ છે કે, જે જિલ્લામાં દલિત-મુસ્લિમ ગઠબંધન-દલિત-મુસ્લિમ ભાઈ-ભાઈના જોરે કથિત સેક્યુલર પક્ષો ચૂંટણીની વૈતરણી પાર કરી ગયા છે, ત્યારે આ સહારનપુરનું ‘સડક દૂધલી’ ગામ આખા ઉત્તર પ્રદેશમાં એક ક્ષેત્ર જ્યાં ઈમરાન મસૂદ જેવા ઉગ્ર તેવરવાળા મુસલમાનની નેતાગીરીમાં મુસ્લિમોએ પાછલાં ૧૨ વર્ષમાં દલિતોને ન તો આંબેડકર શોભાયાત્રા કાઢવા દીધી કે ન તો ક્યારેય રવિદાસ જયંતી મનાવવા દેવાની મંજૂરી અપાઈ છે.
સહારનપુરના મુસ્લિમો પર રશિદ મસૂદના ભત્રીજા અને વર્તમાનમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ વિધાયક ઈમરાન મસૂદનો પ્રભાવ સતત વધી રહ્યો છે. જાસૂસી એજન્સીઓ અને આઈપીએસ અધિકારી ડૉ. અશોક કુમાર રાઘવ મુજબ સડક દૂધલી ગામના મુસલમાનો ઈમરાન મસૂદના જોરે જ કૂદે છે. સહારનપુરના સપાના નગરવિધાયક સંજય ગર્ગ મુજબ રશિદ મસૂદ હાલની વિધાનસભાની ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીમાં હોવા છતાં બ.સ.પા.ને મદદ કરતા હતા અને દલિત-મુસ્લિમ ગઠબંધનને હવા આપી રહ્યા હતા. આમ છતાં પણ માયાવતીની સતત રાજકીય નિષ્ફળતા અને મુસ્લિમ મતબેંક માટે મુસ્લિમ નેતાઓની પગચંપીને કારણે અહીંના દલિતોને બ.સ.પા.થી મોહભંગ થયો. જેના પરિણામે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબ્બર સફળતા મળી. ભાજપની એ સફળતાથી અહીંના મુસ્લિમ નેતૃત્વના પેટમાં તેલ રેડાયું છે. પરિણામે તેઓ અહીં હિન્દુ-હિન્દુઓને જાતિના નામે ઝઘડાવી પોતાના મેલા ઇરાદા પાર પાડવાનાં ષડયંત્રો કરી રહ્યા છે.
સહારનપુરમાં યોજનાબદ્ધ રીતે વાતાવરણ ડહોળવાનું ષડયંત્ર સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. સ્થાનિક ઠાકુરો અને દલિતો તેમાં તણાઈ રહ્યા છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તા ઠાકુર વિક્રમસિંહ જણાવે છે કે, દલિતો-ઠાકુરો વચ્ચે નાના-મોટા વિવાદો તો ચાલ્યા જ કરે છે, છતાં અહીંના હિન્દુઓ હમેશાથી એક રહ્યા છે. સહારનપુરની રામપુર મનિહારનની અનામત બેઠક પરથી જીતેલા ભાજપના યુવા વિધાયક દેવેન્દ્ર નિગમ જે ખુદ દલિત જાટવ સમાજના છે, તે કહે છે કે, મને દલિત સમાજ સહિત તમામ હિન્દુ જાતિઓનું સમર્થન મળ્યું છે, જેને કારણે જ હું બસપાના બે વાર વિધાનસભ્ય રહી ચૂકેલા મોલ્લૂને પછડાટ આપી શક્યો છું. રવીન્દ્રમોલ્લુ માયાવતીના ભાઈ આનંદના વ્યવસાયિક ભાગીદાર છે. મારી જીતથી ન માત્ર બ.સ.પા. ઈમરાન મસૂદ અને રશિદ મસૂદને પણ મોટો ધક્કો લાગ્યો છે. સહારનપુરની વર્તમાન હિંસા તેમના આ ગભરાટનું જ પરિણામ છે. સહારનપુરમાં કેટલાક કટ્ટરવાદી મુસ્લિમો દલિત મુસ્લિમ ગઠબંધનના નામે હિન્દુ સમાજમાં ભાગલા પડાવવા માગે છે. પરંતુ આ વખતે સૌપ્રથમ વખત અહીંના દલિત-મુસ્લિમ આબાદીવાળા ગામ ‘સડક દૂધલી’માં હિન્દુ સંગઠનોએ ૨૦ એપ્રિલના રોજ દલિતોના સહયોગથી આંબેડકર યાત્રા કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધાર્મિક કટ્ટરવાદીઓએ આ વખતે પણ યાત્રા કાઢવા દીધી નહીં. ત્યાર બાદથી જ આ જિલ્લામાં વાતાવરણ ડહોળાયું છે. દલિત-હિન્દુ અને અન્ય હિન્દુઓની આ યાત્રાને ભલે અહીંના મુસ્લિમોએ નિષ્ફળ બનાવી હોય, પરંતુ બન્નેએ એક થઈ જે રીતે આ વખતે મુસ્લિમોનો પ્રતિકાર કર્યો હતો તેથી અહીંના મુસ્લિમ નેતૃત્વના પેટમાં ફાળ પડી છે. પરિણામે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હિન્દુ-હિન્દુઓને લડાવી મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગત ૫ મે ના રોજ રાજપૂત અને દલિત બહુમતીવાળા શબ્બીરપુર ગામમાં જાતિય ઉન્માદ ફેલાવવાની ઘટના બની અને તરત જ ‘૯’ મે ના રોજ સહારનપુર નગરમાં ખુદને દલિત બતાવનાર એક સંગઠને કાયદાને હાથમાં લઈ હિંસાનું તાંડવ મચાવ્યું. જાસૂસી સંસ્થાઓ મુજબ સહારનપુરમાં બે વર્ષ પહેલાં ‘ભીમ આર્મી’ નામના એક અતિવાદી દલિત સંગઠનની સ્થાપના થઈ હતી, જેમાં કેટલાક રસ્તો ભટકેલા નવયુવાનો સામેલ છે. કહેવા માટે તો આ સંગઠન પોતાને દલિત અધિકારો માટે લડતું સંગઠન ગણાવે છે, પરંતુ ‘સડક દૂધલી’ ગામ જેવી દલિતો પર અત્યાચારની ઘટનાઓ બને ત્યારે ભૈદી મૌન સેવી લે છે. એટલે કે દલિત-મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે દલિતોના સમર્થનમાં ખૂલીને આવતાં ખચકાય છે. પરિણામે આ સંગઠનની દાનત પર સવાલો ઊઠે છે. સંગઠન અહીં પોતાની જમીન મજબૂત કરવા દલિત એકતાના નામે સમાજને તોડી ભાઈચારાની ભાવનાને નુકસાન પહોંચાડવાનાં જ કામો કરે છે. કહેવાય છે કે આ સંગઠનને રામપુર મનિહારન બેઠક પરથી તાજેતરની વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા નેતા રવિન્દ્ર મોલ્લુ અને કદાવર મુસ્લિમ નેતા હાજી ઈકબાલનું પીઠબળ છે. અહીં મોટી ભૂમાફિયા અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચલાવવાના આરોપ છે.
વિચારવા જેવી વાત છે કે, જે સહારનપુર સડક દૂધલી ગામમાં હિન્દુ દલિતો અને હિન્દુઓએ સાથે મળી બાબાસાહેબ આંબેડકરની શોભાયાત્રા કાઢવાનું સાહસ કર્યંુ અને સ્થાનિક કટ્ટરવાદીઓ સામે ખભેખભા મિલાવી લડ્યા એ જ હિન્દુ દલિતોને રાજપૂતોની મહારાણા પ્રતાપ જયંતી ઊજવવા સામે શો વાંધો હોવાનો ? પરંતુ વાંધો દલિતોને નહીં, હાજી ઇકબાલ જેવા કટ્ટરવાદી મુસ્લિમોને હતો. અકબરના શાસનને હચમચાવી મૂકનાર મહારાણા પ્રતાપ સામે શરૂઆતથી જ અહીંના મુસ્લિમોનો વિરોધ છે, પરંતુ આ વખતે રાજપૂતોની શોભાયાત્રા પર હુમલો કરાવી કટ્ટરવાદી મુસ્લિમ નેતૃત્વે એક સાથે બે નિશાન તાક્યાં છે. પ્રથમ અકબરના દુશ્મન એવા મહારાણા પ્રતાપની શોભાયાત્રા અટકાવી, બીજું તાજેતરની ચૂંટણીઓમાં સમગ્ર જિલ્લામાં દલિત હિન્દુ-હિન્દુના ભાઈચારા પર જનોઈવાઢ ઘા કરવાનું સદ્ભાગ્યે તેઓ તેમની આ મેલી મુરાદમાં જોઈએ એટલા કામયાબ નીવડ્યા નથી, કારણ કે જે સમયે સહારનપુરમાં દલિતો અને રાજપૂતો વચ્ચે સંઘર્ષના બ્રેકિંગ ન્યૂઝ આપણા સેક્યુલરવાદના પહેરેદાર એવાં માધ્યમોમાં આવી રહ્યા હતા. તે જ સમયે સહારનપુરમાં જ દલિતકન્યાનું કન્યાદાન રાજપૂતના હાથે થયાની ઘટનાઓ પણ બની રહી હતી. એ વાત અલગ છે કે, દલિત-રાજપૂતો વચ્ચેની સંઘર્ષની ઘટનાઓ વધારી ચડાવીને રજૂ કરતાં માધ્યમોએ સામાજિક સદ્ભાવનાની એ ઘટનાની ભાગ્યે જ નોંધ લીધી.
આ પ્રકારનું વલણ એ હિન્દુ સમાજનું કમનસીબ બની ગયું છે અને હવે આ પ્રકારના વલણ સાથે જ હિન્દુ સમાજે જીવતાં શીખી લેવું પડશે, પરંતુ હવે હિન્દુ સમાજે ખુદ જાગવું જ પડશે અને જાતે જ નક્કી કરવું પડશે કે તેઓએ સંગઠિત રહી જેહાદીઓની મેલી મુરાદો અને આક્રમણોનો જડબાતોડ જવાબ આપવો છે કે, પછી જાતિ-બિરાદરીમાં વિભાજિત થઈ સતત માર ખાતા રહેવું છે ? આ સમય જાતિ-બિરાદરીના નામે એકબીજાનું લોહી વહેવડાવવાનો નહીં, સમય છે મતબેન્કની રાજનીતિ માટે હિન્દુ-હિન્દુને વિભાજિત કરનારા તકવાદી રાજનેતાઓને ઓળખવાનો. પોતાના ધાર્મિક સ્વાર્થ અને કટ્ટરતા ખાતર હિન્દુ-હિન્દુ વચ્ચે સંઘર્ષ કરાવી ભાઈના હાથે જ ભાઈનું લોહી વહેવડાવનાર કટ્ટરવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય છે અને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે હિન્દુ સંગઠિત બનશે અને જો આમ ન થયું તો દેશમાં ઠેર-ઠેર સડક દૂધલી અને શબ્બીરપુર બની જશે.