સાહેબ ફરિયાદ લખો, અમારું ટોઈલેટ ચોરાયું છે

    ૦૯-જૂન-૨૦૧૭


છત્તીસગઢના બિલાસપુરની એક મહિલા અને તેની પુત્રીએ પોલીસ સ્ટેશનમાં પોતાનું ટોઈલેટ ચોરાઈ ગયું હોવાની ફરિયાદ કરી છે. વાત એમ છે કે બન્ને મહિલાઓ બીપીએલ શ્રેણીમાં આવતી હોવાથી તેમને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોઈલેટ બનાવી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ કૌભાંડીઓ કાગળ પર ટોઈલેટ દર્શાવી તેની સહાયના પૈસા ચાઉં કરી ગયા હતા. આ વાતની જાણ આ મહિલાઓને થતાં બન્ને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાનું ટોઈલેટ ચોરાયું હોવાની ફરિયાદ કરી હતી.


૧૪૦૦ વર્ષ પુરાણી બુદ્ધની પ્રતિમાની સાત ફેણવાળો નાગ સુરક્ષા કરી રહ્યો છે

ભગવાન બુદ્ધની અનેક મુદ્રામાં પ્રતિમાઓ જોઈ હશે, પરંતુ તાજેતરમાં જ ભગવાન બુદ્ધની ૧૪૦૦ વર્ષ પુરાણી એક પ્રતિમા મળી આવી છે તે તમામથી હટકે છે. ભુવનેશ્ર્વરના ઉત્ખનન વિદ્યાલયના એક વિદ્યાર્થીએ ઓરિસ્સાના ખુર્દા જિલ્લા ગોવિંદપુરમાં ભગવાન બુદ્ધની એક પ્રતિમા શોધી કાઢી છે, જેમના માથે ૭ માથાવાળો નાગ ભગવાન બુદ્ધની પ્રતિમાની રક્ષા કરી રહ્યો છે.

દુબઈમાં ખૂલી બીમાર ટેડી બેઅર માટેની હૉસ્પિટલ

બાળકોનું ફેવરિટ ટોય હોય છે ટેડી બેઅર. સંયુક્ત આરબ અમીરાતમાં બાળકોના આ સોફ્ટ ટોયઝ માટે હૉસ્પિટલ ખોલવામાં આવી છે. અહીં બીમાર દેખાતા ટેડી બેઅરનો ઇલાજ કરાવવા જઈ શકાશે. આવી પહેલવહેલી હૉસ્પિટલ છે. જ્યાં સોફ્ટ ટોયઝની સારવાર થશે. ડૉક્ટરોએ બાળકોનો હૉસ્પિટલ માટેનો ડર દૂર કરવા માટે આવો વિચિત્ર પ્રયોગ કર્યો છે દુબઈની મોહમ્મદ બિન રશિદ યુનિવર્સિટી ઑફ મેડિસિન ઍન્ડ હેલ્થ સાયન્સના અધિકારીઓના કહેવા મુજબ આ હૉસ્પિટલ એક મૂવમેન્ટનો ભાગ છે. બાળકોને સારવાર પ્રક્રિયા વિશે સમજાવવા અને તેમનો ડૉક્ટરો માટેનો ડર દૂર કરવા માટે આ કદમ ઉઠાવાયું છે. આ હૉસ્પિટલમાં બાળકો જ તેમના ટેડી બેઅરને લઈને સારવાર કરાવવા આવે છે. વિવિધ મેડિકલ કન્ડિશન વિશે ચર્ચા થાય છે. આ વખતે સમજાવવા માટે ડૉક્ટરો દ્વારા ટેડી બેઅરનો સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ પણ કરવામાં આવે છે.

પતિ દરરોજ નહાતો ન હોવાથી મહિલાએ તલાક માગી લીધા

ટ્રિપલ તલાક મામલે વિવાદની વચ્ચે નોઈડામાં તલાકનો એક અજીબ કેસ પ્રકાશમાં આવ્યો છે. પતિ રોજ નહાતો ન હોવાનું કારણ આપીને એક મહિલાએ છૂટાછેડા માગ્યા હતા. આ મહિલાએ આ અંગે પોલીસમાં અરજી કરી હતી. જો કે, પોલીસે બન્નેને સમજાવી લીધાં હતાં અને પતિને ન્હાવા માટે મનાવી લેવાતાં પત્ની માની ગઈ હતી. મૂળ ઝારખંડનું આ દંપતી નોઈડા સેક્ટર-૮માં રહે છે. બન્નેએ એક વર્ષ અગાઉ જ લગ્ન કર્યાં હતાં. મહિલાએ આક્ષેપ મૂક્યો કે તેનો પતિ રોજ નહાતો નથી અને તેના કપડાંમાંથી વાસ આવે છે. શિયાળામાં તો તેનો પતિ સતત ચારથી પાંચ દિવસ સુધી નહાતો નથી. તેણે પતિને અનેક વખત ન્હાવા માટે સમજાવ્યા હતા.


રોજ એક મીઠું પાન ખાવા જોઈએ છે આ હાથીભાઈને

પાન ખાવાની આદત માણસોમાં જ હોય એવું થોડું છે ? મધ્યપ્રદેશનો એક હાથી પણ પાનનો રસિયો છે. એ છેલ્લાં ૧૩-૧૪ વર્ષથી રોજ પાન ખાય છે. સાગર શહેરમાં રહેતો આ હાથી રોજ નિશ્ર્ચિત સમયે એના મહાવત સાથે શહેરમાં ફરવા નીકળે છે અને એક ખાસ પાનના ગલ્લે જઈને ઊભો રહી જાય છે. પાનવાળો પણ એના માટે ખાસ તૈયાર કરેલું મીઠું પાન ડાયરેક્ટ એના મોંમાં મૂકી આપે છે. મહાવતનું કહેવું છે કે એને પાન ખાવું ખૂબ જ ગમે છે. જે દિવસે પાન ન મળે ત્યારે એ બહુ ઉદાસ થઈને પડ્યો રહે છે. પાનરસિયા હાથીને હવે બીજા પાનવાળાઓ પણ પોતાનું પાન ઑફર કરવા લાગ્યા છે.


સોશિયલ મીડિયાનું વ્યસન છોડાવવાના એક કલાકના ‚પિયા ૧૦ હજાર

આજના ડિજિટલ જમાનામાં ઇન્ટરનેટની સાથે સોશિયલ સાઈટસનો ફેલાવો પણ વધતો જાય છે. એક સંશોધન મુજબ ૮૦ ટકા લોકો સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ચેક ના કરે તો બેચેન થઈ જાય છે. એટલું જ નહીં મોટા ભાગના સોશિયલ મીડિયા પર એક્ટિવ ના રહે તો અસલામતી ફિલ કરવા લાગે છે. આવા સંજોગોમાં અમેરિકા અને યુરોપમાં સોશિયલ મીડિયા એડિક્શનમાંથી છોડાવવા માટે થેરપી સેન્ટરો શરૂ થયાં છે, જેમાં સોશિયલ મીડિયાની લતમાંથી છોડાવવા માટેના એક કલાકના સેશનના ૧૫૦ ડૉલર વસૂલવામાં આવે છે. ન્યૂયોર્કમાં એક કંપની ૧૨ સપ્તાહનો કોર્સ કરાવી રહી છે, જેમાં ટેક્સ મેસેજથી મદદ કરવાના ૧૩૮ ડૉલર વસૂલે છે. એટલું જ નહીં ઓનલાઈન એક્સપર્ટ સાથે વાત કરવાના ૪૦૦ ડૉલર લે છે.
જો કે મેડિકલ ક્ષેત્રના કેટલાક સંશોધકો આને બીમારી ગણતા નથી તેમ છતાં મનોવૈજ્ઞાનિકો આના માટે ડિજિટલ ડિટોક્સ એટલે કે ડિજિટલ ઝેરથી મુક્તિ એવો શબ્દ વાપરે છે. આ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે શરાબની જેમ આ લત પણ છોડાવવી અઘરી છે.


આ છે ગુજરાતનો ‘ધ ગ્રેટ ખલી’

તાજેતરમાં કુસ્તી પર આવેલી સલમાનની ‘સુલતાન’ અને આમીરની ‘દંગલ’ ફિલ્મ દર્શકોએ વખાણી હતી. ગુજરાતનો રવિ પ્રજાપતિ નામનો યુવાન પણ હાલમાં નેશનલ અને ઇન્ટરનેશનલ રેસલિંગમાં તરખાટ મચાવી રહ્યો છે. ગુજરાતના પાટણમાં ધોરણ ૧૦ સુધીના અભ્યાસ બાદ રેસલિંગ તરફ વળેલો આ ગુજરાતનો યુવાન હાલ ભારતના જાણીતા કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનો માનીતો શિષ્ય છે. ગ્રેટ ખલીની એકેડમીમાં તેમની અંગત દેખરેખ હેઠળ રોજ ૧૬ કલાકની પ્રેક્ટિસ કરી તૈયાર થયેલો રવિ પ્રજાપતિ ઇન્ટરનેશનલ મેચમાં અમેરિકન રેસલર ક્રિસ માસ્ટરને હરાવી ચૂક્યો છે. હવે WWEમાં જવાની તૈયારી કરી રહ્યો છે.

સૌથી સુંદર નદી, પાંચ રંગમાં દેખાય છે પાણી

દુનિયાભરમાં ઘણી સુંદર નદીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ કેનોકિસ્ટ્રલ નદી એ તમામથી અલગ છે, કારણ કે અહીંનું પાણી સફેદ નહીં, પરંતુ રંગીન જોવા મળે છે અને એ પણ એક કે બે નહીં પૂરા પાંચ રંગમાં. કોલંબિયામાં આવેલ રીવર ઑફ ફાઈવ કલર્સના નામથી ઓળખાતી આ નદીમાં ગરમીથી માંડી વરસાદની સીઝનમાં મેકરેનિયા ક્લેવિગા નામના છોડ ઊગી નીકળે છે, જેના કારણે તેનું પાણી રંગબેરંગી થઈ જાય છે.

કપાળના ભાગે બે આંખો ધરાવતી બાળકી જન્મી

ઉગમણી બન્નીના મીસરિયાડા ગામની ૩૫ વર્ષીય હમીદાબાઈ તમાચી બભાંએ એવી બાળકીને જન્મ આપ્યો હતો કે જે બાળકીને નાક જ નહોતું અને કપાળના ભાગે આંખો હતી. માત્ર ૨.૨ કિલો વજન ધરાવતું બાળક વિચિત્ર સ્થિતિમાં જન્મતાં અહીંના તબીબો દોડધામની સાથે આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા. હમીદાબાઈની કૂખે જન્મેલું આ બાળક માંડ છ જ કલાક જીવિત રહ્યું હતું. ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. નુપુરકુમારી પ્રસાદે જણાવ્યું કે મેડિકલ સાયન્સનો ઇતિહાસ તપાસીએ તો વિશ્ર્વમાં દર ૨ હજારે આવું ૧ બાળક ભાગ્યે જ જન્મતું હોય છે.

આ ગામના તમામ લોકોની જન્મતારીખ ૧લી જાન્યુઆરી

આપણી આસપાસના બે-પાંચ લોકોની જન્મતારીખ સમાન હોય એ શક્ય છે પણ આખા ગામના લોકોની જન્મતારીખ એક જ હોય તો કોઈને પણ આશ્ર્ચર્ય થશે. આધારકાર્ડની બલિહારીથી આ શક્ય બન્યું છે ! ઉત્તરપ્રદેશના એક ગામમાં આવી જ એક વિચિત્ર ઘટના બની છે. અલાહાબાદના ગુરપુર બ્લોકના કંજસા ગામની આ હકીકત છે. આ ગામના તમામ રહેવાસીઓના આધારકાર્ડમાં જન્મતારીખ ૧ જાન્યુઆરી જ લખેલી છે. મોટાભાગના લોકોના આધાર કાર્ડમાં આ ક્ષતિ એવા સમયે પ્રકાશમાં આવી હતી. જ્યારે સરકારી પ્રાઇમરી સ્કૂલના ટીચર્સ, સ્કૂલના દરેક બાળકનો આધાર કાર્ડ નંબર નોંધાવવા માટે ગામમાં નીકળ્યા હતા.