આત્મવિશ્ર્વાસની શક્તિ

    ૦૯-જૂન-૨૦૧૭


જાપાનના જાણીતા સેનાપતિ નોબુનાગા સામે એક દિવસ ખૂબ જ કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ. દુશ્મનનું સૈન્ય તેમના સૈન્યથી ચારગણું મોટું અને શસ્ત્રસજ્જ હતું. સૈનિકોએ લડ્યા પહેલાં જ હાર માની લીધી હતી. તેઓએ સૈન્યને સંબોધિત કરતાં કહ્યું, મારી પાસે એક ચમત્કારી સિક્કો છે, જેને દેવતા સમક્ષ ઉછાળી જાણી શકાય છે કે આપણે જીતીશું કે હારીશું. આપણે આપણા દેવતાને જ પૂછીએ કે યુદ્ધમાં આપણી જીત થશે કે હાર...! સૈન્ય સાથે તેઓ મંદિરમાં પહોંચ્યા અને પોતાના ખિસ્સામાંથી સિક્કો કાઢી દેવતાનું નામ લઈ સિક્કો ઉછાળ્યો. નક્કી થયા મુજબ બાઘ આવે તો જીત અને કાંટા આવે તો હાર હતું. બધાના આશ્ર્ચર્ય વચ્ચે ત્રણે વખત બાઘની છાપ જ આવી સૈન્યમાં ઉત્સાહ ફેલાયો. ચારેય તરફ જીત... જીત... જીત...નો નાદ ગુંજી ઊઠ્યો અને રણમેદાનમાં નુબુનાગાના સૈન્યે પોતાનાથી ચારગણા મોટા સૈન્યનો ખુરદો બોલાવી વિજય મેળવ્યો. વિજય ઉત્સવમાં નોબુંનાગાએ પોતાની ચમત્કારિક સિક્કો સૈનિકોને બતાવતાં કહ્યું, સિક્કાની બન્ને બાજુ બાઘની જ છાપ હતી. સૈનિકોએ કહ્યું, અમારી સાથે કપટ કેમ ? સેનાપતિએ કહ્યું, તમારું મનોબળ વધારવા. જીત તમારી નહીં તમારા મનોબળની છે, કારણ કે આત્મવિશ્ર્વાસથી મોટી કોઈ જ શક્તિ નથી. આત્મવિશ્ર્વાસ અસંભવને સંભવ બનાવી શકે છે.