સંઘની ચાર ભગિની સંસ્થાના પ્રયત્નોથી ‘અનેકતામાં એકતા’નો આવિષ્કાર

    ૦૯-જૂન-૨૦૧૭


પુણે સ્થિત ‘જ્ઞાનપ્રબોધિની’ સંસ્થાની લગભગ ૨૫ જેટલી વિદ્યાર્થિનીઓએ ૨૧ મે, ૨૦૧૭થી ૨૪ મે, ૨૦૧૭ના ગાળામાં ગુજરાતની સંસ્કૃતિને જાણવા અને ઓળખવા માટે કર્ણાવતીની મુલાકાત લીધી. આ સમયગાળો તેમના માટે જીવનની એક અનન્ય યાદગીરી બની રહ્યો. આપણું ગુજરાત ‘અતિથિ દેવો ભવ’ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને આપણી આ વિદ્યાર્થિનીઓને આપણી દીકરીઓની જેમ જ વધાવી અને ગુજરાતી સંસ્કૃતિનો તેમને સુંદર પરિચય આપ્યો.
આ કાર્યમાં આપણી વિવિધ સંસ્થાઓએ તેમનો ખૂબ જ સુંદર સાથ-સહકાર પૂરો પાડ્યો. આ આખા કાર્યનું સંકલન અને પ્રબંધન શ્રીમતી કિંજલ દેસાઈ તથા શ્રી જયપ્રકાશભાઈ દેસાઈએ કર્યંુ. સ્ત્રી ચેતના વતી શ્રીમતી અમૃતાબેન ફણસે તથા શ્રીમતી વર્ષાબેન દેસાઈએ સતત વિદ્યાર્થિનીઓની સાથે રહી તેમને માતાની હૂંફ આપી. સમુત્કર્ષમાં શ્રી હરેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થિનીઓના નિવાસની તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભોજનની સુંદર વ્યવસ્થા કરી સાચે જ ‘અતિથી દેવો ભવ:’ સાકાર કર્યું છે. નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશનના ડૉ. નિખિલભાઈ ચૌહાણે તથા ડૉ. ઈલાબેન દેસાઈએ ખૂબ જ ટૂંકા ગાળામાં વિદ્યાર્થિનીઓના હેલ્થ ચેક અપ માટે એક કેમ્પનું આયોજન સીનિયર સિટીઝન ગાર્ડન, વાસણા મુકામે કર્યું. આ કેમ્પમાં થયેલ મેડિકલ તપાસની જાણ વિદ્યાર્થિનીઓના પુણે ખાતે આવેલ એન.એમ.ઓ.ના ડૉક્ટર્સને પણ કરવામાં આવી.
સમુત્કર્ષ ખાતેના વિદ્યાર્થિનીઓના નિવાસ દરમ્યાન મા. ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થિનીઓની મુલાકાત લઈ, તેમને સંસ્થાના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી. નિવાસ દરમ્યાન સમુત્કર્ષ ખાતે વિદ્યાર્થિનીઓ માટે ‘ક્વીઝ’ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તથા વિવિધ મરાઠી તથા ગુજરાતી નૃત્યો પણ પ્રસ્તુત કરવામાં આવ્યાં.
કર્ણાવતીની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થિનીઓને વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી, જેમાં ‘આનંદનિકેતન’ સ્કૂલ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી તથા શ્રી કમલભાઈ મંગલદાસે વિદ્યાર્થિનીઓને ગુજરાતમાં શિક્ષણ વિશે માહિતી આપી. ફરવાનાં સ્થળોની મુલાકાતમાં બાળાઓને ઐતિહાસિક ગાંધી આશ્રમ, ધાર્મિક એવા અક્ષરધામ તથા વિજ્ઞાનનો પરચો કરાવતા ઈસરોની મુલાકાત કરાવવામાં આવી. ઈસરો ખાતે બાળકીઓએ ‘સ્પેસ એક્ઝીબિશન’ની મુલાકાત લીધી. ગુજરાતના વિકાસનો પરિચય કરાવવા બાળાઓને મા. નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન એવા ‘સાબરમતી રિવર ફ્રન્ટ’ની મુલાકાત કરાવવામાં આવી.
આપણો પરિવાર એ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને સંસ્કૃતિને સમજવાનો ઉત્તમ માર્ગ એ પરિવારમાં ભળીને રહેવું તે છે. પુણેથી આવેલ બાળાઓ માટે લગભગ ૧૨ જેટલા પરિવારોએ આ જવાબદારી લીધેલ અને છેલ્લા દિવસે લગભગ ૨-૩ બાળાઓ એક પરિવાર સાથે તેમના ઘેર રહેલ. આ દ્વારા પધારેલ વિદ્યાર્થિનીઓને ગુજરાતી ભોજન, રહેણીકરણી અને પારિવારિક હૂંફની એક ઝલક મળી. આ સાથે આપણા ગુજરાતી પરિવારોને પણ મરાઠી સંસ્કૃતિનો પરિચય થયો.
આ પ્રકારના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરી આપણે ચોક્કસપણે આપણાં બાળકોને આપણા દેશમાં રહેલ વિવિધતા અને એ સર્વે વિવિધતામાં રહેલ એકતા વિશે માહિતગાર કરી શકીએ અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકોના ચારિત્ર્યઘડતર દ્વારા રાષ્ટ્રઘડતર તરફ આગળ વધી શકીએ. આ સમગ્ર આયોજનમાં ડૉ. ભરતભાઈ અમીન (RSS), ડૉ. રશ્મિબેન ભાવસાર, શ્રીમતી શૈલજા અંધારે (સ્ત્રી ચેતના), ડૉ. દુશ્યંતભાઈ દેસાઈ (એન.એમ.ઓ.) તથા શ્રી નિરવભાઈ રાવલ (RSS)નો અમને અભૂતપૂર્વ ટેકો મળેલ છે.