કપડવંજ ખાતે ‘સાધના’નું વાચક સંમેલન વાચકો સાથે વાત, સંવાદ અને મુલાકાત

    ૦૯-જૂન-૨૦૧૭


૪ જૂન, ૨૦૧૭ના રોજ કપડવંજ સ્થિત શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટનાં શ્રી એચ.એમ. પટેલ ભુવન ખાતે ‘સાધના’ સાપ્તાહિક દ્વારા વાચક સંમેલનનું આયોજન થયું હતું. વાચક સંમેલનમાં અધ્યક્ષ તરીકે આનંદ આશ્રમ નડિયાદનાં પ. પૂ. સ્વામી મુદિતવદનાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહ્યાં હતા. ખેડા જિલ્લાનાં સંઘચાલક
મા. શ્રી રસિકભાઈ પટેલ આ સંમેલનમાં વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ‘સાધના’નાં ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ગાંધીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ વાચક સંમેલનમાં નડિયાદ વિભાગ પ્રચારક શ્રી રાજેશભાઈ પટેલ, ખેડાનાં સંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વમંત્રી શ્રી બીમલભાઈ શાહ તથા અગ્રણી શ્રી વિનુભાઈ પટેલ, પરેશભાઈ શાહ, બાલુભાઈ બારૈયા તથા નરેશભાઈ ભાટિયા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
કપડવંજના અનેક કાર્યકર્તાઓએ અને સાધનાનાં કાર્યકર્તા શ્રી પિનાકીનભાઈ શેઠે સમગ્ર વાચક સંમેલનને સફળ બનાવ્યું હતું અને કાર્યકર્તા શ્રી વિનોદભાઈ ગાડી એ આભાર દર્શન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનિષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૦૦ જેટલા વાચકોએ આ સંમેલનમાં ભાગ લઈ ‘સાધના’ને વધુ સમૃદ્ધ અને વાંચનસભર બનાવવા માટે મહત્ત્વનાં સૂચનો કર્યા હતા.



‘સાધના’ એ ધર્મ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાનું શીખવે છે : પૂ. મુદિતવદનાનંદ સ્વામી

‘સાધના’નાં આ વાચક સંમેલનમાં વાચકોના પ્રતિભાવ સાંભળતો હતો. તેમાં ‘સાધના’નાં વિચારને કારણે વ્યક્તિત્વ નિર્માણ થાય તેવા ઘણા સૂચનો સાંભળ્યાં. ‘સાધના’ એક રાષ્ટ્રભાવના છે અને છેલ્લા ૬૦ વર્ષથી તે રાષ્ટ્રભાવનાની આરાધના કરી રહ્યું છે. ‘સાધના’ના માધ્યમ થકી રાષ્ટ્રભક્તિની ભાવનાને સમર્થ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું બાળપણથી જ ‘સાધના’ વાંચતો આવ્યો છું. દેશમાં કટોકટી વખતે મારા પાટલુનમાં ‘સાધના’ છુપાવી જગ્યાએ જગ્યાએ પહોંચાડતો હતો. ‘સાધના’એ મને સમૃદ્ધ કર્યો છે. પાથેય જેવી ‘સાધના’ની કોલમો ‘જીવન પાથેય’ શીખવી જાય છે. બાળસંસ્કાર કેન્દ્ર અને યુવાકેન્દ્રમાં જવાનું હોય ત્યારે સંતરામ મંદિરના સંત રામમહારાજ અને હું પાથેય અચૂક વાંચી લઈએ છીએ. માટે આપણે સૌએ ‘સાધના’ને ગલી-ગલી, ઘર-ઘરમાં પહોંચાડવાનાં પ્રયત્નો કરવાના છે. જન્મદિવસ જેવા શુભપ્રસંગે ‘સાધના’નું લવાજમ ભેટરૂપે આપીએ. એટલું જ નહીં ‘સાધના’ વંચાવી તેના વિષે પ્રતિભાવનો આગ્રહ રાખો. આપણા ઘરમાં પેપરની પસ્તી થાય તેને વેચીને તેમાંથી મળતી રકમમાંથી ‘સાધના’નું લવાજમ ભરવાનો આગ્રહ રાખો.
હાલ આપણા દેશમાં રાષ્ટ્રભાવનાની ઊણપ વર્તાઈ રહી છે. કારણ કે માતા-પિતા દ્વારા આ ભાવના જાગ્રત કરવાનું કામ જ થતું બંધ થઈ ગયું છે, ત્યારે આ રાષ્ટ્રભાવનાનું ઘડતર કેવી રીતે થશે? આપણા ધર્માચાર્યો પણ પોતાના ધર્મનો વિકાસ કરવામાં લાગેલા છે. હાલનો સમય આપણી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડવાનો છે. ધર્મ માટે માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાનો સમય છે અને ‘સાધના’ એ કરી રહ્યું છે. માટે ‘સાધના’ અંગે કોઈ સૂચન હોય તો તરત જ પત્ર થકી જાણ કરો. કારણ કે જેની દિશા સમૃદ્ધ છે તેની ‘દશા’ પણ સમૃદ્ધ છે. ‘સાધના’ વ્યક્તિની દિશા અને દશા સમૃદ્ધ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ધર્મશાસ્ત્રો કહે છે કે, ‘તમારી આવકના દસ ટકા ધર્મકાર્યો માટે વાપરો. આપણે દસ ટકામાંથી બે ટકા ‘સાધના’ને આપવા જોઈએ.’
પ્રત્યેક વાચકે દર વર્ષે પાંચથી દસ વ્યક્તિને ‘સાધના’નું લવાજમ ભરવા તૈયાર કરવા જોઈએ. ‘સાધના’માં આવતી વાંચન સામગ્રી વાગોળવામાં ખાસ કરીને યુવાપેઢીને મદદ કરો. કારણ કે આજની આ પેઢીને રાષ્ટ્રની ચિંતા કરવામાં રસ ઓછો થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આપણા વીરજવાનો શહીદ થઈ રહ્યાં છે. યુવાનોમાં શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના જાગે તેનું અભિયાન નડિયાદથી શરૂ થયું છે. યુવા પેઢી આ પ્રકારના અભિયાન વિશે વાંચશે તો તેઓમાં પણ રાષ્ટ્રભાવના જાગશે. માટે આવા વિચારો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તેનાથી આપણી પેઢીને ઘણી મોટી દિશા મળશે.
‘સાધના’નો વિચાર પોતાના પરિવારનાં પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં બહેનો-માતાઓ પણ મોટુ યોગદાન આપી શકે છે. ઘરમાં જે ભંગાર ભેગો થાય તેને વેચીને પણ ‘સાધના’નું લવાજમ ભરી શકાય છે.
‘સાધના’માં લેખોની સૌથી સારી વાત તેની શિસ્તબદ્ધ શૈલી અને લખાણની મર્યાદા છે. હાલ સમય છે આપણા દેશમાં હકારાત્મક સ્પંદન વહાવવાનો. આપણે કહીએ છીએ કે બીજા દેશમાં એ થઈ શકે અને ભારતમાં શક્ય નથી. કારણ કે આપણામાં ઘોર નિરાશા છે. આ નિરાશાને દૂર કરવાની જરૂર છે. દૈનિક સવારે ઊઠીને પ્રાર્થના કરવાની ટેવ કેળવો અને રાષ્ટ્ર આરાધનાની પ્રાર્થના ન થાય ત્યાં સુધી દિનચર્યા શરૂ ન કરવાનું વ્રત લો.
વૈદિક મંત્રના ગાન સાથે તેઓશ્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.


વાચકોના આંગણે જઈ તેમના મંતવ્ય જાણવાનો પ્રયાસ માત્ર ‘સાધના’ થકી જ થાય છે : સુરેશભાઈ ગાંધી

‘સાધના’માં વાચક સંમેલનો યોજવાની પરંપરા રહી છે. આખરે ‘સાધના’નો વાચક શું માંગે છે? તે જાણવાનો આ પ્રકારના વાચક સંમેલનનો ઉદ્દેશ્ય હોય છે. વાચકોમાં તેનો પ્રભાવ પણ સારો પડ્યો છે. વાચકોને આંગણે જઈ તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન માત્ર ‘સાધના’ દ્વારા જ થાય છે. એટલું જ નહીં ‘સાધના’એ વાચકોનો મંતવ્યોને અમલી બનાવવાના શક્ય એટલાં પ્રયત્નો કરે છે. લોકતંત્રમાં મિડીયા એ ચોથી જાગીર છે. હવે તેનો પાંચમો આધારસ્તંભ છે વાચકો. માધ્યમો માટે વાચક કે પ્રેક્ષક મૂલ્યવાન છે અને તેનો અભિપ્રાય જાણ્યા સિવાય કોઈ મિડીયા પ્રભાવી બની શકે નહીં. તેમણે ઉપસ્થિત વાચકો પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી કે દરેક વાચક પોતાના મિત્રને ‘સાધના’નો વાચક બનાવે, વાચકને ગ્રાહક બનાવે, ગ્રાહકને કાર્યકર્તા બનાવે, કાર્યકર્તાને ઓપિનિયન મેકર બનાવે અને ઓપિનિયન મેકરને ‘સાધના’નો લેખક બનાવે.


વાચકોના પ્રતિભાવો


દેશની સમસ્યાઓ જેવી કે કામચોરી, રાષ્ટ્રભાવનો અભાવ, માર્ગદર્શિકા મળે તેવા લેખો પ્રકાશિત થવા જોઈએ. રાષ્ટ્ર માટે કામ કરનારા લોકોને ‘સાધના’માં સ્થાન આપવું જોઈએ.

- મણીભાઈ પટેલ (પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત)


વર્તમાન ઘટનાઓ નિષ્પક્ષ રૂપે રજૂ થાય છે. હકારાત્મક માહિતી વાચકો સુધી પહોંચે છે.

દિલીપ પંચાલ (જિલ્લા કાર્યવાહ)


હાલ સોશ્યિલ મીડિયામાં વિવિધ અફવાઓનો મારો ચાલે છે. તેનું ખંડન કરી હકીકત રજૂ કરતી કોલમ આવવી જોઈએ.

- વિજય પટેલ



બાળકો માટે જે સાહિત્ય છપાય છે તેની ફોન્ટ સાઈઝ થોડી મોટી કરવાની જરૂર છે. બાળગીતો આવવા જોઇએ.

- પોપટભાઈ ઝાલા


સ્પર્ધાત્મકલક્ષી પરીક્ષાઓ અને તે અંગેનું માર્ગદર્શન કરતા લેખો પ્રકાશિત થવા જોઈએ.

- મનિષ પ્રજાપતિ



‘સાધના’માં જે મુખપૃષ્ઠ પર એક વિશેષ પ્રતિક હોવું જોઈએ.

- રજનીભાઈ પટેલ



સોશિયલ મીડિયામાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિ અંગે જે ભ્રમ ફેલાવવામાં આવે છે તેનો જવાબ આપતા લેખો, તેમજ ધર્મ પરિવર્તન અંગે જાગૃતિ લાવતા લેખો આવવા જોઈએ.

- રાજેશભાઈ



‘સાધના’ સમાજ પ્રબોધનનું સામાયિક છે. પરિણામે જ્યારે તેની કિંમત, લવાજમ વધારવામાં આવે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવા તે બદલે તેની પાછળની પરિસ્થિતિ સમજવાની જરૂર છે.

- સંજયભાઈ શાહ

 



‘સાધના’માં પરિવર્તન આણનારા એવા ઉત્તમમાં ઉત્તમ લેખો આવે છે. એક પેજ કૃષિ માટે ફાળવવું જોઈએ અને ઝેરમુક્ત અનાજ, જીરો બજેટ ખેતી વિશે લેખો પ્રકાશિત થતા રહેવા જોઈએ.

- મંગળભાઈ પટેલ (ખેડૂત)

 



‘સાધના’માં વિચારોનું ખૂબ જ સારું ભાથુ હોય છે. કુટુંબમર્યાદા, કુટુંબપ્રથા તૂટી રહી છે ત્યારે કુટુંબ બચાવવા વિશે અને કુટુંબ પ્રબોધનનાં લેખો પ્રકાશિત થવા જોઈએ.

- એ. કે. પટેલ (પ્રિન્સિપાલ)


જૂના ‘સાધના’ને પસ્તીમાં આપવાને બદલે ઘરે-ઘરે ફરીને લોકોને આપી વાંચવાનો આગ્રહ કરું છુ. તહેવારો ટાણે તેનું મહત્ત્વ અને તે અંગેની માહિતી પ્રકાશિત થવી જોઈએ.

- રામભાઈ પટેલ



અજાણ્યાં વીરોની ભાગીદારી ઊજાગર કરી ‘સાધના’એ ઐતિહાસિક કાર્ય કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ઊજાગર કરતી ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થવી જોઈએ.

- ડાહ્યાભાઈ પટેલ


‘સાધના’ સર્વસમાવેશક મેગેઝીન છે. સાધનાના અનેક વિષયોમાં કલા-સાહિત્ય, સંગીત નૃત્ય, ચિત્રકલા વગેરે કલાઓ અંગે વાચકોમાં અભિરૂચિ જાગે તેવા લેખો પ્રકાશિત થવા જોઈએ.

ડૉ. પુષ્પાબેન ભટ્ટ (પ્રાધ્યાપિકા)



‘સાધના’માં જે નવા નવા વિષયો વાંચવા મળે છે. તે અન્ય ક્યાંય વાંચવા મળતા નથી. અજાણ્યા શહીદો વિશે વાંચવા મળે છે. સંસ્કૃતિ વારસો અંગેના લેખોથી માંડી ડિઝાઈન સુધી બધું જ સુંદર છે.

- સેજલ પટેલ


‘સાધના’માં તમામ પ્રકારના લેખો આવે છે. વર્તમાન પેઢીમાં મોબાઈલનું આકર્ષણ વધ્યું છે ત્યારે મોબાઈલની અંદર ‘સાધના’ વંચાતુ થાય તેવા પ્રયત્નો કરવાની જરૂર.

- વાઘેલા ઉદયસિંહ સોમાભાઈ


સ્ત્રી-શિક્ષણ અને કુટુંબ પ્રબોધનનાં લેખો આવે તે જરૂરી છે. સમાજમાં અનેક રાષ્ટ્રવિરોધી ભ્રામક ધારણાઓ ઘર કરી ગઈ છે. તેને દૂર કરતાં ચિંતનાત્મક લેખો પ્રકાશિત થવા જોઈએ.

- પ્રા. જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ


પાથેય થકી જીવનમાં ઘણું જ પરિવર્તન આવે છે. તંત્રી સ્થાનેથી પ્રકાશિત થતું લખાણ અને માહિતી અન્ય ક્યાંય વાંચવા મળતું નથી. આ બે વસ્તુઓ ‘સાધના’ને પૂર્ણ બનાવે છે.

- રાજેશભાઈ પંચાલ


૨૧ વર્ષથી ‘સાધના’નો અભ્યાસી છું. ‘સાધના’ની સંસ્કૃતિ માનવ કલ્યાણની છે. માટે રાજકારણના કાર્યક્રમો ને પ્રાધાન્ય આપવાને બદલે માનવ કલ્યાણને પ્રોત્સાહન આપતા લેખોને પ્રાધાન્ય મળવું જોઈએ.

- શાંતિલાલ પટેલ