રાષ્ટ્રરક્ષક મહારાજા સુહેલદેવ

    ૦૯-જૂન-૨૦૧૭


૧૦ જૂન - એક અનોખા વિજયદિન નિમિત્તે

ઇ.સ. ૧૦૦૧થી લઈને ઇ.સ. ૧૦૨૫ સુધી મહંમદ ગઝનવીએ ભારતને લૂટ્યું. કુલ ૧૭ વાર આક્રમણ કર્યંુ તથા મથુરા, થાણેસર, કનોજ તથા સોમનાથના અતિ સમૃદ્ધ મંદિરોને લૂંટ્યા. સોમનાથની લડાઈમાં ગઝનવીના ભાણેજ સૈયદ સાલાર મસૂદે પણ ભાગ લીધો હતો. ઇ.સ. ૧૦૩૦માં મહંમદ ગઝનવીના મોત બાદ ઉત્તર ભારતમાં ઇસ્લામનો વિસ્તાર કરવાની જવાબદારી મસૂદે પોતાના ખભે ઉપાડી લીધી. પરંતુ ૧૦ જૂન, ૧૦૩૪માં બહરાઈચની લડાઈમાં ત્યાંના શાસક શૂરવીર મહારાજ સુહેલદેવના હાથે સાલાર મસૂદ તેની દોઢ લાખ સેના સાથે મોતને ઘાટ ઉતરી ગયો. ઇસ્લામી સેનાના પરાજય બાદ ભારતીય શૂરવીરોની એવી ધાક વિશ્ર્વ આખામાં વ્યાપ્ત થઈ ગઈ કે આવનારા ૧૫૦ વર્ષો સુધી કોઈપણ આક્રમણખોરે ભારત પર આક્રમણ કરવાનું દુસાહસ કરવાની હિંમત ન કરી.
ઇતિહાસ સાક્ષી પૂરે છે કે શ્રાવસ્તી નરેશ રાજા પ્રસેનજીતે બહરાઈચ રાજ્યની સ્થાપના કરી હતી. પ્રારંભિક નામ ભરવાઈચ હતું. આ કારણોસર તેને બહરાઈચ નરેશના નામે સંબોધિત કરવામાં આવતા. આજ મહારાજ પ્રસેનજીતને ત્યાં ઇ.સ. ૯૯૦માં મહા માસની વસંત પંચમીના શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્રનું નામ સુહેલદેવ રાખવામાં આવ્યું.
મહારાજ સુહેલદેવનું સામ્રાજ્ય પૂર્વમાં ગોરખપુર અને પશ્ર્ચિમમાં સીતાપુર સુધી ફેલાયેલું હતું. ગોંડા, બહરાઈચ, લખનઉ, બારાબંકી, ઉન્નાવ, લખીમપુર વગેરે આ વિશાળ રાજ્યની સીમાઓમાં સમાવિષ્ટ હતાં. આ બધા જ જિલ્લાઓમાં રાજા સુહેલદેવના સહયોગી રાજાઓ રાજ્ય કરતા હતા. સુહેલદેવને આ ૨૧ રાજાઓનો સહયોગ મળતો હતો.
મહંમદ ગઝનવીના મૃત્યુ પછી સૈયદ સાલાર મસૂદ ગાઝી તેના અબ્બા સાહુ ગાઝી સાથે ભારત પર આક્રમણ કરવા માટે નીકળ્યો. તેની સાથે લાખોની સંખ્યામાં સૈનિકોની ફોજ હતી. આ મોટી જેહાદી સેના લઈ તેણે દિલ્હી પર આક્રમણ કર્યું. ચારે તરફ હાહાકાર મચી ગયો. પૂરો એક મહિનો આ યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં સાલાર મસૂદની સેના ફાવી નહીં. દિવસે ને દિવસે તેનો પરાજય થઈ રહ્યો હતો. તેનું મનોબળ તૂટી રહ્યું હતું. તે હારવાની અણી પર હતો ત્યાંજ બખ્ત્યાર સાહુ, સાલાર સૈફુદ્દીન, અમીર સૈયદ એઝાઝુદ્દીન, મલિક દૌલત મિયાં, રજવ સાલાર અને અમીર સૈયદ નસરુલ્લા મોટી ઘોડેસવાર સેના લઈ તેની મદદે દોડી આવ્યા.
ફરીવાર ભયંકર યુદ્ધ શરૂ થયું. જેમાં બન્ને પક્ષના અનેક યોદ્ધાઓ શહીદ થયા. આ લડાઈમાં રાય મહિપાલ તથા રાય હરગોપાલે ઘોડા પર બેસી મસૂદ પર ગદાથી ભયંકર પ્રહારો કર્યા. જેના કારણે મસૂદની આંખ પર ઇજા થઈ અને દાંત તૂટી ગયા. આ બન્ને વીરો અપૂર્વ પરાક્રમ બતાવી શહીદ થયા.
મસૂદે કનોજને જેહાદનું કેન્દ્ર બનાવી દીધું. ત્યાં રહીને તેને હિન્દુઓના તીર્થસ્થાનો નષ્ટ કરવા જેહાદ આરંભ્યો અને પોતાની સેના મોકલી. તેણે મલિક ફેઝલને વારાણસી મોકલ્યો અને પોતે સપ્તઋષી તરફ આગળ વધ્યો.
મસૂદે તેના ગુરુ ઇબ્રાહિમ બારાહજારીને ધુંધગઢ મોકલ્યો. કારણ કે ધુંધગઢના કિલ્લામાં તેના મિત્ર મહંમદ સરદારને રાજા રાયદીન દયાલ અને અજય પાલે બંધી બનાવી રાખ્યો હતો. એવું કહેવાય છે કે ઇબ્રાહિમ બારાહજારી ખૂબ જ ક્રૂર હતો. એ જ્યાંથી નીકળતો ત્યાં બિનમુસ્લિમોનું બચવું અશક્ય હતું. એજ હિન્દુઓ બચી શકતા જે ઇસ્લામ ધર્મ સ્વીકારે. બારાહજારી સાથેની આ લડાઈમાં રાજા દીનદયાલ અને અજય પાલ ખૂબ જ બહાદુરીથી લડ્યા અને વીરગતી પામ્યા. પરંતુ દીનદયાલના ભાઈ રાય કરનપાલે પોતાની વીરતાથી ભયાનક એવા બારાહજારીને ખતમ કરી નાંખ્યો.
સાલાર મસૂદની ક્રૂરતા વધતી જતી હતી. કડેના રાજા દેવનારાયણ અને માણેકપૂરના રાજા ભોજપત્રએ એક વાળંદને સાલાર મસૂદ પાસે મોકલ્યો. એ વાળંદને રાજાઓએ સૂચના આપેલી કે તે ઝેરવાળા સાધનથી મસૂદના નખ કાપી તેને મોતને ઘાટ ઉતારી દે. પરંતુ વાળંદ પકડાઈ ગયો અને સાલાર મસૂદ બચી ગયો.
આ પ્રયાસ અસફળ રહેતા આ બન્ને રાજાઓએ બહરાઈચના રાજાઓને સંદેશ મોકલ્યો કે અમે આ તરફથી ઇસ્લામીક સેનાઓ પર આક્રમણ કરીએ છીએ અને તમે બીજી તરફથી આક્રમણ કરો. આ રીતે આપણે ઇસ્લામી સેનાનો સફાયો કરી દઈએ. પરંતુ આ સંદેશો બહઈરાચના રાજા પાસે પહોંચે એ પહેલાં જ મસૂદના ગુપ્તચરોએ સંદેશવાહકોને બંદી બનાવી દીધા. સંદેશવાહકોમાં એક બ્રાહ્મણ અને એક વાળંદ હતો. બ્રાહ્મણને છોડી દીધો અને વાળંદને ફાંસીએ લટકાવી દીધો.
આ ભેદ ખૂલી જવાથી મસૂદના અબ્બા સાહુએ એક મોટી સેના સાથે કડે અને માણેકપૂર રાજ્ય પર આક્રમણ કરી દીધું. રાજા દેવનારાયણ અને ભોજપત્ર વીરતાથી લડ્યા, પરંતુ અંતમાં પરાસ્ત થયા. આ બન્ને રાજાઓને બંધી બનાવીને સપ્તઋષી મોકલી દેવામાં આવ્યા. અહીં મસૂદના આદેશથી આ બન્ને રાજાઓને સાલાર સૈફુદ્દીન પાસે બહરાઈચ મોકલી દેવામાં આવ્યા. બહરાઈચના હિન્દુ રાજાઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે સૈફુદ્દીનને ચારે તરફથી ઘેરી લીધો. આ સમાચાર મસૂદને મળતા તે સેના લઈ બહરાઈચ રાજ્ય ધસી ગયો. આ સમયગાળા દરમ્યાન મસૂદના અબ્બા સાહૂનું મૃત્યુ થયું.
સાલાર મસૂદ બહરાઈચ તરફ સેના લઈ આગળ વધી રહ્યો છે તે સમાચાર મળતા જ બહરાઈચના રાજાઓ એકઠા થયા. રાજા સુહેલદેવે બધા રાજાઓને હાકલ કરી અને મસૂદનો સામનો કરવા માટે તૈયાર કર્યા. સુહેલદેવના નેતૃત્વમાં બહરાઈચ શહેરની ઉત્તરમાં આઠ માઈલની દૂરી પર વહેતી ભકલા નદીના કિનારે પોતાની વિશાળ સેના લઈ મસૂદનો ખાતમો બોલાવવા એકઠા થયા.
રાતનો સમય હતો. ભકલા નદીના કિનારે હિન્દુ રાજાઓની સેના તંબુમાં સુતી હતી. મોડી રાતનો ગજર ભાંગી રહ્યો હતો. આક્રમણખોર મસૂદ આ વાતથી વાકેફ હતો. તેણે દગાખોરી કરીને સૂતેલી હિન્દુ સેના અને રાજાઓ પર આક્રમણ કરી દીધું. તેમ છતાં સૈનિકો લડ્યા. બન્ને તરફ અનેક વીરો માર્યા ગયા. આ પ્રથમ યુદ્ધમાં કપટના કારણે મસૂદ વિજય બન્યો.
પહેલી લડાઈમાં પરાસ્ત થયા બાદ બીજી લડાઈ માટે હિન્દુ સેના ફરી વખત સંગઠીત થવા માંડી. રાજા સુહેલદેવની સૂચના મુજબ હિન્દુ સેનાઓએ લડાઈના માર્ગ પર હજારોની સંખ્યામાં ઝેર પાયેલા ખિલ્લાંઓ જમીનમાં છુપાવી દીધા. પરંતુ આ વખતે પણ મસૂદે દગો કરી રાત્રે આક્રમણ કર્યું અને હિન્દુઓના અનેક સૈનિકો માર્યા ગયા. પરંતુ આ યુદ્ધમાં ત્રીજા ભાગની મુસ્લિમ સેના પણ ખતમ થઈ ગઈ.
ભારતીય ઇતિહાસમાં આ પ્રકારે યુક્તિપૂર્વક લડાયેલી આ એક અનોખી લડાઈ હતી. બે વખત કપટનો શિકાર બનીને હિન્દુ સેના સચેત થઈ ગઈ.
મહારાજ સુહેલદેવ હવે કોઈપણ ભોગે મસૂદને જીવતો છોડવા માંગતા નહોતા. હવે આરપારની લડાઈ હતી. સુહેલદેવના સૂચન મુજબ આ નિર્ણાયક યુદ્ધ માટે પ્રત્યેક હિન્દુ પરિવારમાંથી યુવાન હિન્દુઓ આગળ આવ્યા. મહારાજા સુહેલદેવની આગેવાની હતી તેથી યુવાનોમાં ઉત્સાહ અને હિમ્મત હતા. આ લડાઈનું યુદ્ધક્ષેત્ર ચિતૌડા ઝીલથી લઈને હઠીલા અને અનારકલી ઝીલ સુધી ફેલાયેલું હતું. આ વખતે પણ મસૂદે ચાલાકી વાપરી. યુદ્ધ શરૂ થાય એ પહેલા જ હિન્દુ સેના સામે હજારો ગાયો દોડતી છોડી દીધી. ગાય પ્રત્યેના આદરના કારણે હિન્દુ સેના તેના પર પ્રહાર ન કરે અને આગળ વધવામાં પણ મુશ્કેલી પડે તેવું મસૂદનું આયોજન હતું. હિન્દુ સેનાએ દોડી રહેલી ગાયોને જરાપણ આંચ આપ્યા વિના આ મુશ્કેલીનો સામનો કર્યો. સુહેલદેવના નેતૃત્વમાં અનેક વીર રાજાઓ અને સૈનિકો ભૂખ્યા સિંહ માફક ઇસ્લામિ સેના પર તૂટી પડ્યા. આ યુદ્ધમાં હિન્દુ સેનાએ અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. આક્રમણખોર મીર નસરુલ્લાહ બહરાઈચથી ૧૨ માઈલ દૂર દીકોલી ગામ પાસે માર્યો ગયો. સૈયદ સાલાર મસૂદનો ભાણેજ મિયાં રજ્જબ બહરાઈચથી ત્રણ માઈલ દૂર શાહપુર ગામ પાસે માર્યો ગયો. આ બન્નેનું મૃત્યુ ૫ જૂન ૧૦૩૪ના દિને થયું.
હવે ભારતીય સેનાએ રાજા કરનના નેતૃત્વમાં ઇસ્લામી સેનાના કેન્દ્ર પર આક્રમણ કર્યું. જેનું નેતૃત્વ સ્વયં મસૂદ કરી રહ્યો હતો. હિન્દુ સેનાએ મસૂદને ઘેરી લીધો. તેથી સાલાર સૈફુદ્દીન પોતાની સેના સાથે તેની સહાયતા માટે દોડી આવ્યો. ભયાનક યુદ્ધ જામ્યુ. હિન્દુ રાજાઓએ મસૂદ અને સૈફુદ્દીન બન્નેને બરાબરના ઘમરોળ્યા. વીર રાજાની તલવારથી સૈફુદ્દીનનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. આક્રમણખોર નર્ક-નશીન થયો. આજે પણ તેની કબર બહરાઈચ - નાનપારા રેલ્વે લાઈન પાસે છે. સાંજ થઈ જતા યુદ્ધ બંધ થયું અને બન્ને સેનાઓ પોતપોતાની શિબિરોમાં પરત આવી.
૧૦ જૂન, ૧૦૩૪ના દિને મહારાજા સુહેલદેવના નેતૃત્વમાં હિન્દુ સેના વાવાઝોડું બનીને સાલાર મસૂદની ફોજ પર તૂટી પડી. પરાક્રમી સુહેલદેવ અને આક્રમણખોર મસૂદનો આમનો સામનો થયો. સુહેલદેવની ત્રાડ સાંભળીને જ મસૂદના ‚રૂંવાડા ઊભા થઈ ગયા. અત્યાર સુધી અનેક નિર્દોષ હિન્દુઓને મારનાર મસૂદ મોત સામે જોઈને ખળભળી ગયો. તેમ છતાં તેણે લડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સુહેલદેવની વીરતા સામે એ ટકી ના શક્યો. મસૂદને બરાબર ઘમરોળ્યા બાદ સુહેલદેવ એનાથી દૂર ગયા. પોતાના ધનુષમાં વિષવાળુ બાણ ચઢાવી મસૂદને વીંધ્યો. બાણ મસૂદના ગળાની આરપાર નીકળી ગયું. તરફડીયાં મારતો મસૂદ ત્યાં જ ઢળી પડ્યો. એટલું જ નહીં તેની દોઢ લાખ જેટલી સેનાને પણ હિન્દુ સૈનિકો અને રાજાઓએ પરાસ્ત કરી.
આક્રમણખોર મસૂદને પરાસ્ત કરી મહારાજા સુહેલદેવ તેમની સેના સાથે રાજ્યમાં પરત આવ્યા. નગરજનોએ અભૂતપૂર્વ વિજયોત્સવ ઉજવ્યો. આ વિજયની યાદમાં એક ‘વિજયસ્તંભ’નું નિર્માણ શરૂ થયું, પરંતુ સંજોગાવશાત તે પૂર્ણ ન થયું. સંભવત: આ એ જ સ્થાન છે જે શ્રાવસ્તીથી થોડે જ દૂર ઈકોના બલરામપુર રાજમાર્ગ પર ટેકરી રૂપે દેખાય છે.
વીર પરાક્રમી મહારાજા સુહેલદેવે જે દિવસે વિજય મેળવ્યો હતો એ દિવસ ૧૦ જૂન, ૧૦૩૪નો હતો. આજે આટલા વર્ષે આજ દિને આ અનોખા વીર પુરૂષને યાદ કરી તેમની વીરતાને સલામ કરીએ.