બે પુત્રવધૂએ આપ્યો સસરાને અગ્નિદાહ

    ૦૭-જુલાઇ-૨૦૧૭

પિતાને પુત્રીઓ દ્વારા અગ્નિદાહ આપવાના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે, પરંતુ કોઈ પરિવારમાં સસરાને તેની પુત્રવધૂઓએ અગ્નિદાહ આપ્યો હોય તેવું કદાચ જ સાંભળ્યું હશે. આ દીવાદાંડીરૂપ પ્રસંગ બન્યો છે વલસાડમાં. વલસાડના અબ્રામા ખાતે પર્લ પાર્કમાં રહેતા ૮૧ વર્ષના રામકુમાર બિન્દાદીન કનૌજિયાનું અવસાન થતાં સ્મશાનમાં તેમની અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે પરંપરા મુજબ મોટા પુત્ર દ્વારા પિતાને અગ્નિદાહ અપાશે તેવું વિચારતા લોકોને આશ્ર્ચર્ય થયું, જ્યારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે તેમની પુત્રવધૂ ડિમ્પલ અને કિરણબહેન આગળ આવ્યાં હતાં. સદ્ગત પોતાની બે પુત્રવધૂને પોતાના પુત્રો કરતાં પણ વધુ રાખતા હતા અને પોતાની અંતિમવિધિ પણ તેમના હાથે જ થાય તેવું ઇચ્છતા હતા. પરિણામે પરિવારે પરંપરાના વાડા તોડી પુત્રવધૂઓના હાથે સસરાની અંતિમવિધિ કરાવી હતી.

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પૂજા સામગ્રી પર જીએસટીનો વિરોધ

પૂજા સામગ્રી, અગરબત્તી, ધૂપ, પ્રસાદીના લાડવા અને ઘી પર જીએસટી લગાવવાને લઈને વિશ્ર્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે, જેને લઈને ૭ જુલાઈના રોજ કર્ણાવતી (અમદાવાદ)નાં ટાઉનહૉલ ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી પૂજાસામગ્રીને જીએસટીમાંથી બાકાત રાખવાની માંગણી કરી હતી. હાલમાં હિન્દુઓની પૂજાસામગ્રી પર જીએસટી રદ્ કરો, હિન્દુ મંદિર મૂર્તિ પર ટેક્સ કેમ? ખજૂર, મચ્છી માંસ પર નહીં તો પૂજાપા, પ્રસાદ પર જીએસટી શા માટે ?

અંધારી ગામના મુસ્લિમ સમુદાયની અનોખી દેશભક્તિ

તા. ૨૬ જૂને વિશ્ર્વભરમાં મુસ્લિમ ભાઈ-બહેનોએ ભારે ઉત્સાહ સાથે ઈદ મનાવી હતી. નવાં કપડાં, પકવાન અને રોશનીના ઝગમગાટ વચ્ચે ઈદનો ઉત્સવ મનાવાયો, પરંતુ મહારાષ્ટ્રના અંધારી નામના એક ગામમાં મુસ્લિમ સમુદાયે આ તહેવાર ન મનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરતાં વધારે મહત્ત્વની અને ગૌરવ જગાવે તેવી વાત છે. સિલ્લોડ તાલુકામાં સંદીપ જાધવ નામના જવાને કાશ્મીર ખાતે શહાદત વહોરી હોવાથી તેમના શોકમાં આ સંપૂર્ણ ગામે ઈદ ન મનાવવાનો નિર્ણય કર્યો હતો.
જાધવના મૃત્યુથી સંપૂર્ણ તાલુકો શોકગ્રસ્ત હતો ત્યારે દેશની રક્ષા કાજે એક યુવાને જીવ ખોયો હોય ત્યારે આપણે ઈદ કઈ રીતે મનાવી શકીએ, તેવો વિચાર કરી આ ગામના લગભગ ૧,૫૦૦ મુસ્લિમ બિરાદરે ઈદ ન મનાવવાનું નક્કી કર્યું હતું. રીતરિવાજ પ્રમાણે માત્ર નમાઝ અદા કરવામાં આવી હતી. એટલું જ નહીં મસ્જિદ પાસે પાકિસ્તાન મુર્દાબાદ અને વીર જવાન અમર રહો તેવાં બેનર પણ લગાડવામાં આવ્યાં હતાં. સંપૂર્ણ ગામમાં સ્વેચ્છાએ એક પણ પરિવારે કોઈ પણ જાતની ઉજવણી કરી ન હતી.

ભારતીય મૂળના બાળકે આઇન્સ્ટાઈન - હૉકિંગને રાખ્યા પાછળ, ૧૬૨ IQ પૉઇન્ટ

ભારતીય મૂળના ૧૧ વર્ષના એક બાળકને મેન્સા આઈક્યૂ ટેસ્ટમાં ૧૬૨ પૉઇન્ટ મળ્યા છે. આ પૉઈન્ટ જીનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને સ્ટિફન હૉકિંગ દ્વારા મેળવેલા પૉઇન્ટથી ૨ પૉઇન્ટ વધારે છે. આ સફળતાએ બાળકને યુ. કે.માં સૌથી વધુ બુદ્ધિશાળી બાળક બનાવી દીધો છે. દક્ષિણ ઇંગ્લૅન્ડના અર્ણવ શર્માએ આ ઍક્ઝામને અમુક અઠવાડિયા પહેલાં જ પાસ કરી છે. આશ્ર્ચર્યજનક વાત તો એ છે કે, અર્ણવે આ ઍક્ઝામ માટે કોઈ તૈયારી કરી નહોતી. ઍક્ઝામ પહેલાં અર્ણવ એ પણ જાણતો નહોતો કે, એક ટિપિકલ પેપર કેવું દેખાય છે. મીડિયાના અહેવાલ પ્રમાણે, પરીક્ષા જેમાં પ્રારંભિક તબક્કે વર્બલ રિઝનિંગ ઍબિલિટીને માપવામાં આવે છે, તેણે અર્ણવે આઈક્યૂ મામલે દેશના એક ટકા બાળકોની યાદીમાં લાવી દીધો. અર્ણવે જણાવ્યું કે, મેન્સા ટેસ્ટ બહુ મુશ્કેલ છે અને ઘણા લોકો તેને પાસ કરી શકતા નથી. અર્ણવે વધુમાં કહ્યું કે, તેણે સેલ્વેશન સેન્ટરમાં ઍક્ઝામ આપી હતી. આ ઍક્ઝામમાં તેને અઢી કલાકનો સમય લાગ્યો હતો. તેણે યાદ કરતાં કહ્યું કે, ઍક્ઝામ આપનારા કુલ ૭ કે ૮ લોકો હતા. ઘણા બાળકો હતાં તો ઘણા વયસ્કો પણ સામેલ હતા.

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદનાં ચૅરમૅનશ્રી તરીકે શ્રી ગૌરાંગભાઈ પટેલની બીજીવાર બિનહરીફ વરણી

સ્પાઈસીસ મંડી તરીકે વિશ્ર્વમાં ખ્યાતનામ એપીએમસી ઊંઝાના ચૅરમૅન શ્રી ગૌરાંગભાઈ પટેલની ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદના ચૅરમૅન તરીકે સતત બીજીવાર બિનહરીફ વરણી થઈ છે. શ્રી ગૌરાંગભાઈનાં અથાગ અને અવિરત પ્રયાસો થકી તેઓશ્રીએ માર્કેટયાર્ડનાં વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે શ્રી ગૌરાંગભાઈ ‘સાધના’ સાપ્તાહિકનાં શુભેચ્છક છે. ‘સાધના’નાં પ્રચાર-પ્રસારમાં હંમેશાં તેમનો સહયોગ મળતો રહે છે. ‘સાધના’નાં રાષ્ટ્રીય વિચારોને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેમનાં કર્મઠ વ્યક્તિત્વ અને પરિણામલક્ષી કામગીરી બદલ તેઓ સતત બીજીવાર ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદનાં ચૅરમૅનશ્રી તરીકે નિમાયા છે ત્યારે ‘સાધના’ તરફથી શ્રી ગૌરાંગભાઈને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
આ પ્રસંગે બજાર સમિતિ ઊંઝાના સેક્રેટરીશ્રી વિષ્ણુભાઈ પટેલ તથા કર્મચારી ગણ દ્વારા ફૂલહાર પહેરાવીને શ્રી ગૌરાંગભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને માર્કેટયાર્ડમાં ફટાકડા ફોડી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ સ્નેહીજનોએ
શ્રી ગૌરાંગભાઈ દિન-પ્રતિદિન પ્રગતિના નવા સોપાન સર કરે તેવી મા ઉમાના જયઘોષ સાથે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી ગૌરાંગભાઈ પટેલે પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, ‘આપ સૌના પ્રેમ અને આત્મીયતાથી હું આ કક્ષાએ પહોંચ્યો છું, જેનો મને આનંદ છે અને ભવિષ્યમાં પણ આપ સૌનો સહકાર સદૈવ મારી સાથે રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.’

ગુજરાતી પત્રકાર ડૉ. દિવ્યેશ વ્યાસને મળ્યો આંતરરાષ્ટ્રીય લાડલી ઍવૉર્ડ

યુવા પત્રકાર અને કટારલેખક ડૉ. દિવ્યેશ વ્યાસને આંતરરાષ્ટ્રીય સ્તરનો સાઉથ એશિયા લાડલી મીડિયા ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મુંબઈના વિશ્ર્વવિખ્યાત ટાટા થિયેટર, એન. સી. પી. એ. ખાતે ૧૨મી મેના રોજ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરના હસ્તે બેસ્ટ આર્ટિકલની કૅટેગરીમાં સાઉથ એશિયા લાડલી મીડિયા ઍન્ડ ઍડ્વર્ટાઈઝિંગ ઍવૉર્ડ ફૉર જૅન્ડર સેન્સિટિવિટી ૨૦૧૫-૨૦૧૬ આપવામાં આવ્યો. ‘દિવ્ય ભાસ્કર’ની ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૫ની ‘કળશ’ પૂર્તિમાં ડૉ. દિવ્યેશ વ્યાસની ‘સમય સંકેત’ કૉલમમાં પ્રકાશિત લેખ ‘ઘર બળે છે, જાણી લેવું જોઈએ !’ને વેસ્ટર્ન ઝોન બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બેસ્ટ આર્ટિકલનું સન્માન પ્રાપ્ત થયું છે. શ્રી દિવ્યેશ વ્યાસને ‘સાધના’ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

માર્ક્સવાદી પક્ષ છોડી ભાજપમાં પ્રવેશેલા મુસ્લિમ પરિવારોના મસ્જિદપ્રવેશ પર પ્રતિબંધ

ત્રિપુરાની સત્તાધારી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના સદસ્યોએ ૨૫ પરિવારના ૨૦૦ મુસ્લિમ સદસ્યોના મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ લોકોનો ગુન્હો માત્ર એટલો જ કે, તેઓએ માર્ક્સવાદી પક્ષ છોડીને ભાજપની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે. આ પરિવારોને સતત માર્ક્સવાદી પક્ષમાં પાછા આવી જવાની ધમકીઓ મળી રહી છે. ત્રિપુરાના શાંતિ બજારમાં રહેતા આ મુસ્લિમ પરિવારોને મનરેગામાં કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ગુજરાતી લેક્સિકન દ્વારા બાળ વાર્તાલેખન સ્પર્ધાનું આયોજન

ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર અને સંવર્ધન માટે આજીવન સમર્પિત કરી દેનારા શ્રી રતિલાલ ચંદરિયાની સ્મૃતિમાં ગુજરાતી લેક્સિકન તરફથી બાળ વાર્તાસ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં પ્રથમ વિજેતાને ૧૫,૦૦૦, દ્વિતીયને ૧૦,૦૦૦, જો ૮ થી ૧૫ વર્ષ વયજૂથનો સ્પર્ધક ભાગ લે અને તેની કૃતિ પસંદગી સમિતિ ઇનામને યોગ્ય ઠેરવશે તો તેમાંની એક કૃતિને ૭,૦૦૦ રૂપિયાનું સ્પેશિયલ ઇનામ આપવામાં આવશે. સ્પર્ધા અંગેના નિયમો અને વધુ માહિતી માટે http:// www.gujaratilexicon.com(Contest) અથવા [email protected] પર સંપર્ક કરવો. કૃતિ મોકલવાની અંતિમ તારીખ ૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ છે.