દેશમાં સેક્યુલર સનેપાત ફરી ઊથલો મારી રહ્યો છે

    ૦૭-જુલાઇ-૨૦૧૭


દેશમાં અચાનક સેક્યુલર જમાત સક્રિય થઈ ગઈ છે અને દેશના ૬૫ જેટલા સેવાનિવૃત્ત નોકરશાહોના નામે એક સાર્વજનિક અપીલ જાહેર કરવામાં આવી છે, જેમાં મુસ્લિમપરસ્તી માટે કુખ્યાત આ જમાતે ફરી એક વખત ૨૦૦૨થી ૨૦૧૪માં લગાવેલા એ જ મનઘડંત આરોપો લગાવ્યા છે. હિન્દુઓ અને રાષ્ટ્રવાદી પક્ષોને બદનામ કરી માનવ અધિકારના નામે આતંકવાદીઓની વકીલાત કરી છે.
તાજેતરમાં જ દેશના ૬૫ સેવાનિવૃત્ત નોકરશાહોના નામથી એક જાહેર અપીલ કરવામાં આવી. આ સમગ્ર અપીલ અને તેની નીચે લખાયેલાં નામો જોઈએ તો વિશ્ર્વાસથી કહી શકાય છે કે, તેને મૂળ રીતે હર્ષમંદર જેવા કોઈએ લખી-લખાવી છે અને અરુણા રૉય જેવા કોઈએ તેમાં કંઈક જોડ્યું-તોડ્યું છે. બાકી તમામ લોકોએ માત્ર હસ્તાક્ષર જ કરી દીધા છે માટે એક વાત નક્કી છે કે, જે રીતે માર્ચ ૨૦૦૨માં ગોધરામાં કારસેવકોને જીવતા બાળી નાખવાની ઘટના બાદ પ્રતિક્રિયાત્મક રમખાણો સમયે જે એકતરફી મુસ્લિમપરસ્ત અને હિન્દુવિરોધી રાજનીતિક પ્રચાર ચાલ્યો હતો, તેના અનુસંધાન રૂપે જ હાલ ફરી થયેલ અપીલ છે.
જે લોકો દ્વારા સતત એ પ્રચારને વાંચ્યો છે, સમજ્યો છે, તેઓ ખૂબ જ આસાનીથી સમજી શકે છે કે, આ અપીલમાં લગભગ તેના તે જ આરોપ છે, જે ૨૦૦૨થી ૨૦૧૪ સુધી સતત લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે સાવ પાયાવિહોણા આરોપ. બંધારણ અને બિનસાંપ્રદાયિકતાના નામે મુસ્લિમપરસ્તી જાહેર થયેલી આ અપીલરૂપ પત્રિકામાં ભારતમાં જ હિન્દુઓના થયેલા અગણિત નરસંહારોનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી અને કોઈ એક ઈશરત જહાંના બહાને સમગ્ર મુસ્લિમ સમાજને પીડિત, આતંકિત બતાવવામાં આવી રહ્યો છે, પછી ભલે ને તે આતંકવાદી જ કેમ ન હોય !
બસ, ફરક એટલો કે આ વખતે એ ઈશરત જહાંના નામને બદલે અખલાકનું નામ લખી દેવામાં આવ્યું છે. બીજું વિદેશી પૈસાના જોરે ચાલનાર એક બિનસરકારી સંગઠન (એન. જી. ઓ.)ના પેટ પર પડી રહેલી લાતોને જોડી દેવામાં આવી છે. બાકી તમામ વાતો એની એ જ છે, જે હર્ષ મંદર, અરુંધતિ રૉય અને તિસ્તા સેતલવાડનાં જૂનાં ભાષણોમાં અને લેખોમાં તમને મળી જશે. જોકે, આપણો દેશ ખૂબ જ વિશાળ છે અને અહીં આવા ભણેલાગણેલા અને પોતાને સેક્યુલર માંધાતાઓ સાબિત કરવા માંગનારા લોકોની કમી નથી, માટે જ જ્યારે આ પ્રકારની પત્રિકાઓ બહાર પડે છે ત્યારે તેની નીચે હસ્તાક્ષર કરનારાઓની જાણે હોડ લાગી જાય છે. પછી ભલેને તેમને સેક્યુલર કે લઘુમતીની ચિંતા અને રાજનીતિમાં ક-ખ-ગ પણ આવડતો ન હોય.
આ સામૂહિક પત્રને છપાવવા એ જૂની વામપંથી હિન્દુવિરોધી રાજનીતિબાજોની ટ્રેડમાર્ક તકનિક છે. અહીં નિષ્પક્ષતા, તટસ્થતા અને ભારતીય બંધારણ પ્રત્યે નિષ્ઠાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં વાત માત્ર મુસ્લિમ ઉત્પીડનની જ કરવામાં આવી છે. શું આ પત્રિકામાં જેહાદી આતંકવાદનો ઉલ્લેખ ન થવો એ નિષ્પક્ષતા છે ? જયપુર, કલકત્તા, હૈદરાબાદ, દિલ્હીમાં સલમાન રશ્દી, તસલીમા, તારિક ફતહ જેવા લેખકો પર મુસ્લિમ દ્વારા કરાયેલા હુમલા, અપાયેલી ધાકધમકીઓ, ફતવાઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલાની શ્રેણીમાં ન લાવવા એ કેવી તટસ્થતા ?
રાષ્ટ્રગીત, યોગાભ્યાસ અને ત્રણ તલાક જેવા વિવિધ નાગરિક મામલાઓની તરેહ-તરેહના મુસ્લિમ નેતાઓ દેશના બંધારણની સરેઆમ હાંસી ઉડાવી ઇસ્લામિક શરિયતના નામે સતત દબાણ લાવતા રહે છે અને આ બધું આપણે ત્યાં છાસવારે બનતું રહે છે, પરંતુ આ ધાર્મિક અસહિષ્ણુતાનો આ પત્રિકાઓમાં ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી. શું આ જ તેમની નિષ્પક્ષતા છે ?
આ પત્રિકામાં ગો-રક્ષકોને અપરાધી ગણાવવામાં આવ્યા છે તે જ બતાવે છે કે, આ આખી પત્રિકાને કોઈ ઇસ્લામપરસ્ત કટ્ટરવાદી દ્વારા જ લખવામાં આવી છે, કારણ કે ભારતીય બંધારણની કલમ ૪૮ મુજબ ગો-રક્ષા રાજ્યનાં બંધારણીય કર્તવ્યોમાં એક છે, જ્યારે આ પત્રિકામાં ગો-રક્ષણના કાર્યને અપરાધના ‚પમાં રજૂ કરાઈ છે. આવી ભૂલ કોઈ જવાબદાર સેવાનિવૃત્ત અધિકારી કેવી રીતે કરી શકે ? આ પત્રિકામાં જે. એન. યુ. અને હૈદરાબાદ વિશ્ર્વવિદ્યાલયોમાં સમાનતા, સામાજિક ન્યાય અને સ્વતંત્રતાને લઈ અસુવિધાજનક સવાલ કરનારા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો પર પ્રશાસનિક પજવણીની ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ જરા વિચારો ભારતના ટુકડા કરવાનું ખુલ્લેઆમ આહ્વાન કરવું એ અસુવિધાજનક પ્રશ્ર્ન છે કે, પછી દેશવિરોધી રાજનીતિ ? આ બાબતો જ સ્પષ્ટ કરે છે કે, આ પત્રિકા ફરતી કરવા પાછળ કેવા લોકોનો હાથ છે અને તેમનો આશય શું છે ?
આમ આ સામૂહિક હસ્તાક્ષરવાળી પત્રિકા માત્ર ને માત્ર રાજનૈતિક પત્રિકા સિવાય કશું જ નથી. ભારત સરકાર જાણે છે કે, અસહમતિ અને વિરોધનો મતલબ દેશદ્રોહ ક્યારેય નથી, માટે જ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને લાશ લપેટવાનું કફન ગણાવી દેશદ્રોહનો ઝંડો ખુલ્લેઆમ ફરકાવનાર અરુંધતી રૉય અને તેના જેવા અન્ય અનેક લોકો આ દેશમાં ખુલ્લેઆમ ફરી શકે છે અને લખી-બોલી શકે છે. ન, તો સરકારે કે ન તો કોઈ રાષ્ટ્રવાદી સંગઠને તેમના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. જ્યારે તેની સામે તાજેતરમાં જ મુસ્લિમો દ્વારા સલમાન રશ્દી અને તસ્લીમા નસરીનને બે-બે વાર બોલતાં અટકાવી દેવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, તેમને આમંત્રણ વખતે આયોજકોને પણ ધમકાવવામાં આવ્યા હતા, પરંતુ આ પત્રિકામાં સ્વતંત્ર અભિવ્યક્તિ અને ચિંતન (ચિલિંગ ઈમ્પેક્ટ ઑન ફ્રી સ્પીચ ઍન્ડ થૉટ) માં આ મોટા લેખકો-લેખિકાઓની અભિવ્યક્તિ સ્વતંત્રતાના દમનનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી. આ પ્રકારની કેટલીક પસંદ કરાયેલ વાતો અને મનફાવે તેમ કાઢી દેવાયેલા નિષ્કર્ષો, ઇસ્લામપરસ્તી ભારતવિરોધ અને હિન્દુવિરોધ નહીં તો બીજું શું છે ? ત્યારે વગર વિચાર્યે આ પ્રકારની રાજનૈતિક પત્રિકા પર હસ્તાક્ષર કરી દેનારા સેવાનિવૃત્ત અધિકારીઓને શરમ આવવી જોઈએ.
અંતમાં આ પત્રિકામાં ‘ઉગ્ર રાષ્ટ્રવાદ’ તથા ‘તાનાશાહી’ તેમજ બહુસંખ્યકવાદમાં વૃદ્ધિનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ શબ્દાવલી પણ વિશુદ્ધ‚પે, વામપંથી, કટ્ટરવાદી જમાતની જ છે. સામાન્ય રીતે કોઈ પણ અધિકારી ‘અતિ રાષ્ટ્રવાદ કે બહુલતાવાદી જેવી વ્યાખ્યાઓનો ઉલ્લેખ કરતો હોતો નથી, કારણ કે આ વાતો તો તે વામપંથી બુદ્ધિજીવીઓની ઊપજ છે, જે સત્તાથી દૂર અને જનસમર્થનથી વંચિત છે માટે જનતાને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જતા આ લોકો લોકશાહીને જ ગાળો ભાંડવા લાગે છે. આ જ બુદ્ધિજીવીઓ જમ્મુ-કાશ્મીર અને ૧૯૭૭થી ૨૦૧૧ દરમિયાનની કૉમ્યુનિસ્ટ તાનાશાહીની વાત કેમ નથી કરતા ?
પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ દાયકા સુધી કૉમ્યુનિસ્ટોની ગુંડાગર્દી, હિંસા, સંગઠિત મતલૂંટ વગેરેને આ જ બુદ્ધિજીવીઓએ ધરાર નજર અંદાજ કરાતી આવી છે અને એમ પણ કહેવામાં આવતું કે અમને ત્યાં જનતાનું સમર્થન છે, માટે ત્યાં જે થઈ રહ્યું છે તે યોગ્ય છે, પરંતુ દેશમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે, તો તેમને તે તાનાશાહી અને બહુસંખ્યકવાદ લાગી રહ્યું છે... સ્પષ્ટ છે આ ઘુમાવદાર અને જટિલ શબ્દાવલી દેશનાં સેવાનિવૃત્ત અધિકારીઓની હોઈ જ ન શકે.
આમ સ્પષ્ટ છે કે, આ આખી પત્રિકા તે જ પુરાણી ઉગ્ર સેક્યુલરવાદી રાજનીતિક ગતિવિધિઓનું એક નવી બૉટલમાં જૂની શરાબ સમાન છે. આમાં એ જ વાતો-આક્ષેપો છે, જે ૨૦૦૨થી સતત લગાવવામાં આવી રહ્યાં છે, તેનું મૂળ સૂત્ર હિન્દુવિરોધ અને ભારતવિરોધ છે. જો ભારતમાં તાનાશાહી હોત તો આ લોકો સરકાર વિરુદ્ધ આ રીતે ખુલ્લેઆમ લખી જ ન શકત. અહીંના કથિત બુદ્ધિજીવીઓ, ભારતમાં રહી ભારતને ગાળો બોલનારા, ભારતને તોડવાની વાતો કરનારા આજે પણ એટલા જ સ્વતંત્ર છે, જેટલા અગાઉ હતા. બસ, તેમની સુખ-સુવિધાના સ્રોતો પર તવાઈ આવી છે, તે જ એમની આ રાડારાડનું મુખ્ય કારણ છે...