મોતને નજરે જોનાર અને કુદરત સામે નાસીપાસ થયા પછી ફરી હિંમત જુટાવી એવરેસ્ટ સર કરનારા બ્રિજમોહન શર્માની ‚રૂંવાડાં ખડાં કરી દેતી દાસ્તાન

    ૦૭-જુલાઇ-૨૦૧૭


મોતના ખૌફને વીસરી સપનું સાકાર કર્યું

હૈયામાં હામ અને મનમાં પ્રબળ ઇચ્છા હોય તો કુદરત પણ કશું કરતાં રોકી નથી શકતી. મનમાં કંઈક કરી છૂટવાની પ્રબળ ઇચ્છા હોય તો ક્યારેય તમે પાછા પડી નથી શકતા. ભલે પછી તે એવરેસ્ટ કેમ ચડવાનો ન હોય ! હા, અહીં એવરેસ્ટ ચડવાની જ વાત છે. અત્યારે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે અનેક લોકો થનગનતા હોય છે. હવે એવરેસ્ટ ચડવો એટલે જીવનનું કપરું ચઢાણ ચડવું એવું નથી. દર વર્ષે અનેક લોકો આ ચડાઈ સર કરે છે. મતલબ પહેલાં કરતાં હવે તેની ઊંચાઈ સર કરવી એ સરળ વાત તો છે જ. નહીં તો ૨૦૧૫માં જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે એવરેસ્ટના બીજા પડાવ સુધી પહોંચ્યા પછી સામે જ ભૂકંપનો ઓછાયો જોયો અને મોતની ભીતિ જોયા પછી પણ બ્રિજમોહન શર્મા ફરી ૨૦૧૭માં એવરેસ્ટની ચડાઈ સર કરવા તૈયાર ન થાત. ગયા મહિને જ બ્રિજમોહન શર્માએ એવરેસ્ટ સર કર્યો. તે સર કરવા દરમિયાન તેમને ફક્ત શારીરિક પડકારોનો જ સામનો કરવો નથી પડ્યો, પણ મૃત્યુ સામે ઝઝૂમવાના ડરની યાદો પણ તેમના સાહસમાં વણાયેલી છે.
માઉન્ટ એવરેસ્ટ ચડવો બ્રિજમોહન શર્મા ઉર્ફે ‘બ્રીઝ’ માટે પડકાર હતો. ગયા મહિને તેમણે સર કર્યો તે પહેલાં ૨૩ વર્ષનું તેમનું સપનું હતું એવરેસ્ટ સર કરવાનું. ૨૦૧૫માં તેમણે તે સપનું પૂરું કરવાની શરૂઆત કરી, પણ નેપાળમાં ધરતીકંપ આવતાં તેમણે તે પ્રયાસ અધૂરો જ છોડીને પાછા આવતા રહેવું પડ્યું, જેના કારણે તેઓ નિરાશ તો થયા જ, પણ સાથે દેવાદાર પણ બની ગયા.
૧૫મી એપ્રિલે શર્મા એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચ્યા હતા. તેમની યાદો બહુ તાજી છે. તેઓ બહુ ઉત્સાહિત હતા. બે વર્ષ પહેલાં ૪૨ વર્ષના શર્મા એ જ સ્થળે ઊભા હતા, જ્યાંથી તેમણે એવરેસ્ટ ચડવાની શ‚આત કરી હતી. તેમની સાથે અન્ય ત્રણ પર્વતારોહકો હતા, પશ્ર્ચિમ બંગાળના પ્રદીપચંદ્ર સાહુ, તેમનાં પત્ની ચેતના અને દેબરાજ દત્તા. બધું બરાબર પાટા પર ચાલી રહ્યું હતું. તેઓ ચારેય કૅમ્પ ટૂ સુધી પહોંચી ગયાં હતાં, પણ પછી તેમને બૅઝ કૅમ્પમાં પાછા આવતાં રહેવું પડ્યું હતું. ૨૫ એપ્રિલ, ૨૦૧૫ના રોજ લગભગ બપોરે ૭.૮ મેગ્નિટ્યૂટના ધરતીકંપે નેપાળને ધ્રુજાવી દીધું. શર્મા અને સાહુ બૅઝ કૅમ્પની આસપાસ આંટા મારી રહ્યા હતા. તેમને મોટો ધ્રુજારીભર્યો અવાજ સંભળાયો. તે પછીની થોડીક મિનિટોમાં તેમની સામે ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું. હવે પછીની ક્ષણો શર્મા માટે બહુ યાદગાર અને ભયાનક બનવા જઈ રહી હતી.
તે કહે છે, અગાઉ ક્યારેય નહોતો સાંભળ્યો તેવો જોરદાર અવાજ મેં સાંભળ્યો. હું ત્યાં આજુબાજુની રૅન્જ સુધી જોવા લાગ્યો, જ્યાં પુમોરી (૭,૧૬૧મી) આવેલું છે ત્યાં કેટલાયે ટનો બરફ નીચે પડી રહ્યો હતો. અમને તે હિમપ્રપાતે પ્રારંભિક રીતે જકડી લીધા હતા, પણ મને તરત જ ભાન થયું કે તે અમારા સુધી પહોંચી શકે છે. આથી અમે ઉપરની સપાટ જમીનની સામે પહોંચવા સુધીની સાંકડી ટોચ પર ચાલવા લાગ્યા. અમે બંને દોડવા લાગ્યા, ત્યાં અમે વધુ મોટો તીવ્ર ધડાકો સાંભળ્યો. આ વખતે તે વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો હતો. વધુ હિમપ્રપાત પહાડ પરથી નીચે ઝડપથી આવી રહ્યો હતો જે અમે ચાલી રહ્યા હતા તે ટોચની સાંકડી કેડીની પાછળ સીધો જઈ રહ્યો હતો. પુમોરીનો હિમપ્રપાત તેમના સુધી પહોંચે તે પહેલાં તેઓ અન્ય એક બરફના વાવાઝોડાના ઝાંસામાં ફસાઈ ગયા. તેમાં મોટામસ બરફ અને પહાડી કાટમાળ સાથે ધુમાડાથી ભરેલાં સફેદ વાદળો હતાં. દેખીતું હતું કે તે બહુ સરળ રીતે અમને ખેંચી જાય તેમ હતું. બધું થોડીક સેક્ધડોમાં જ બની ગયું. જ્યારે કંપારી ઓછી થઈ, શર્માએ પોતાની જાતને બરફમાંથી બહાર કાઢી. નસીબજોગે, તેમનો ટેન્ટ તેમની પાસે જ હતો અને તેણે તેમના રક્ષાકવચની ભૂમિકા નિભાવી હતી, એટલું જ નહીં, તેમાં તેમના માટે શ્ર્વાસ લેવા માટે પણ સગવડરૂપ બની રહ્યું હતું. બરફમાંથી તેઓ બહાર આવ્યા ત્યારે તેમની ચારેય બાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી હતી. થોડીક મિનિટો પછી તેમણે ધ્યાનથી ચારે તરફ નજર ફેરવી તો તેમણે એવાં દૃશ્યો જોયાં, જે ક્યારેય ભૂલી ન શકાય. તેમનાથી ૧૦ ફૂટ દૂર એક છોકરી પડેલી જોવા મળી. જ્યારે હિમપ્રપાત થયો ત્યારે તે તેના ટેન્ટમાં હતી અને તે ટેન્ટના ટુકડેટુકડા થઈ ગયા હતા. શર્મા કહે છે, ‘હું તેની પાસે પહોંચ્યો અને જોયું તો તેના કપડાં ચીંથરાં બની ગયાં હતાં. તે રડી રહી હતી અને હું જે કહું તેની સામે કોઈ પ્રતિસાદ નહોતી આપી રહી. મેં તેને મારા હાથમાં ઊંચકી અને મદદ માટે ચાલવા લાગ્યો, પણ થોડીક મિનિટોમાં જ તે મૃત્યુ પામી. તે પછી હું કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યો. હું જાગૃત હતો, પણ મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. કોઈક વ્યક્તિ મારા હાથમાં મૃત્યુ પામી હતી. બરફ પર લોહી વહી રહ્યું હતું અને ચારેય બાજુ વિનાશનું તાંડવ સર્જાયું હતું. તે પછી તરત જ અમને મદદ મળી’, એમ તે ભયાનક પળોને વાગોળતાં કહે છે. તે પછીના અમારા બધાં જ સાહસો, ચડાણોને એકાએક રદ કરી નાખવામાં આવ્યાં. હિમાલયન ડેટાબેઝની વૅબસાઈટ પ્રમાણે એવરેસ્ટ પરનો મૃત્યુઆંક ૧૪ સુધી પહોંચી ગયો હતો. શર્મા તે પ્રચંડ હિમપ્રપાતમાંથી ઈજા પામ્યા વગર બચી તો ગયો, પણ દેવામાં ડૂબી ગયો. આ પર્વતારોહણ માટે તેણે રૂ. ૨૫ લાખ ઉધાર લીધા હતા, પણ મિશન અધૂરું રહી જતાં તેને ના તો કોઈ પ્રસિદ્ધિ મળી કે ના તો કોઈ અકરમ.
ભારતીય નૌકાદળ સાથે કામ કરવા શર્મા ચૂપચાપ ત્યાંથી પાછા આવી ગયા અને એકલા રહેવા લાગ્યા. દેવું ચૂકવવા તે નાણાં એકઠા કરવા લાગ્યો. તેણે પોતાની વસ્તુઓ વેચી નાખી અને બઁકમાંથી લૉન પણ લીધી, જ્યારે દેવું ચૂકવાઈ ગયું તો તે તેના નવા લક્ષ્યાંક તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો.
શર્મા લાંબા અંતરની દોડમાં ભાગ લેવા લાગ્યો. નિયમિત રીતે લાંબી મેરેથોન દોડમાં ભાગવા લાગ્યો. વધારે ને વધારે અંતરની દોડમાં ભાગ લેવાનું નક્કી કર્યું. ૨૦૧૬માં તેણે યુ. એસ.માં ડેથ વેલીમાં કઠોર ૧૩૫ માઈલની બૅડવૉટર અલ્ટ્રામાં ભાગ લીધો, ચાઈનામાં ૧૦૪ માઈલની માઉન્ટ ગેલિગૉંગ અલ્ટ્રા અને અન્ય ૧૦૦ માઈલની ત્રણ મેરેથોનમાં ભાગ લીધો. વધુમાં, તેણે બેંગલુરુમાં ૩૬ કલાકની સ્ટેડિયમ દોડમાં ૨૦૪.૮ કિમીનું અંતર કવર કર્યું અને ત્રણ ૧૨ કલાકની દોડ (૯૨ કિમી, ૭૯.૨ કિમી અને ૭૨ કિમી) પૂરી કરી અને ૮૦ કિમીની ગોવા બીચ ડાર્લિંગ અલ્ટ્રા દોડ પણ પૂરી કરી.
આમ, શર્મા એવરેસ્ટના સમિટને સર કરવા માટે શારીરિક રીતે તો સજ્જ થઈ ગયો હતો, પણ માનસિક રીતે નહીં. હજુ તે પોતાની જાતને એપ્રિલમાં બૅઝ કૅમ્પ ખાતે જ જોઈ રહ્યો હતો. મોટા અને નાના હિમપ્રપાતો ઊંચા પહાડોમાં થવા સામાન્ય વાત હતી. દરેક વખતે તે પોતાની જાતને થોડું અંતર નીચે ઊતરતો જોતો, જે તેના ઉપર ચડવા માટેના નિર્ણયને ડગમગાવી દેતો. તેનું મગજ તે ક્ષણો તરફ દોડવા લાગતું, જ્યારે મૃત્યુ તેનાથી થોડા અંતરેથી જ આવીને ચાલ્યું ગયું હતું. તે સૂવા પ્રયત્ન કરતો.
દિવસો વીતતા ગયા. શર્મા કહે છે, મારા મગજમાં અજાણ્યા વિચારો રમવા લાગ્યા. હું સતત આશ્ર્ચર્ય પામતો હતો કે હું કેવી રીતે જીવતો બચી ગયો હતો. તે સમયે હું એવું અનુભવતો હતો કે કોઈક મને ખેંચી રહ્યું હતું. એવો અનુભવ થતો હતો જ્યારે હું બરફમાં દટાયેલો હતો, એમ તે ધ્રુજારીભરી ક્ષણોને યાદ કરે છે.
જોકે, આ વખતના એવરેસ્ટ આરોહણના અનુભવને વર્ણવતાં તે કહે છે, અમે કૅમ્પ બહુ ઝડપથી પૂરો કર્યો. શર્મા અને હાઈ અલ્ટિટ્યૂડ પર લઈ જનારા તેના ગાઈડ ફુરબા શેરપા બૅઝ કૅમ્પમાં બેસીને સારા વાતાવરણની અને સમિટ પર પહોંચવાની તક મળે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ૧૫મી મેએ ચડવાનું શ‚ કર્યું હતું અને ત્રણ દિવસ પછી સાઉથ કોલ ખાતે કૅમ્પ ફૉર પહોંચવા માટે સ્થિર રીતે પ્રગતિ કરી રહ્યા હતા. તે પછી કેટલાક કલાકોના આરામ પછી સમિટ તરફ પહોંચવાની યોજના હતી. જોકે, તેઓ કૅમ્પ ફૉર સુધી આવી ગયા પછી તેમને ફરી એક દુવિધાનો સામનો કરવો પડ્યો. ત્યાં ૯૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો. બહુ કંઈ કરવા જેવું નહોતું, પણ હવામાન સુધરે તેની રાહ જોવી જ પડે તેમ હતી.
શર્મા કહે છે, તે પછીના ૨૮ કલાક અમે ૭,૯૦૬ મી.ની ઊંચાઈએ ટેન્ટમાં વિતાવ્યા. અમારો ઑક્સિજનનો સ્ટૉક ખતમ થઈ ગયો હતો આથી અમે નીચે જઈ રહેલી એક ટીમ પાસેથી એક સિલિન્ડર ખરીદ્યું. ૧૯મી મેની સાંજે પવન ફૂંકાવો ઓછો થયો અને અમે અંતિમ ચઢાણ શ‚ કર્યું એમ શર્મા રોમાંચિત થતાં કહે છે. શિડ્યુલમાં અટકવાનું નહોતું, પણ અટક્યા પછી અમે ત્યાંની યાદગાર પળોને કૅમેરામાં મઢી લીધી હતી અને પછી આગળ જવા સજ્જ થયા. સમિટ પર પહોંચતાં પહેલાં છેલ્લું પગથિયું અમારું લગભગ ૮,૭૯૦મીની ઊંચાઈએ આવેલા હિલેરી સ્ટેપ પર પહોંચવાનું હતું. ત્યાં પહોંચવા માટે ઘણી શક્તિની જરૂર હતી, જે અમારામાંથી ઓસરી રહી હતી. પણ ૨૦મી મેએ સવારે ૬.૪૨ વાગે અમે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા. મારી આગળ ફક્ત બે શેરપા હતા. થોડીક ક્ષણો હું સમિટ પર રહ્યો. તે સમય દરમિયાન મેં નાનકડી પ્રાર્થના કરી, સાગરમઠનો (નેપાળમાં એવરેસ્ટનું આ નામ છે) તેને મળવા બદલ આભાર માન્યો.
વાહ, સપનું સાકાર કરવું હોય તો હિંમત અને ધીરજ જોઈએ અને શર્માએ પોતાની હિંમતથી એવરેસ્ટ સર કરવાનું સપનું સાકાર કર્યું. જીવનમાં સાહસો કરવાં જ જોઈએ અને તેને કરવા માટે મજબૂત મન હોવું જોઈએ. હિંમતે મર્દા તો મદદે ખુદા.