ભારતીય જીવનદર્શન પ્રેરિત અવધારણાથી જ સર્વાંગીણ વિકાસ શક્ય છે : ડૉ. બજરંગલાલ ગુપ્ત

    ૦૭-જુલાઇ-૨૦૧૭

ઇનોવેટિવ થૉટ ફોરમ દ્વારા વ્યાખ્યાનમાળાનો આરંભ

ભારતીય જીવનદર્શન-મૂલ્યોને આધાર બનાવીને રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ સાધી શકાય છે એવી વાત સાંભળતાવેંત આપણા બુદ્ધિજીવીઓના નાકનાં ટેરવાં ઊંચાં થઈ જાય છે. આવી વાત કરનારાએ જાણે કે કોઈ જઘન્ય અપરાધ કર્યો હોય તેવા તુચ્છકારથી આ બુદ્ધિજીવીઓ તેને જોતા હોય છે. આપણા શિક્ષિતવર્ગમાં પણ રૂઢ થઈ રહેલી આવી માનસિકતાની સામે ભારતીય દર્શનના આધારે પણ સર્વાંગીણ વિકાસ સાધી શકાય છે એ વિચાર લઈને ‘ઇનોવેટિવ થૉટ ફોરમ’ દેશભરમાં કાર્યરત છે. વિશ્ર્વપ્રસિદ્ધ ઉદ્યોગગૃહ ‘સિન્ટેક્સ ગ્રુપ ઑફ કંપનીઝ’ના અધ્યક્ષ શ્રી એસ.બી. ડંગાયચ ગુજરાતમાં ‘ઈનોવેટિવ થૉટ ફોરમ’નું કાર્ય સંભાળી રહ્યા છે. તેમના ઘનિષ્ઠ પ્રયત્નોથી ‘ભારતીય મૂલ્યો અને દર્શનના આધારે વિકાસ’ એ વિષય સાથે વ્યાખ્યાનમાળાનો આરંભ થયો છે. આ શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન દિ. ૨૭ જૂન, ૨૦૧૭ના દિવસે કર્ણાવતીની પ્રસિદ્ધ સંસ્થા ‘અમદાવાદ મેનેજમેન્ટ ઍસોસિયેશનના વિશાળ સભાગારમાં યોજાઈ ગયું. પ્રસ્તુત છે એ કાર્યક્રમનું સંક્ષિપ્ત વૃત્ત...’
‘આજે કોઈપણ દેશના વિકાસ માટેનો એક માપદંડ તેનો GDP (વિકાસદર) હોય છે, પરંતુ ભારતના સંદર્ભમાં તેની ગણતરી એટલી તો ભૂલ ભરેલી છે કે વિશ્ર્વના અર્થશાસ્ત્રીઓના મતે ભારત ક્યારેય વિકસિત દેશ બની જ નહીં શકે. GDPની ક્ષતિયુક્ત ગણતરીની પદ્ધતિને કારણે ભારતમાં વસ્તુઓ (Goods)નું ઉત્પાદન તથા સેવાઓ (Service)નો ઘણોખરો ભાગ GDPની ગણતરીમાં આવતો જ નથી. તેને કારણે વિકસિત દેશોની તુલનામાં ભારત હંમેશા ગરીબ દેશ લાગે છે, પરંતુ વૈશ્ર્વિક મંદીનાં વર્ષોમાં પણ ભારતીય અર્થતંત્ર અડગપણે ટકી રહ્યું હતું, તેનું એકમાત્ર કારણ એ છે કે આપણા અર્થતંત્રના પાયામાં ભારતીય જીવનદર્શન રહેલું છે.’ ઇનોવેટિવ થૉટ ફોરમના ઉપક્રમે યોજાનારી વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાનમાં આ વિચારો સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. બજરંગલાલ ગુપ્તે પ્રસ્તુત કર્યા હતા.
કર્ણાવતીનો સુપ્રસિદ્ધ સંસ્થા AMAના સભાગારમાં દિ. ૨૭ જૂનના દિવસે યોજાયેલા આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય પ્રો. બજરંગલાલજીએ જણાવ્યું હતું કે પ્રત્યેક ભારતીય સેવાના સંસ્કારો તો ગળથૂથીમાં જ મળતા હોય છે. તેથી જ આપણે પરિવારના વૃદ્ધ વડીલોની સેવા કરીએ છીએ. વિદેશોમાં આ કામ વૃદ્ધાશ્રમો દ્વારા થાય છે. ભારતમાં લાખો લોકો તેમના વૃદ્ધ સ્વજનોની સેવા કરે છે, પરંતુ તેનું કોઈ મૂલ્ય આંકવામાં આવતું નથી. જ્યારે પાશ્ર્ચાત્ય દેશોમાં વૃદ્ધાશ્રમો આ ‘સેવા’ કરતા હોવાથી તેનું મૂલ્ય હોય છે. હજારોની સંખ્યામાં આવા વૃદ્ધાશ્રમો ચાલતા હોવાથી જે-તે દેશોની ૠઉઙમાં આ ‘સેવા’નું આર્થિક મૂલ્ય ગણતરીમાં લેવાય છે. તેના પરિણામે એ દેશોનો ૠઉઙ વધી જાય છે. ભારતમાં આ ‘સેવા’ને ‚પિયામાં આંકવામાં આવતી આપણો GDP નીચો રહે છે. આવી અનેક બાબતો ઉપર પ્રકાશ પાડીને ડૉ. બજરંગલાલે GDPની ગણતરીની પદ્ધતિ કેવી ક્ષતિપૂર્ણ છે તે સિદ્ધ કર્યું હતું.
વિકાસની વાત આવે ત્યારે માનવીય મૂલ્યો અને સંસ્કારોની વાત તો આવતી જ નથી. બધી જ બાબતોને આર્થિક માપદંડથી જ તોલવામાં આવે છે, પરંતુ ભારતમાં સંસ્કારોનું ખૂબ મહત્ત્વ છે. આ સંસ્કારોને આર્થિક માપદંડથી મૂલવી શકાતા નથી.
‘સર્વે ભવન્તુ સુખિન:’ (સૌનું કલ્યાણ થજો) આવા વિચારો એ જ આપણા સંસ્કારો છે. ભારતીય જીવનમૂલ્યો સમસ્ત માનવજાતિના વિકાસ માટે છે. આથી અહીં સૌને સમાન તકો મૂળભૂત રીતે જ પ્રાપ્ત થાય એવી જ સમાજરચના અનાદિકાળથી ચાલતી આવી છે. આથી આપણા ભારતીય જીવનદર્શન અને મૂલ્યોને આધારે જ સમગ્ર માનવજાતિનું કલ્યાણ-મંગલ સંભવ છે, તેમ પ્રતિપાદિત કરીને ડૉ. ગુપ્તે જણાવ્યું હતું કે વિકાસની ભારતીય અવધારણાનું બીજું નામ એટલે જ ‘સુમંગલમ્’.
અનેક પુસ્તકોના લેખક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી ડૉ. બજરંગલાલ ગુપ્તના અસ્ખલિત વાગ્પ્રવાહને કર્ણાવતીના પ્રબુદ્ધ વર્ગે મંત્રમુગ્ધ બનીને માણ્યો હતો. આરંભમાં ‘ઇનોવેટિવ થૉટ ફોરમ’ના અધ્યક્ષ અને ‘સિન્ટેક્સ ગ્રુપ ઑફ કંપનીઝ’ના ચેરમેન શ્રી એસ. બી. ડંગાયચે સંસ્થાનો પરિચય આપીને વ્યાખ્યાનમાળાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, પત્રકારો તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ‘ફોરમ’ના કાર્યકર્તા શ્રી દેવાંગ આચાર્યે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.