GST : એક દેશ, એક કર, એક બજાર

    ૦૭-જુલાઇ-૨૦૧૭

માલ સેવા વેરો અર્થાત્ જીએસટી એ અનેક દેશોમાં અમલી વેરો છે. ૩૦ જૂનની મધરાતથી સંસદના વિશેષ સત્રમાં આ વેરો અમલી બનાવીને આર્થિક સ્વતંત્રતા અને દેશને એક સૂત્રે બાંધવાનાં પગરણ થયાં. ભારતમાં કેન્દ્ર અને રાજ્યોના ૧૭ વેરાના સ્થાને આ એક વેરાના લીધે વેપાર ઘણો સરળ બનશે તેમ મનાય છે, અને જે વેરો ભરવાનો છે તે છેવટે તો ગ્રાહકની કેડ પર જ આવવાનો છે તેમ છતાં વેપારી વર્ગ તેનાથી દુ:ખી, ચિંતિત અને ભયભીત છે. માલ, સેવા વેરાનાં તમામ પાસાં પર વિગતે જાણીએ.
મધરાત્રે જ શું કામ?
હિન્દુ પંચાંગમાં અષાઢ મહિનો શુભ છે. અષાઢી બીજે વરસાદ શુભસંકેત ગણાય છે. અષાઢ પૂર્ણિમા ગુરુપૂર્ણિમાના તહેવાર તરીકે ભારતવર્ષમાં ઊજવાય છે. વિક્રમ સંવત ૨૦૭૩ના અષાઢ મહિનાની શુક્લ અષ્ટમીના રોજ ભારતવર્ષમાં એક નવો યુગ મંડાયો.
આંગ્લ પંચાંગની રીતે તેને ૩૦ જૂન અને ૧ જુલાઈની વચ્ચેનો સમય કહી શકાય. ૩૦ જૂનની રાત્રે બાર વાગે ૧ જુલાઈની તારીખ બેસે એ જ સમયે સંસદના સેન્ટ્રલ હૉલમાં રાષ્ટ્રપતિએ મા.સે.વે. (જીએસટી)ની શરૂઆત કરી. સિત્તેર વર્ષ પહેલાં મધરાત્રે સ્વતંત્રતા સમયે જેવું ઉમંગ-ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ હતું અને સાથે જ મુસ્લિમ-હિન્દુઓનાં રમખાણો, મારકાપ, બળાત્કાર, લૂંટફાટ, સ્થળાંતર, જે ભૂમિ પર વર્ષોથી રહેતાં હતાં તે રાતોરાત અલગ દેશ બની જતી હતી તેના કારણે અને ખાસ તો વિષૈલા વાતાવરણના કારણે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું હતું એટલે જે મળ્યું તે અને જે કપડાં પહેર્યાં હતાં તેમાં રાતોરાત ભારત આવી ગયા, ભારતના કેટલાક લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા તે રીતે ભય-ચિંતાનું વાતાવરણ પણ હતું.
તો મા.સે.વે. વખતે પણ આ પ્રકારનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અંતર માત્ર એટલું છે કે આ વખતે બહુમતી સંખ્યા આ વેરાથી ખુશ છે, પરંતુ વેપારીઓના એક નોંધપાત્ર વર્ગમાં ભય-ચિંતાનું વાતાવરણ આ વેરા અંગે પ્રવર્તતી શંકા-કુશંકાના કારણે દેખાય છે. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજોથી સ્વતંત્રતા મળેલી તો અષાઢ શુક્લ આઠમ, વિ.સં. ૨૦૭૩ અને ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ મધરાત્રે ૧૮ વેરાઓના બોજામાંથી સ્વતંત્રતા મળી અને તે બધાના સ્થાને એક મા.સે.વે. આવ્યો. (જુઓ બોક્સ) મધરાત્રે દેશભરમાં તેની ઉજવણી થઈ.
અલબત્ત, જ્યારે એનડીએ સરકાર અનેક બાબતમાં ભારતીયતા લાવી રહી હોય ત્યારે આ કાર્યક્રમ પણ મોડી રાતના બદલે વહેલી સવારે રાખીને એક નવો ચીલો પાડી શકાયો હોત તો સોનામાં સુગંધ ભળત !
વિરોધીઓને સાથે લઈ ચાલ્યા
જ્યારે આવું મોટું કામ થવા જઈ રહ્યું હોય ત્યારે એક સાચા આગેવાનનું કર્તૃત્વ છે કે યશની વહેંચણી કરવી. સેન્ટ્રલ હૉલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક વેરાના યશના ભાગીદારો તમામ રાજકીય પક્ષો છે.
વર્ષ ૨૦૦૦માં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે મા.સે.વે. માટે પાયાનો પથ્થર મૂકવાનું કામ કર્યું અને ઉદારતા જુઓ ! વિચારસરણીથી ઘોર વિરોધી એવા સામ્યવાદીઓની પશ્ર્ચિમ બંગાળ સરકારના નાણાપ્રધાન અસીમ દાસગુપ્તાને સમિતિના અધ્યક્ષ બનાવ્યા ! આ માટે અટલજીએ પોતે પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન જ્યોતિ બસુને વિનંતી કરેલી કે અસીમ દાસગુપ્તાને આ કામ માટે ફાળવવામાં આવે. દાસગુપ્તાને આ દેશના ટોચના અર્થશાસ્ત્રીઓમાં ગણવામાં આવે છે, એટલે અટલજી પછી આવેલી કોંગ્રેસ સરકારે પણ તેમને આ કામ માટે ચાલુ રાખ્યા. પરંતુ વર્ષ ૨૦૧૧માં કેરળની કૉંગ્રેસના નાણાપ્રધાન કે. એમ. મણિએ અસીમ દાસગુપ્તાનું સ્થાન લીધું. મણિનું નામ કૌભાંડમાં આવતાં વર્ષ ૨૦૧૫માં તેમની વિદાય થઈ.
મોદી સરકારે પણ અગાઉની સરકારોની પરંપરા ચાલુ રાખી અને મણિના સ્થાને પોતાના મોરચાના નહીં પરંતુ ઘોર વિરોધી એવા તૃણમૂલના નેતા તેમજ પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાને મૂક્યા.

કૉંગ્રેસે દસ વર્ષમાં ન કર્યું, તે ત્રણ વર્ષમાં કેવી રીતે થયું ?

યુપીએ સરકારમાં નાણાપ્રધાન ચિદમ્બરમે વર્ષ ૨૦૦૬માં જાહેરાત કરેલી કે વર્ષ ૨૦૧૦થી મા.સે.વે. લાગુ થશે. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધી આ શક્ય ન બન્યું. તો પછી મોદી સરકારે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ કામ કેવી રીતે કરી બતાવ્યું ? કૉંગ્રેસની દલીલ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિરોધ કરતા હતા (જેમાં કાટછાંટ કરીને અત્યારે વીડિયોમાં પ્રચલિત થઈ રહ્યા છે) એટલે આ ન થયું અને મોદી સરકાર વખતે કૉંગ્રેસે સમર્થન આપ્યું એટલે તો આ વેરો આવી શક્યો.
એવું નથી. મોદી જ નહીં તે વખતે કૉંગ્રેસની રાજ્ય સરકારો પણ મા.સે.વે.ના વિરોધમાં હતી. તેમની ચિંતા એ હતી કે રાજ્યોને થનારી આવક ગુમાવવી પડે તેમ હતી, તેની સામે વળતરનું કોઈ પ્રાવધાન નહોતું. ૧૩ જુલાઈ ૨૦૧૨ના ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, કેન્દ્રની કૉંગ્રેસ સરકાર સામે સૌથી મોટો અવરોધ જો કોઈ હોય તો તે (મોદી નહીં) પરંતુ મહારાષ્ટ્રની કૉંગ્રેસ-એનસીપી મિશ્ર સરકાર હતી ! આ ઉપરાંત તમિલનાડુ અને ઓરિસ્સા સરકારો પણ વિરોધમાં હતી. તો ૨૧ ડિસેમ્બર, ૨૦૧૩ના ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ, કેરળના નાણાપ્રધાન કે. એમ. મણિ (એ જ મણિ જે મા.સે. વે. સમિતિના અધ્યક્ષ બનેલા) એ તત્સમયે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારને પત્ર લખી મા.સે.વે. અંગે તેમની રાજ્ય સરકારની ચિંતા વ્યક્ત કરેલી. મણિએ સેવા વેરા તેમજ સપ્લાય નિયમો અંગે કેન્દ્રની કૉંગ્રેસ સરકાર માહિતી નહોતી આપી રહી તેની આ પત્ર દ્વારા જાહેરમાં ટીકા કરી હતી.
રાજ્યોને મુખ્યત્વે વાંધો આ બાબતો પર હતો : ૧. પેટ્રોલિયમ ઉત્પાદનો-દા‚ને મા.સે.વે.માંથી બાકાત રાખવામાં આવે, જેથી રાજ્યોને સારી આવક મળી રહે. આ અંગે પણ મોદી વિરોધીઓનો અપપ્રચાર છે કે મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થોને મા.સે.વે.માં એટલા માટે નથી લાવતી કે પછી પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ જશે. હકીકતે રાજ્યોનો જ વિરોધ છે. ૨. આબકારી વિભાગને પણ બાકાત રાખવામાં આવે. ૩. એન્ટ્રી ટેક્સને પણ મુક્ત રાખવામાં આવે અને ૪. આવકની ખોટ થાય તો કેન્દ્ર સરકાર તેનું વળતર ભરપાઈ કરે.
મોદી સરકારને પણ આ ખરડાને કાયદો બનાવતી વખતે કૉંગ્રેસ સહિતના વિપક્ષોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યસભામાં બહુમતી ન હોવાથી કૉંગ્રેસની માગણી પર આ ખરડો સિલેક્ટ કમિટીને આપવો પડ્યો હતો, પરંતુ વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા પછી પહેલેથી આ કામને ટોચની પ્રાથમિકતા આપી હતી, તેથી વર્ષ ૨૦૧૫માં તેઓ, નાણા પ્રધાન અરુણ જેટલી અને વેંકૈયા નાયડુ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળ્યાં હતાં અને મા.સે.વે. પર સહકાર આપવા અનુરોધ કર્યો હતો. જેટલીએ ફેબ્રુઆરી ૨૦૧૫માં ૧ એપ્રિલ ૨૦૧૬થી મા.સે.વે.નો અમલ કરવા જાહેરાત કરી હતી. નિયમ પ્રમાણે, ઓછામાં ઓછાં ૧૫ રાજ્યોએ પણ વિધાનસભામાં મા.સે. વે. ખરડો પસાર કરવો જ‚રી હતો. ઑગસ્ટ ૨૦૧૫માં રાજ્યસભામાં વિપક્ષોના વિરોધના કારણે મા.સે.વે. ખરડો પસાર ન થઈ શક્યો. આથી ૨૦૧૬ની ડેડલાઇન ચૂકી જવાઈ. છેવટે ૩ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ રાજ્યસભામાં મા.સે.વે. ખરડો પસાર થયો અને ૨ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૧૬ રાજ્યોએ મા.સે.વે. ખરડો પસાર કરી દીધો, તેથી માર્ગ મોકળો થયો.
આમ, મા. સે. વે. અમલી થવાની સિદ્ધિ મેળવીને મોદીજીએ એવા ખોટા અપપ્રચારની પોલ ખોલી નાખી છે કે તેઓ સરમુખત્યારની જેમ વર્તે છે, પક્ષના કોઈને સાથે લઈને ચાલતા નથી કે વિપક્ષો-રાજ્યોને ગણકારતા નથી.

તોફાન વચ્ચે શ્રીનગરમાં મા.સે.વે.ની બેઠકથી રાજકીય સંદેશ!

ચીલાથી હટીને નવી કેડી કંડારવા માટે જાણીતા નરેન્દ્ર મોદીએ મા.સે.વે.ને અમલી બનાવવાના રસ્તામાં એક બીજો રાજકીય સંદેશ પણ આપ્યો છે. બહુ ઓછાનું ધ્યાન ગયું હશે કારણકે સમાચારપત્રોમાં મોદીવિરોધમાં ઘણા સમાચારો પર કાતર ચલાવી દેવાય છે.
મોદી સરકાર આવી તે પહેલાં બધી જ બેઠકો દિલ્લીમાં મળતી હતી, પરંતુ મોદીજીએ દિલ્લી બહાર બેઠકો કરવા લાગી. તદનુસાર, મા.સે.વે. પરિષદની બેઠક શ્રીનગરમાં પણ મળી હતી! અને તે પણ એવા સમયે જ્યારે પથ્થરબાજી અને આતંકવાદીઓના હુમલા ચાલુ હતા ત્યારે! આ માત્ર જમ્મુ-કાશ્મીરના પાકિસ્તાનપ્રેમી ઉપદ્રવી તત્ત્વોને જ સંદેશો નહોતો, પરંતુ ભારતની અંદર અને શેષ વિશ્ર્વને પણ એક મજબૂત સંદેશો હતો કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.

રાજકીય વિરોધ હજુ ચાલુ જ છે!

આટલી મોટી ઐતિહાસિક ઘટના છતાં પણ દેશને નુકસાન કરનારી રાજનીતિ તો ચાલુ જ છે. કોંગ્રેસે અને તેનું જ સંતાન એવી તૃણમૂલ કોંગ્રેસે ઐતિહાસિક સંસદીય સત્રનો બહિષ્કાર કરીને રાજકીય અપરિપક્વતા દાખવી છે. તૃણમૂલના અમિત મિત્રા મા.સે. વે.ના એક ઘડવૈયા હોવા છતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યમાં હજુ આ ખરડો પસાર કર્યો નથી. તેમણે આ વેરાનો અમલ મોકૂફ રાખવા પણ અનુરોધ કરેલો પરંતુ નાણા પ્રધાન અરુણ જેટલીના કહેવા પ્રમાણે, સપ્ટેમ્બરથી જે વેરાઓનું સ્થાન મા. સે. વે. લેવાનો છે તે વેરાઓ નિષ્ક્રિય થઈ જતા હતા, તેથી જો કોઈ વેરો ન હોય તો કેન્દ્ર અને રાજ્યોના અર્થતંત્રને એટલે સરવાળે દેશના અર્થતંત્રને મોટું નુકસાન જવાની સંભાવના હતી તેથી અમલ મોકૂફી શક્ય નહોતી. જમ્મુ-કાશ્મીરમાં પણ હજુ આ મા.સે.વે.ના અમલ માટે રાજ્યનો પોતાનો કાયદો પસાર થયો નથી.

વેપારીઓમાં ભય-શંકા અને કુશંકા- કેટલી સાચી, કેટલી ખોટી?

પહેલાં મજાકમાં એમ કહેવાતું હતું કે સ્ત્રીને સમજવી મુશ્કેલ જ નહીં, અશક્ય છે, પરંતુ હવે કહેવાય છે કે મા.સે.વે.ને સમજવો અશક્ય છે. દરેક તબક્કે વેરો કપાય છે, પરંતુ જેને વેરો ચૂકવાય છે તે દર વખતે સરકાર નથી હોતી. પી.એફ.નું ઉદાહરણ લઈએ તો જલદી સમજાશે. ખાનગી કંપનીઓ પી.એફ. પેટે કર્મચારીના પગારમાંથી પૈસા કાપે (અને પોતાના તરફથી ઉમેરવાના હિસ્સાના પણ) પરંતુ તે પૈસા જમા જ ન કરાવે તો? આવી મોટી કંપનીઓ સામે લડવાની કર્મચારીઓની ત્રેવડ હોતી નથી આથી પીએફમાં નુકસાન જતું હોય તેવાં ઉદાહરણો છે. આ જ રીતે ખરીદનાર વેચનારને મા.સે.વે. ચૂકવે પરંતુ વેચનાર તે સરકારમાં ભરે નહીં તો ખરીદનારને તેની ક્રેડિટ મળશે નહીં. આમ, આવા સંજોગોમાં વેચનાર ગેરલાભ મેળવી જશે.
પેઢીનાં ગોદામો બીજાં રાજ્યોમાં હોય તો તે તેનાં ઉત્પાદનોને એકમાંથી બીજા રાજ્યમાં ખસેડે તો તેણે વેરો ચૂકવવો પડશે પરંતુ જ્યાં સુધી માલ વેચાશે નહીં ત્યાં સુધી તેને ક્રેડિટ મળશે નહીં. આમ, લાંબો સમય પૈસા સલવાયેલા રહેશે.
પહેલાં નિકાસકારને વિદેશમાંથી કાચી સામગ્રી (ઇનપુટ)ની આયાત પર વેરામુક્તિ હતી પરંતુ હવે તેણે મા.સે.વે. ચૂકવવો પડશે. અને તેની નિકાસ થાય તે પછી તેની ક્રેડિટ તે મેળવી શકશે. આમ, વેરો ભરવામાં અને રિફંડ વચ્ચે લાંબો અવકાશ પડી જવાની સંભાવના છે. મા.સે.વે.ના ઊંચા દરોથી પણ કાપડના વેપારીઓ સહિત ઘણાને પોતાનો ધંધો ઠપ થવાની ભીતિ છે જેના લીધે ઘણા કર્મચારીઓને બેરોજગાર થવાનો વારો આવી શકે છે. વાત એક જ વેરાની, એક જ દરની હતી પરંતુ મા.સે.વે.ના ત્રણ પ્રકાર છે- સીજીએસટી (કેન્દ્રનો વેરો), એસજીએસટી (રાજ્યનો વેરો), આઈજીએસટી (કેન્દ્ર-રાજ્યનો સંકલિત વેરો). દરના માળખા પણ ૫%, ૧૨%, ૧૮%, અને ૨૮% એમ અલગ-અલગ છે. અને આ તો હજુ શરૂઆત છે. આગળ જતાં આ દરો ઘટવાના બદલે વધવાની પૂરી શક્યતા છે!
જો કોઈ વ્યક્તિ એક રાજ્યમાં નોંધાયેલો હોય અને બીજા રાજ્યમાં વેપારાર્થે થોડા સમય માટે, માનો કે કોઈ પ્રદર્શનમાં જાય તો તે રાજ્યમાં પણ તેણે નોંધણી કરાવવી પડશે. મા.સે.વે.ની પૂરતી તૈયારી નથી અને તેને લાદી દેવાયો છે. આવા ઘણા મુદ્દાઓ છે.
બીજા કોઈ નહીં, પરંતુ વિરોધીઓને યમરાજા સમાન લાગતા સુબ્રમણિયન સ્વામીએ પણ પોતે અર્થશાસ્ત્રી હોવાના સંબંધે ભીતિ વ્યક્ત કરી છે કે મા.સે.વે. નરેન્દ્ર મોદી સરકાર માટે વોટરલૂ (જ્યાં નેપોલિયન ૧૮ જૂન ૧૮૧૫ના રોજ હાર્યો હતો.) સાબિત થશે.
કેટલાકને ભીતિ છે કે આ વેરાથી ફરીથી ઇન્સ્પેક્ટર રાજ (જે ઇન્દિરા-રાજીવના સમયમાં હતું) પાછું ફરશે. અધિકારીઓને દરોડા-ધરપકડની છૂટ મળી જશે.
ઘણાને ડર છે કે વર્ષનાં ૩૭ રિટર્ન ભરવાં પડશે. આથી આ કામ વધી પડશે. ઉપરાંત અત્યાર સુધી ચોપડે કામ ચાલતું હતું, હવે કમ્પ્યૂટરથી કામ કરવું પડશે.

મા.સે.વે.ના ફાયદા અનેક છે

અત્યાર સુધી મોટો વર્ગ વેરાજાળની બહાર હોવાથી મોટા ભાગે નોકરિયાત વર્ગ જ વેરો ભરતો હતો. ઘણા વેપારીઓ ચિઠ્ઠી પર વ્યવહાર કરી, ચોપડે ખોટ બતાવી વેરો ભરવામાંથી છટકી જતા હતા. બિલ આપતા નહોતા. આવકવેરાના અધિકારીઓનું કહેવું હતું કે વ્યવસાયિકો, હોલસેલ વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે રિટર્ન ભરતા હતા પરંતુ ટેક્સ નહિવત્ ભરતા હતા. વેરામાંથી મળતી આવક કરતાં તેમના રિટર્નની ફાઇલની જાળવણીનો ખર્ચ વધી જતો હતો. આ બધું હવે મોટા પાયે અટકે તેવી શક્યતા છે. આના કારણે કાળાં નાણાંનું સર્જન થતું હતું.
નાણાપ્રધાન અરુણ જેટલીના કહેવા અનુસાર, સતત ઓછી કર આવકના કારણે અર્થતંત્રને ભારે નુકસાન જતું હતું. સરકાર દેવું કરે રાખતી હતી. આથી કરના દરો વધારીને કર ભરનારા પ્રમાણિક લોકોને દંડવા કરતાં આ કરજાળમાં વધુ લોકો આવે તે જોવું જરૂરી હતું. જોકે સાથે સાથે શાસકોએ અને સાંસદો-ધારાસભ્યોએ પણ વૈભવી ઠાઠમાઠ-ઊંચા પગાર-ભથ્થાં-સંસદના કિંમતી સમયનો વેડફાટ-ઘટાડી સાદગી અપનાવવી જોઈએ તો પણ અર્થતંત્રનું ઘણું ભારણ ઘટે. ઉપરાંત હજુ અસંગઠિત ક્ષેત્રના લોકો તેમજ મોટા મોટા ખેડૂતો આ કરજાળમાંથી બાકાત છે તેમને પણ મતબેંકનો મોહ ત્યજી કરજાળમાં લાવવા પડશે, કારણકે આ લોકોની સંખ્યા અંદાજે ૫૦ ટકાથી વધુ છે.
મા.સે.વેરાથી વેરામાળખું સરળ બનશે. અનેક વેરાના બદલે એક જ વેરો ભરવો પડશે. નાણા સચિવ હસમુખ અઢિયાના કહેવા પ્રમાણે, વેપારીઓએ મહિને એક જ રિટર્ન ભરવું પડશે. બાકીનાં બે રિટર્ન કમ્પ્યૂટર જાતે ભરી લેશે. કમ્પોઝિટ ડીલરોએ તો ત્રણ મહિને એક રિટર્ન ભરવું પડશે અને તે પણ ખાલી ટર્નઑવરની વિગતો.
વળી, જે દરોડા કે ધરપકડની જે જોગવાઈઓ છે તે વાજબી છે. અગાઉ આપેલાં ઉદાહરણ પ્રમાણે, ખરીદનાર વેચનારને વેરો ચૂકવી દે પરંતુ વેચનાર સરકારને તે વેરો ન ભરે તો સરકાર તે વેચનારને પકડશે. તેની સામે કાર્યવાહી કરશે. વેરો ઘટાડવામાં આવે પરંતુ તેનો લાભ જો વેપારી ગ્રાહકને ન આપે તો પણ સરકાર તેની સામે કાર્યવાહી કરશે.
આમ, માલ અને સેવા વેરાથી છેવટે ગ્રાહકને જે લાભ મળવો જોઈએ તે ન મળે તેવા સંજોગોમાં ધરપકડ અને દરોડાની કાર્યવાહી થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ જૂને રાત્રે સંસદમાં કહ્યું કે આ વેરાથી આખો દેશ આર્થિક રીતે એકસૂત્રે બંધાઈ રહ્યો છે. અને આ વાત સાચી છે.
વળી, આ વેરાથી કાળું નાણું અને ભ્રષ્ટાચાર પણ અટકશે તેમ શ્રી નીતિન ગડકરીનું કહેવું છે. રહી વાત પૂરતી તૈયારીની, તો મલેશિયામાં મા.સે.વે.ની તૈયારી દોઢ વર્ષ જેટલો લાંબો સમય અપાયા છતાં તેના ખરેખર અમલ પછી તીવ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો.
સરકાર તરફથી આ ધ્યાન રખાવું જરૂરી
બિલ્ડરોએ વેરાના અમલ પહેલાં જ મોટી લૂટ મચાવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગ પર ચાર ટકાનો વેરો લાગતો હતો પરંતુ મા.સે.વે. પછી ૧૨ ટકા લાગવાનો છે. ત્યારે તૈયાર થઈ ગયેલાં મકાનો પર કેટલાક બિલ્ડરોએ ૧૨ ટકા વેરો માગ્યાનું બહાર આવ્યું છે. જે રીતે નોટબંધીના કડક કાયદા છતાં કાળાં કામો કરનારાએ પોતાનાં ખોટાં કામો માટે રસ્તા શોધી લીધા હતા તેમ મા.સે.વે. બાબતે ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. મા.સે.વે. સાથે સંકળાયેલા અધિકારીઓ વેપારીઓને ખોટી રીતે ન રંજાડે તે જોવું પડશે. સિંગાપોરમાં આ વેરાના અમલ પછી મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ હતી તેવું ઓલરેડી મોંઘવારીથી પીડિત ભારતમાં ન બને તેનું સરકારે ધ્યાન રાખવું પડશે.
તો સાથે સાથે ગ્રાહકને લાભ ન મળતો હોય તેવા સંજોગોમાં આ અધિકારીઓ મોટા ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે સાંઠગાંઠ ન કરી લે તે જોવું જોઈએ. સૌથી મોટી ચિંતા આ વેરાના ડિજિટલાઇઝેશનના પાસા અંગે છે. ૧૫૦ દેશોમાં વોન્નાક્રાય નામના રેન્સમવેરના હુમલા અને તેના કારણે અર્થંતંત્રને નુકસાન પછી આ ચિંતા સ્વાભાવિક છે. મેન્યુઅલી કામ (ચોપડાં)માં હેકિંગ શક્ય નથી. પણ આ ચિંતા ન હોય તો પણ વેબસાઇટ ક્રેશ થાય, ધીમી ચાલે, ફોર્મ ભરાઈ ગયું હોય ત્યાં એરર આવી જાય, અને નવેસરથી વિધિ કરવી પડે તેવું સ્કૂલ, કૉલેજ, બીએસએનએલ વગેરે સરકારી વેબસાઇટોમાં અનુભવો છે ત્યારે આ વેબસાઇટોની સાથે મા.સે.વે.ની વેબસાઇટ પણ વડાપ્રધાન જેવી જ વાઇબ્રન્ટ બનાવવી પડશે.


જી. એસ. ટી. તે ભારતની લોકશાહીની પરિપક્વતાને આપણા તરફથી અંજલિરૂપ ઘટના : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત જી. એસ. ટી. લૉન્ચિંગ સમારંભને સંબોધતાં જણાવ્યું હતું કે તેમને પહેલેથી વિશ્ર્વાસ હતો કે જી. એસ. ટી. સુધારો દેશમાં અમલી બનશે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જી. એસ. ટી.નું અમલીકરણ તે દેશ માટે ગૌરવરૂપ ઘટના છે. જી. એસ. ટી. તે લોકશાહીની પરિપક્વતાને આપણા તરફથી આપવામાં આવેલી અંજલિ છે. પોતે નાણાપ્રધાન હતા તે વખતે જી. એસ. ટી. કાયદો ઘડવા હાથ ધરેલી કામગીરીની સ્મૃતિને વાગોળતાં તેમણે જણાવ્યું હતું કે જી. એસ. ટી. તે પારદર્શક અને ન્યાયી વ્યવસ્થા છે. જી. એસ. ટી. કાળા નાણાં, ભ્રષ્ટાચારને રોકશે અને ગવર્નન્સની નવી સંસ્કૃતિનો ઉદય થશે.


તમામ પક્ષોના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે :નરેન્દ્ર મોદી

આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે GST એટલે ‘ગુડ ઍન્ડ સિમ્પલ ટેક્સ’ જે દેશમાં આર્થિક આઝાદી અને આર્થિક ક્રાંતિનાં પગરણ માંડે છે. ૧૨૫ કરોડ દેશવાસીઓ GSTના અમલના સાક્ષી બન્યા છે. આને કારણે દેશમાં નવી અર્થવ્યવસ્થાનાં મંડાણ થયાં છે. GSTના અમલમાં માત્ર એક જ સરકારનું યોગદાન નથી. આ તમામ પક્ષોના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.
કેટલીક પ્રક્રિયાઓ અર્થવ્યવસ્થા સુધી સીમિત નથી તે લોકતંત્ર અને સંઘીય ઢાંચાનાં કોઑપરેટિવ ફૅડરલિઝમના આપણા અભિગમની મિસાલ રજૂ કરે છે. આ એ જગ્યા છે જ્યાં રાષ્ટ્રના અનેક મહાનુભાવોએ પગલાં પાડ્યાં છે. આજે એક નવી અર્થવ્યવસ્થા અને નવી તાકાત સાથે GSTનો અમલ કરવા આપણે સહુ મળ્યા છીએ તેમ મોદીએ કહ્યું હતું.
જી. એસ. ટી. એ લાંબી વિચારધારાનું પરિણામ છે. જી. એસ. ટી.થી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એક તાંતણે બંધાયાં છે, જે આપણને સાથે મળીને ચાલવાની શક્તિ આપશે. આ ટીમ ઇન્ડિયાની તાકાતનો પરચો છે. જી. એસ. ટી.થી ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોનું એકીકરણ કર્યું છે. જી. એસ. ટી. સાથે દેશ આધુનિક ટેક્સ સિસ્ટમ સાથે આગળ વધી રહ્યો છે. તે સરળ અને પારદર્શક છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર સામે તે લગામ લગાવશે. ટેક્સ ટેરરિઝમ ઘટશે, ઇન્સ્પેક્ટર રાજ ઘટશે, વેપારીઓની હેરાનગતિ ઘટશે.


એક દેશ, એક અર્થતંત્ર, એક ટેક્સ અને એક બજારનું સર્જન : જેટલી

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, જી. એસ. ટી. દ્વારા ભારતે તેની આર્થિક ક્ષિતિજોને વિસ્તારવાના અવસરો ઊભા કર્યા છે. આ ટેક્સ દ્વારા ભારતીય અર્થતંત્રમાં નવી જાગૃતિ આવશે અને વિકાસની નવી ક્ષિતિજોને આંબવા માટે આગળ વધીશું. આ રીતે તૈયાર થતો દેશ પોતાના માટે એક દેશ, એક અર્થતંત્ર, એક ટેક્સ અને એક બજારનું સર્જન કરશે. જી. એસ. ટી.ને મળેલું સમર્થન બતાવે છે કે, ભારતમાં પક્ષો રાજકીય મનસાથી પણ ઉપર ઊઠીને કામ કરી શકે છે.


GST વિશ્ર્વમાં અનેક દાયકાઓથી અમલમાં છે અને નાગરિકો અને વેપારીઓને લાભદાયી છે : ભરતભાઈ ગરીવાલા (જાણીતા અર્થશાસ્ત્રી અને આર્થિક કટાર લેખક)

ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ એ વિશ્ર્વમાં અનેક દાયકાઓથી અમલમાં છે અને જે તે દેશોને અને તેમના નાગરિકો, વેપારીઓને / ઉદ્યોગપતિઓને લાભ થયેલો છે. ભારતમાં GST શરૂ કરવામાં ખૂબ મોટો વિલંબ થયો છે, આમ છતાં હવે જ્યારે ૧ જુલાઈથી તેનો અમલ થઈ રહ્યો છે ત્યારે અનેક ટેક્સ નાબૂદ થતાં એક જ ટેક્સ અમલથી કરવાની પદ્ધતિમાં સરળતા આવશે. સરકારના વિવિધ ટેક્સના અનેક વિભાગો સાથે કામ કરવાને બદલે હવે નાગરિકોએ માત્ર એક જ જગ્યાએ આ ટેક્સની કામગીરી કરવી પડશે તથા અનેક પ્રકારની, જુદા જુદા ટેક્સોની આંટીઘૂંટીમાંથી છુટકારો મળશે. GST આવવાથી કેન્દ્ર સરકારની આવક ચોક્કસ વધશે, કારણ કે જે લોકો મોટી કરચોરીઓ કરે તેઓ હવે આમાં સપડાશે. રાજ્યોને પણ અનેક ટેક્સ નાબૂદ થતાં ટેક્સના કામકાજમાં સરળતા રહેશે અને જો તેમની વાર્ષિક કરની આવકમાં ઘટાડો થશે તો કેન્દ્ર સરકારે તે ભરપાઈ કરી આપવાની હા પાડી છે. કોઈ પણ નવી સિસ્ટમ કરવી હોય કે બીજી કોઈ પણ જ્યારે પણ અમલમાં મુકાય ત્યારે શરૂઆતમાં બધાને થોડી મુશ્કેલીઓ પડે, પરંતુ ધીરે ધીરે તેની ચોખવટ થતાં સરળતાથી આવી પદ્ધતિ લોકો સ્વીકારે છે, જેમ કે જ્યારે ૨૦૦૪માં ગુજરાતમાં સેલ્સ ટેક્સના બદલે વેટનો અમલ શરૂ કરાયો ત્યારે ઘણા બધા તેનો વિરોધ કરતા હતા, પરંતુ હવે આ સિસ્ટમ સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે. આથી કેન્દ્ર સરકાર જે GSTની નવી નીતિ અમલમાં મૂકી રહી છે તે આવકારદાયક છે તથા તે સૌના હિતમાં છે.


GST આવકાર્ય પણ અમલમાં મૂકતાં પહેલાં વિવિધ ક્ષેત્રનાં સંગઠનો સાથે પરામર્શ જરૂરી હતો : ડૉ. નટુભાઈ પટેલ (પ્રિન્સિપાલ - સી. યુ. શાહ કૉમર્સ કૉલેજ, ઇન્કમટેક્સ, અમદાવાદ)

GST ભારત માટે ફાયદાકારક છે. ભારતીય અર્થકારણ મિશ્ર અર્થતંત્ર છે, અલ્પવિકસિત અર્થતંત્ર છે. વિશ્ર્વના મોટા ભાગના દેશોમાં GST છે. ચીને પણ GSTનું અમલીકરણ કર્યા પછી હરણફાળ પ્રગતિ કરી છે. ભારતમાં GST લાગુ કરવામાં આવે છે ત્યારે તેને સમજવું જરૂરી છે. કરમાળખું બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષમાં ગ્રાહકની સીધી જવાબદારી થાય છે. પરોક્ષમાં આડકતરી રીતે ગ્રાહકે ટેક્સ ભરવો પડે છે. વેચાણકર્તા પર GST લાગુ પડે છે અને તેની જવાબદારી છે. GSTથી અંતમાં ગ્રાહકની જવાબદારીમાં ઘટાડો થાય છે. GSTના કારણે GDP વધે તેવું લાગે છે, તેના કારણે જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ થાય અને રોજગારીનું સર્જન થઈ શકે, પરંતુ સરકારે GST અમલમાં મૂકતાં પહેલાં વિવિધ ક્ષેત્રનાં સંગઠનો સાથે પરામર્શ કરવો જરૂરી હતો. કોઈ નવી વસ્તુ દાખલ થતી હોય ત્યારે તેનો વિરોધ સ્વાભાવિક થાય, કારણ કે જે વસ્તુનું અમલીકરણ થતું હોય તેની જાગૃતિ ના હોય, લોકો તેના લાભ અને ગેરલાભથી અજાણ હોય, તેના માળખાથી પણ અજાણ હોય ત્યારે તેનો વિરોધ થાય તે સ્વાભાવિક છે. આ એક સમસ્યા છે, તે સ્વીકારીને સરકાર GST અંગેનાં સેમિનારો અને તે અંગેનાં જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને આગળ વધે તો ચોક્કસપણે આનું અમલીકરણ થાય અને અર્થતંત્ર પર તેની હકારાત્મક અસર થાય અને પ્રજા સ્વીકારે.


GSTથી રાષ્ટ્રીય કૃષિબજારના વિકાસને વેગ મળશે પ્રા. ડૉ. રોહિત જે. દેસાઈ (અર્થશાસ્ત્ર વિભાગ, આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, ખેડબ્રહ્મા, સા.કાં.)

લાંબા સમયની ચર્ચા-વિચારણા પછી છેવટે ૧ જુલાઈ, ૨૦૧૭થી અમલમાં આવેલ GST - વસ્તુ અને સેવા કર એ એક રાષ્ટ્ર, એક સમાન વેરા અને સમાન બજારની દિશામાં મહત્ત્વનું પગલું છે. આનાથી રાજ્યવાર અલગ-અલગ વેરાઓને બદલે રાષ્ટ્રીય કક્ષાએ પરોક્ષ વેરાનું એકસમાન માળખું અસ્તિત્વમાં આવતાં સમાન પ્રાદેશિક વિકાસ અને રાષ્ટ્રીય બજારના વિકાસને વેગ મળતાં લાંબે ગાળે આર્થિક વૃદ્ધિદર વધારવામાં મદદ મળશે. વળી, મોટાભાગની જીવન આવશ્યક વસ્તુઓ પર ૦ થી ૫%નો દર છે, જેનાથી આમજનતા પર એની તત્કાલીન વિપરીત અસર ખૂબ મર્યાદિત હશે, જ્યારે લાંબેગાળે સમગ્રતયા કરબોજ ઘટશે. વિશેષમાં અગાઉની સરખામણીમાં કરમાળખું સરળ બનશે. ગ્રામ્યક્ષેત્રની ચર્ચા કરીએ તો GSTથી પરિવહન સંબંધી અડચણો દૂર થતાં રાષ્ટ્રીય કૃષિબજારના વિકાસને વેગ મળતાં કૃષિક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને ગ્રામીણક્ષેત્રને ફાયદો થશે. જો કે આ સાથે એક જ પ્રકારની વસ્તુઓમાં પ્રૉસેસિંગના તફાવતના આધારે GST દરમાં રહેલ તફાવતો ગૂંચવણો સર્જે એ શક્ય છે. વળી, વેરાના ચાર દરને બદલે ભવિષ્યમાં એક કે બે દર જ રખાય તથા મહત્તમ દર નીચો લઈ જવાય એ જરૂરી છે. છેલ્લે કહેવું જોઈએ કે કોઈ પણ વ્યવસ્થાની સફળતાનો આધાર માનવી પર રહેલો છે. માણસમાં એ તાકાત છે કે ગમે તેવી ખામી ભરેલી વ્યવસ્થામાં પણ તે સારાં પરિણામો આપી શકે અને સામે પક્ષે શ્રેષ્ઠ વ્યવસ્થાને પણ નિષ્ફળ બનાવી શકે છે.

સાચા વેપારીઓનો ઉદ્યોગ GSTથી બમણો થવાની સંભાવના છે - પ્રદીપ જૈન (ટેક્સ કન્સલ્ટન્ટ, ગુજરાત સેલ્સ ટેક્સ બાર ઍસોસિયેશનના પૂર્વપ્રમુખ)

આ આર્થિક દૃષ્ટિએ આમૂલ પરિવર્તનની દિશાનું પગલું છે. આના પરિણામે વેપાર ઉદ્યોગમાં પારદર્શિતા, સરળતા અને સમયબદ્ધતા આવશે. સરળતામાં વેપારીઓએ અલગ-અલગ ટેક્સ ઑથોરિટી પાસે જવાને બદલે એક જ ટેક્સ ઑથોરિટી સમક્ષ જવાનું થશે અને એક જ કાયદા હેઠળના હિસાબો રાખવા પડશે.
આના પરિણામે વેપારીઓને કાયદાકીય ફૉર્મ જેવાં કે ઈ ફૉર્મ, અ ફૉર્મ, H ફૉર્મ વગેરેની નાબૂદી થઈ જશે, તેના કારણે વેપારીઓને ધંધામાં સરળતા રહશે. સાચો વેપારી હશે તેનો વેપાર ઉદ્યોગ GSTને કારણે બમણો થવાની સંભાવના છે. આ રેટ ઑફ ટેક્સને કારણે નાના કે મધ્યમ કદના વેપારીઓને અને લોકોને વધારાનો કોઈ બોજ આવવાનો નથી, પરંતુ લાંબા ગાળામાં નાના વેપારીઓની આવકમાં વધારો થશે તેમજ ૠમા ગ્રૉથ ૧.૫ થી ૨ ટકા
વધશે. નાના વેપારીઓને નવા કાયદા હેઠળ ૨૦ લાખથી ઓછું ટર્ન ઑવર હોય તો એને નવા કાયદા હેઠળ GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વિદેશી મૂડીરોકાણ પર GSTની કોઈ અસર થશે નહીં - ડૉ. સત્યજીત દેશપાંડે (ઍસૉસિયેટ પ્રૉફેસર, ન્યૂ એલ. જે. કૉમર્સ કૉલેજ)
GSTની અર્થતંત્ર પર શું અસર પડશે તે અંગે કોઈ પણ ચોક્કસ અનુમાન લગાડવું હાલ મુશ્કેલ છે, તે છતાં GSTનું વર્તમાન માળખું જોતાં એવું લાગે છે કે વેપારીઓ ‘ઈનપુટ-ટેક્સ ક્રેડિટ’ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે, જેથી વધુ ટ્રાન્ઝેક્શન્સ ચોપડે ચડશે અને કરચોરી ઘટશે. આમ સરકારની કર ઊપજ વધશે, જેનો ઉપયોગ વિકાસલક્ષી કાર્યક્રમો માટે કરી શકાશે. અમુક વસ્તુઓ પર વેરાનો દર વધશે જ્યારે અમુક પર તે ઘટશે. આમ મોટા ભાગના લોકોના બજેટ પર ૧૦% કરતાં વધુ અસર નહીં પડે. લોકોની વપરાશનું બંધારણ નક્કી કરશે કે તેમના પર કેટલી અસર પડશે. સરકાર એન્ટી-પ્રૉફિટેરિંગ નિયમ, ૨૦૧૭ દ્વારા ઉત્પાદકો અને વેપારીઓને ફરજ પાડવા માંગે છે કે તેઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ગ્રાહકોને આપે. વિદેશી મૂડીરોકાણ પર GSTની કોઈ ખાસ અસર નહિ પડે કેમકે વિદેશી કંપનીઓના મોટા ભાગના સોદાઓ પહેલાંથી જ બિલ દ્વારા થાય છે. દેશનું કુલ આંતરિક ઉત્પાદન (GDP) વધશે, એટલા માટે નહીં કે ઉત્પાદન વધશે પરંતુ એટલા માટે કે વધુ ટ્રાન્ઝેક્શન્સ રેકૉર્ડ થશે.


ઉદ્યોગકારોની દૃષ્ટિએ GSTના લાભાલાભ : અનલ વાઘેલા (લઘુઉદ્યોગકાર, અમદાવાદ)

નોટબંધી પછી તરત GSTથી બ્લૅકમની જનરેટ થવામાં વધુ અવરોધ ઊભો થશે. ઈમાનદાર વેપારી/ઉદ્યોગકારોને રાહત થશે. આંતરરાજ્ય વેપારને પ્રોત્સાહન મળશે. ત્રણ પ્રકારના GST હોવાની માહિતી/અવેરનેસના અભાવના કારણે નાના વેપારી/લઘુઉદ્યોગકાર તેમજ ડિપાર્ટમેન્ટના અધિકારીઓમાં પણ શરૂઆતમાં ગૂંચવાડા ઊભા થશે. સંપૂર્ણ કાયદો અંગ્રેજીમાં હોવાથી CA/ક્ધસલ્ટન્ટ આધારિત માહિતી/સમજ પ્રાપ્ત કરવી પડશે. IT બેઈઝ હોવાથી નાના વેપારી/ઉદ્યોગકારે પણ માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડશે, જેથી પેઢી પર આર્થિક બોજ વધશે.


ઐતિહાસિક નિર્ણય, અભૂતપૂર્વ તક : ગુરચરણ દાસ (કૉલમિસ્ટ)

કરવેરાનું આ નવું માળખું સમયાંતરે ભારતના સમગ્ર વેપારઉદ્યોગને નવો આકાર આપશે. કંપનીઓ દરેક રાજ્યમાં તેમનાં ઉત્પાદનોને અલગ-અલગ સપ્લાય ચેઈનના બદલે એક જ વૅરહાઉસમાંથી વેચવા માટે સક્ષમ બનશે. ઉત્પાદકો કાચા માલ અને ઉત્પાદનની સુવિધાઓના આધારે વધારે સુગમતાથી નિર્ણયો લઈ શકશે. ગૂઢ, અપવાદો અને ખરાબીઓથી ભરપૂર કરવેરાનું હવે સિંગલ, આઈ. ટી. એનેબલ્ડ, ડિજિટલ ફાઈલિંગ કરવું સરળ બની રહેશે, જેનો અર્થ ઓછી બાબુશાહી અને સત્તાધીશો સાથે ઓછો વ્યવહાર થશે. ઓછી પડતર અને વધુ કાર્યક્ષમતાના લીધે ગ્રાહકોને નીચી કિંમતોનો ફાયદો મળી શકશે.
આ બધી બાબતોથી સાવધ સરકારે અત્યારે જ તમામ શ્રેષ્ઠ સુધારા લાગુ નહીં કરવા અને સમયાંતરે સુધારા કરતી રહેશે. ટોચના સી. ઈ. ઓ.એ આ નવા કરમાળખાને આવકાર્યું છે. શૅરબજાર પણ આનંદમાં દેખાઈ રહ્યું છે. નવા માળખાથી સમગ્ર કાર્યપ્રણાલીમાં એકસૂત્રતા અને સરળીકરણ થશે.


GST - ના લેખાં-જોખાં - પ્રો. કાર્તિકેય ભટ્ટ (અર્થશાસ્ત્રી)

ભારતમાં આર્થિક બાબતોની વ્યાપક ચર્ચા અને કરવેરામાં ફેરફારોનો મુદ્દો ૧૯૯૧ પછી ઊભો થયો છે. ભારતે વૈશ્ર્વિક સ્તરે સ્વીકાર્યું હતું કે અમે દેશમાં ટેક્સ માળખામાં બદલાવ કરીશું (ઘણા બદલાવને જ સુધાર કહે છે) અને તેને આ સુધારના ભાગરૂપે અનેક વેરા નાબૂદ કરવાના હતા... વધારે હોય ત્યાં ઓછા કરવાના હતા.
મૂળ બે બાબતોની ફરિયાદ
દૂર કરવાની હતી
૧. દેશમાં એક જ વસ્તુ અને સેવા પર વિવિધ સ્તરે વેરા હતા... એટલે બહુ બધા વેરામાં વહીવટી મુશ્કેલીઓ હતી અને વેરાનો બોજો પણ વધારે હતો. કરચોરી માટે આ કારણ પણ જવાબદાર હતું.
૨. ૧૯૯૧ પછી ખાનગીકારણ અને ઉદારીકરણને લીધે પોતાના રાજ્યમાં મૂડીરોકાણ અને વેપારને આકર્ષવા માટે રાજ્યો વચ્ચે કરવેરામાં છૂટ આપવાની સ્પર્ધા ચાલી અને કેટલાંક રાજ્યોએ પોતાની સત્તાવાળા વેરામાં દર ઘટાડી દેતાં અન્ય રાજ્યના વેપારવાળાએ પણ આ માંગણી ચાલુ કરી..... અને રાજ્યો વચ્ચે સ્પર્ધા થવા લાગી....
નાનાં રાજ્યોની સામે મોટાં રાજ્યોની ફરિયાદ હતી કે અમે અમારા વેરાનો ઉપયોગ કરીએ છીએ અને માટે અમારી આવક વધુ છે એમ કહી નાણાપંચ અમને નાણાં ફાળવતું નથી. ઘણાં રાજ્યોએ તો નાણાકીય સ્વતંત્રતાનો રાગ પણ આલાપ્યો... મતલબ કે અમારા રાજ્યમાંથી નાણાં અમે ઉઘરાવીએ... ખર્ચ પણ અમે કરીએ અને અમારે કેન્દ્ર પાસે કોઈ આર્થિક સહાય નથી જોઈતી.
આ તમામ ફરિયાદોનો
ઉકેલ એ હતો કે
૧. એક જ વસ્તુ કે બાબત પર પાડનાર બહુ જ બધા જુદા જુદા વેરાને એક જ કરી નાખવા અને
૨. રાજ્યો સમાન દરે વેરા ઉઘરાવવાની નીતિ અપનાવે.
આ બે મુદ્દાનો સામૂહિક અમલ એટલે જી. એસ. ટી.
સરકારે એક જી. એસ. ટી. કાઉન્સિલ બનાવી અને રાજ્ય દ્વારા ઉઘરાવાતા વેરા તથા કેન્દ્રના પરોક્ષ વેરા ભેગા કરી નખાય અને એક જ ટેક્સ જેનું નામ જી. એસ. ટી. કરી નાખ્યું... હવે વેટ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, મનોરંજન કર, વેચાણ વેરો બધું એક ટેક્સમાં સમાવી લેવાયું. વળી આ જી. એસ. ટી.ના દરો પણ રાષ્ટ્રીય કક્ષાએ એકસરખા નક્કી કર્યા... જેના જુદા જુદા સ્લેબ નક્કી કર્યા. ઝીરો ટેક્સ, ૫%, ૧૮% અને ૨૮%.
તરફેણ કરનારાનો મત
૧. જી. એસ. ટી.થી એક જ વસ્તુ પર પડતા જુદા જુદા વેરા દૂર થશે.
૨. એ જ વસ્તુ પર જુદા જુદા તબક્કે અને જુદાં જુદાં રાજ્યોમાં પડતા વેરા દૂર થશે.
૩. રાજ્યો વચ્ચે થતી સ્પર્ધા દૂર થશે... કોઈ પણ રાજ્યમાં વેપાર ધંધો કરો, સમાન દરે વેરો લાગશે.
૪. વહીવટી સરળતા રહેશે.
૫. મહત્તમ વેરા દર ૨૮% જ છે, એટલે જે રાજ્યોમાં અગાઉ ૪૦%થી ૬૫% વેરાના દર હતા ત્યાં ચીજો સસ્તી થશે.
૬. રાજ્યો સ્થાનિક કક્ષાએ ઘણા ઉદ્યોગ વેપારને વેરામુક્તિ આપી દેતા હતા, તે દૂર થશે. સૌને વેરો ભરવો પડશે.
૭. રાજ્યોની કુલ આવકમાં વધારો થશે.
ચિંતાજનક બાબતો
૧. હવે રાજ્યની વેરા ઉઘરાવવાની સત્તા ખત્મ... રાજ્યના નાણામંત્રીએ કંઈ નક્કી નથી કરવાનું.
૨. દેશમાં મોટાં રાજ્યોને ફાયદો થશે. નાનાં રાજ્યો મૂડીરોકાણ અને વેપારને આવકારવા કરમુક્તિના પ્રોત્સાહન નહીં આપી શકે.
૩. રાજ્યોમાં આર્થિક વૈવિધ્ય મુજબ વેરા નહીં નાખી શકાય... જેમ કે ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ વધારે વિકસ્યો છે. વધુ લોકોને રોજગારી આપે છે તો રાજ્ય તેને મદદરૂપ નહિ થઈ શકે. કોઈ રાજ્યમાં માત્ર પ્રવાસન જ વિકસેલ છે અને તે એના પરની આવક દ્વારા નભે છે તો હવે તેને પણ રાષ્ટ્રીય સ્તરે જે વેરા નક્કી થાય તે જ લેવા પડશે... ટૂંકમાં પોતાના રાજ્યની જ‚રિયાત મુજબ રાજ્યના નાણામંત્રી વેરા નાખી શકશે નહીં.
૪. જી. એસ. ટી.ની આવકમાંથી રાજ્યોને મળનારા ભાગને જી. એસ. ટી. કાઉન્સિલ નક્કી કરવાની છે એટલે એક રીતે રાજ્યો નાણાકીય પરાવલંબનમાં આવશે... કેન્દ્રનું આધિપત્ય વધશે.
૫. હાલ જાહેર થયેલા જી. એસ. ટી.ના દરોમાં ઘણી જગ્યાએ સામાન્ય માનવીના વપરાશની ચીજો પર ઊંચો વેરો છે જ્યારે ધનવાનોની વસ્તુ પર ઓછો મતલબ કે જી. એસ. ટી. કાઉન્સિલ જો નિસ્બત વગર અને કોઈના પ્રભાવમાં આવી દર નક્કી કરે તો સામાન્ય જનતાનો મરો થાય.