શિષ્યની શિખરયાત્રાના શિલ્પી : સદગુરુ

    ૦૭-જુલાઇ-૨૦૧૭


તા. ૯ જુલાઈ - ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ

ધરતી કા કાગઝ કરું, લેખિની કરું વનરાઈ, સાત સમંદર શાહી કરું, ગુરુ ગુન લીખા ન જાય ॥

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ. હિન્દુ સનાતન વૈદિક ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં સદ્ગુરુનું સ્થાન પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ ગણવામાં આવ્યું છે. કારણ કે સદ્ગુરુ જ શિષ્યના જીવનને સુસંસ્કૃત બનાવી, શિષ્યના સકળ સંશયો છેદી, તેના મનની તમામ ભ્રાંતિઓ ભાંગીને તેને આત્મસાક્ષાત્કાર કરાવે છે. સદ્ગુરુની કૃપા થકી જ મનુષ્ય નરમાંથી નારાયણ, વામનમાંથી વિરાટ, જીવમાંથી શિવ, બિંદુમાંથી સિંધુ તથા હંસમાંથી પરમહંસ અવસ્થા તરફ પ્રયાણ કરી શકે છે...
ગુરુપૂર્ણિમાને ‘વ્યાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે "વ્યાસ સ: વિશાલ બુદ્ધે-જેની બુદ્ધિ વિશાળ છે તે વ્યાસ. મહર્ષિ વશિષ્ટના પૌત્ર શ્રી પરાશર મુનિના પુત્ર વેદ વ્યાસજી હિન્દુ ધર્મના આદિ ગુરુ છે. તેઓ ત્રિકાળ જ્ઞાની હતા અને જાણતા હતા કે કળિયુગમાં ધર્મ ક્ષીણ થઈ જશે. મનુષ્ય કર્તવ્યહીન અને અલ્પ આયુ થઈ જશે. ત્યારે એક વિશાળ વેદનો સાંગોપાંગ અભ્યાસ તેના સામર્થ્યની બહાર થઈ જશે. તેથી તેમણે વેદને ચાર ભાગમાં વિભાજિત કરી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ સરળ સ્વરૂપમાં ‚પાંતરિત કર્યો તેથી તેઓ મહર્ષિ વેદવ્યાસ કહેવાયા. વેદવ્યાસે પોતાની કલમ દ્વારા વેદોનો વિસ્તાર તો કર્યો, સાથે સાથે ઉપનિષદો, અઢાર પુરાણો, મહાભારત અને ભાગવત સહિતના ગ્રંથોની રચના કરી માનવસમાજને જ્ઞાન, ભક્તિ અને કર્મનો મહિમા સમજાવ્યો તેથી ગુરુણામ્ ગુરુ એવા મહર્ષિ વેદવ્યાસની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમાને ‘વ્યાસ પૂર્ણિમા’ તરીકે પણ ઊજવવામાં આવે છે.
હવે પ્રશ્ર્ન એ થાય કે આખા વર્ષમાં બાર પૂર્ણિમા આવે છે. તો અષાઢ માસની પૂર્ણિમાને જ શા માટે ગુરુપૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી ? ઓશો રજનીશ જણાવે છે કે અષાઢ માસ એટલે તો વર્ષાઋતુનો મહિનો. ત્યારે તો આકાશ વાદળોથી ઘેરાયેલું હોય તો ક્યારેક પૂર્ણિમાનો ચંદ્ર દેખાય પણ નહીં. વળી, એનાથી પણ સુંદર નજારો તો શરદપૂર્ણિમાનો છે. તો તેને શા માટે ગુરુપૂર્ણિમા તરીકે પસંદ કરવામાં ન આવી ? કારણ કે એક તો અષાઢ સૂદ પૂર્ણિમા એ હિન્દુ ધર્મના આદિ ગુરુ મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન છે. બીજું, આ પૂનમને ‘ગુરુપૂર્ણિમા’ તરીકે પસંદ કરવા પાછળ આપણા આર્ષદૃષ્ટા ઋષિઓની દીર્ઘદૃષ્ટિ રહેલી છે. આ ઋષિઓ માનતા કે ગુરુ તો છે પૂર્ણિમાના ચન્દ્ર જેવા શીતળ, મધુર અને તેજોમય. જ્યારે શિષ્ય તો છે અષાઢ માસ જેવો. શિષ્ય તેના મનમાં જન્મ-જન્માંતરના અજ્ઞાનના ગાઢ અંધકાર ‚પી વાદળો લઈને પૂર્ણસ્વરૂપ ગુરુ પાસે આવે છે. આવા અજ્ઞાન‚પી અંધકાર વડે ચારે તરફથી ઘેરાયેલા શિષ્યને પોતાના જ્ઞાનરૂપી તેજથી પ્રકાશિત કરી શકે તે જ સાચા સદ્ગુરુ.
અષાઢી પૂનમની પસંદગી ગુરુ અને શિષ્ય બંને માટે સૂચક છે. શિષ્ય કેટલાય જન્મોની કામનાઓ, વાસનાઓ તૃષ્ણાઓ અને અહંકારના અંધકારમાંથી બહાર નીકળવા ગુરુરૂપી પૂર્ણિમાનો શીતળ પ્રકાશ ઝંખે છે અને ગુરુરૂપી પૂર્ણિમાનો ચન્દ્ર જ્યારે સોળે કળાએ ખીલે છે ત્યારે શિષ્યને અજબ શીતળતાનો અનુભવ કરાવે છે. શિષ્ય જ્યારે અહંકાર ત્યાગીને સમર્પણ ભાવથી ગુરુના ચરણોમાં નતમસ્તક બને છે ત્યારે સંપૂર્ણ જ્ઞાન ગુરુ સહજતાથી તેને આપી દે છે.
હવે એક તર્ક એવો પણ થઈ શકે કે ચન્દ્રનો તો બધો પ્રકાશ સૂર્યમાંથી ઉધાર લીધેલો છે. તો પછી આપણે ગુરુને ‘સૂરજ’ કહ્યા હોત તો શું ખોટું હતું ? આનું કારણ પણ આપણા આર્ષદૃષ્ટા ઋષિઓને ટાંકીને રજનીશજી ખૂબ સરસ રીતે સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે જો તમે સૂરજ તરફ પ્રત્યક્ષ રીતે જોવાનો પ્રયત્ન કરશો તો તેનું પ્રખર તેજ થોડી જ ક્ષણોમાં તમારી આંખો આગળ અંધકાર ભરી દેશે. તમારી આંખોમાંથી પાણી નીકળવા લાગશે. ક્યારેક આંખોને નુકસાન કરી બેસશો, કારણ કે સૂર્યનો પ્રખર તાપ ઝીલવા મનુષ્યની આંખો સક્ષમ નથી. તેવી જ રીતે પરમાત્મા એ ઝળહળતો સૂર્ય છે. તેના સુધી ગુરુના માધ્યમ વિના પહોંચવું અસંભવ છે. એમ કરવા જતાં સાધક કાં તો તૂટી જશે, કાં તો ખંડિત થઈ જશે અથવા તો વિકસિત થઈ શકશે નહીં.
સદ્ગુરુ એ પૂર્ણિમાના ચન્દ્રરૂપી અરીસો છે જે પરમાત્મા ‚પી સૂર્યના પ્રકાશને પ્રથમ પોતાનામાં ઝીલી તેને શીતળ અને મધુર બનાવી, તેની ગતિને નિયંત્રિત કરી, તેની તીવ્રતાને સહ્ય બનાવીને શિષ્યને પ્રદાન કરે છે. ગુરુ રૂપી અરીસામાંથી પરાવર્તિત થઈને શિષ્ય તરફ પહોંચતાં પ્રકાશના ગુણધર્મનું ‚પાંતર થાય છે. એટલા માટે જ કબીરે ગાયું છે કે
ગુરુ, ગોવિંદ દોઉ ખડે કા’કો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી
જો ગોવિંદ દીયો બતાય.
આમ, આપણી ભારતીય સંસ્કૃતિમાં પરમેશ્ર્વર કરતાં પણ ઉચ્ચ સ્થાને ગુરુને સ્થાપિત કરવામાં આવ્યા છે, ત્યારે ગુરુસ્થાને રહેલી વ્યક્તિની જવાબદારી પણ ખૂબ વધી જાય છે. ગુરુ પદ પામનાર વ્યક્તિએ વ્યાસ સાહિત્યનો ગહન અભ્યાસ કરી, તે અનુસાર પોતાની જીવનરીતિ ગોઠવવી જોઈએ, કારણ કે ‘આચરતિ ઇતિ આચાર્ય: ’ ગુરુ એ સરસ્વતીનો સાચો ઉપાસક હોવો જોઈએ. તેની વાણી પ્રેમપૂર્ણ, પવિત્ર, સરળ, સ્પષ્ટ અને સમાજની ઉન્નતિ કરે તેવી હોવી જોઈએ. શિષ્યમાં સામર્થ્ય પ્રગટાવે તેનું નામ જ સદ્ગુરુ....

ભારતીય ઇતિહાસ અનેક તેજસ્વી ગુરુઓથી ભર્યો ભર્યો છે. હિન્દુધર્મના ઉદ્ધારક જગત્ગુરુ આદ્ય શંકરાચાર્યજીએ ઉપનિષદો, વેદાંત અને ગીતા ઉપર ભાષ્ય રચી લોકોને ધર્મનો મર્મ સમજાવ્યો.
આમ ગુરુ એ ગોવિંદનું દર્શન કરાવનારા છે. રામના ગુરુ વસિષ્ઠ, કૃષ્ણના ગુરુ સાંદીપનિ, પ્લેટોના ગુરુ સોક્રેટિસ, પાંડવ-કૌરવના ગુરુ દ્રોણાચાર્ય, કબીરના ગુરુ રામાનંદ અને વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ આ ગુરુશિષ્યની ઉજ્જ્વળ પરંપરાના પ્રતિનિધિરૂપ પાત્રો છે. ગુરુશિષ્યની આ તેજસ્વી પરંપરાએ જ્ઞાનને વધુ ઉજ્જ્વળ બનાવ્યું. સાચા ગુરુ એક નવી પેઢી તૈયાર કરે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની અદ્ભુત આધ્યાત્મિક શક્તિએ વિદ્યાર્થીજગત ઉપર જાદુઈ અસર કરી. મહાત્માજીએ જગતને સત્ય અને અહિંસાના પાઠ શીખવ્યા. યુદ્ધથી ત્રાસેલા વિશ્ર્વ માટે મહાત્માજી શાંતિ મંત્ર લઈ આવ્યા, મહાવીર, ઈશુ ખ્રિસ્ત, અશો જરથ્રુસ્ટ, બુદ્ધએ સૌએ કોઈ ને કોઈ રીતે વિશ્ર્વને અનોખું શિક્ષણ આપ્યું છે. તેઓ કોઈ એક ધર્મ, દેશ કે જાતિના ન રહેતા સમગ્ર વિશ્ર્વના બની ગયા અને એ રીતે જગદ્ગુરુ બન્યા. પારસમણિ જેવા એ ગુરુઓના સંસ્પર્શે કથીર જેવા શિષ્યો કાંચન બની ગયા ! આ સર્વ ગુરુઓના પ્રતિનિધિ જેવા મહર્ષિ વેદવ્યાસે આપેલા પ્રબુદ્ધ જ્ઞાનની પ્રેરક સ્મૃતિમાં તેમનું કૃતજ્ઞતાપૂર્વક પૂજન કરવાનો દિવસ એટલે વ્યાસપૂર્ણિમા.
રાવણને કોઈ ગુરુ નહોતો. ગુરુ વિનાની સંપત્તિ, ગુરુ વગરની બુદ્ધિ અને ગુરુ વગરની શક્તિ માણસની પાસે રાક્ષસી કામ કરાવે છે. કોઈ ગુરુ હોવો જોઈએ માથે, જે મારી અને તમારી ગતિને કાબૂમાં લે - એવા કોઈ ગુરુ રાવણને સ્વીકાર્ય ન હતા એટલે જ તેની શક્તિઓ વિનાશક માર્ગે વળી અને અંતે રાવણનું પતન થયું.