કેટલું મુશ્કેલ છે અલીગઢ યુનિવર્સિટીમાં ગેરમુસ્લિમનું ભણવું ?

    ૦૭-જુલાઇ-૨૦૧૭


‘મુસલમાનો માટે રમજાનનો મહિનો પવિત્ર અને રહેમતવાળો હોય છે, પરંતુ મારા માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રમજાન મુશ્કેલીભર્યો રહ્યો. ૨૮ મેથી ૨૫ જૂન સુધી હું દિવસો ગણવા મજબૂર હતી કે ક્યારે રમજાન પૂરો થાય.’
આ શબ્દો છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં પી.એચડી. કરી રહેલી વંદિતા યાદવ (નામ બદલ્યું છે)ના. વંદિતા માટે અહીં રમજાનનો પ્રથમ અનુભવ હતો. તે કહે છે કે, રમજાન શરૂ થતાં જ અચાનક કેમ્પસમાં અંદરની તમામ કેન્ટીન બંધ કરી દેવામાં આવી, જે સાંજે ઇફતાર સમયે જ ખૂલતી હતી. હોસ્ટેલમાં પણ આવી જ સ્થિતિ રહેતી. વંદિતા કહે છે કે રમજાનમાં અહીંના કેમ્પસમાં એ પ્રકારનું ધાર્મિક વાતાવરણ રહેતું કે, તમારા મનમાં સતત એક પ્રકારનો ડર રહ્યા કરે. કોઈ મુસ્લિમ મિત્રની સામે કંઈક ખવાઈ ગયું કે પાણી પીવાઈ ગયું તો ? અજીબ પ્રકારનો અનુભવ હતો. તમને સતત કોઈ તમારા ખાવા-પીવાને લઈ ટોકી ના દે તેનો ડર લાગતો રહે છે. વંદિતાને કેમ્પસની અંદર હોસ્ટેલ મળી નથી. તે અલીગઢના અહેમદનગરમાં રહે છે. માટે તેણે ઘરેથી કંઈ પણ ખાધા વગર જ નીકળવું પડે છે અને કેમ્પસમાં જઈ કાંઈક ખાઈ લે છે, પરંતુ રમજાનમાં કેમ્પસની અંદર તો શું બહાર પણ ખાવા-પીવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ક્યારેક ક્યારેક તો એવું લાગે કે તમે કોઈ ધાર્મિક યુનિવર્સિટીમાં ભણી રહ્યા છો. જ્યાં તમને ગમે કે ન ગમે એક ખાસ મજહબની રીતો તમારે અપનાવવી પડે છે.
અહીં માસ કમ્યુનિકેશનમાં પી.એચડી. કરતા ફૈસલ ફારુકી કહે છે કે, ‘અહીં જે ચીજો છે તે તમામ અહીંની પરંપરાનો એક ભાગ છે અને અહીં ભણતા વિદ્યાર્થીઓએ સ્વીકારેલી છે. અહીં કોઈને આમ કરવા પર દબાણ કરવામાં આવતું નથી અને અહીં ભણવા આવનારા લોકોએ સમજવું જોઈએ કે આ યુનિવર્સિટીને અલ્પસંખ્યક યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે.’
૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન અહીં કોમર્સમાં અભ્યાસ કરનાર જબી અફાક હાલ હિન્દુસ્તાન ટાઇમ્સમાં પત્રકાર છે. તે કહે છે કે, કેમ્પસમાં એક ધર્મની જ બોલબાલા રહે છે. એમાં પણ રમજાન મહિનામાં તો હિન્દુઓને જ નહીં, જે મુસ્લિમો રોઝા નથી રાખતા તેમને પણ મુશ્કેલીઓ પડે છે. તમારે રમજાન દરમિયાન જો કાંઈ ખાવું હોય તો છુપાઈને ખાવું પડે છે. કેમ્પસની તમામ કેન્ટીન્સ બંધ થઈ જાય છે. કેમ્પસની બહાર જે નાની મોટી દુકાનો ઢાબાઓ છે તેના પર પણ પરદા લગાવી દેવામાં આવે છે. એવામાં જો કોઈ યુવતીને કાંઈ ખાવું હોય તો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જબી કહે છે. મારે તો અલીગઢમાં જ ઘર છે માટે મને કોઈ ખાસ મુશ્કેલી નથી પડતી, પરંતુ જેઓ બહારથી આવીને અહીં ભણે છે. તેમના માટે રમજાનનો મહિનો આકરો સાબિત થાય છે અને જે લોકો ઘરેથી ખાવાનું લઈને આવે છે તેમના માટે પણ એ દિવસોમાં ખાવાનું સામાન્ય દિવસો જેટલું સહજ નથી હોતું.
અલીગઢથી જ ગ્રેજ્યુએશન માસ્ટર એમ.ફીલ અને હાલ પી.એચડી. કરી રહેલા સંજીવ જયસ્વાલ (નામ બદલ્યું છે) કહે છે કે, ‘શુક્રવારે અડધા દિવસ પછી જુમ્માની નમાજ માટે રજા આપી દેવામાં આવે છે. આ દરમિયાન પણ કેન્ટીનનાં શટર પડી જાય છે. દેશની અન્ય કૉલેજોના કેમ્પસમાં તમને કોઈ ધર્મની વાત ન ગમતી હોય તો તમે તેની ટીકા કરી શકો છો. તેની સામે સવાલ ઉઠાવી શકો છો, પરંતુ અલીગઢ યુનિવર્સિટીમાં તમે આવું કરતા પહેલાં ૧૦ વાર વિચારશો. એવું લાગે કે તમે કોઈ યુનિવર્સિટીમાં નહીં, ધાર્મિક સંસ્થાનમાં અભ્યાસ કરી રહ્યા છો. તમને અહીં લોકો લાઈબ્રેરીમાં પણ નમાજ પઢતા જોવા મળી જશે. જો કોઈ નમાજ પઢી રહ્યું છે અને તમે તેની આજુબાજુ છો તો તમારે થોડું વધારે જ સતર્ક રહેવું પડે છે.’
વંદિતા કહે છે, ‘થોડા સમય પહેલાં યુનિવર્સિટીના કેનેડી હોલમાં અભિનેતા નસીરુદ્દીન શાહ આવ્યા હતા. આ હોલમાં યુવતીઓ માટે સ્કાર્ફ અને પુરુષો માટે ટોપી પહેરવી ફરજિયાત છે. જ્યારે નસીરુદ્દીન શાહ બોલવા ઊભા થયા ત્યારે લોકો ટોપી ટોપીના નારા લગાવવા લાગ્યા. નસીર કેટલોક સમય ચૂપ રહ્યો. જ્યારે અવાજ શાંત થયો ત્યારે નસીરે કહ્યું, બસ, થઈ ગયું ? તેઓએ ટોપી ન જ પહેરી અને પોતાનું ભાષણ પૂરું કર્યું. ત્યારે ખરેખર મને સારું લાગ્યું કે ચલો, કોઈ તો આવ્યું જે ના કહેવાની હિમ્મત દાખવી શક્યું. સાથે એમ પણ કહે છે કે, નસીરુદ્દીન માટે આમ ના પાડવી આસાન છે, પરંતુ અન્યો માટે અહીં ખૂબ જ જોખમ ભરેલું છે.’
જો કે વંદિતા એમ સ્વીકારે પણ છે કે, અહીં કેમ્પસમાં યુવતીઓ સુરક્ષિત છે. અહીં તમારી પર કોઈ યુવક ભદ્દી મજાક કે બદ્તમીજી કરતો જોવા નહીં મળે.
અલીગઢ યુનિવર્સિટીના પીઆરઓ ઉમર ખલીલ પીરજાદા આ આરોપો સાથે સહમત નથી. તે કહે છે કે, અહીં ૨૫ ટકા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ ભણે છે. તેમની સાથે ક્યારેય કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો નથી. રમજાન મહિનામાં જે લોકો કેન્ટીન ચલાવે છે, તે પણ રોઝા રાખતા હોય છે, માટે તેઓ કેન્ટીન બંધ કરી દે છે.