દેશ-વિદેશમાં ભારતની સૈન્યશક્તિની વિશ્ર્વસુરક્ષાની અનુભૂતિ

    ૦૭-જુલાઇ-૨૦૧૭

૨૦૦૨માં તો ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીએ આ સ્થળને સ્ટ્રેટેજિક રીતે મહત્ત્વનું ગણાવી તજાકિસ્તાનના શાસકો સામે કાયમી બેઝની માંગણી પણ મૂકી દીધી. ભારત સાથેના સૈન્ય સહયોગથી તજાકિસ્તાન પરિચિત હતું, એટલે મંજૂરી પણ મળી ગઈ. આજે વીસ વર્ષથી અહીંયાં ભારતનું મિલિટરી થાણું ધમધમી રહ્યું છે અને સેન્ટ્રલ એશિયાની અતિ મહત્ત્વની માહિતીઓ અહીંયાંથી જ મળી રહે છે.
વિશ્ર્વના નકશા પર ભારત અત્યારે ચમકી રહ્યું છે, પણ આ બધી જ ચમક અત્યારની સરકારને આભારી છે, તેવી છબિ નિર્માણ કરવામાં આવી છે. જોકે ખરેખર એવું નથી; અને ખાસ કરીને સૈન્ય બાબતે તો આવી ધારણા બાંધવી, તે અગાઉના શાસકોએ કરેલાં કામ પર પાણી ફેરવવા જેવું છે. વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વમાં ભારતની છબિને વધુ મજબૂત જરૂર બનાવી છે, પરંતુ તે અગાઉ કોઈ પ્રયાસ થયા નહોતા, તેમ માની લેવાની જરૂર નથી. સીધી ને સટ વાત એટલી જ છે કે, જે રીતે વડાપ્રધાન હાલમાં વિશ્ર્વના જુદા જુદા દેશો સાથે ઝડપથી મૈત્રીભર્યા સંબંધ કેળવી રહ્યા છે, તે સંબંધ એક-બે મુલાકાતોથી ગાઢ થાય તે અશક્ય છે. અગાઉ બંને દેશો વચ્ચે લાંબા ગાળા સુધી કોઈ વ્યવહાર થયો હોય તો જ, તે આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે-તે દેશ સાથે પોતાની મિત્રતા આગળ વધારી શકે. સૈન્ય સંદર્ભે તો આ બાબત ખાસ લાગુ પડે છે. સૈન્ય બાબતોમાં બીજા દેશ પર વિશ્ર્વાસ મૂકવો તે રાજદ્વારી રીતે હંમેશાં જોખમભર્યું રહ્યું છે, પરંતુ જ્યારે કોઈ દેશની આંકાક્ષા સુપર પાવર થવાની હોય ત્યારે આવાં તો અનેક જોખમો વહોરવાં પડે છે અને તેનાથી સંબંધિત નુકસાન પણ વેઠવું પડે છે. આપણા દેશનાં ડગ અત્યારે એ જ માર્ગે છે.
ભારતે પોતાની ટેરિટરીમાંથી જ્યારે અમેરિકા, બ્રિટન, રશિયા અને ચીનની જેમ બહાર મિલિટરી બેઝ નિર્માણ કરવાનું વિચાર્યું ત્યારે સૌથી પહેલાં તે સમજૂતી સૉવિયેટ રશિયાથી અલગ થયેલાં તજાકિસ્તાન સાથે થઈ હતી. મધ્ય એશિયામાં ભારતે મેળવેલા આ કાયમી સ્થાનથી અફ્ઘાનિસ્તાન, ચીન અને પાકિસ્તાન પર નજર રાખી શકાય તેમ છે અને ઉપરાંત ભારતની પહોંચનો ખ્યાલ ચીન અને પાકિસ્તાનને આવે, તે ઉદ્દેશ પણ અહીં સર થાય છે. તજાકિસ્તાનની રાજધાની દુશાંબેના દક્ષિણપૂર્વથી ૧૩૦ કિલોમીટર દૂર આવેલા ફારખોર નામના ક્ષેત્રમાં ભારતનો મિલિટરી બૅઝ છે. ૧૯૯૬-૧૯૯૭માં જ્યારે તાલિબાન સામે ‘અફ્ઘાન નૉર્થન ઍલાયન્સ’ નામનું સંગઠન બાથ ભીડી રહ્યું હતું, ત્યારે ‘અફ્ઘાન નૉર્થન ઍલાયન્સ’ને તજાકિસ્તાન સહિત ભારત પણ શસ્ત્રોની મદદ પાઠવતું હતું. અહીંયાં જ ભારત દ્વારા એક હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી, જ્યાં ‘અફ્ઘાન નૉર્થન ઍલાયન્સ’ના ઈજાગ્રસ્ત સૈનિકોને સારવાર આપવામાં આવતી હતી. ભારતે અહીંયાં પોતાની સૈન્યતાકાત સારી એવી વધારી હતી, અને ૨૦૦૨માં તો ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીએ આ સ્થળને સ્ટ્રેટેજિક રીતે મહત્ત્વનું ગણાવી તજાકિસ્તાનના શાસકો સામે કાયમી બેઝની માંગણી પણ મૂકી દીધી. ભારત સાથેના સૈન્ય સહયોગથી તજાકિસ્તાન પરિચિત હતું, એટલે મંજૂરી પણ મળી ગઈ. આજે વીસ વર્ષથી અહીંયાં ભારતનું મિલિટરી થાણું ધમધમી રહ્યું છે અને સેન્ટ્રલ એશિયાની અતિ મહત્ત્વની માહિતીઓ અહીંયાંથી જ મળી રહે છે.
૨૦૦૬માં આ બેઝ પર ભારતે પોતાનાં સૌથી મહત્ત્વનાં યુદ્ધવિમાન મિગ-૨૯ ઍરક્રાફ્ટને અહીંયાં ડિપ્લૉઈટ કર્યાં, જ્યારે ભારતને આ બેઝ મળ્યું ત્યારે તેની સૌથી વધુ ચિંતા પાકિસ્તાને જતાવી હતી અને ૨૦૦૩માં પાકિસ્તાનના પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફે તો તજાકિસ્તાન સરકાર સમક્ષ આ બેઝને લઈને પોતાની નારાજગી પણ દર્શાવી હતી. પરવેઝ મુશર્રફે તે વખતે કહ્યું હતું કે, આ બેઝનો ઉપયોગ કરીને ભારત મિનિટોમાં પાકિસ્તાનમાં પ્રવેશી શકે છે !
ભારતના વધી રહેલા પાવરની અનુભૂતિ આસપાસના દેશોને વધુ થાય, તેના જ કારણે જ પાડોશી દેશો ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે, ભારત પણ તે દેશો સાથે મોટાભાગની જેમ વર્તીને મદદ કરતું રહે છે, ભૂતાન સાથે ભારતનો સંબંધ કંઈક એવો જ રહ્યો છે. આમ તો ભૂતાન ક્યારેય કોઈ દેશ સાથે બાખડ્યું નથી અને પાડોશી દેશો સાથે ભૂતાન હંમેશાં આજ્ઞાકારીની જેમ વર્તતું આવ્યું છે, પરંતુ ભૂતાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, તે ચીન અને ભારત માટે અતિ મહત્ત્વનું બની જાય છે. જોકે, ચીન સાથે નમતું જોખવાના સંબંધ હંમેશાં મુશ્કેલી લઈને આવે છે. ભૂતાન સાથે પણ કંઈક એવું જ બન્યું. ભૂતાન અને ચીનની દ્વિપક્ષીય સમજૂતી થઈ હોવા છતાં ચીને તે સમજૂતીનો ભંગ કરીને ભૂતાનની સરહદ નજીક માર્ગ નિર્માણ કરવાનું કામ શ‚ કર્યું છે. આ કિસ્સામાં ભૂતાનને ચીનથી સુરક્ષિત રાખવાનું કામ ભારત જ કરી શકે, ભારત પણ તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહ્યું છે અને તેના જ કારણે ભૂતાનને ભારત ગજા બહારની મદદ કરતું રહ્યું છે. વડાપ્રધાનના પદે આવ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ‚આતના તબક્કામાં જે દેશોની યાત્રા કરી હતી, તેમાં ભૂતાન પણ હતું. દલબિર સિંઘ સુહાગ જ્યારે સૈન્યના વડા બન્યા હતા ત્યારે પણ તેમની વિદેશની મુલાકાતમાં ભૂતાનનું નામ પ્રથમ હતું. ચીનના ક્ધટ્રોલ હેઠળ આવેલા તિબેટના બૉર્ડર સાથે જોડાયેલા ભૂતાનના પારો શહેરમાં ભારતનો મિલિટરી બૅઝ આવેલો છે. આ બૅઝ પરથી ચીનની મૂવમેન્ટ પર નજર રાખવાનું સરળ બને છે.
ભારતે પોતાનો મિલિટરી પાવર દર્શાવવા અર્થે કદમાં નાના હોય તેવા દેશોને સાધ્યા છે, તેમાં ટાપુ દેશ માલદિવ્ઝનું પણ નામ આવે છે, માલદિવ્ઝમાં જ્યારે કોઈ કટોકટી ઊભી થઈ છે, ત્યારે તેમાં મધ્યસ્થતા કરવાનો ભારતે અધિકાર માન્યો છે. આ અધિકારના ભાગરૂપે જ જ્યારે માલદિવ્ઝને તાબામાં લેવા અર્થે શ્રીલંકાના તમિલ વ્યાઘ્રો માલદિવ્ઝમાં ઊતર્યા હતા, ત્યારે માલદિવ્ઝને તમિલ વ્યાઘ્રોથી છોડાવવાની જવાબદારી ભારત પર આવી પડી હતી.
ભારતે તે અર્થે ‘ઑપરેશન કેક્ટસ’ લૉન્ચ કરીને માલદિવ્ઝને તે જોખમમાંથી મુક્ત કર્યું હતું, ત્યાર બાદ માલદિવ્ઝમાં પીવાના પાણીની સમસ્યા નિર્માઈ હતી, ત્યારે અને પૂર્વ પ્રેસિડેન્ટ નશીદની ધરપકડ થઈ હતી ત્યારે પણ ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૬માં તો ભારતે માલદિવ્ઝને ઝડપથી હુમલો કરતું જહાજ ભેટમાં આપ્યું હતું. માલદિવ્ઝનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે થઈ શકે છે, તેને અનુલક્ષીને ભારતે ૨૦૦૯માં માલદિવ્ઝ સાથે સમજૂતી કરી હતી. આ સમજૂતી મુજબ માલદિવ્ઝની સર્વેલન્સ ક્ષમતા વધારવા અર્થે ભારતનાં બે હૅલિકૉપ્ટર કાયમી રીતે માલદિવ્ઝમાં રહેશે. માલદિવ્ઝના દરિયાઈ કિનારા પર સુરક્ષાની જવાબદારી પણ ભારત નિભાવી રહ્યું છે અને સર્વેલન્સ ઉપરાંત સુરક્ષા સંબંધિત અન્ય બાબતોમાં પણ માલદિવ્ઝ સૈન્યને ભારતની મદદ મળતી રહે છે. આમ જોઈએ તો પૂરું માલદિવ્ઝ ભારતીય મિલિટરી બેઝનું થાણું છે, તેમ કહી શકાય.
૨૦૦૯માં એવા ન્યૂઝ આવ્યા હતા કે નેપાળની સરકાર ‘ઇન્ડિયન ઍરફૉર્સ’ માટે સુરખેટ ક્ષેત્રમાં એક ઍર સ્ટ્રીપ નિર્માણ કરવા દેશે. જિયોગ્રાફી રીતે નેપાળનું સ્થાન પણ અગત્યનું છે, જેના કારણે નેપાળ સાથે મળીને કામ કરવા માટે હંમેશાં તૈયારી દર્શાવી છે. જોકે નેપાળમાં આવેલા ભૂકંપ વખતે ભારતની હીરોગીરીથી નેપાળનું તંત્ર અને પ્રજા નારાજ થયા હતા અને ભારતને પોતાની ભૂમિકા મર્યાદિત કરવી પડી હતી. આફ્રિકાના દક્ષિણ પૂર્વીય ક્ષેત્રમાં આવેલા મોટા દરિયાઈ ટાપુ મડાગાસ્કરમાં પણ ભારતે સંધિ કરીને રડાર અને સર્વેલન્સ ગોઠવી કાઢ્યાં છે. આ મૉનિટરિંગ સ્ટેશન સ્થાપીને ભારતે પોતાની સર્વેલન્સ સિસ્ટમને છેક આફ્રિકા સુધી પહોંચાડી છે, એવી જ રીતે પૂર્વીય આફ્રિકાની નજીક સિશલી નામના ટાપુ પર પણ ભારતે પોતાનો મિલિટરી બૅઝ બનાવ્યો છે. ઇન્ડિયન નેવીનું કાયમી થાણું બની ચૂકેલા આ ટાપુને ભારત સરકારે નેવુંના દાયકામાં લીઝ પર લીધો હતો, અને ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાપુની મુલાકાત લઈને ફરી આ કરારને આગળ વધાર્યો છે. અરબ દેશોમાં ઓમાન અને કતારમાં પણ ભારતની સૈન્યપ્રવૃત્તિ કોઈ ને કોઈ રીતે આગળ વધતી રહે છે, જ્યાં ભારતીય સૈન્યની ઉપસ્થિતિ સમયાંતરે જોવા મળે છે. ભારત અત્યારે જે પ્રકારે વિદેશની ધરતી પર પોતાની સૈન્ય ગતિવિધિ આગળ વધારી રહ્યું છે તે પરથી એવું અનુમાન લગાવી શકાય કે સુપર પાવર થવા ભારતની મથામણ જોરમાં છે.
* * *
(સાભાર : ગુજરાત મિત્ર)