ઈનૉવેશનનું ઇન્દ્રલોક કૅલિફૉર્નિયા

    ૦૭-જુલાઇ-૨૦૧૭

લેખકના અમેરિકી પ્રવાસની યાદગાર પળો...

અમેરિકાની મારી યાત્રા હવે નવા પડાવ પર છે, અદ્ભુત રસ નહીં, પણ આપણી જિજ્ઞાસાને ઝંઝોળે એવો આ તબક્કો છે. હું કૅલિફૉર્નિયાની સિલિકોન વેલીમાં છું. અહીં કોઈ મહાકાય મહાલયો નથી, પરંતુ અહીં સ્થૂળ કરતાં સૂક્ષ્મનો મહિમા છે. અહીં પેસિફિકની લહેરોનું સંગીત છે. આ સાનફ્રાન્સિસ્કોનો બે-એરિયા છે, અહીં ખાડીને ખેડિયો ગણીને સરસ્વતી બેઠા હોય તેવું જણાય છે. ગૂગલની મુખ્ય ઑફિસ અહીં છે. ઍપલનો સૂર્ય અહીં તપે છે. અહીં ફૅસબૂકનું ફળિયું છે, અહીં ઈ-બે ને સિસ્કો ને ટેસ્લાની ક્રિયેટિવ ટીમનો કમાલ છે. આ ઈનૉવેશનનું ઇન્દ્રલોક છે. અહીં ગુજરાતીઓનો દબદબો છે. એમનો પ્રભાવ અને પ્રતાપ જોઈને આજે તો મનમાં જ એક મહાસાગર લહેરાવા લાગ્યો છે. પક્ષીઓના કલશોર વચ્ચે, ફૂલોની રંગદાની વચ્ચે, પર્વતમાળાઓમાં પરોવાયેલી કવિતા વચ્ચે હું એક મહાકાવ્યની અનુભૂતિ કરી રહ્યો છું. દરિયાના પાણીમાંથી ઊઠતા સ્વરો એક શાસ્ત્રીય સંગીત સમારોહની સુગંધમાં મને જગાડે છે. જગતના મસ્તિષ્ક જેવા આ ભૂભાગમાં વહેતી હવા ફેફસાંમાં ગોઠવાઈ રહી છે. કૃષ્ણની વાંસળીમાંથી બનાવેલી આ વેલી મને મનુષ્ય તરીકે એક ધન્યતાનો અનુભવ કરાવી રહી છે.
ઍપલમાં સિનિયર ડિરેક્ટર તરીકે કામ કરતી મનીષા પંડ્યાની ક્રિયેટિવિટીનો કરિશ્મા જોવા મળ્યો. એક સદાબહાર શિક્ષક અને સાહિત્યકાર ડૉ. પ્રતાપભાઈની દીકરી છે એ જાણે એક શિક્ષકની નિષ્ઠાનું ભાષાંતર હોય એવું લાગે. આ વેલીમાં ગુજરાતી ભાષાની એક નહીં પણ ત્રણ-ચાર વેલી ઊગી છે, જાણે સાહિત્યનો લતામંડપ ખીલ્યો છે. ‘બેઠક’ એક અદ્ભુત સંસ્થા છે, ગ્રંથગોષ્ઠીમાં બધા ભેગા મળીને પુસ્તક-ચર્ચા કરે છે, ‘ડગલો’માં ગુજરાતી રંગભૂમિને જીવતી કરાય છે. સિનિયર્સ સાથે યુવાનો જોડાય છે. ‘બેઠક’ની સભામાં મનીષા, ખ્યાતિ અને પ્રજ્ઞાબહેન દાદભાવાળાનાં પ્રવચનોએ ગુજરાતને જીવતું કર્યું. પ્રતાપભાઈ સતત અહીં ગુજરાતી ભાષા જીવતી રહે એ માટે સક્રિય છે. આનલ અચલ અંજારિયાનું સુગમ અને શાસ્ત્રીય સંગીત તમને ભારતમાં હો તેવો સ્વરસંબંધ બાંધી આપે છે. ‘બેઠક’માં શ્રીકૃષ્ણ વિશે પ્રવચન આપવાની અનોખી મઝા આવી તો બીજે દિવસે ગ્રંથગોષ્ઠીમાં સર્જનયાત્રાના પડાવોની વાત કરી.
બે-એરિયામાં નાનાં ઉપનગરો છે, સારાગોટામાં પ્રતાપભાઈ અને મનીષા છે. સારાટોગા એ જાણે ફૂલવાડી છે, મોટાં મોટાં લીંબુ અને સંતરાં જોવા મળે. સવારે બગીચામાં ફૂલોની સભા ચાલે. સાજિંદા તરીકે પૅસેફિકનો પવન ખડે પગે ઊભો જ હોય. તબલચીની અદાથી બેઠેલી નાની ટેકરીઓનું નિર્દોષ સ્મિત જોવા જેવું, પાછળ દાદા જેવા સૂર્યદાદા. ક્યારેક બપોરે ગુસ્સો કરે, પણ એમની અહીં ઊંઘ ઓછી એટલે ક્યારે રાત્રે નવ-સાડાનવ સુધી અજવાળું અજવાળું. ક્યારેક બપોરે તડકો મહેસાણાનો, તો ક્યારેક સવાર ગાંધીનગરની અને સાંજે ઠંડો પવન ન્યૂ યૉર્કનો એવી અજબગજબની ઋતુ ચાલે છે આ બે-એરિયામાં. મેં તો ઝુલણા છંદમાં ‘સીલી કોણ ?’ એવી પ્રશ્ર્નપંક્તિ સાથે કવિતા લખી છે.
એક જોરદાર મહેસાણાનો માણસ અહીં ‘સુજ્જુ’સ કૉફી’ એવું કૉફીહાઉસ ચલાવે છે. આ માણસ છે, મહેશ પટેલ. આપણા કડીના જનસંઘ સમયના ધારાસભ્ય પ્રહ્લાદભાઈ ભગતના પુત્રરત્ન. અહીં ફૅસબૂક અને ગૂગલ અને એપલના ખેરખાંઓ કલાકો સુધી કૉફીના કપ સાથે બેસે અને મહેશ અને એમના કર્મચારીઓ એમની અદ્ભુત સેવા કરે. ચાળીસ પ્રકારની કૉફી મળે છે અહીં...
આ ખાડી એ જાદુનો કિલ્લો છે. અહીં ભાષા આંગળી જાય એવી રીતે ઈનૉવેશનનો પવન વહે છે. યુવાનોની પ્રજ્ઞા અને વૃદ્ધોનું ડહાપણ મળતું હોય તેવું આ પ્રયાગ છે. અદ્ભુત યુનિવર્સિટી છે બર્કલીની. હું ત્યાં સંસ્કૃતના પ્રાધ્યાપક ડૉ. ગૉલ્ડમેનને મળું છું, જાણે એક ઋષિને મળતા હોઈએ તેવું લાગે. સંસ્કૃતમાં વાતચીત કરવાની એમની તાલાવેલી, ઊંડા અભ્યાસને લીધે નિર્મળ બનેલી આંખો અને ભારતીયતાથી છલકતો ઉમળકાભર્યો આવકાર. બર્કલીના આ ઋષિને મળવા અમે ગુજરાતી ભાષાના જાણીતા કવિ બાબુ સુથાર અને મહેન્દ્રભાઈ મહેતા સાથે ગયા. વિદેશી યુનિવર્સિટીના એક વિદ્વાને વાલ્મીકિ રામાયણ ઉપર આઠ ગ્રંથો લખ્યા હોય એ વાત જ તમને અભિભૂત કરી મૂકે. સાનફ્રાન્સિસ્કોનું વિહંગાવલોકન કરવા જ્યારે હૅલિકૉપ્ટરમાં ચક્કર લગાવ્યા ત્યારે પુષ્પક વિમાનમાં બેઠેલા રામ દૂર નહોતા લાગતા. પૃથ્વીના આ છેડે આજે હું ઈનૉવેશનના ઇન્દ્રલોકને અભ્યાસી રહ્યો છું તેની ઝેરોક્ષ નકલ બનાવવા મથી રહ્યો છું ત્યાં જ પૅસિફિકનો પવન મને દૂર દૂર કો’ક શબ્દાતીત પ્રદેશમાં લઈ જાય છે.
0 0 0
સાભાર : ફૂલછાબ)