જમ્મુ-કાશ્મીર મહાભારત કાળથી જ ભારતનો ભાગ છે

    ૦૭-જુલાઇ-૨૦૧૭

મહારાજા હરિ સિંહ પર પુસ્તક લોકાર્પણ તથા જમ્મુ-કાશ્મીર વિષય પર વ્યાખ્યાન માળા

તા. ૩ જુલાઈ, ૨૦૧૭ના રોજ કર્ણાવતી ખાતે જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, ગુજરાત દ્વારા આયોજીત પુસ્તક વિમોચન તથા જમ્મુ કાશ્મીર વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશ - કેન્દ્રીય વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિશ્રી ડૉ. કુલદીપચંદ્ર અગ્નિહોત્રી દ્વારા લીખીત પુસ્તક ‘જમ્મુ-કાશ્મીર કે જનકનાયક મહારાજા હરિ સિંહ’નું લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, દિલ્હીના નિયામક શ્રી આશુતોષ ભટનાગર પધાર્યા હતા. તેઓશ્રીએ ‘જમ્મુ કાશ્મીર - તથ્ય, સમસ્યા અને સમાધાન’ વિષય પર પોતાનું મનનીય વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું.
અસલી સમસ્યા જમ્મુ-કાશ્મીર નહીં ત્યાંનો અલગાવવાદ છે : આશુતોષ ભટનાગર
શ્રી આશુતોષ ભટનાગરે જમ્મુ-કાશ્મીર તથ્ય અને સમાધાન પર વક્તવ્ય આપતા જણાવ્યુ હતું કે, ‘જમ્મુ-કાશ્મીરનું સૌથી મોટું તથ્ય એ છે કે, જમ્મુ-કાશ્મીર એ કોઈ સમસ્યા જ નથી. સમસ્યા - આતંકવાદ અને અલગાવવાદ છે. આપણે એ સમસ્યાના મૂળમાં જવાની જરૂર છે. પંડિત નહેરુએ સમગ્ર વિવાદમાં અબ્દુલ્લાને જ મહત્ત્વ આપીને સમસ્યા ઊભી કરી હતી. શેખ અબ્દુલ્લાએ પોતાના લોહીના છેલ્લા ટીપા સુધી ભારતમાં જવાની વાત કરી હતી. ત્યારે જ બક્ષી ગુલામ મહંમદે કહ્યું હતું કે, હું તમારી સાથે છું, પરંતુ ભવિષ્યમાં તમે તમારી વાતથી ફરી જશો તો હું તમારી સાથે નહીં રહું. શંકા પ્રમાણે શેખ અબ્દુલ્લા બદલાઈ ગયા અને પાકિસ્તાન તરફી ગાણુ ગાવા લાગ્યા ત્યારે બક્ષી ગુલામ મહંમદ પોતે ભારત સાથે છે તે વાત પર અડગ રહ્યાં હતા. બક્ષી ગુલામ મહંમદે કરેલા જમ્મુ-કાશ્મીરને મુખ્યધારામાં લાવવાના પ્રયત્નોને આપણે ભૂલાવી દીધા છે, તે જ જમ્મુ-કાશ્મીરની મુખ્ય સમસ્યા છે. સીક્યુરીટી કાઉન્સિલે જમ્મુ-કાશ્મીરની સમસ્યાને જાણવા માટે ડોક્ટર ગ્રેહામને અહેવાલ તૈયાર કરવા ભારત મોકલ્યા અને તેઓ દ્વારા જમ્મુ-કાશ્મીર સમસ્યાને લઈને તદ્દન ઉપજાવી કાઢેલ અહેવાલ રજુ કરવામાં આવ્યો. એ અહેવાલે આખી સમસ્યાને વધારે ગૂંચવણભરી બનાવી. દુર્ભાગ્યે ભારતના બુધ્ધિજીવી વર્ગે પણ ગ્રેહામના અહેવાલને જ પાયો બનાવીને જમ્મુ-કાશ્મીરની સમસ્યાને મૂલવી છે.
સોવિયેત સંગઠનના પ્રધાનમંત્રી કુશ્ર્ચેવે તેમના અહેવાલ બાદ તરત જ ભારત આવવાની જાહેરાત કરી અને સીધા કાશ્મીર પહોંચી ગયા. તેમનો સંદેશો સ્પષ્ટ હતો કે ભારત એટલે કાશ્મીર અને કાશ્મીર એટલે ભારત. તેઓએ કાશ્મીરમાં જઈ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરની જનતાએ પોતાનું ભવિષ્ય નક્કી કરી દીધું છે. તે ભવિષ્ય છે ભારતમાં જોડાવાનું. આ વાત તેઓશ્રીએ દિલ્હી અને સોવિયેત સંઘની રાજધાની મોસ્કોમાં પણ પુનરાવર્તિત કરી હતી. કમભાગ્યે આપણે ડૉ. ગ્રેહામને યાદ રાખ્યા અને કુશ્ર્ચૈને ભૂલી ગયા.
કાશ્મીર મહાભારત કાળથી ભારતનો ભાગ છે : ડૉ. કુલદીપચંદ્ર અગ્નિહોત્રી
આ પ્રસંગે ડૉ. કુલદીપચંદ્ર યાજ્ઞિકે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની જે સમસ્યા છે તે માત્રને માત્ર તત્કાલીન મહારાજની સ્વતંત્ર રહેવાની જીદને ગણવામાં આવે છે, અને તે મુજબ જ લખાય છે. પરંતુ હકીકત એ છે કે કાશ્મીરનો ઉલ્લેખ છેક મહાભારત કાળમાં પણ થયેલો છે અને તે ભારતનો એક ભાગ છે. ગુજરાતનું કાઠિયાવાડ, મધ્યપ્રદેશનું ગ્વાલિયર પણ ભારતમાં સામેલ થયું તેવું તો કોઈ કહેતું નથી. તો પછી જમ્મુ-કાશ્મીરને લઈને કેમ વિવાદ ચગાવાય છે ? મહારાજા ભારતમાં સામેલ થાત કે ન થાત તો પણ જમ્મુ-કાશ્મીર ભારતનું જ હતું, આ વાત મારા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માટે લોર્ડ માઉન્ટ બેટને ધાક-ધમકીઓ આપી હતી. તેમ છતાં મહારાજા તાબે ન થયા હતા. આ વાત ખુદ માઉન્ટ બેટને અનેક વખત સ્વીકારી છે. તેઓએ પોતાના મૃત્યુ પહેલાના વર્ષોમાં પણ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ભેળવાશે તો જ પાકિસ્તાન ટકી શકશે નહી તો પાકિસ્તાન ગમે ત્યારે પડી ભાંગશે. આ પ્રકારના અનેક અજાણ્યા અને રહસ્યમય તથ્યો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
પુસ્તક થકી લેખકે દેશ તથા જમ્મુ-કાશ્મીરની સેવા કરી છે : ઓ. પી. કોહલી
જમ્મુ-કાશ્મીરના સદ્ગત મહારાજા ડોગરા રાજપૂત વંશના છેલ્લા રાજા હતા. પંડિત નહેરુજી અને શેખ અબ્દુલ્લાએ જે રીતે મહારાજા હરિસિંહજીને ખોટી રીતે ચિતર્યા છે તેના બદલે મહારાજા હરિ સિંહજી કોઈપણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર રીયાસતને પાકિસ્તાનમાં ભેળવવાના વિરોધી હતા. હકીકતમાં જ્યારે પાકિસ્તાને કાશ્મીર હડપવા આક્રમણ કર્યું ત્યારે મહારાજા હરિ સિંહજીએ તત્કાલ વિલીનીકરણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરીને જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવાની ઐતિહાસિક ઘોષણા કરી હતી. પરંતુ આવી જ કટોકટીની પરિસ્થિતિમાં પણ જ્યારે પાકિસ્તાનું લશ્કર શ્રીનગરથી માત્ર ૪૦ કિ.મી. દૂર હતુ ત્યારે પણ પંડિત નહેરુજીએ એવો દુરાગ્રહ સેવેલો કે ભારતીય સંઘમાં એક જ શરતે જોડીશું, જો મહારાજા શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના વડા જાહેર કરે. આ ઇતિહાસની વિડંબણા છે. જેને પુસ્તકમાં દૂર કરવાનો પ્રયાસ થયો છે. આ પુસ્તક દ્વારા લેખક ડૉ. કુલદીપચંદ્ર અગ્નિહોત્રીએ દેશની અને જમ્મુ-કાશ્મીર રાજ્યની સેવા કરી છે.