સૌ સાથે મળીને ૩૦મી જૂનની ‘મધરાત’નું સપનું સાકાર કરીએ

    ૦૭-જુલાઇ-૨૦૧૭

૩૦મી જૂનની મધ્યરાત્રીએ બાર વાગે દિલ્હી ખાતે પાર્લામેન્ટ સેન્ટ્રલ હૉલમાં GSTનું ઐતિહાસિક ઉદ્ઘાટન કર્યું. કેટલાંક વિપક્ષો આકાશનાં તારાઓ ગણતા બેસી રહ્યાં. એ તારાઓ ગણવામાં વજૂદ કંઈ નહીં. નવા ટેક્સ માળખામાં ઊઘરાણીની રકમ આકાશના તારાઓ ગણવા જેટલી જ કપરી, "ગણ્યા ગણાય નહીં, વિણ્યા વિણાય નહીં, તોય મારી છાબડીમાં માય નહીં બની રહેશે. અન્ય કોઈ નિષ્ક્રીયતાઓની વાત ન છેડીએ તો પણ પૂર્વ વડાપ્રધાન તરીકે શ્રી મનમોહનસીંગની આ કાર્યક્રમમાં હાજરી તેમના માટે ગૌરવપ્રદ હોઈ શકત. દાયકાઓ સુધી કૉંગ્રેસમૅન જ હતા રાષ્ટ્રપતી પ્રણવદા. તેમનું માન પણ કૉંગ્રેસ ન જાળવે ?

નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે GSTનાં અમલથી ટેક્સની આવક વધશે. જે લોકો ટેક્સ નહોતા ચૂકવતા તેઓ પણ તેનાં માળખામાં સમાઈ જશે. અનેક રાજકીય પાર્ટીઓએ આના પર દહેશત વ્યક્ત કરી છે, પરંતુ કેટલાં વધારે યુનિટ્સને GST અંતર્ગત સાંકળી શકાય તેવો વિચાર કરવો જોઈએ. આ ઐતિહાસિક પગલાનું શ્રેય બધાએ લેવું જોઈએ. પ્રધાનમંત્રીએ પણ ખેલદિલીપૂર્વક આ જ કહ્યું છે. રાજ્યસભા અને લોકસભાએ પસાર કરેલા આ કાયદાને કેટલીક વિપક્ષની સરકારોએ પણ સ્વીકાર્યો છે. GSTનું માળખુ સુગ્રથિત, સુવ્યવસ્થિત અને સુઆયોજિત હોઈ અન્ય વિરોધીઓ કે વિપક્ષો કોઈ અવ્યવસ્થા ફેલાવી નહીં શકે, જેમ કે ચૂંટણી ફંડની ગણતરીમાં ફેલાવે છે. ખોટા મંતવ્યો આપી લોકોને ભડકાવવા એ લોકશાહીનો દ્રોહ છે.
દુનિયાનાં અનેક દેશોમાં GST છે. અનુભવો પણ સારા રહ્યાં છે. ઑસ્ટ્રેલિયા, કૅનેડા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ચીન, ન્યૂઝિલૅન્ડ જેવા ૧૦૦થી પણ વધુ દેશોમાં GST લાગુ છે. નિષ્ણાતો કહે છે કે ચીનનાં વિકાસમાં GSTનો ફાળોયે ઘણો મોટો. ન્યૂઝિલૅન્ડમાં પણ GST અત્યંત ફાયદાકારક રહી છે. કૅનેડાનું GST મૉડેલ ઉત્તમ છે, પણ આમાંનાં મોટા ભાગનાં દેશોનો GST દર નીચો છે.
કેન્દ્ર સરકારે તેવી બાંહેધરી પણ આપી છે કે જો GSTથી કોઈ રાજ્યને નુકસાન જશે તો કેન્દ્ર સરકાર જ તેની ભરપાઈ કરશે તે આવકાર્ય છે.
લોકશાહીમાં કોઈ પણ કાયદાનાં અમલીકરણમાં બે પાસાઓ હોય છે. કોઈ કહે છે સરળ, કોઈ કહે મુશ્કેલ, કોઈ કહે આવક વધે, કોઈ કહે ઘટે. કોઈ કહે વસ્તુ સસ્તી થશે તો કોઈ કહે મોંઘી. વિપક્ષ કહે દંડારાજ તીવ્ર બનશે, સરકાર કહે દંડારાજની નાબૂદી થશે. ચોરી વધશે, તો કોઈ કહે ઘટશે. વિપક્ષો કહે તેમનાં તરફ ઓરમાયું વર્તન થશે તો સરકાર કહે છે અમે વિપક્ષોની રાજ્ય સરકારોને મદદ કરીશું. આ બધું માનસિક છે. અભ્યાસ પછીની વાસ્તવિકતા જુદી જ હોય. ક્યાંક મતદારોને ડરાવવાનું ત્રાગુ પણ હોઈ શકે. આ બધાથી ઉપર ઊઠીને સૌએ GSTનો સુવ્યવસ્થિત, વાજબી અમલ કરવો જરૂરી.
એસોચેમના મતે GSTનાં અમલીકરણ માટે ભારતની ઈન્ડસ્ટ્રીઝને વધારે સમય મળવાની જરૂર હતી. CII કહે છે કે, ‘GSTનાં દર ફુગાવાત્મક નથી, તેની ખાતરી કરવી જોઈએ.’ તો નારાયણ મૂર્તિના મત મુજબ "GST વિશે વિદેશી નિવેશકો શું કહે છે તેની ચિંતા ન કરવી, કારણ કે આ વ્યવસ્થા નિર્વિઘ્ને કામ કરવા માંડશે પછી તેમની ધારણા બદલાઈ જશે.
આજનો યુગ ડિઝિટલ યુગ છે. કોઈ પણ પ્રકારના પરિવર્તનો દેશમાં લાવવામાં આવે ત્યારે સરકાર દ્વારા પૂરતી માહિતી, સેમિનાર, અભ્યાસવર્ગ, ઠેર-ઠેર નાગરિકોની સમજ માટેનાં અભિયાનો જરૂરી છે. નાગરિકોની સરળતા અને મદદ માટે આ ચીજોને પ્રાધાન્ય હોવું ઘટે. દા. ત. આપણે કોઈને દવા આપીએ અને કહીએ, ‘સાજા થઈ જશો’ એટલું પૂરતું નથી. એ દવા કયા ટાઈમે, કેવી રીતે લેવી ? તે કહેવું, સમજાવવું પણ એટલું જ આવશ્યક છે. તો જ દર્દી તે સ્વીકારે અને સાજો થાય. GST આ કડવી દવા છે અને સરકાર ડૉક્ટર ! GST બાબતે સરકારે કાશ્મીર મુદ્દે પણ સારા ડૉક્ટર સાબિત થવું રહ્યું, અલબત્ત ૩૭૦ નડી રહી છે.
GST - કાઉન્સિલે હવે એવા રચનાત્મક નિર્ણયો કરવા પડશે, જેનાથી ગ્રાહકો, વેપારીઓ સાથે સમગ્ર રાજ્યને સરળતા બની રહે. ટેક્ષટાઈલ ઉદ્યોગનાં પ્રશ્ર્નોનું નિરાકરણ પણ કરવું પડશે અને કન્સ્ટ્રક્શન બિઝનેસની બાબતો પર વિશેષ ધ્યાન આપી ઘર મોંઘા ન બને તેની કાળજી લેવી પડશે. ખેડૂતોનાં ફર્ટિલાઈઝર તથા પેસ્ટીસાઈડ-ઈન્સેક્ટીસાઈડ વગેરે પર જે ટેક્સ છે તે લગભગ શૂન્ય કરવો રહ્યો. સહકારી સંસ્થાઓ દ્વારા ખાદીના રેડિમેઈડ ગાર્મેન્ટ પર મોટા ટેક્સ ન હોય તે પણ એક વિશેષ જવાબદારી.
જો રામરોટી પર ટેક્સ ના હોય તો કોઈ સારી જગાએ બેસીને જમવા પર ૧૮ ટકાના વધારાના ભારણથી ખાનારાઓનો સ્વાદ કે ઓડકાર સૂકાઈ કે ચૂકાઈ ના જાય તેવા ટેક્સ હોવા જોઈએ. વપરાશની હજારો ચીજ-વસ્તુઓ પરની ટેક્સ ટકાવારી પર પૂરતું ધ્યાન જરૂરી, કારણ કે તેમાંની મોટાભાગની ચીજવસ્તુઓ સામાન્યજનને સ્પર્શે છે અને ભારતના મોટાભાગનાં નાગરિકો સામાન્ય છે. મોંઘું કાપડ, મોંઘા ઘર અને મોંઘુ ભોજન આ ત્રણ સપાટી પરનાં પ્રશ્ર્નો છે. એટલે કે સામાન્ય માણસની સૌથી પ્રાથમિક જરૂરિયાતો "રોટી, કપડાં અને મકાન પર વધારે ટેક્સ ન થાય અને સામાન્ય માણસનું જીવન દુષ્કર ન બને તે આવશ્યક છે. એક રાષ્ટ્ર, એક બજાર અને એક કર એ દેશ માટે આવશ્યક છે. સરકાર અને પ્રજાનાં સહિયારા પ્રયત્નો થશે તો ૩૦મી જૂનની "મધરાતનું સપનું સાકાર થશે.