હૈયું ખોલીને ચાલો રડીએ

    ૦૭-જુલાઇ-૨૦૧૭

આઠથી દસ દરમ્યાન સુરતમાં ખાસ રડવા માટેનું એક વિશિષ્ટ આયોજન થયું હતું. દેશની પહેલી હેલ્ધી ક્રાઈંગ કલબ દ્વારા લોકોના મનમાં રહેલાં દુ:ખ, પીડા, અજંપાને આંસુઓ દ્વારા બહાર કાઢીને તેમનામાં હળવાશ ભરવાનું આ યુનિક આયોજન સુરતમાં યોજાયું હતું, જેને સુરતવાસીઓએ બે હાથે વધાવ્યું હતું અને પહેલા જ પ્રયાસમાં સો જેટલા લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમના સૂત્રધારો પૈકી એક એવા જાણીતા સાઈકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી વધુ વિગતો આપતાં કહે છે, ‘અમે ધારતા હતા એના કરતાં વધુ લોકોએ આ પ્રયાસને ગંભીરતાથી લીધો છે. અમે શ્યોર નહોતા કે ખરેખર લોકો સામે ચાલીને પોતાના મનમાં ધરબાયેલી દુ:ખભરી યાદોને શેર કરવા માટે રાજી થશે કે નહીં, પરંતુ ખરેખર લોકોએ પોતાની વાતો શેર પણ કરી અને બીજાની વાતો સાથે સંકળાયેલી પોતાની યાદોને જોડીને આંસુઓની ધારાથી જાતને ભીંજવી હતી. લોકો માટે જ નહીં, મને પોતાને મારી જાત માટે પણ આશ્ર્ચર્ય થયું હતુ. મેં પણ મારા મનની આવી જ એક બાળપણની યાદ શેર કરી ત્યારે આંસુઓને અટકાવી ન શક્યો અને રડી પડ્યો હતો. મારી જેમ જ અમારા ગ્રુપના અને સુરતના માનનીય ચાઈલ્ડ-સ્પેશ્યાલિસ્ટ ડૉ. નિર્મલ ચોરારિયાએ પણ લોકો સમક્ષ પોતાના પિતાના નિધનની ઘટનાનું વર્ણન કર્યું ત્યારે તેઓ ચોધાર આંસુએ રડ્યા હતા.’
માણસ હસવાની બાબતમાં હજી પણ કૃત્રિમ થઈ શકે છે, બલ્કે હાસ્ય હવે વધુ ને વધુ કૃત્રિમ થતું જાય છે, પરંતુ આંસુ અને રુદન કૃત્રિમતા ત્યજો તો જ આવે. આંસુઓ તમારી સંવેદનશીલતાને જગાવવાનું કામ કરે છે. તમને તમારી સાચી જાત સાથે પરિચિત કરાવવાનો પાવર આંસુમાં છે. આ જ પાવરનો અનુભવ રવિવારે સુરતવાસીઓએ કર્યો હતો. મુકુલભાઈ કહે છે કે, ‘રડવું અઘરું નથી, પરંતુ માણસ જેમ મોટો થતો જાય અને જેમ જેમ તેના શિરે જવાબદારીઓ વધતી જાય એમ એમ તે પોતાની સંવેદનશીલતા પાછળ ઠેલતો જાય છે. એક ડૉકટર તરીકે મેં પણ આ અનુભવ્યું છે. હું મારાં પેરેન્ટ્સની ખૂબ જ નજીક હતો, તેમના માટે પારાવાર લાગણી હતી, પરંતુ તેઓ મારાથી દૂર ગયાં ત્યારે હું પૂરેપૂરું રડી નહોતો શક્યો. એ રડવું જરૂરી હોય એવું મને લાગ્યું જ નહોતું. આપણને બધાને આપણાં આંસુઓ પી જવાની અને મજબૂત દેખાવાની આદત પડતી જાય છે એ આદત છોડવાનો આ સમય છે. તમે સહજ થઈ જશો એટલે આપમેળે જ હળવા થઈ જશો એ વાત રવિવારે અમને પ્રત્યક્ષ સમજાઈ છે. ત્યાં હાજર રહેલા ઘણા લોકોએ કાર્યક્રમ પત્યા પછી કહ્યું હતુ કે રડી લીધા પછી તેમને મનમાંથી થોડોક ભાર ઓછો થઈ ગયો હોય એવું લાગે છે. આગામી કાર્યક્રમમાં પોતાના નજીકના બીજા સ્વજનોને પણ લઈ આવવાની તૈયારી તેમણે દેખાડી. અમારી દૃષ્ટિએ આ જ અમારા કાર્યક્રમની ફળશ્રુતિ છે.’
અહીં ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના વ્યવસ્થાપન અને મહેમાનો માટે ચા-પાણી પૂરી પાડનારા એક ચાવાળાએ પણ ગેટની બહાર ઊભા ઊભા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેને પણ લોકોના પ્રસંગો એટલા સ્પર્શી ગયા હતા કે તે પણ રડ્યો હતો અને તેને પોતાના જીવનનો એક સૌથી દુ:ખદ પ્રસંગ શેર કરવાનું મન થઈ આવ્યું હતું. બધા જ એક‚પ થઈ જાય, એકતાર થઈ જાય અને કોઈપણ ઔપચારિક સંબંધ ન હોવા છતાં જોડાઈ જાય એ તાકાત આંસુઓમાં જ હોઈ શકે.
હેલ્ધી ક્રાઈંગ ક્લબનું સ્લોગન છે ‘ફ્રોમ ટિયર્સ ટુ ચિયર્સ’ અને દર મહિનાના છેલ્લા રવિવારે આ ક્લબ લોકોને તેમના છૂપા રુદનને જાહેરમાં ખભો આપીને સાંત્વનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવાની છે.