દેશભક્તિ

    ૦૭-જુલાઇ-૨૦૧૭


અમેરિકામાં વેદાંતનો પ્રચાર કરી ભારત આવતા પહેલાં સ્વામી રામતીર્થ જાપાન ગયા, જ્યાં તેમને એક શાળામાં આમંત્રવામાં આવ્યા. શાળામાં એક વિદ્યાર્થીને સ્વામીજીએ પૂછ્યું, ‘બેટા, તારો ધર્મ કયો ?’ બાળકે જવાબ આપ્યો ‘બૌદ્ધ’. સ્વામીજીએ ફરી પૂછ્યું, ‘બુદ્ધને લઈને તું શું વિચારે છે ?’ તેણે કહ્યું, ‘બુદ્ધ તો ભગવાન છે.’ ‘તું કન્ફ્‌યુશિયસને જાણે છે ?’ સ્વામીજીએ પ્રશ્ર્ન કર્યો. હા, તે અમારા મહાન સંત છે.’ બાળકે જવાબ આપ્યો. સ્વામી રામતીર્થને પેલા બાળકમાં વધારે રસ પડ્યો. તેઓએ તેને પૂછ્યું, ‘જો કોઈ દેશ જાપાનને જીતવા માટે જાપાન પર ચડાઈ કરી દે અને તેના સેનાપતિ ભગવાન બુદ્ધ કે કન્ફ્‌યુશિયસ હોય તો ?’ આ સાંભળતાં જ પેલા બાળકનો ચહેરો તમતમી ઊઠ્યો અને કહ્યું કે હું મારા દેશની રક્ષા માટે ભગવાન બુદ્ધ અને કન્ફ્‌યુશિયસ સામે પણ હથિયાર ઉઠાવતાં નહીં અચકાઉં. વિદ્યાર્થીનો જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ગદગદ થઈ ગયા અને તેમના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડ્યા. ‘જે દેશનાં બાળકો આવાં દેશભક્ત હોય એ દેશ ક્યારેય પણ કોઈનો ગુલામ ન બની શકે.’