પર્યાવરણની જાળવણી માટે ઑક્સિજન કૉર્નરનો આઈડિયા કેટલો કારગત ?

    ૦૭-જુલાઇ-૨૦૧૭


પ્રદૂષણથી દેશમાં લાખ્ખો લોકો મૃત્યુ પામે છે ત્યારે...

જૂન મહિનામાં બે મોટા દિવસ આવ્યા અને દુનિયાભરના લોકોએ તેની ભવ્ય ઉજવણીઓ કરી. ૫મી જૂને વિશ્ર્વ પર્યાવરણ દિવસ અને ૨૧મી જૂને વિશ્ર્વ યોગ દિવસને દુનિયાભરના લોકોને મનાવ્યો. જેમ યોગ એક દિવસ માટે નથી તેમ પર્યાવરણ બચાવવાનું કાર્ય પણ એક દિવસ પૂરતું સીમિત નથી. પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માત્રથી પ્રદૂષણના ગંભીર પ્રશ્ર્નનું નિરાકરણ આવી શકે તેમ નથી. આ જ રીતે એક દિવસ યોગ કરવા માત્રથી અસાધ્ય રોગોને ચપટી મારતાં ભગાવી શકાય તેમ નથી.
આજે આપણે આ માધ્યમથી પ્રદૂષણના પ્રશ્ર્નની ચર્ચા કરવી છે. પ્રદૂષણનો અતિ ગંભીર પ્રશ્ર્ન આપણી સમક્ષ છે જે આતંકવાદ કરતાં પણ ગંભીર કહી શકાય તેમ છે. આપણા દેશમાં વીસ વર્ષમાં આતંકવાદથી ૬૦ હજારથી વધુ લોકો મોતની ભેટ ચઢ્યા છે તો હવાના પ્રદૂષણથી દર વર્ષે દેશમાં લાખો લોકો મૃત્યુ પામે છે. એક અભ્યાસ મુજબ દેશમાં હવાના પ્રદૂષણના કારણે દર વર્ષે ૧૨ લાખ લોકો મોતની ભેટ ચઢે છે. ડિજિટલાઈઝેશનની ચકાચૌંધમાં અતિ ગંભીર પ્રશ્ર્ને આપણે હજુ કોઈ ઠોસ કામ કર્યું નથી. હવાના પ્રદૂષણના કારણે લોકોનો શ્ર્વાસ ‚રૂંધાવા લાગે છે. ફેફસાંની બીમારી, દૂષિત પાણી પીવાથી લોકોમાં પેટ અને કિડનીના રોગો ઘર કરી ગયા છે. પ્રદૂષણના કારણે થતી એલર્જીથી લોકોને ચામડીના ગંભીર રોગ થઈ રહ્યા છે. વિકસિત હોય કે અલ્પવિકસિત તમામ દેશો પ્રદૂષણના પ્રશ્ર્ને ક્લાઈમેટ ચૅન્જના આવરણ હેઠળ આવી ગયા છે. આતંકવાદના ઓથાર હેઠળ સતત જીવતા લોકો પણ પ્રદૂષણનો શિકાર બન્યા છે. દુનિયાભરના દેશો આતંકવાદને નાથવા એક મંચ પર આવવાની તૈયારી દર્શાવે છે, પણ પ્રદૂષણ મુદ્દે એકમત સધાયો નથી, જેનું તાજું ઉદાહરણ પેરિસ સંધી છે.
હમણાં જ દુનિયાભરના દેશો પ્રદૂષણથી ક્લાઈમેટ ચૅન્જ થઈ રહ્યું છે તે વિષય પર ચર્ચા અને સંધી કરવા એકત્ર થયા હતા. એ વાત અલગ છે કે જગતજમાદાર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આ વિષય મુદ્દે વિરોધનું બ્યૂગલ ફૂંકીને દુનિયાભરમાં અળખામણા થયા છે, પણ આપણો મહત્ત્વનો મુદ્દો એ છે કે શું આધુનિકીકરણ અને ઔદ્યોગિકીકરણની લહાયમાં આપણે પ્રદૂષણને ગળે લગાવી રહ્યા છીએ ? આ પ્રશ્ર્નનો જવાબ ચોક્કસ હકારમાં છે, કારણે જે રીતે ઍર પૉલ્યુશન, ધ્વનિ પ્રદૂષણ અને વૉટર પૉલ્યુશન ફેલાવવામાં આપણે જેટ સ્પીડ ધરાવીએ છીએ તે પ્રમાણે પર્યાવરણને બચાવવા માટે કોઈ ધારદાર કાર્ય આપણે કર્યું નથી.
વિકાસનાં અમુક-તમુક પરિમાણો હાંસલ કરવા માટે વહીવટીતંત્ર સૌ પ્રથમ વૃક્ષોની બલિ ચઢાવે છે. લોકો માટે ઉપયોગી એવા રોડ-રસ્તા બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં તંત્રને કોઈ રોકી શકતું નથી. આનાં અનેક તાજાં ઉદાહરણો છે. રાજ્યના સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં વૃક્ષો કાપવા માટે બીજી જગ્યાએ વધુ વૃક્ષો વાવીશું જેવાં જૂઠા વચનો આપીને હયાત વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. માત્ર મોટાં શહેરોના જ આ હાલ નથી, ગામડાંઓમાં પણ આજે આ પરિસ્થિતિ પેદા થવા લાગી છે. ઍક્સપ્રેસ-વૅ કે હાઈવે બનાવવા માટે જમીનો હસ્તગત કરીને લાખોની સંખ્યામાં વૃક્ષો કાપવાનું પાપ તંત્ર પોતાના શિરે ચઢાવે છે.
ડાયમંડ નગરી સુરતમાં બી. આર. ટી. એસ. રૂટ બનાવવા માટે આખાના આખા રોડ પરના બંને બાજુનાં વર્ષો જૂનાં વૃક્ષો રાતો-રાત કાપી નખાયાં હોવાના અનેક દાખલા છે. દિવસે લોકો અને પર્યાવરણપ્રેમી જનતા વિરોધ કરે એટલે રાત્રે ચોરની માફક મનપા તંત્રએ વૃક્ષો પર કુહાડી ચલાવી છે. પર્યાવરણને બચાવવાનાં બણગાં મારતા તંત્ર અને સરકારનો આ કુઠારાઘાત લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય તેમ છે. ડાયમંડ નગરીના તંત્રના બેજવાબદારીપૂર્વકના વર્તનની બીજી એક વાત જો કરીએ તો મનપાએ એશિયાની સૌથી મોટી ગાર્ડન ઘડિયાળ બનાવ્યાના દાવા સાથે કરોડો રૂપિયા ખર્ચીને ગાર્ડનનું નિર્માણ કર્યું છે. માત્ર ત્રણ જ વર્ષમાં ગાર્ડનની હાલત કોઈ પણ જન સામાન્યને દયા આવે તેવી છે. બી. આર. ટી. એસ.ને સફળ બનાવવાની લહાયમાં અસંખ્ય વૃક્ષો કાપ્યા બાદ મનપાને જાણે બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય તેમ શહેરમાં પાર્કોમાં ઑક્સિજન કૉર્નર ઊભું કરવાની નવી એક ચળ આવી છે. ખૈર, ઑક્સિજન પાર્ક બનાવવાનાં નામે કેટલા રૂપિયાનું આંધણ તંત્ર કરે છે.
પર્યાવરણને બચાવવા માટે વૃક્ષોને ઉગાડવા તેનું યોગ્ય જતન કરવાના કોઈ પ્લાન આપણી પાસે નથી એટલે જ તો કદાચ ઑક્સિજન કૉર્નર ઊભા કરવાના વિચારો આપણને આવી રહ્યા છે. હવાનું પ્રદૂષણ દિન-પ્રતિદિન આપણા શ્ર્વાસમાં એવું ફેલાઈ રહ્યું છે કે આપણે ઑક્સિજનની જગ્યાએ કદાચ નાઈટ્રોજન લેતા હોય તેવું અનુભવાઈ રહ્યું છે. એક સમય એવો આવશે કે શ્ર્વાસની બીમારીથી ઘેરાયેલા લોકો ઑક્સિજનના બાટલા ભેગા ફેરવતા હશે. આપણે પર્યાવરણને બચાવવા માટેના કોઈ કારગત ઉપાયો કરવાના બદલે ઑક્સિજનની બોટલો સરળતાથી કઈ રીતે હરીફરી શકે તેવા નાના પૉકેટ બાટલાઓ બનાવવાનો વિચાર કરીએ છીએ. પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને તેની જાળવણીને લઈને લોકોમાં જાગૃતતા આવી છે પરંતુ એ માત્ર ફૉટોસેશન પૂરતી મર્યાદિત હોવાનું વધુ લાગી રહ્યું છે.