અમેરિકાએ જેને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે તે સૈયદ સલાઉદ્દીન કોણ છે ?

    ૦૭-જુલાઇ-૨૦૧૭

ભારતના મોસ્ટ લિસ્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુજાહિદ્દીનનો પ્રમુખ સૈયદ સલાઉદ્દીનને અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે એક નજર આ આતંકીની કરમકુંડળી પર...
સૈયદ સલાઉદ્દીન હાલ પાક અધિકૃત કાશ્મીરમાં રહે છે. તેને પાકિસ્તાની સૈન્યનું સંરક્ષણ મળેલું છે. સૈયદ સલાઉદ્દીન ૧૯૯૦ પહેલાં જમ્મુ કાશ્મીરમાં જ રહેતો હતો અને યુસુફ શાહ નામે ઓળખાતો હતો. તેને પણ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડી એશો-આરામભરી જિંદગી જીવવાના અભરખા હતા માટે જ તે ૧૯૮૭માં મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટની ટિકિટ હેઠળ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો, પરંતુ રાજકારણમાં તેનું કાંઈ ગાજ્યું નહીં અને તે ચૂંટણી હાર્યો એટલે તે પણ અલગાવવાદીઓની રાહે આઝાદી-આઝાદીના નારા લગાવવા લાગ્યો અને પાકિસ્તાનનું મહોરું બની ગયો. અલગાવવાદી વિચારધારા અને પાકિસ્તાની એજંડા ચલાવવાના આરોપસર તેની ધરપકડ થઈ અને જેલમાં બંધ કરી દેવાયો. જેલમાંથી છૂટી તે વધુ ખતરનાક આતંકવાદી બની ગયો અને ૫ નવેમ્બર, ૧૯૯૦ના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પહોંચી ગયો. એણે પોતાનું નામ બદલી સૈયદ સલાહુદ્દીન રાખી લીધું. જ્યાં તેણે હિઝબુલ મુજાહિદ્દીન નામના સંગઠનની સ્થાપના કરી ભારત વિરુદ્ધ જેહાદની ઘોષણા કરી અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનું શ‚ કરી દીધું.
સૈયદ સલાઉદ્દીન જાહેરમાં સ્વીકારે છે કે, કાશ્મીર ઘાટીમાં જેહાદ માટે પાકિસ્તાન અમારી મદદ કરે છે. એટલું જ નહીં પોતાને મળી રહેલા સમર્થનને કારણે તે સીધે-સીધો પાકિસ્તાનને પણ ધમકાવે છે કે, જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી અમારી જેહાદમાં અમને સમર્થન નહીં આપે તો અમે ખુદ પાકિસ્તાનમાં હુમલા કરીશું. તે ખુલ્લેઆમ કહે છે કે હું કાશ્મીરને ભારતીય સૈનિકોનું કબ્રસ્તાન બનાવી દઈશ.
૭૦ વર્ષનો સલાઉદ્દીન હિઝબુલ મુજાહિદ્દીન સિવાય ‘યુનાઈટેડ જિહાદ કાઉન્સિલ’ પણ ચલાવે છે. આ એ જ આતંકી સંગઠન છે, જેના પર પઠાનકોટ એરબસ સ્ટેશન પર હુમલાનો આરોપ છે અને તેણે તે હુમલો કરાવ્યાની જવાબદારી પણ લીધી છે. ભારતીય ઇન્ટેલિજન્સનાં સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સલાઉદ્દીન પાકિસ્તાનના સેફ હાઉસથી આતંકવાદની પ્રત્યેક ગતિવિધિઓનું સંચાલન કરે છે.
ક્યાં રહે છે તેનો પરિવાર ?
વાચકોને જાણી આશ્ર્ચર્ય થશે કે ભારતના પ્રમુખ દુશ્મનોમાંના એક એવા સલાઉદ્દીનનો પરિવાર ભારતમાં જ કાશ્મીરમાં કોઈપણ પ્રકારની કનડગત વગર આરામથી રહે છે, એટલું જ નહીં, આખા જમ્મુ-કાશ્મીરનાં બાળકોના હાથમાં પથ્થરો અને રોકેટ લોન્ચર, બોમ્બ પકડાવવા માંગતા સલાઉદ્દીને તેના આખા પરિવારને આ આતંકી છાયા અને કથિત જેહાદથી દૂર જ રાખ્યો છે. તેના પરિવારનાં તમામ સભ્યો સુખ-સાહ્યબીમાં જીવન ગુજારે છે. સલાઉદ્દીનનાં ૬ બાળકો છે. જેમાં ૪ પુત્ર અને ૨ પુત્રી છે. તેનો એક પુત્ર મુઈદ આઈટી ગ્રેજ્યુએટ છે અને જાણીતી કંપનીમાં મેનેજર છે. અન્ય એક પુત્ર વાહિદ યુસુફ શેર એ કાશ્મીર હૉસ્પિટલમાં એક ડૉક્ટર છે, જ્યારે શકીલ અહેમદ નામનો ત્રીજો પુત્ર મેડિકલ આસિસ્ટન્ટ છે. ચોથો પુત્ર યુસુફ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ પદે છે. તેની એક પુત્રી નસીમા સરકારી ટીચર છે, તો બીજી પુત્રી આર્ટ ટીચર છે.
મજાની વાત એ છે કે સલાઉદ્દીન કે, જે જમ્મુ-કાશ્મીરને ભારતીય સૈનિકોનું કબ્રસ્તાન બનાવી દેવાની ધમકી આપે છે, તેના જ પુત્ર સૈયદ મુઈદને ભારતીય સૈન્યે ૨૦ ફેબ્રુઆરીના રોજ પંપોરના એક કોમ્પ્લેક્ષમાં થયેલા આતંકવાદી હુમલામાં બચાવ્યો હતો, જેમાં ભારતના પાંચ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ જ્યારે અહીંના ઈડીઆઈ કોમ્પલેક્ષ પર હુમલો કર્યો ત્યારે તેમાં સૈયદ સલાઉદ્દીનનો પુત્ર મુઈદ પણ હાજર હતો, જેને સૈન્યે જીવના જોખમે બહાર કાઢ્યો હતો.