આસામના એ વનવાસી શિક્ષકો (તેજપુર - આસામ)

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

ઈ.સ. ૧૯૪૨ ! ઑગસ્ટ મહિનો ! નવમી તારીખ !

ઈ.સ. ૧૯૪૨ના આ સંગ્રામની આ એક નાનકડી, બહુ ઓછી ઉલ્લેખાયેલી વાત છે.

ભારતની ઈશાન સરહદ !

આસામની વનરાઈ આદિવાસી જનતા વડે ઓપતો આપણો પ્રદેશ !

ભારત પર ચીને કરેલા આક્રમણ વખતે ખૂબ જ મશહૂર બની ગયેલું તેજપુર ગામ ! આ તેજપુરથી ફક્ત ૧૬ માઈલ દૂર ઢોકાઈજુલી નામનું એક સ્થળ આવેલું છે. આ વિભાગમાં અહીંના જંગલ વિસ્તારમાં રહેતા પહાડી લોકો તથા ચાના બગીચાઓમાં કામ કરતા મજૂરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હતી !

અહીંની આ વસ્તીએ આ સ્થળે આવેલી પોલીસચોકી ઉપર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું નક્કી કર્યું.

એક વિશાળ સરઘસ નીકળ્યું. સિપાહીઓએ શાંતિથી ચાલ્યા આવતા આ સરઘસને રોક્યું. સરઘસના નેતાઓએ ખૂબ જ શાંતિથી પોતાની માંગણી થાણાના વડા અધિકારી પાસે રજૂ કરતાં કહ્યું : ‘અમારે આ થાણા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવો છે.’

આવી માંગણી સત્તાના મદથી ગાંડાતૂર બનેલા પોલીસો સાંભળે ખરા ! એમણે તો ધડાધડ પોતાની બંદૂકોમાંથી આંખો મીંચીને ગોળીઓ છોડવા માંડી. આ બેફામ ગોળીબારને કારણે ૨૦ જેટલી વ્યક્તિઓ તો ત્યાં જ ઢળી પડી શહીદ બની.

આ શહીદોમાં ફક્ત બાર વર્ષની ઉંમરની એક માસૂમ કિશોરી પણ હતી. એનું નામ ફૂલેશ્ર્વરી હતું.

આટઆટલી કુરબાની અંતે એળે તો ન જ ગઈ ! જનતાએ પોલીસોની અને તેમના ગોળીબારોની રજમાત્ર પણ પરવા કર્યા વિના એ થાણા ઉપર છેવટે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જ !

આ આખાય વિસ્તારમાં વનવાસીઓની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સ્વતંત્રતાની ઝંખના અબોધ, અસંસ્કારી અને સાવ પછાત તરીકે આજ સુધી ઉવેખાયેલા આદિવાસીઓમાં જાગે, એ હકીકત જ અંગ્રેજ સરકારથી કેમ સહી જાય ? એ આદિવાસીઓને તો સીધા જ કરે છૂટકો ! તાબડતોબ લશ્કરની એક મોટી ટુકડી આ સ્થળે રવાના કરવામાં આવી.

એ ટુકડીએ આ વિસ્તારમાં અત્યાચાર વર્તાવ્યો ! એમની જંગાલિયત આગળ જૂના વખતના તાર્તરો, બર્બરકો, ચંગીઝખાન કે ખુદ નાદિરશાહ પણ પાણી ભરે. તેજપુર નજીકના જ એક ગામમાં એક મેળો ભરાયો હતો. આ મેળો મહાલવા હજારો આદિવાસીઓ આજુબાજુના પ્રદેશમાંથી ત્યાં આવ્યા હતા ! એમને આ ચળવળ સાથે કે સરઘસ સાથે કોઈ જાતની લેવા-દેવા નહોતી. આમ છતાં સત્તાના મદથી ચકચૂર બનેલા એ મૂર્ખ સૈનિકોએ એમ માન્યું કે આ મેળામાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. પરિણામે એ જડસૂસોએ મેળાના નિર્દોષ સહેલાણીઓ ઉપર આંધળો ગોળીબાર કર્યો. સોળ જેટલી વ્યક્તિ ત્યાં ને ત્યાં જ મરણ પામી. સો કરતાં પણ વધુ વ્યક્તિઓ ઘવાઈ. મૃત્યુ પામેલી વ્યક્તિઓમાં છ તો બહેનો હતી. એમાંની એક બહેન તો સગર્ભા હતી.

એ રાક્ષસી લશ્કરી અમલદારો નિ:શસ્ત્ર નિર્દોષ પ્રજા ઉપર આમ ગોળીબાર કરીને જ જંપ્યા નહીં. એમાંનો એક અમલદાર ફરતો ફરતો આ ગામની હૉસ્પિટલમાં જઈ પહોંચ્યો.

ત્યાં એણે ખૂબ જ ઘવાયેલી સ્થિતિમાં પડેલા એક માણસને જોયો. એનું લોહી ઊછળી આવ્યું હતું. એને થયું કે આ વ્યક્તિ જરૂર પેલા મેળામાં સામેલ હશે. ત્યાં જ એ ઘવાઈ ગઈ હશે. હજુ સુધી એ મરી કેમ ન ગઈ ? લાવ એને હું પૂરી કરું. ઝપ કરતી એણે કમર પટામાંથી રિવોલ્વર ખેંચી કાઢી કોઈ પશુને મારતો હોય એવા ઠંડે કલેજે એ દરદીને વીંધવા નિશાન તાક્યું. એની રિવોલ્વરમાંથી ગોળી છૂટી જ હોત, પરંતુ ઇસ્પિતાલનો દાક્તર ત્યાં મોજૂદ હતો. એણે એ અધિકારીને ખાતરી આપી કે આ દરદી પેલા મેળામાં થયેલા ગોળીબારથી ઘવાયેલો નથી, ત્યારે જ એ જુલ્મી અધિકારીએ પોતાની રિવોલ્વર મ્યાન કરી.

આ બેસિતમ અત્યાચારોની ખબર તેજપુર પહોંચી. તરત જ ત્યાં એક મોટી સભા ગોઠવવામાં આવી.

આ સભામાં આજુબાજુના ગ્રામવાસીઓ ભાગ ન લઈ શકે એ માટે સશસ્ત્ર સૈનિકોનો રસ્તાઓ પર પહેરો મૂકી દેવામાં આવ્યો. આમ છતાં પણ ચોરી-છૂપીથી અનેક લોકોએ એ સભામાં હાજરી આપી. પોલીસની ઇચ્છા હતી કે કોઈપણ હિસાબે એ જનતા ઉપર ભયંકર દાબ બેસાડી દે ! કોઈપણ જાતનું આંદોલન કરવાની એમનામાં હિંમત જ ન ઊભી થાય એવી પરિસ્થિતિ પેદા કરે. જો આમ થાય તો જ આસામના એ મોટા વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે. એમણે લોકો ઉપર હુકમનામું બહાર પાડ્યું કે, કોઈએ સભા ન ભરવી, પણ ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર જેના રોમેરોમમાં ગાજતું હતું એ જનતા કદી એવો ચંગીઝખાની હુકમ બરદાસ્ત કરી ખરે કે ?

લોકોએ લશ્કરી ફરમાનની ઉપરવટ જઈ સભા કરી. ભયંકર ગોળીબાર થયા. સો કરતાં પણ વધુ વ્યક્તિઓ ઘવાઈને જમીન પર ઢળી. આવા તો કંઈ અત્યાચારો આખા આસામમાં થયા.

એમાં ખાસ કરીને જોલાછોટ, છોટિયા, બેહલા, ચારીગાંવ, હાથીગઢ વગેરે સ્થળોએ પોલીસદમને માઝા મૂકી હતી. રોહા નામના એક સ્થળે એક હાઈસ્કૂલ ઉપર ત્રિરંગો ફરકી રહ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ તો આવતા ન હતા, પરંતુ શિક્ષકો નિયમિત હાજર થતા હતા. એક દિવસ એ અંગ્રેજ અમલદાર આ શાળા પાસેથી પસાર થયો. એણે શાળાની ઇમારત ઉપર ત્રિરંગો લહેરાતો જોયો ! એની આંખમાં લોહી ઊપસી આવ્યું.

ધસમસતો એ શાળાના મકાનમાં ગયો. શાળાના થોડા શિક્ષકો ત્યાં હાજર હતા. એણે એમને ત્રિરંગો ઉતારવા હુકમ કર્યો. શિક્ષકોએ સાફ ના પાડી દીધી. પેલા અંગ્રેજ અફસરનો મિજાજ સાતમા આસમાને ગયો. એણે પેલા શિક્ષકોને ગાંડાની માફક ઝૂડવા શરૂ કર્યા. આમ છતાં પેલા શિક્ષકો ન ડગ્યા. માદરે વતનનો ધ્વજ ઉતારવા એ તૈયાર ન હતા. પેલા ગોરાએ છેવટે એ શિક્ષકોને ગોળીબાર કરી વીંધી નાખ્યા. રાષ્ટ્રધ્વજના ગૌરવને સાચવવા આમ એ શિક્ષકોએ હસતે મુખે એમના જાનની આહુતિ આપી. દેશ ખાતર દીધેલાં આવાં બલિદાનો સદા અમર રહેશે.