મધ્ય પ્રદેશનો ભીલ ભડવીર તાંત્યા મામા

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

ભારતમાં ૧૮૫૭ના વિપ્લવને અંગ્રેજો સામેની આઝાદીની પહેલી લડાઈ માનવામાં આવે છે. આ વિપ્લવ નિષ્ફળ ગયો પણ તેમાંથી પ્રેરણા લઈને કેટલાક ભડવીરોએ અંગ્રેજો સામે હથિયાર ઉઠાવીને આ દેશને અંગ્રેજોની પકડમાંથી મુક્ત કરાવવાના જંગ ખેલ્યા. આ ભડવીરોમાં એક મધ્ય પ્રદેશના તાંતિયા ભીલ હતા. અંગ્રેજો એ જમાનાના સ્વાતંત્ર્યવીરોને આતંકવાદી કે ડાકુમાં ખપાવીને ખતમ કરવા મથતી. તાંતિયા ભીલને પણ અંગ્રેજોનો ઇતિહાસ તો ડાકુ જ ગણાવે છે પણ તાંતિયા ભીલે અંગ્રેજોને જ નિશાન બનાવીને કરેલા હુમલા દર્શાવે છે કે, એ દેશપ્રેમી માણસ હતો ને તેણે અંગ્રેજોના દાંત ખાટા કરવાને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું હતું. મધ્ય પ્રદેશમાં આજે પણ તાંતિયા ભીલને રોબિન હૂડ જેવો દરજ્જો મળ્યો છે ને લોકો તેને ગરીબોનો બેલી માનીને પૂજે છે.

ઇતિહાસમાં તાંત્યા ભીલ અથવા તાંત્યા મામા તરીકે જાણીતા તાંતિયા ભીલનો જન્મ નિમાડમાં ૧૮૪૪માં થયેલો. બાડાદા નામનું ગામ તેનું જન્મસ્થળ હતું ને ભીલ પરિવારમાં તેમનો જન્મ થયેલો. ૧૮૫૭ના વિપ્લવ વખતે તાંતિયા ભીલ ૧૩ વર્ષનો કિશોર હતો. એ વખતે અંગ્રેજોએ લોકો પર ગુજારેલા અત્યાચારો જોઈને તેનું લોહી ઊકળી ઊઠ્યું ને તેણે નક્કી કરી નાંખ્યું કે, મોટો થઈને એ અંગ્રેજો સામે લડશે. નિમાડ એ વખતે ઇન્દોરના હોલકરના તાબા હેઠળ હતું. હોલકર અંગ્રેજોના પીઠ્ઠુ હતા તેથી અંગ્રેજ લશ્કર જ ઇન્દોર સ્ટેટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોતું.

તાંતિયાએ ૨૦ વર્ષની ઉંમરે ભીલ યુવાનોને એકઠા કરીને પોતાની ટોળી જમાવી અને અંગ્રેજ લશ્કરને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા. તાંતિયાએ પહેલી લૂંટ પંધાનામાં કરી હતી. પંધાનામાં અંગ્રેજોની રોકડ જ્યાં રખાતી તે સ્થળે હુમલો કરીને લૂંટ કરી અને જંગી રકમ લઈને ફરાર થઈ ગયો. આ રકમ તેણે પછી ગરીબોમાં વહેંચી દીધી. હોલકર તથા અંગ્રેજો માટે આ ઘટના કલ્પના બહારની હતી. હોલકર સ્ટેટમાં આદિવાસી વસતીની બહુમતી હતી ને ત્યાં અંગ્રેજો સામે માથું ઊંચકનાર કોઈ હતું જ નહીં ત્યાં આ કોણ ફૂટી નીકળ્યું એ સવાલ અંગ્રેજોને મૂંઝવતો હતો.

અંગ્રેજો આ સવાલનો જવાબ મેળવે તે પહેલાં તાંતિયા પોતાની ટોળકી સાથે ફરી ત્રાટક્યો ને નિમાડમાં તે અંગ્રેજ તિજોરી લૂંટીને ફરાર થઈ ગયો. આ લૂંટે અંગ્રેજોની મૂંઝવણ વધારી દીધી ને અંગ્રેજો ગુસ્સાથી લાલ થઈ ગયા. જો કે તેમને આ લૂંટ કોણે ચલાવી તે ખબર જ ના પડી. તાંતિયાએ એ પછી આ રીતે લૂંટનો સિલસિલો જ શ‚ કરી દીધો અને સાત વર્ષ સુધી ઉપરાછાપરી હુમલાઓ તથા લૂંટ કરીને અંગ્રેજો તથા હોલકર બંનેની ઊંઘ હરામ કરી નાંખી. તાંતિયો લૂંટ ચલાવ્યા પછી લૂંટની રકમ પોતાની પાસે રાખતો નહીં અને ગરીબોમાં વહેંચી દેતો. આ ઉપરાંત તે ગાઢ જંગલોમાં સરકી જતો, તેથી તેનું પગેરું મેળવવું મુશ્કેલ હતું. છેવટે અંગ્રેજોએ આ લૂંટ કોણ ચલાવે છે તે જાણવા નાણાંકોથળી છૂટી મૂકી દીધી ને તેના કારણે તેમને તાંતિયા ભીલનું નામ મળ્યું. ૧૮૭૦માં અંગ્રેજોને તાંતિયા વિશે ખબર પડી એ પછી તેમણે તાંતિયાને પકડવા પોતાની પૂરી તાકાત લગાવી દીધી પણ તાંતિયા હાથ ના લાગ્યો. અંગ્રેજોએ લોકો પર અત્યાચાર શરૂ કર્યા. હજારો લોકોને તાંતિયાની મદદ કરવાના બહાના હેઠળ જેલમાં ધકેલી દેવાયા ને તેમના પર અમાનુષી અત્યાચારો ગુજારાયા. આ બધા છતાં તાંતિયા હાથ ના લાગતાં અંગ્રેજોએ મહિલાઓને નિશાન બનાવીને અત્યાચાર શરૂ કર્યા. તેનાથી તાંતિયા દ્રવી ઉઠ્યો ને તેણે શરણાગતિ સ્વીકારી. એ વખતે તેણે કરેલી શરત પ્રમાણે બધાંને કેદમાંથી છોડી મુકાયા. તાંતિયાને ઇન્દોરની જેલમાં રખાયેલો પણ ત્રણ દિવસમાં તો તે જેલ તોડીને ભાગી ગયો ને અંગ્રેજોનું નાક વાઢી લીધું.

તાંતિયાએ એ પછી ૧૯ વર્ષ સુધી અંગ્રેજોની ઊંઘ હરામ કરી. વચ્ચે એ ઘણી વાર પકડાયો પણ કોઈ જેલ તેને રાખી શકતી નહીં. એ વારંવાર જેલ તોડીને ભાગી જતો. છેવટે તેના બનેવી ગણપતની ગદ્દારીના કારણે તે ૧૯૮૯માં પકડાયો. તેને ઇન્દોરની સેન્ટ્રલ જેલમાં રખાયેલો ને ત્યાં તેના પર અમાનુષી અત્યાચારો અંગ્રેજોએ કર્યા ને બધો ખાર કાઢ્યો. જબલપુરની સેશન્સ કોર્ટે ૧૯ ઓક્ટોબર, ૧૮૮૯ના રોજ તેને ફાંસીની સજા ફટકારી. અંગ્રેજો તાંતિયાથી એટલા ડરેલા હતા કે તેને ક્યારે અને ક્યાં ફાંસી અપાઈ તે પણ કદી જાહેર ના કર્યું. તેના મૃતદેહને ઈન્દોર પાસે પાટલપાની પાસે રેલવેના પાટા પાસે ફેંકી દેવાયેલો એવું મનાય છે.

દેશની આઝાદી માટે લડનારા આ મહાન ભીલ લડવૈયાની સમાધિ આજે પણ ખંડવા પાસે છે ને ત્યાંથી પસાર થતી દરેક ટ્રેનના ડ્રાઇવર ટ્રેનને રોકીને તાંત્યા મામાને સન્માન આપે છે.