ગૌરવવંતા વીર કિશોરો - નંદબાર – મહારાષ્ટ્ર

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

એ કાળમાં ગુજરાત રાજ્યના પૂર્વ સીમાડે હાલ મહારાષ્ટ્રમાં આવેલું નંદરબાર નામનું નગર છે.

ઈ.સ. ૧૯૪૨ની સાલ છે. સપ્ટેમ્બર માસની નવમી તારીખ છે. ૧૯૪૨ના સંગ્રામના આરંભની એ માસિક તિથિ છે. આ તિથિને ઊજવવાનું નંદરબારના રાષ્ટ્રભાવનાથી ભારોભાર ભરેલા નાગરિકોએ નક્કી કર્યું છે.

વહેલી સવારે પ્રભાતફેરી. પછી સરઘસ. પછી સભા. એવો કાર્યક્રમ ગોઠવાયો છે. કાર્યક્રમ અનુસાર ખૂબ વહેલી સવારે પ્રભાતફેરી નંદરબારની શેરીએ ફરવા નીકળી છે. આ પ્રભાતફેરીમાં અનેક વિદ્યાર્થીઓ જોડાયા છે. નવયુવાનો જોડાયા છે. પ્રભાતફેરીમાં એક પછી એક પ્રભાતિયાં ગવાય છે. સાથે સાથે દેશભક્તિનાં ગીતોની રમઝટ પણ સંભળાય છે. યુદ્ધગીતો પણ એમાંથી બાકાત નથી. મડદામાં પણ પ્રાણ પૂરે એવાં શૂરાતનભર્યાં એ ગીતો છે.

પ્રભાતફેરીની છેક આગળ એક નવલોહિયો યુવાન છે. એનું નામ છે શિરીષચંદ્ર પુષ્પેન્દ્ર મહેતા. એની સરદારીની નીચે આગળ વધી રહેલી આ પ્રભાતફેરીમાં ગવાતા એક યુદ્ધગીતના શબ્દો આ પ્રમાણે છે :

‘સોનેવાલે જાગ ઊઠે હમ, આજ હી મરનેવાલે હૈં.’

સવારના દસ વાગ્યાનો સમય થયો છે. નંદરબારની હાઈસ્કૂલ પાસે વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં એકઠાં થયાં છે. શિરીષકુમાર ત્યાં આવી લાગ્યો. એની હાકલને ઝીલવા થનગની રહે છે. તરત જ શાળાના પટાંગણ પાસેથી જ એક સરઘસ નીકળે છે. એનો આગેવાન છે શિરીષચંદ્ર.

નંદરબારમાં આઝાદી માટે થયેલી લડતના ઇતિહાસમાં આવું જંગી મોટું સરઘસ પહેલી વાર જ નીકળ્યું છે. નંદરબારના ગાંધીચોકમાં આવી લાગેલું એ સરઘસ એક સાંકડે રસ્તે થઈ માણેકચોકમાં પહોંચે છે. તરત જ સામેથી પોલીસોની એક મોટી ટુકડી આવીને એમની સામે ઊભી રહે છે. આ પોલીસના હાથમાં લાઠીઓ છે. ગોળીઓ ભરેલી બંદૂકો છે. બંદૂકો પર અણીદાર સંગીનો છે. પોલીસોનો અધિકારી સરઘસને ત્યાં થોભવા હુકમ કરે છે. સરઘસ ત્યાં જરા વાર થોભે છે.

ફોજદારનો બીજો હુકમ છૂટે છે : ‘સરઘસને વિખેરી નાખો.’

સરઘસમાં એકઠાં થયેલાં સહુ કોઈ વિખરાવાની સાફ ના પાડે છે. પોલીસોની ચેતવણી અને ધમકીને ઘોળીને પી જાય છે. તરત જ ફોજદાર લાઠીમાર કરવાનો હુકમ આપે છે. ધડાધડ ફડાફડ કરતી લાઠીઓ વીંઝાય છે. અનેક કિશોરો, નવલોહિયાઓ ઘવાય છે. એમનાં માથાં ફૂટે છે. એમનાં અંગ લાલચટ્ટક લોહીથી કેસૂડાનાં ફૂલથી જેમ ખાખરો શોભે તેમ શોભી રહે છે. પણ કોઈને ઈજાની કે પીડાની કશી જ તમા નથી.

એવામાં ક્યાંકથી એક અજાણ્યો માણસ ત્યાં આવી ગયો લાગે છે. એને આ ફોજદારની સામે કોઈ પુરાણું અંગત વેર છે. એ ક્યારનો આ ફોજદારનું કાટલું કાઢવાની તક જ શોધી રહ્યો છે. આજે એને અનાયાસે એ તક મળી રહે છે. ખીસામાંથી એ એક ધારદાર છરો બહાર કાઢે છે. ફોજદારને કે સરઘસના બીજા કોઈને એ શું કરે છે, એની સમજ પડે એ પહેલાં તો એ ચિત્તાની માફક ફોજદાર ઉપર ત્રાટકે છે. પાંપણના પલકારામાં એનો છરીવાળો હાથ ઊંચો થાય છે. સૂરજના તેજમાં ઝળાંહળાં થતી છરી ઝટ કરતી ફોજદારની છાતીમાં ખૂંપી જાય છે.

આથી વાતાવરણ એકદમ તંગ બની જાય છે. લાઠીમારને બદલે હવે ગોળીબારનો પોલીસોને હુકમ કરવામાં આવે છે. એક તો આ પોલીસોને તાજા જ ભરતી કરવામાં આવ્યા હતા. બીજું એ દિવસે લોકો ઉપર ભયંકર જુલમ ગુજારવાને માટે એમને દા‚ પાઈને ચકચૂર કરવામાં આવ્યા હતા. સરઘસની સહુથી આગળ નાની નાની બાળાઓ હતી. પોલીસના અમાનુષી લાઠીમારને કારણે એ બાળાઓ નીચે બેસી ગઈ હતી. આથી શિરીષકુમાર અને બીજા થોડા યુવાનો એકદમ આગળ ધસી આવ્યા.

પોલીસોની બંદૂકોમાંથી વછૂટતી ગોળીઓ પોતાની છાતીમાં ઝીલી લેવાની એમની ઇચ્છા હતી. નાની નાની બાલિકાઓનું જડસુ પોલીસોની લાઠીઓ અને ગોળીઓ સામે રક્ષણ કરવાની એમની મંગલકામના હતી. ધડીમ કરતી એક ગોળી છૂટી. નજીકમાં એક ગાય ઊભી હતી. ગાયને એ ગોળી વાગી. વેદનાથી બરાડા પાડતી ગાય ત્યાં જ તરફડીને મરણ પામી. સરઘસના લોકો એ જોઈ ત્રાસી ઊઠ્યા.

હવે પોલીસોએ પેલી બાલિકાઓ સામે બંદૂકો તાકી. શિરીષકુમાર પોલીસોની સામે પવનવેગે ધસ્યો. એણે પડકાર કર્યો : ‘અરે કાયરો !’ આ ગાય જેવા મૂંગા પ્રાણી અને કબૂતર સમી આ નાની બાલિકાઓ ઉપર શા માટે ગોળીઓ છોડો છો ? ગોળીઓનો વરસાદ વરસાવવો હોય તો વરસાવો મારા ઉપર. તમારી સામે જ ઊભો છું. મારા સાથીઓ પણ છાતી કાઢીને તમારી ગોળીઓ ઝીલવા તૈયાર છે. અમે સહુ મરવાને માટે તૈયાર જ છીએ. ‘ચલાવો તમારી બંદૂકો ! છોડો તમારી ગોળીઓ !’

તરત જ નર્યા પશુ જેવા એ જડસુ નશાખોર પોલીસોએ ગોળી છોડી. પહેલી ગોળી સીધી શિરીષની છાતીમાં વાગી. ઘામાંથી ભખભખ કરતું લોહી વહેવા લાગ્યું. કેસરિયાં કર્યાં હોય એમ એનાં કપડાં લોહી વડે રાતાંચોળ બની ગયાં. આમ છતાં જરા સરખો પણ એક ઊંહકારો કર્યાં વિના શિરીષ અડગ ઊભો રહ્યો. એણે ફરીથી પોલીસને પડકાર કર્યો : ‘ચલાવો તમારી ગોળી.’ ધડ કરતી બીજી ગોળી છૂટી. એના શરીર સોંસરવી નીકળી એ બહાર ચાલી ગઈ. તો પણ શિરીષ ભારે જુસ્સાથી પહાડની માફક ત્યાં ઊભો રહ્યો. એવામાં સનનન્ કરતી એક ત્રીજી ગોળી આવી.

હવે શિરીષનું શરીર સહેજ લથડ્યું. આમ છતાં એ તો ટટ્ટાર ઊભા રહેવાની કોશિશ કરતો જ હતો. એવામાં એક જંગલી જેવો પોલીસ ગાંડાની માફક એના ઉપર ધસ્યો. એના હાથમાં એની બંદૂક હતી. ધમ કરતો એણે એની એ બંદૂકનો કુંદો શિરીષના માથામાં માર્યો.

‘વંદે માતરમ્’ના લલકાર સાથે એ શૂરો શિરીષ જમીન પર ઢળી પડ્યો. ગોળીઓની આ રમઝટને કારણે બે નાની નાની બાલિકાઓ પણ ઘવાઈ હતી. એ બંને બાલિકાઓ વેદનાથી થોડા સમય સુધી ચીસો પાડી મરણ પામી હતી. શિરીષ જમીન ઉપર ઢળી પડ્યા બાદ પણ એ ઘાતકી પોલીસોએ શિરીષના સાથીઓ ઉપર અને સરઘસ ઉપર ગોળીબાર ચાલુ જ રાખ્યો હતો. ફૂલ જેવાં કુમળાં બાળકોની હત્યા કરતાં એમનો જીવ જરાય કંપ્યો ન હતો. શિરીષ અને પેલી બે બાળાઓની શહીદીથી એમને સંતોષ થયો ન હતો. આથી થોડી જ વારમાં એમની એ ખૂની ગોળીઓએ બીજા ચાર કિશોરોનો ભોગ લીધો. ‘હમ આજ હી મરને વાલે હૈં’ એ ગીતના શબ્દો સાવ સાચા પડ્યા. આ ચારમાં ધનસુખલાલ ગોરધનદાસ શાહની ઉંમર ૧૨ વર્ષની હતી. લાલદાસ બુલાખીદાસ શાહની ઉંમર ૧૪ વર્ષની હતી. ઘનશ્યામ ગુલાબચંદ શાહની ઉંમર ફક્ત ૮ વર્ષની હતી. જ્યારે શશિધર નીલકંઠ કેતકરની ઉંમર ૧૦ વર્ષની હતી. આમ એ જાલિમ નરપિશાચ સમા પોલીસોએ ચાર દૂધમલ બાળકોને જરા પણ દયા રાખ્યા વિના વીંધી નાખ્યા.

આમ તે દિવસે નંદરબારનો માણેકચોક શહીદોના લોહીથી રંગાઈ ગયો. એ જગા એક પવિત્ર ભૂમિ બની ગઈ. એક પરમતીર્થ બની ગઈ. નંદરબારનો એ ચોક એક ગૌરવભર્યું સ્થળ બની ગયો.

નંદરબારના લોકોએ આ શહીદોની યાદમાં ત્યાં એક સ્મારક પણ ઊભું કર્યું છે. નંદરબાર બાજુ જવાનું થાય તો એ જરૂર જોજો. સુરતથી નાગપુર, જલગાંવ, ભૂસાવળ જતી ટ્રેનના માર્ગમાં ગુજરાતનો સીમાડો છોડ્યા બાદ તરત જ આ નગર આવે છે.

આ માસૂમ નવલોહિયાઓની ગૌરવભરી કુરબાની નૂતન ભારતના કિશોરો કદી વીસરવાના નથી.