લોઠૂ જાટ (રાજસ્થાન) સત્તાવનના વિપ્લવ પહેલાંનો શૂરવીર

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭


ભારતમાં ૧૮૫૭ના વિપ્લવને અંગ્રેજો સામેની આઝાદીની પહેલી લડાઈ માનવામાં આવે છે પણ વાસ્તવમાં એ પહેલાં પણ ઘણા જવાંમર્દો દેશની આઝાદી માટે માથે કફન બાંધીને જંગ છેડી ચૂક્યા હતા. આ જવાંમર્દોમાં એક નામ રાજસ્થાનના લોઠૂ નિઠારવાલનું નામ છે. લોઠૂ જાટ તરીકે પણ જાણીતા લોઠૂ નિઠારવાલે ઓગણીસમી સદીની શ‚આતમાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા જંગ છેડ્યો હતો ને આ ઉદ્દેશને પાર પાડવા શહીદી પણ વહોરી લીધી હતી.

રાજસ્થાનના રીંગુસમાં ૧૮૦૫માં જન્મેલા લોઠૂએ બહુ નાની ઉંમરે અંગ્રેજોના પીઠ્ઠુ જાગીરદારો સામે માથું ઊંચકેલું ને એક અત્યાચારી જાગરીદારની હત્યા કરી નાંખી પછી તેમનો પરિવાર બાથોત ગામે આવીને રહ્યો. જાગીરદારો સામે બતાવેલી હિંમતના કારણે જાગીરદારોથી ત્રસ્ત લોકો લોઠૂને પોતાનો નેતા માનવા લાગ્યા ને લોઠૂએ તેનો ઉપયોગ અંગ્રેજો તથા તેમનાં તળિયાં ચાટતા જાગીરદારો સામે કર્યો. મહારાણા પ્રતાપને પોતાનો આદર્શ માનતા લોઠૂએ આ જાગીરદારોને લૂંટવા માંડ્યા ને તે રકમ ગરીબોમાં વહેંચી દેતા. સિકરના જાગીરદાર લક્ષ્મણસિંહને પટવી અને વીણા નામે બે રાણી હતી. બંને રાણી ખુશ રહે તે માટે તેણે લક્ષ્મણગઢ કિલ્લો બંધાવ્યો ને રાણી વીણાને લક્ષ્મણગઢમાં રાખી. તેના કારણે લક્ષ્મણગઢ વેપારના કેન્દ્ર તરીકે વિકસ્યું.

જો કે જાગીરદારના સૈનિક એવા બિદાવત રાજપૂતો તથા અંગ્રેજો લક્ષ્મણગઢમાં આવીને વેપારીઓને લૂંટતા. વેપારીઓએ લોઠૂને ફરિયાદ કરી પછી લોઠૂએ સૈનિકોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા ને વેપારીઓને રક્ષણ આપવા માંડ્યું. લોઠૂની આ પ્રવૃત્તિના કારણે ધીરે ધીરે તેમની ખ્યાતિ વધવા માંડી. જાગીરદારોના અત્યાચારથી ત્રસ્ત લોકો તેમની પાસે ફરિયાદો લઈને આવવા માંડ્યા. લોઠૂએ પણ લોકોને મદદ કરવા માટે બિકાનેર, નાગૌર, જોધપુર વગેરે મોટાં શહેરોમાં જઈને અત્યાચારી જાગીરદારોને લૂંટીને લૂંટની રકમની ગરીબોમાં ખેરાત કરવા માંડી.

લક્ષ્મણસિંહ ૧૯૩૩માં ગુજરી ગયો પછી તેમનો દીકરો પ્રતાપસિંહ સિકરનો જાગીરદાર બન્યો. તેણે લોઠૂની પ્રવૃત્તિઓ અંગે ફરિયાદ કરી એટલે અંગ્રેજોએ શેખાવટી બ્રિગેડ રચી. આ લશ્કરમાં અંગ્રેજો અને દેશી બંને સૈનિકો હતા. આ લશ્કરમાં ભારતીયો સાથે ભેદભાવ થતો તેથી ડુંગરસિંહ નામના રિસાલદારે બળવો કર્યો ને પોતાના પિતરાઈ જવાહરસિંહ સાથે મળીને બાથોટ કિલ્લો કબજે કર્યો. લોઠૂના પ્રભાવની તેમને ખબર હતી તેથી તેમણે લોઠૂને પોતાની સાથે લીધો ને એ રીતે લાઠૂનો અંગ્રેજો સાથે સીધો જંગ શરૂ થયો. લોઠૂએ એ પછી પોતાના લશ્કર સાથે સિંગરવાટ કિલ્લા પર હુમલો કરીને અંગ્રેજોને ભગાડ્યા.

ભડકેલા અંગ્રેજોએ લોઠૂ તથા તેના સાથીઓને ખતમ કરવા મેજર લેડલોને મોટા લશ્કર સાથે મોકલ્યો. લોઠૂ તથા તેમના સાથીદારો બહાદુરીથી લડ્યા પણ અંગ્રેજોના મોટા લશ્કર સામે ના ટકી શક્યા. અંગ્રેજોએ સિંગરવાટ કબજે કર્યો. લોઠૂ તથા તેમના સાથીઓ અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા ને વહેલી સવારે સિંકરના કિલ્લામાં ઘૂસીને અંગ્રેજોને લૂંટી લીધા. લોઠૂ ત્યાંથી બાથોટ આવ્યો ને ત્યાં તેણે અંગ્રેજોને લૂંટવાની નવી યોજના બનાવી. અંગ્રેજ ઑફિસર મેજર ફોરેસ્ટર લશ્કર માટેની બંદૂકો તથા ઘોડા લઈને જતો હતો. લોઠૂએ તેમના પર હુમલો કરીને તેમને લૂંટી લીધા ને જંગી પ્રમાણમાં શસ્ત્રો તથા ઘોડા કબજે કર્યા. શસ્ત્રો તથા ઘોડા હાથમાં આવ્યા પછી લોઠૂને અંગ્રેજો સામે લડવા નાણાંની જરૂર હતી. લોઠૂએ એ માટે પણ અંગ્રેજોને મદદ કરતા વેપારીઓને નિશાન બનાવ્યા. અંગ્રેજો રામગઢના શેઠને ત્યાંથી જંગી રકમ અને અનાજ સહિતનો પુરવઠો લઈને જતા હતા. તેમણે અરવલ્લીનાં ડુંગરોમાં અંડાવાલી પાસે છાવણી નાંખેલી. લોઠૂએ પોતાના સાથી ડુંગરસિંહ સાથે અચાનક હુમલો કરીને રોકડ રકમ લૂંટી. અનાજ પર પણ કબજો કર્યો, પછી એ ગરીબોમાં વહેંચી દીધું. આ ઘટનાએ અંગ્રેજોને હચમચાવી દીધા ને તેમણે લોઠૂ, ડુંગરસિંહ તથા સાનવત મીણાને ડાકુ જાહેર કરી તેમના માથે જંગી ઇનામ તથા નોકરીની ખાતરી જાહેર કરી.

આ લૂંટ પછી ડુંગરસિંહ ઝરવાસા ગામમાં રોકાઈ ગયેલો. તેના સાઢુએ ગદ્દારી કરતાં અંગ્રેજોએ તેને પકડી લીધો. લોઠૂએ તેની પત્નીને વચન આપ્યું કે, પોતે ગમે તે ભોગે ડુંગરને છોડાવી લાવશે. ડુંગરને આગ્રાના કિલ્લામાં રખાયો હતો તેથી લોઠૂ તથા કરણ મીણાએ સાધુનો વેશ ધર્યો ને યમુના નદીના કિનારે ધૂણી ધખાવી. તેમણે ખાનગીમાં ડુંગરસિંહ વિશે માહિતી મેળવી ને ૧૧ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ સાંજે ૬ કલાકે આગ્રાના કિલ્લા પર હુમલો કર્યો. લોઠૂ ડર્યા વિના કિલ્લાની અંદર ઘૂસી ગયો ને ડુંગરને છોડાવીને બહાર આવ્યો પછી તેના સાથીઓએ હુમલો રોક્યો અને બધા ભાગી ગયા. આ જંગમાં લોઠૂના માણસોએ ૨૦૦ અંગ્રેજ સૈનિકોને મારી નાંખ્યા હતા. કોઈ ભારતીય ક્રાન્તિકારીએ આટલી મોટી સંખ્યામાં અંગ્રેજ સૈનિકોને માર્યા હોય તેવી આ પહેલી ઘટના હતી ને આ ઘટનાએ અંગ્રેજોને હચમચાવી નાંખ્યા. લોઠૂએ એ પછી નસીરબાદ કેન્ટોન્ટમેન્ટ પર હુમલો કરીને બાવન હજાર રૂપિયા રોકડા, જરઝવેરાત, સોનું વગેરે અંગ્રેજો પાસેથી લૂંટ્યાં. જંગી પ્રમાણમાં શસ્ત્રો તથા દા‚ગોળો પણ કબજે કર્યો. લોઠૂએ એ પછી અજમેરની તિજોરીને નિશાન બનાવી પણ અંગ્રેજોને તેની ગંધ આવી જતાં ઘારસિસર ગામ પાસે તેમને ઘેરી લેવાયા. લોઠૂ તથા કરણ મીણા છેક સુધી લડ્યા પણ અંગ્રેજોની તાકાત સામે ટકી ના શકતાં છેવટે ભાગી ગયા.

અંગ્રેજોએ એ પછી લોઠૂને નિશાન બનાવ્યો ને રાજપૂતોને ફોડ્યા. પાટોડાની હવેલીમાં લોઠૂને રાત્રે જમવા બોલાવાયો ને પછી પાછો મૂકવા જતી વખતે તેના પર હુમલો થયો. લોઠૂએ પોતાની બંદૂક હાથમાં લીધી પણ તેમાં પહેલાંથી જ તેલ નાંખીને નકામી કરી દેવાઈ હતી. લોઠૂ કંઈ સમજે તે પહેલાં અંધારામાં છુપાયેલા બીજા રાજપૂતોએ પાછળથી હુમલો કરી પીઠ પર વાર કર્યો ને તેનું માથું ઉડાવી દીધું.

આ રીતે અંગ્રેજો સામે બગાવત કરનારા એક જવાંમર્દનો ગદ્દારીના કારણે ૧૮૫૫માં કરુણ અંત આવ્યો.