સત્યાગ્રહ માટે જાનની કુરબાની આપી પોટ્ટી શ્રીરામુલુ(આંધ્રપ્રદેશ)

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

 


દેશની આઝાદીની લડતમાં દક્ષિણ ભારતમાંથી જેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું તેમાં એક નામ પોટ્ટી શ્રીરામુલુનું છે. ક્રાન્તિકારી વિચારધારા ધરાવતા શ્રીરામુલુના રાષ્ટ્રપ્રેમ અને દેશને આઝાદ કરવાનું ઝનૂન જોઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ હદે પ્રભાવિત થયા હતા કે તેમણે એવું કહેલું કે, મારી પાસે શ્રીરામુલુ જેવા માત્ર ૧૧ અનુયાયી જ હોય તો હું માત્ર એક જ વર્ષમાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવીને આઝાદી અપાવી દઉં. ગાંધીજી જેમના સમર્પણ ભાવથી આટલા પ્રભાવિત હતા તે શ્રીરામુલનુ ઘડતર અમદાવાદના સાબરમતી આશ્રમમાં થયું હતું ને તેમણે આઝાદીની લડતમાં પણ મોટા ભાગે ગુજરાતમાં ભાગ લીધો હતો એ ગુજરાત માટે ગૌરવની વાત છે.

ગાંધીજી જેમનાથી પ્રભાવિત હતા તેવા શ્રીરામુલુનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૦૧ના રોજ હાલના આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં થયો હતો. થોડાંક વરસો પછી તેમના વિસ્તારમાં દુકાળ પડતાં પરિવાર મદ્રાસ જતો રહ્યો. શ્રીરામુલુ મદ્રાસમાં હાઈસ્કૂલ સુધી ભણ્યા ને પછી મુંબઈની વિક્ટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સેનિટરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયા. એન્જિનિયર થયા પછી ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવેમાં નોકરીએ જોડાયા. એ જ વર્ષે તેમનાં લગ્ન થયાં ને પછીના વર્ષે તે પિતા બન્યા. જો કે ૧૯૨૮માં તેમનાં પત્નીને સંતાન બંનેનું એકસાથે મોત થયું તેથી કારણે તેમનું મન ઊઠી ગયું. બે વર્ષ પછી તેમણે નોકરી છોડી દીધી અને મહાત્મા ગાંધીની આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા. શ્રીરામુલુ બધું છોડીને સાબરમતી આશ્રમમાં રહેવા જતા રહ્યા.

મહાત્મા ગાંધીએ ૧૯૩૦માં મીઠાના કાયદાનો વિરોધ કરવા માટે  મીઠાનો સત્યાગ્રહ શરૂ કરીને દાંડીકૂચ કરી ત્યારે શ્રીરામુલુ તેમાં જોડાયા હતા. અંગ્રેજોએ ગાંધીજીની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલ્યા ત્યારે શ્રીરામુલુની પણ ધરપકડ કરાઈ હતી. બે વર્ષના જેલવાસ પછી તે બહાર આવ્યા અને ફરી ગાંધીજીની લડતમાં જોડાઈ ગયા. એ પછીનાં વરસોમાં તેમણે સત્યાગ્રહની લડાઈઓમાં ઘણી વાર જેલ ભોગવી. સાથે સાથે સાથે ગાંધીજીના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવા માટે હકારાત્મક કાર્યો પણ કર્યાં. ગુજરાતમાં રાજકોટમાં ગ્રામીણ પુનર્રચનાનાં કામોમાં તેમણે સક્રિય ભાગ લીધો અને આદર્શ ગામ કેવાં હોવાં જોઈએ તેનું સુંદર ઉદાહરણ તેમણે રજૂ કર્યું. પછીનાં વરસોમાં તેમણે આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કોમારાવોલુમાં પણ આ જ કામગીરી કરી અને ગ્રામણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. કોમારાવોલુમાં યેરનેની સુબ્રમણ્યમે ગાંધી આશ્રમ સ્થાપ્યો ત્યારે શ્રીરામુલુ ત્યાં ગયા અને આંધ્ર પ્રદેશમાં તેમણે આઝાદીની લડત શરૂ કરી.

આંધ્ર પ્રદેશમાં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યા. મહાત્મા ગાંધીએ ૧૯૪૨માં ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે શ્રીરામુલુએ તેમાં સક્રિય ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. જેલમાંથી બહાર આવીને તેમણે ફરી સત્યાગ્રહ શરૂ‚ કર્યો. દરમિયાનમાં તેમણે ચરખાને લોકપ્રિય બનાવીને લોકોને સ્વાવલંબનના પાઠ ભણાવવા માટે પણ ઝુંબેશ ચલાવી. અસ્પૃશ્યતા-નિવારણ માટે પણ તેમણે ઝુંબેશ શરૂ કરી અને દલિતોના ઘેર જઈને જમવાની પરંપરા પાળી. એ દરરોજ દલિતોના ધરે જઈને જ જમતા ને એ રીતે જ્ઞાતિપ્રથા સામે પણ તેમણે ઉગ્ર ઝુંબેશ ચલાવી હતી. હરિજનોને મંદિરોમાં પ્રવેશ મળે તે માટે તેમણે ઉગ્ર આંદોલન શ‚ કર્યું અને નેલ્લોર શહેરમાં ઉઘાડા પગે, હાથમાં પ્લેકાર્ડ લઈને તે ફરતા. તેમની ઝુંબેશના કારણે દલિતોના ઉદ્ધાર માટે ખાસ પગલાં લેવાની ફજ પડી હતી. સવર્ણોના ઉગ્ર વિરોધ છતાં તે પોતાની ઝુંબેશને વળગી રહ્યા ને તેના કારણે લોકોમાં જાગૃતિ આવી. અંગ્રેજો સામેની લડતમાં તમામ વર્ગો તેના કારણે જોડાતા થયા.

શ્રીરામુલુએ ૧૯૪૬માં અંગ્રેજોએ કરેલા અત્યાચારો સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. અંગ્રેજોએ આ ઉપવાસના પગલે જવાબદારો સામે પગલાં ભરવાની ફરજ પડી હતી. શ્રીરામુલએ ૧૯૪૧થી ૧૯૪૭ના સમયગાળામાં ત્રણ વાર અંગ્રેજો સામે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. દરેક વાર અંગ્રેજોએ તેમની સામે ઘૂંટણ ટેકવવાની ફરજ પડી હતી.

દેશ આઝાદ થયો પછી શ્રીરામુલુએ મદ્રાસ પ્રેસિડેન્સીમાંથી તમિલભાષી લોકો માટે અલગ રાજ્યની રચનાની ઝુંબેશ શરૂ કરી હતી. આ માંગ અંગે સરકારે ધ્યાન ના આપતાં શ્રીરામુલુએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. વડા પ્રધાન જવાહરલાલ નહે‚એ દરમિયાનગીરી કરીને નવા રાજ્યની રચનાની ખાતરી આપી પછી તેમણે ઉપવાસ સમેટ્યા. જો કે લાંબા સમય સુધી કશું ના થતાં તેમણે ૧૯ ઓક્ટોબર, ૧૯૫૨ના રોજ આમરણાંત ઉપવાસ શરૂ‚ કર્યા. આ ઉપવાસ દરમિયાન સરકારે કશું ના કરતાં તેમણે ઉપવાસ ચાલુ રાખ્યા ને ૧૫ ડિસેમ્બર, ૧૯૫૨ના રોજ તે ઉપવાસ કરતાં કરતાં જ મોતને ભેટ્યા. શ્રીરામુલુના મોતે આંધ્ર પ્રદેશની રચનાની માગને ભડકાવી ને છેવટે ૧ ઑક્ટોબર, ૧૯૫૩ના રોજ નવા આંધ્રની રચના થઈ.

ગાંધીજીના સિદ્ધાંતોને વળગી રહીને મોત વહોરનારા શ્રીરામુલુ ઇતિહાસમાં અમર થઈ ગયા છે.