રાજનારાયણ (ભીખમપુર - ઉત્તરપ્રદેશ)

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

‘હું દેશને માટે મારા જાનની આહુતિ

આપી રહ્યો છું.

એને માટે હું ફરીથી જન્મીશ !

ફરીથી શહીદ થઈશ.’

ઈ.સ. ૧૯૪૨ ! ચારે બાજુ ચાલી રહેલું ભયંકર આંદોલન. એ સમયના ઉત્તરપ્રદેશની આ વાત છે. માત્ર એકવીસ વર્ષનો એક યુવાન છે. જબરી એનામાં તાકાત છે. જબરું એનું શૂરાતન છે. જબરો એનો દેશપ્રેમ છે. સાત-આઠ વર્ષની નાની ઉંમરથી જ એને ભગતસિંહ જેવા બનવાનું ઘેલું લાગ્યું હતું. નાનપણથી જ એ દિલેરીના, નીડરતાના પાઠો શીખ્યો હતો. આથી ભારતની આઝાદી માટેના આ સંગ્રામમાં એ કદી પાછળ રહે ખરો કે ?

ઉત્તરપ્રદેશનું ભીખમપુર એનું વતન છે. આ ભીખમપુરમાં એણે ઈ.સ. ૧૯૪૨ની આ ક્રાંતિ વખતે ત્રણસો જેટલા એના જેવા જ શૂરા સાથીઓની એક ટોળી બનાવી છે. મોતને મુઠ્ઠીમાં લઈ આ યુવાનો ફરે છે. એમની ઇચ્છા એમના આખા જિલ્લાને પોતાના તાબામાં લેવાની છે. આ માટે આ ત્રણસો જણા એમના વિસ્તારમાં રહેતા જમીનદારો તથા અંગ્રેજોના આડતિયાઓનાં રહેઠાણો પર હુમલા કરે છે. એમના ઘરોમાંથી બંદૂકો કે રાઇફલો છીનવી લે છે.

એમના વિભાગમાં હવે સહુથી મોટા ગણાતા પોલીસ અધિકારીની બંદૂક જ ખૂંચવી લેવાની બાકી રહે છે. આ શૂરવીરો એ અધિકારીની કચેરી ઉપર મોરચો લઈ જાય છે. એમને જોઈ એ અધિકારી એમના ઉપર એની બંદૂક તાકવા જાય છે. બીજી જ પળે ધન કરતો અવાજ આવે છે. આંખના પલકારામાં એ અધિકારી ઘવાઈને નીચે પડે છે. જોતજોતામાં એનું પ્રાણપંખેરું ઊડી જાય છે. આ વાતની અંગ્રેજોને ખબર પડે છે. ત્રણ દિવસ બાદ ગોરાઓની એક ટુકડી અને પોલીસો આ ગામ ઉપર ઓચિંતો હુમલો કરે છે.

ગામલોકો ઉપર ભયંકરમાં ભયંકર જુલમો ગુજારે છે. પેલા ત્રણસો દેશભક્તોએ કરેલાં પરાક્રમોનો પોલીસ ગણી ગણીને ગામલોકો પર બદલો લે છે.

આ યુવાન નેતાનું ત્રણસોનું આખું દળ વેરવિખેર થઈ જાય છે. પોલીસના હાથમાં ઝડપાઈ ન જવાય, એ હેતુથી એ એનું ગામ છોડી નાસી છૂટે છે. દેશનાં અનેક મોટાં મોટાં શહેરોમાં એ છૂપી રીતે જાય છે. પોતાનું નામ બદલી બદલીને એ આંદોલનોમાં ભાગ લે છે. બબ્બે વાર આ બનાવટી નામ ઉપર સજા પણ ભોગવી આવે છે. હવે એની પાસે પૈસા ખૂટે છે. એક એક પાઈ માટે એને વલખાં મારવા પડે છે. એના તમામ જૂના દોસ્તોને તો સરકારે ગિરફ્તાર કરી લીધા હતા. છેવટે લખનૌમાં એક દિવસ એ પોલીસના હાથમાં ઝડપાય છે. બે મહિનામાં તો એના ઉપરનો કેસ ચલાવી નાખવામાં આવે છે. ઈ.સ. ૧૯૪૪ના જૂનની ૨૨મી તારીખે એને ફાંસીની સજાની ભેટ આપવામાં આવે છે.

ત્રણસોની ટોળીના આ શૂરા સરદારનું નામ હતું : રાજનારાયણ મિશ્ર. એને આ ફાંસીની સજાની રજમાત્ર તમા ન હતી. જેલમાં પણ એનું વજન વધે જ જાય છે.

ઈ.સ. ૧૯૪૫ની શ‚આતમાં ફાંસી ઉપર ચઢતા પહેલાંના થોડા દિવસ અગાઉ રાજનારાયણ એમનાં પત્ની અને બાળકોને છેલવેલ્લા મળ્યા હતા. એ વખતે એમણે એમને કહ્યું હતું : ‘હું દેશને માટે મારા જાનની આહુતિ આપી રહ્યો છું. એને માટે હું ફરીથી જન્મીશ ! ફરીથી શહીદ થઈશ.’

કેવી ઝંખના ! કેવો દેશપ્રેમ ! ફાંસીને દિવસે મંચ સુધી એ જુદાં જુદાં સૂત્રો જ બોલતા રહ્યા હતા. એમનું છેલ્લું સૂત્ર હતું : ‘ઇન્કિલાબ ઝિંદાબાદ !’ ભારતના આ એક શૂરા સપૂતના પિતાનું નામ હતું : બલદેવ મિશ્ર. એમનાં માતાએ એમને નાનપણમાં બે વર્ષના મૂકી આત્મહત્યા કરી હતી. એમની બહેન રમાદેવીએ એમને ઉછેર્યા હતા. નાનપણથી જ મારામારી, ધીંગામસ્તી, સાહસ અને તોફાન એમને ગમતાં. બચપણમાં અનેક વાર ભગતસિંહની વાત સાંભળી એમનામાં શૂરાતન ઊભરાતું. એમની માફક ફાંસીને માંચડે ચઢવાની ઇચ્છા નાનપણથી જ એમના મનમાં જાગી હતી.

ઈ.સ. ૧૯૩૦માં દેશમાં અસહકારનો યુગ બેઠો. આ વખતે એમની ઉંમર નવ-દશ વર્ષની હશે. આ ઉંમરે પણ એમનાથી શાંત ન રહી શકાયું. હાથમાં રાષ્ટ્રપતાકા લઈ એ નિશાળમાં ગયા. હવે એ જમાનામાં શાળાના શિક્ષકો આવું બધું ચલાવી લેવાની કદી હિંમત ન કરે. એમને એમની નોકરી ચાલી જવાનો ભારે ડર લાગે. આથી તરત જ રાજનારાયણ ઉપર ખૂબ રોષે ભરાયા. એમણે એમને સારી પેઠે નેતર અને ચાબૂક વડે સબાક સબાક કરતાં ફટકાર્યા. આમ છતાં રાજનારાયણ જરા સરખા ન ડર્યા. એમના આવા ઉગ્ર સ્વભાવને લીધે એમને એ નિશાળ છોડવી પડી.

એ એક મિડલસ્કૂલમાં દાખલ થયા. અહીં પણ દેશભક્તિથી ભર્યોભર્યો એમનો સ્વભાવ જણાયા વગર ન રહ્યો.

અહીંના શિક્ષકોએ પણ એમની સામે ફરિયાદ કરી. આથી એમને આ શાળા પણ ફરજિયાત છોડવી પડી.

એ બાદ કેટલાક વખત પછી સીતાપુર નામના એક સ્થળે ઉત્તરપ્રદેશના નવયુકોનું એક સંમેલન મળ્યું. રાજનારાયણે પણ આ સંમેલનમાં એક સ્વયંસેવક તરીકે હાજરી આપી. નવયુવકોનું આ સંગઠનની એમના પર જબરી અસર થઈ. એમણે એમના ગામમાં પણ યુવકોનું એક મંડળ સ્થાપવાનું નક્કી કર્યંુ. પાસે પૈસા તો હતા નહીં. આથી એમણે માત્ર એ મંડળ સ્થાપવા માટે એમની સાઇકલ પણ વેચી દીધી. આ સાથે નિશાળમાં એમનું ભણતર ચાલુ જ હતું. એવામાં એકાએક એક દિવસ એમને એમની સાથે ભણતા એક પૈસાદારના છોકરા જોડે જબરી તકરાર થઈ. પરિણામે એમને એ શાળા પણ છોડવી પડી. છેવટે ક્ષત્રિય સ્કૂલ નામની એક શાળામાંથી એમણે આઠમું ધોરણ પસાર કર્યંુ.

આ રાજનારાયણના મોટાભાઈ પણ એક જબરા દેશભક્ત હતા. એમનું નામ હતું : પંડિત બાબુલાલ મિશ્ર. એ એમના જિલ્લાના એક મોટા નેતા પણ હતા. અંગ્રેજ સરકારે એમને ૩૮ વર્ષની કેદની સજા ફટકારી હતી. કેટલાક મહિના બાદ રાજનારાયણ પણ અંગ્રેજ સરકારની વિરુદ્ધ ભાષણ કરતાં પકડાયા. એમને સરકારે એક વર્ષની સજા ઠોકી. આ બન્યું ઈ.સ. ૧૯૪૧માં. એક વર્ષની સજા ભોગવી એ જ્યારે ઘેર પાછા આવ્યા, ત્યારે એમના પિતાજી મરણ પામ્યા હતા.

એ બાદ થોડા દિવસો પછી ઈ.સ. ૧૯૪૨નો સ્વાતંત્ર્ય-સંગ્રામ પૂરજોશમાં ફાટી નીકળ્યો. એમાં એમણે ભાગ લીધો અને શહીદી વહોરી. રાજનારાયણની આ શહાદત અમર રહેશે.