આપણા સહુની સહિયારી આઝાદીનાં ૭૧ વર્ષ

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

કોઈ અહિંસાવાદીઓ કહેવાયા તો કોઈ હિંસક ક્રાંતિકારીઓ, કોઈ જહાલવાદીઓ તરીકે ઓળખાયા તો કોઈ મવાળવાદી કહેવાયા, પરંતુ સૌને આઝાદીથી ઓછું કશું જ ખપતું ન હતું

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ ભારતના ઇતિહાસની એક અમર તારીખ છે. આ દિવસે દુનિયાના નકશા પર ભારત નામના વિશાળ સ્વતંત્ર રાષ્ટ્રનો જન્મ થયો હતો. આમ તો એક પછી એક વિદેશી શાસકોએ હિંદુસ્તાનને સદીઓ સુધી ગુલામ રાખ્યું તે શ્રુખલામાંના અંગ્રેજો છેલ્લા હતા. અંગ્રેજોના ૨૫૦ વર્ષના રાજમાં શોષણ, અત્યાચાર અને અન્યાય સામે સમયાંતરે છૂટોછવાયો અને સંગઠિત, હિંસક અને અહિંસક વિરોધ ઊઠતો રહ્યો હતો. આ બધા પ્રયાસોના ધખારામાંથી જ છેવટે આઝાદીનો અગ્નિ પ્રગટ્યો હતો. વિદ્વાનો, લેખકો અને નેતાઓમાં મતમતાંતરો અને વિચારોના વિરોધાભાસ હોવા છતાં બધા બધાને આઝાદીથી ઓછું ખપતું ન હતું. કોઈ મવાળવાદીમાં ખપી ગયું તો કોઈ જહાલવાદી કહેવાયા તો કોઈ અહિંસકવાદીઓ કહેવાયા, પરંતુ કોઈ પોતાના માટે નહી દેશ માટે ઝઝૂમ્યા હતા. કોઈને આઝાદી અંગ્રેજો પાસેથી આઝાદી ઝૂંટવી લેવી હતી તો કોઈ લાંબા ગાળાની સુધારણા અને બ્રિટીશ શાસન સામેની સુવ્યવસ્થિત લડાઈના અંતે આઝાદી મળે તેમ ઇચ્છતું હતું. શહીદ ભગતસિંહ, બટુકેશ્ર્વર દત્ત, રાજગુરુ, સુખદેવ, મદનલાલ ધિંગરા જેવા ક્રાંતિવીરોએ બંદૂક ઉપાડવાનો સશસ્ત્ર વિકલ્પ પસંદ કર્યો હતો. ખુદીરામ બોઝ અને ક્ધહાઈલાલ દત્ત જેવા અનેક ક્રાંતિકારીઓને અરવિંદ ઘોષ જેવા માર્ગદર્શક પણ મળ્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ તો આઝાદ હિંદ ફૌજની રચના કરીને એક નવો જ રોમાંચ ઉભો કર્યો હતો. તેમણે રેડિયો પર સંબોધન કર્યું કે દેશવાસીઓ, મેં સુભાષ બોલ રહા હૂં ત્યારે દેશમાં રાષ્ટ્રપ્રેમની એક લહેર દોડી ગઈ હતી. આમ અનેક રસ્તાઓ ફંટાયા પરંતુ છેવટનું સંગમસ્થાન તો ૧૫મી ઑગસ્ટ જ બની હતી.

ભારતીયોનો દેશપ્રેમ અને આઝાદી માટેની વધતી જતી જાગૃતિને પામી ગયેલા અંગ્રજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. અંગ્રેજોની ચડામણીથી ૧૯૩૫માં મહંમદ અલી ઝીણા લંડનથી પાછા આવી અલગ પાકિસ્તાનના રાગ આલાપવા માંડ્યા હતા. ઝીણાએ ડાયરેક્ટ એક્શનના નામે સમર્થકોને ભડકાવીને જે કાળો કેર વરતાવ્યો એ ઇતિહાસના પાને નોંધાયેલી હકીકત છે. ગાંધી અને ઝીણા વચ્ચે વાર્તાલાપ તો ખૂબ થયો પરંતુ ઝીણાની જીદ સામે ગાંધીજીનું ચાલ્યું નહીં. ઝીણાના આગઝરતાં કોમવાદી ભાષણોએ સ્વતંત્રતા આંદોલનને ભારે નુકસાન કર્યંુ હતું. ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં પણ ઝીણાનો રાગ તો અલગ પાકિસ્તાનની માંગણીનો જ હતો. છેવટે ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને સરહદો ખેંચાઈ હતી. ઝીણાના ઇસ્લામિક કોમવાદીઓ દ્વારા સરહદની પેલે પાર અમાનુષી અત્યાચાર અને ખુનામરકીનો જે ખેલ શ‚ થયો તેમાં લાખો હિંદુઓની હત્યા થઈ હતી. અંગ્રેજોની ભાગલાવાદી ચાલમાં રાષ્ટ્રનાયક ગાંધીજી અને તેમના વફાદારો આબાદ રીતે ફસાયા હતા. મહાત્મા ગાંધીએ રચનાત્મક પ્રવૃત્તિઓ અને અહિંસક આંદોલનથી દેશને એક સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા ભિન્ન વ્યક્તિત્વ પણ ગાંધીજીનો પડતો બોલ ઝીલતા હતા. આવા સમયે ટાઇપ રાઇટરની મદદથી ઝીણાને પાકિસ્તાનનું સર્જન કરતાં અટકાવી શકાયા હોત તો આઝાદીનો ઇતિહાસ જુદી જ રીતે લખાયો હોત તેમાં કોઈ શંકા નથી. ૭૧ વર્ષ પછી પણ દેશ ખંડિત આઝાદીની પીડા ભારતદ્વેષમાંથી જન્મેલા પાકિસ્તાન સ્વ‚પે ભોગવી રહ્યો છે. ભારતને તોડવાની માનસિકતામાં જીવતા પાકિસ્તાનને ચીન જેવા ખંધા પાડોશી દેશ અને અંદરખાને પશ્ર્ચિમી દેશોની મદદ ભારત માટે સૌથી મોટો પડકાર છે.

ભાગલા સાથેની આઝાદી એ દેશની આઝાદીની લડતનો છેલ્લો એપિસોડ છે. એ પહેલાં પણ આઝાદી માટે સેંકડોએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. જ્યારથી ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારથી તેમના જુલમોનો નાનો મોટો પ્રતિકાર કરતી ઘટનાઓ બનતી રહેતી હતી, જેની ઇતિહાસના પાને ખાસ નોંધ લેવાઈ નથી. ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામના ૧૦૦ વર્ષ પહેલાં ૧૧ ફેબ્રુઆરી ૧૭૫૦માં બિહારના સુલતાનગંજમાં જન્મેલા યુવાન તિલકા માંઝીએ અંગ્રેજો સામે બાંયો ચડાવી હતી. બાણ અને પથ્થર તાકવામાં નિષ્ણાત માઝીએ સ્થાનિક સ્તરે અંગ્રેજો સામે સંથાલ વિદ્રોહ થયેલો તેનું નેતૃત્વ કર્યંુ હતું. ઈ.સ. ૧૮૫૭માં સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા તોપે, નાના સાહેબ પેશ્ર્વા, બાબુ કુંવરસિંહ, મંગલ પાંડે, વાસુદેવ ફડકે, રાજા નાહરસિંહ, સુરેન્દ્ર રોય અને ઠાકુર રણમતસિંહ, અમરચંદ બાઠિયા, બેગમ હઝરત મહાલ અને બહાદુર શાહ ઝફર જેવા અનેક બહાદુરીપૂર્વક લડ્યા હતા. ભારતનો આ પહેલો સ્વતંત્રતા સંગ્રામ ભલે નિષ્ફળ ગણવામાં આવતો હોય, પરંતુ તેનાથી દેશની સ્વતંત્રતાનો પાયો ચણાયો હતો. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે ભારતમાં સદીઓ સુધી વિદેશી શાસકોએ રાજ કર્યંુ પરંતુ તેમને માત આપવાની આટલી મોટી રાષ્ટ્રીય ચેતના પહેલી વાર જાગી હતી. ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામે બ્રિટિશર સરકારને પણ ચેતવી હતી કે હવે પ્રજાનું આ રીતે શોષણ કરવામાં માલ નથી.

ઈ.સ. ૧૮૮૫માં મહાસભાની સ્થાપના પછી દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનરજી, ચિતરંજનદાસ, ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા અનેક મહાનુભાવોએ દેશની આઝાદી માટે ધારાધોરણથી અંગ્રેજોને સમજાવીને આઝાદી મેળવવા પર ભાર મૂક્યો હતો. આઝાદીના આંદોલનની જૂની પેઢીના વારસદાર એવા ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી તો ગાંધીજીએ પણ માર્ગદર્શન મેળવ્યું હતું. ગોવિંદ રાનડેના શિષ્ય એવા ગોખલેએ સ્વતંત્રતા સેનાની ઉપરાંત સમાજસેવી, વિચારક અને સમાજસુધારક તરીકે મોટી ભૂમિકા ભજવી હતી. આઝાદીની લડતના પાયાના પથ્થર ગણાતા દાદાભાઈ નવરોજીએ પહેલીવાર સ્વરાજ શબ્દનો પ્રયોગ કર્યો હતો. પારસી પરિવારમાં જન્મેલા દાદાભાઈ લંડનની એક યુનિવર્સિટીમાં ગુજરાતી ભણાવતા હતા. ત્યારે કેટલાક ભારતીય છોકરાઓ તેમને મળવા આવતા જેમાં ગાંધીજી પણ હતા. સ્વાતંત્રતા સંગ્રામ લડતી જૂની પેઢીના ચિતરંજનદાસ દેશબંધુ ૧૯૦૮માં અલીપુર ષડયંત્ર કાંડ તરીકે ઓળખાતી ઘટનામાં ક્રાંતિકારી અરવિંદ ઘોષના બચાવપક્ષના વકીલ રહ્યા હતા. પોતાના સ્વતંત્ર વિચારો માટે જાણીતા દેશબંધુએ સ્વરાજ્ય નામનો પક્ષ પણ સ્થાપ્યો હતો. ૧૯૨૪માં ટ્રેડ યુનિયનના એક કાર્યક્રમમાં દેશબંધુ અમદાવાદ આવ્યા હતા. સ્વરાજ મારો જન્મસિધ્ધ હક્ક છે અને તે હું લઈને જ જંપીશ - લોકમાન્ય તિલકનું આ સૂત્ર આજે પણ બધાને યાદ છે. આ સ્વતંત્રતા સેનાની, અને સમાજસુધારકે કેસરી અને મરાઠા નામનાં બે અખબાર શરૂ કરી જનચેતના જગાડી હતી, તેમણે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ શરૂ કરી આઝાદીના આંદોલન સાથે જોડી દીધો હતો. બિપીનચંદ્ર પાલ પણ એક રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા આક્રમક નેતા હતા. આ શિક્ષક, લેખક અને પત્રકાર અંગ્રેજ શાસકોની વિરોધ નીડરતાથી લખતા હતા. પાલનું માનવું હતું કે માત્ર વિનંતીઓ કે અરજીઓ કરવાથી અંગ્રેજો દેશને આઝાદી આપશે નહીં. પાલની રજૂઆત શૈલી ખૂબ અસરકારક હોવાથી અંગ્રેજ શાસકો હંમેશા તેમની પ્રવૃતિઓ પર નજર રાખતા હતા.

મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહ પછી ૧૯૧૭માં ભારતમાં આગમન થયું તે પહેલાં પણ અંગ્રેજો સામે રાષ્ટ્રીય ચેતના જાગેલી હતી. દાદાભાઈ, દેશબંધુ, ગોખલે, સુરેન્દ્રનાથ બેનરજી જેવા અનેક મહારથીઓ આઝાદીના આંદોલન માટે સક્રિય હતા. દેશમાં બંગાળ પ્રદેશ ૨૦મી સદીના પ્રથમ દાયકામાં અંગ્રેજ શાસનના વિરોધની પ્રવૃતિઓનું કેન્દ્રબિંદુ બન્યો હતો. એ સમયે સુરેન્દ્રનાથ બંગાળના સૌથી શક્તિશાળી સ્વાતંત્ર્ય સેનાની હતા. ઈ.સ. ૧૯૦૫માં બંગાળાના ભાગલાના વિરોધ અને સ્વદેશી જાગરણમાં તેમનો ખૂબ મોટો રોલ હતો. તેઓ અંગ્રેજોની ભારતીયો માટેની ભેદભાવભરી નીતિની કડક ટીકાઓ કરતા હતા. બેનરજીએ મહાસભાની સ્થાપના પહેલાં ઈ.સ. ૧૮૭૬માં આનંદમોહન સાથે મળીને ભારતીય રાષ્ટ્રીય સમિતિની સ્થાપના કરી હતી.

મોહનદાસ ગાંધીનું ભારતમાં આગમન એક ટર્નિંગ પોઇન્ટ સમાન હતું. તેમણે પહેલાં ભારતભ્રમણ કરીને અંગ્રેજોના રાજમાં દેશની અવદશા નિહાળી હતી. આથી તેઓએ માત્ર રાજકિય આઝાદી જ નહીં, રચનાત્મક કાર્યક્રમો પર ભાર મૂકવાની શ‚આત કરી હતી. ગાંધીજી બ્રિટીશરોની નીતિ-રીતિનો અહિંસક અને વાજબી વિરોધ કરવાના મતના હતા. તેમના વિચારો કંઈક અંશે રસ્કિન, થોરો અને ટોલ્સ્ટોય જેવા વિદ્વાનોથી પ્રભાવિત હતા. ગાંધીજી પહેલાં તો સ્વાવલંબન, સ્વદેશી અને અહિંસાના વિચારોનો પ્રચાર કરી તેમાં માનતો એક બહોળો વર્ગ ઊભો કરવા ઇચ્છતા હતા. તેમણે શ‚આતમાં જ સાબરમતીના કાંઠે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધીજીએ બિહારમાં ગળીનાં ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોના શોષણ સામે ચંપારણ સત્યાગ્રહનું નેતૃત્વ લીધું હતું. ઈ.સ. ૧૯૧૯માં ગાંધીજીના નેતૃત્વમાં રોલેટ એકટ જેવા કાળા કાયદા સામે ભભૂકેલા વિરોધ પ્રદર્શનથી દેશમાં જાગૃતિ ફેલાઈ હતી. ઈ.સ. ૧૯૨૦માં અંગ્રેજો સામે અસહકારનું આંદોલન વિશાળ સ્વરૂપ પકડી ચૂક્યું હતું. ઉત્તરપ્રદેશના ચૌરીચૌરા ગામના પોલીસ સ્ટેશનમાં હિંસા થઈ જેમાં ૧૫ પોલીસને સળગાવી દેવામાં આવતાં ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. તેમને લાગ્યું કે દેશ અહિંસક આંદોલન માટે હજુ તૈયાર થયો નથી. દાંડીકૂચ તરીકે ઇતિહાસમાં જાણીતો ઈ.સ. ૧૯૩૦નો મીઠા સત્યાગ્રહ પણ સવિનય કાનૂન ભંગની લ઼ડત તરીકે જાણીતો બન્યો હતો. એ સમયે બનતી રાજકીય ઘટનાઓ, ઉપવાસ, આંદોલનો, સ્વદેશી કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજય અને અહિંસક વિરોધ પ્રદર્શનોમાં ગાંધીજીનું નેતૃત્વ રહેતું હતું. સરદાર અને નેહરુ જેવા અનેક લોકો તેમના મજબૂત સાથીદારો તરીકે જોડાયા હતા. વલ્લભભાઈએ ખેડૂતો માટે બારડોલી સત્યાગ્રહ કરીને સરદારનું બિરુદ મેળવ્યું હતું. ગાંધીજીની આઝાદીની લડતના સાથીદારોમાં જવાહરલાલ નેહરુએ કુલ ૯ વર્ષનો જેલવાસ વેઠ્યો હતો. ખાન અબ્દુલ ગફારખાન રોલેટ એકટના વિરોધ દરમિયાન ગાંધીજીના પરિચયમાં હતા.

બીજી બાજુ લાતો કે અંગ્રેજ ભૂત બાતોં સે નહીં માનતે એવી રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી વિચારધારાએ પણ જન્મ લીધો, જે કોઈ પણ ભોગે અંગ્રેજો પાસેથી આઝાદી છીનવી લેવાનો મત ધરાવતા લોકો હતા. જરૂર પડે બંદૂક ઉઠાવો. જરૂર પડે હુમલા કરીને અત્યાચારી અંગ્રેજોને પાઠ ભણાવવા આતુર બનેલા ક્રાંતિકારીઓ હિંસક માર્ગે વળ્યા હતા. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી, અશ્ફાકઉલ્લાખાન, રામ પ્રસાદ બિસ્મિલ, ઉધમસિંહ જેવા સેંકડો યુવાનોએ મા ભોમકાની આઝાદી માટે પ્રાણોની આહુતી આપી દીધી હતી. ભગવતી ચરણ બોહરા, દુર્ગાભાભી, કનકલતા જેવાં પણ અનેક નામો છે. આ ક્રાંતિવીરોએ અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો. આ અમર શહીદોને અંજલિ આપ્યા વગર દેશની આઝાદીનો ઇતિહાસ અધૂરો છે. મહાસભા તરીકે ઓળખાતી કોંગ્રેસમાં પણ મવાળ અને જહાલ એવા બે પક્ષો પડી ગયા હતા. મવાળવાદીઓને આઝાદી એક પ્રક્રિયા મુજબ મળે તેમ ઇચ્છતા હતા જ્યારે જહાલ પક્ષ ઉગ્રતામાં માનતો હતો. એક વાત ચોક્કસ છે, આ દેશની આઝાદીના માટે અહિંસક આંદોલનકારીઓ હોય કે સશસ્ત્ર ક્રાંતિકારીઓ બધાએ કશુંક આપ્યું છે. તેમની ભાવના સદીઓથી વિદેશી શાસકોની એડી નીચે કચડાતા હિંદુસ્તાનને આઝાદ કરવાની હતી.

વિદેશમાં રહીને દેશની આઝાદી માટે વાતાવરણ ઊભું કરવાની પ્રવૃતિઓનો ધમધમાટ પણ કાંઈ ઓછો ન હતો. શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણા, લાલા હરદયાલ, વિઠ્ઠલભાઈ પટેલ જેવાં અનેક નામો ઊભરી આવે છે. લંડનમાં સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર શ્યામજી કૃષ્ણવર્મા વિશે આપણે ગુજરાતીઓ પણ ભાગ્યે જ કશુંક જાણતા હતા. જીનિવામાં સચવાયેલો  તેમનો અસ્થિકળશ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન માંડવી લાવ્યા હતા. એ પછી શ્યામજી વિશેની લોકોની જાણકારીમાં વધારો થયો છે. લિંબડીના સરદારસિંહ રાણાએ મદનલાલ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક ક્રાંતિકારીઓની મદદ કરી હતી. મેડમ કામા ૧૯૦૭માં જર્મનીમાં મળેલા અધિવેશનમાં પ્રથમવાર ભારતનો ધ્વજ ફરકાવનારા બહાદુર મહિલા બન્યાં હતાં. લાલા હરદયાલ તો વર્ષો સુધી વિદેશમાં આવતા સ્વતંત્ર સેનાનીઓના મદદગાર અને માર્ગદર્શક રહ્યા હતા.